પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

ગુજરાતી કવિઓને ધાકધમકી – ચંદ્રકાંત શાહ

શબ્દને વાળો કે ચોળો કે બે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર ! હાથ જો લગાડ્યો છે આંખ કે
                                               અવાજ કે આકાશને તો –

શબ્દને પથ્થરની જેમ ભલે ભાંગો કે
                                             પાંચીકાની જેમ છો ઉછાળો
પણ ખબરદાર ! ઊંચી કરીને આંખ જોયું છે 
                                        સાંજ કે સમુદ્ર કે સુવાસને તો –

શબ્દોના ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ, 
                                  કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો !
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’ 
                                   શબ્દ એક એકલોઅટૂલો બિચારો !
શબ્દોને દાઢીને જેમ ઉગાડો કે બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર ! બત્રીસી તોડી નાખીશ જો બતાવ્યા
                                    છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો –

શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી 
                                કાઢ્યાં કૈં કોટિ કરોડ નવા શબ્દના ઈંડાઓ
શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના
                           કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દના ભીંડાઓ
દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
                                           પડશે તો અડશો ઉજાશને તો –

– ચંદ્રકાંત શાહ

કવિનો કવિઓને નામ જાસો અને એય ગીત રૂપે 🙂

4 Comments »

  1. વિવેક said,

    November 23, 2011 @ 2:16 AM

    સરસ !

  2. Pushpakant Talati said,

    November 23, 2011 @ 4:52 AM

    અભિવ્યક્તિ અને પ્રસ્તુતિ સરસ છે
    પણ આખરી કડી નાં શબ્દો જરા રુચી ભંગ કરતા કોય તેવા લાગ્યા
    જો કે – ચંદ્રકાંત શાહ – જેવાએ આ શબ્દો નો USE કર્યો છે તો કાંઈક સમજી-વિચારી ને જ કરેલ હશે તેવું માની કોઈ COMMENT કરવાનું હું અહિં ટાળું છું.

  3. pragnaju said,

    November 23, 2011 @ 9:14 AM

    . ચંદ્રકાંત શાહનું ગીત એટલે અલગ જાતનું જ હોવાનું.
    જ્યાં ગીત હોય ત્યાં શબ્દ હોય શબ્દ સમજાય તો બ્રહ્મ પેદા થાય અને જો શબ્દ ન સમજાય તો ભ્રમ પેદા થાય.ગીતનો રાગ અને રાગાત્મક વૄત્તિ- રાગાત્મક વૄત્તિ એટલે ગીતના રાગનું હ્નદય સાથે જોડાવું. ગીત સાથે ગાયક સંકળાયેલ છે.
    ચંદુભાઈના ગીત તેમના જ સ્વરમા માણવાની મઝા કાંઇ કે ઔર!
    આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે
    તું પાછી આવે એવું કાંઈ બીડું?
    તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
    એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું
    મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
    હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા
    …….
    આ ગીતમાં શબ્દે શબ્દમાં લય અને માધુર્ય.
    પણ ખબરદાર ! બત્રીસી તોડી નાખીશ જો બતાવ્યા
    છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો
    સ રસ
    શબ્દોને વાપરતાં ન આવડે તો એ જીવલેણ બની જાય છે. શબ્દો તીર અને તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ હોય છે. શબ્દો સોંસરવા ઊતરી જાય છે.
    અને
    પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
    પડશે તો અડશો ઉજાશને તો –
    વિચારે ચઢાવે તેવી અભિવ્યક્તી
    યા દ
    તું થઈ શકે તો આ અવાજો મ્યાન કર,
    હું મૌનની તલવાર છું, તું કોણ છે?

  4. praheladprajapatidbhai said,

    November 23, 2011 @ 6:42 PM

    શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી
    કાઢ્યાં કૈં કોટિ કરોડ નવા શબ્દના ઈંડાઓ
    શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના
    કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દના ભીંડાઓ
    દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
    પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
    પડશે તો અડશો ઉજાશને તો – અતિ સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment