જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2011

મેં વસંત પાસેથી – શેખાદમ આબુવાલા

મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું
પાનખરને લાગ્યું છે

જિંદગીની વેરાની
એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ
કલ્પનામાં જાગ્યું છે

આ શું રૂપને સૂઝ્યું
દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું
તીર કેમ વાગ્યું છે

જોકે એમ તો છું પણ
હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને
મેં સમસ્ત ત્યાગ્યું છે

એ જ છે હજી મોસમ
એ જ છો તમે આદમ
આ વતન તમારાથી
સ્હેજ દૂર ભાગ્યું છે

Comments (9)

અનુભૂતિ-જગદીશ જોષી

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ તહીં ડહોળું:
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

અત્યંત રમણીય કલ્પનો મઢ્યું રળીયામણું ગીત….એટલા બધા અર્થો છુપાયા પડ્યા છે કે એક અર્થ આપવો ગીતને અન્યાય કરવા બરાબર છે. વારંવાર વાંચીને ગણગણ્યા કરવાથી આપોઆપ ભાવાકાશ ખુલે છે.

Comments (7)

યુવાગૌરવ: ૨૦૧૦: અનિલ ચાવડા

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_anilchavda

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.

સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને  મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?

તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.

તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.

– અનિલ ચાવડા

અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?

Comments (33)

યુવાગૌરવ: ૨૦૦૯: હરદ્વાર ગોસ્વામી

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_hardwaar

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

-હરદ્વાર ગોસ્વામી

સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !

Comments (21)

યુવાગૌરવ: ૨૦૦૮: ધ્વનિલ પારેખ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૮ માટે ધ્વનિલ પારેખને આપવામાં આવ્યો. ધ્વનિલ પારેખને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_dhwanil copy

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.

– ધ્વનિલ પારેખ

દરિયા અને નદીવાળો ધ્વનિલનો શેર ગુજરાતી ગઝલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યો છે પણ એ સિવાયના શેર પણ મનનીય થયા છે…

Comments (17)

યુવાગૌરવ: ૨૦૦૭: સૌમ્ય જોશી – વાવ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_saumyajoshi

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.

Comments (26)

અમસ્તું – લાભશંકર ઠાકર

૧.
વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

૨.
આમેય નથી અને તેમેય નથી.
ઉગાડવા છતાં ઉગતી જ નથી.
મૂળ જ નથી.
બીજ જ નથી.
નથી નથી તો શબ્દ કેમ છે-
ઘંટારવ કરતો પડઘાતો પડઘાતો
સતત સતત સદીઓથી કાનોમાં
આ-આ-સમૂહનો?

૩.
હાથ જોડું પગ જોડું
છતાં છૂટો, અલગ, ભિન્ન, સમૂહના કાંઠે, તટસ્થ.
કૂદી પડું આ ઘુઘવાટમાં, ટુ એન્ડ?

૪.
બધું જ મનની તિરાડમાંથી આવે
ને સરક સરક સરકીને સ્પર્શતું જાય.
કંઈ કશુંય તે ના થાય,
આ આમ હોવાનું વંચાય: કહો કે ભાન
અમસ્તું.

– લાભશંકર ઠાકર

અર્થયુકત હોવું વધારાનું છે. કશું ઉગતું નથી પણ ટોળાનો શબ્દ બેશુમાર પડઘાતો રહે છે. સમુહમાં ભળવું અશક્ય છે. ભાન (consciousness) એ તો મનની તિરાડમાંથી વહેતું પાણી માત્ર છે. અને એય – અમસ્તું.

નિરર્થકતાના પડ ઉપર પડ ચડી ગયેલા અસ્તિત્વને કવિ (ક્રૂરતાથી) ઝાટકે છે. અને એય – અમસ્તું.

Comments (1)

ચુપચાપ – વિવેક મનહર ટેલર

બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.

યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

-વિવેક મનહર ટેલર
(૧૦ જુલાઈ, ૨૦૧૧)

‘ચુપચાપ’ નામ છે પણ ગઝલ ઘણી મઝાની વાત કહે છે – ને નજાકતથી કહે છે. જેનામાં દીવાલને ફાડીને બહાર આવવાની તાકાત હોય એ લતાને કશું ક્હેવા માટે શબ્દોની જરૂર જ નથી રહેતી !

Comments (27)

એક વેદના – સિતાંશુ યશશ્ચંદ્ર

વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના….

દુર્બોધ કવિની આ અદભૂત રચના વાંચી ઝૂમી ઉઠાયું ! આંસુને ઇંધણ બનાવવાની વાત અવનવા રૂપકોને સહારે આલેખાઈ છે. મને સવિશેષ તો -‘ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર [ ભીંતચિત્ર ] દે…’ – રૂપક બહુ ગમ્યું. અંતિમ પાંચ પંક્તિઓ પણ અનેરી ઊંચાઈ આંબે છે.

Comments (13)

(અમે પણ જોઈ લીધું છે) – ઉદયન ઠક્કર

કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.

તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.

કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.

કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.

ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.

કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

– ઉદયન ઠક્કર

લાંબી રદીફની ગઝલની મોટી મુશ્કેલી એ હોય છે કે મોટા ભાગે એ રદીફ ગઝલમાં લટકણિયું બનીને રહી જતી હોય છે. શેરમાંથી રદીફ કાઢીને વાંચીએ એટલે તરત જ અહેસાસ થાય કે કવિએ જે વાત કહેવાની હતી એ તો આગળની દોઢ પંક્તિમાં પૂરી જ થઈ ગઈ છે અને આ રદીફ એમાં કંઈ નવું ઉમેરી શક્તી નથી… પણ ઉ.ઠ.ની આ ગઝલના આઠે આઠ શેર રદીફ ઢાંકી દઈને વાંચો તો રદીફની અનિવાર્યતા અને એના વિના શેરની અધૂરપ તરત જ સમજાય છે…

Comments (13)

ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું

uj2

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એક્લાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, રહે માત્ર હૈયે છવી.

એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
.                                        ના ગીત મૂકી ગયું.
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી આ કવિતા સાથે અહીં પૂરી કરીએ છીએ.

પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ આજે જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડાની કલમે માણીએ:

કવિશ્રી ઉમાશંકરનું સોનેટ સ્વરૂપનું (પંક્તિઓ સંખ્યા 15 છે) આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે અને તેમ છતાં એના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક અને નખશિખ કલામયતાથી સભર છે.   બે જુદા જુદા ભાગમાં વિભાજીત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભતારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણલું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે.

આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે એ આવે છે, કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય, ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઊડી ગયું, એક નાનકડું પીંછું ખેરવીને.

અવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિ સાથે પણ થઈ હશે. પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતો કરી દીધો.  આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ, અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે અને નજાકતતાથી અહીં આવી છે !

Comments (5)

ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ

UJoshi

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

– ઉમાશંકર જોશી

આજે કવિશ્રીની વર્ષગાંઠ અને એમના જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહૂતિ.

પ્રસ્તુત સૉનેટ ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ સૉનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.

01

(આપ સહુને રવિવારે સુરત પધારવા આમંત્રણ છે…)

Comments (7)

ઝાકળ – અબ્દુલ ગફાર કાઝી

પરોઢે
ફૂલોની ડાળે ડાળે
બેઠી છે
ઝાકળની
ઝીણી ઝીણી ચકલીઓ…

*

ફૂલોના રણમાં
ભૂલો પડી ગયો છે
ઝાકળનો કાફલો

*

ઝાકળની પેનથી
હું લખું છું
ફૂલોના કાગળમાં
એક રંગબેરંગી
પતંગિયાની કવિતા…

*

ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…

– અબ્દુલ ગફાર કાઝી

મોનો ઇમેજ કાવ્ય જો ઢંગથી લખવામાં આવે તો એના દ્વારા ઊભા થતા નાનાવિધ શબ્દચિત્રોની મજા જ કંઈ ઓર છે ! અહીં કવિએ બહુ જૂજ શબ્દોથી ઝાકળના જે ચાર ચિત્રો કલમની પીંછીથી કલ્પનાના કેન્વાસ પર ઉપસાવ્યા છે એ ખરે જ દાદ માંગી લે છે…

Comments (12)

યુનિકોડ ઉદ્યોગ – પંચમ શુક્લ

અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

– પંચમ શુક્લ

આજે ઈન્ટરનેટ યુગનું ગીત માણો. એમાં વાંસળી, રાધા, વર્ષા કે પ્રેમ કશું નથી. એમાં તો યુનિકોડ, ફોન્ટ ને બ્લોગની વાત છે 🙂

આ કવિતાનું નામ ‘યુનિકોડ ઉદ્યોગ’ કેમ છે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે. માંડીને વાત કરું તો આજે જે તમે ઈંટનેટ પર જરાય તકલીફ વગર ગુજરાતી (ને બીજી બધી ભારતીય ભાષાઓ) વાંચી શકો છો એ સાહેબી છેલ્લા પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. એ પહેલા બધા અલગ અલગ જાતના ‘ફોન્ટ’ વાપરતા. દરેક વેબસાઈટ દીઠ જુદા ફોન્ટ એટલે એક લખે તે બીજાને ન વંચાય. દરેક ફોન્ટ દીઠ વળી જુદા કી-બોર્ડ લે-આઉટ હતા. ટૂંકમાં કહું તો ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચવા-લખવાનું કામ મહીના કોતરમાંથી રસ્તો કાઢવા જેવું હતું.

આ બધી સમસ્યાનો ઉકેલ જે જાદુઈ ચિરાગથી આવ્યો એ ચિરાગ તે યુનિકોડ. બધે એકસરખી રીતે ગુજરાતી લખાય અને વંચાય એ યુનિકોડથી જ શક્ય બન્યું. અને એકવાર આ યુનિકોડનો પ્રયોગ શરૂ થયો એટલે ચારે બાજુથી ઉત્સાહી લોકોએ ગુજરાતીને ઈન્ટરનેટ પર મૂકવાનું કામ શરૂ કર્યું. આ રીતે શરૂ થયો – યુનિકોડ ઉદ્યોગ !

કવિએ વર્ણસંકર ગીતમાં શરૂઆતમાં ગુજરાતી નેટ-જગતને નડેલા અવરોધો (ગુણવત્તાની અછત, પુખ્તતાની કમી, ઊંઝા-સાર્થ જોડણી વચ્ચેના તણખા) અને નવી સગવડો  (સર્જકોને ભાવકો સુધી પહોંચવાનો સીધો રસ્તો, લખવા-વાંચવાની સરળતા, વિશ્વવ્યાપી વાંચકગણ) બન્નેને ગીતમાં મઝાના વણી લીધા છે. આધુનિક વિષય સાથે પરંપરાગત ભાષા-પ્રયોગો સરસ ‘કોંટ્રાસ્ટ’ સર્જે છે.

Comments (10)

દેવ બન્યા તે પહેલાં… – મનીષા જોષી

આપણા સૌની સામાજીક ચેતનાના ઢગલા પર બેઠેલાં
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયા હું જોઈ રહું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા, સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતાં,
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા તેના ચાર પગ પર ચડવા જતાં
કેટલીય વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે,
પણ હું ક્યારેય તેમાંથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે,
રસ્તા પર રઝળતાં, નધણિયાતાં પ્રાણીઓ અને
ઉત્સવપ્રિય લોકોના ટોળેટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો હોય છે,
કેટલાયે, જાણીતા અને ઓછા જાણીતા ભગવાન.
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત.
દેવ બન્યા પહેલાંના અવતારમાં.
વરદાન આપતા શીખ્યા પહેલાંના રૂપમાં.
માત્ર બે હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી-પત્તા રમતા.

-  મનિષા જોષી

મંદિરમાં ખરા ઈશ્વરને શોધવો એ પોતેજ એક વિરોધાભાસ છે. મંદિરના દેવ એ તો માણસે ચિતરેલા દેવ છે – માણસનું જ પ્રતિબિંબ. એ માણસ જેટલા જ અપૂર્ણ હોવાના. કવિને મંદિરમાંથી સ્વર્ગનો રસ્તો મળતો નથી. અને નથી રૂઢિગત પાપ-પુણ્યના બીબાંથી એ પોતાની જીંદગી માપી શકતા.  આ બધી રાબેતા મુજબની વાતો છે. પણ ચમત્કૃતિ તો કવિ નંદી પર બેસીને ઊચે ઊડે છે ત્યારે આવે છે.  એમને દેખાય છે  – દેવ બન્યા પહેલાના દેવો. અને દેવ બન્યા પહેલાના દેવો કેવા દેખાય છે ? – તદ્દન માણસ જેવા ! 

હવે એનો અર્થ એવો થાય કે – માણસ જ જ્ઞાની થઈને દેવ બને છે … કે પછી એનો અર્થ થાય કે, દેવતાઓ બધા આખરે તો માણસ જ હોય છે – એ નક્કી કરવાનું  હું તો તમારા પર છોડું છું – અત્યારે તો મારે તો ઊડી શકે એવા નંદીની શોધમાં નીકળવું છે 🙂

Comments (5)

ન શક્યો – મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

Psychology ની દ્રષ્ટિએ રસપ્રદ ગઝલ છે. મક્તાને બાદ કરતા તમામ શેરમાં એક સમાન ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે- શું કરવાની જરૂર છે તે શાયર જાણે છે, ક્યાંક શરૂઆત પણ કરે છે, પરંતુ કંઈક ઉણપ છે…..મંઝિલને પામી નથી શકતો. શું પ્રિયતમાના સાથનો અભાવ કારણભૂત છે (….કે પછી પ્રિયતમાનો સાથ કારણભૂત છે ?!) ? ચોથા શેરમાં એક શાયર એક ઈંગિત કરે છે. Desire > Effort > Success > Fulfillment > More desires … તેમજ Desire > Effort (or lack of it) > Failure > Frustration > Inertia  … – આ વિષચક્રમાંથી ભાગ્યે જ કોઈ છૂટી શક્યું છે.

Comments (7)

ગઝલ – રવીન્દ્ર પારેખ

તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.

છૂટી ગયેલું તીર તો પાછું ફરી ગયું,
જંગલમાં ક્યાંય પણ નથી બાકી બચ્યાં હરણ.

તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,
ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.

રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને,
રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ.

મારા વગર તું એટલીયે એકલી ન થાય,
જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.

જીવન જો પ્રેમ હોય તો મૃત્યુયે પ્રેમ છે,
કારણ કે બેઉમાં જ નથી ફેર આમ પણ !

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

– રવીન્દ્ર પારેખ

કહેવાય છે કે અણી ચૂક્યો સો વરસ જીવે. સંબંધમાં ક્યારેક એવું બને કે સામો માણસ જ પીછેહઠ કરવા પર હોય. એવા વખતે આપણે એ ક્ષણ પારખવામાં થાપ ખાઈ જઈએ અને નિર્ણય લઈ બેસીએ ત્યારે એનું પરિણામ આપણા માથે આરોપી દેવામાં આવે છે… કદાચ અણી ચૂકી ગયા હોત તો…

Comments (11)

ગઝલ – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !

– ભરત વિંઝુડા

વેપારમાં પ્રેમ ભળે ત્યારે એ વહેવાર થઈ જાય છે અને એ પણ કેવો? સામો પક્ષ ગણતરી કરી કરીને એવું માનતો હોય કે હું પામું છું પણ હકીકતે તો આપનાર જ પામતો હોય છે અને એ પણ બેહિસાબ !

Comments (6)

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

જેટલા સુંદર, સુઘડ ને સ્વચ્છ બાહર,
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.

હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.

જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.

– હર્ષ બ્રહ્મભટ્ટ

કવિઓને ખાલી રડતાં જ આવડે એવું મહેણું ભાંગવું હોય તો આ ગઝલ સામે ધરવી.

Comments (16)

ન તારી ન મારી – ડૉ. મનોજ જોશી ‘મન’

ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિ મનોજ જોશીની એક ધાંસૂ ગઝલ. પાંચમાંથી એક પણ શેર એવો નથી જેને નબળો ગણી શકાય અને પાંચમાંથી એકેય એવો નથી જેને બીજાથી વધુ ચડિયાતો ગણી શકાય… હા, મને એક પ્રશ્ન થયો… કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…

Comments (10)

લઈ ખિસ્સામાં તડકો – મનોજ શુક્લ

લઈ ખિસ્સામાં તડકો,
કોઈ નીકળે છાંયે છાંયે તો પણ તિમિરની છાતીમાં ફડકો,
                                         રખે કશે જો અડકો,
                                         લઈ ખિસ્સામાં તડકો,
તડકાનું તગતગવું
                ટેરવે ટશિયો થઈને ફૂટે,
જાણે પંખી ટહુકો
                વનના પાન પાનને ગૂંથે,
ઊંચા થઈ, બેસી કિરણોની પાંખે, નભને પ્રકાશ થઈને અડકો,
                                               લઈ ખિસ્સામાં તડકો,
નભથી આંગળીઓમાં ઉતર્યા
                જાદુઈ સ્પર્શે જગતા,
રૂમઝુમતા કલબલતા રૂડા
                તારલીયા મુકે તરતાં,
તો ય બનેઆવા ઈલમીને રસ્તે ફરતાં રહેતો મનમાં ફડકો,
                                              રખે કહે કોઈ કડકો ?
                                             લઈ ખિસ્સામાં તડકો,
-મનોજ શુક્લ

બે દિવસ પર મનોજભાઈએ આ ગીત કોમેંટમાં મોકલ્યું’તું. વાંચતા જ દિલમાં વસી ગયું. પછી ખબર પડી કે એમના નવા  સંગ્રહનું આ ‘ટાઈટલ-ગીત’ છે. ખીસ્સમાં પહેલા પોતાનો હાથરૂમાલ લઈને નીકળતા, પછી પોકેટ રેડિયો લઈને નીકળતા ને હવે મોબાઈલ લઈને નીકળીએ છીએ… પણ કવિને તો  તડકો ખીસ્સમાં લઈને નીકળવાનો અભરખો છે. આખી જિંદગીને ઝગમગામી મૂકવાનો સામાન સાથે લઈને જ નીકળવાનુ .. બોલો છે એનાથી વધારે કહેવાનું ?!!

Comments (4)

ઊભો છું – રમેશ પારેખ

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં  ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

હોડ આવડવું-આવડવું એવી હતી, એમાં અવડાવા જાવું પડ્યું’તું.
તું જ નિર્ણય દે: હું શું હતો ને હવે આ હું શું આવડીને ઊભો છું !

કોઈ કુંવારી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી !
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું

કોરા કાગળમાં પાંચે નમાજો પઢું ને કરું શૂન્યતાના સિઝદો
શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું

– રમેશ પારેખ

લાંબી બહેરની ગઝલમાં સિદ્ધહસ્ત કવિએ ઘણા ઘણા અર્થ-આયામો છૂપાવ્યા છે. પોતાના મનની નિશાળમાં એકલા ઊભા રહેતી વખતે પણ કવિને ચામડીના સાત આવરણો નડે છે. સીધી વાત છે : શીખવાની જેટલી હોડ કરો આખરે એટલું ઓછું આવડે. કોરા કાગળમાં પાંચે નમાજો પઢે એવા પાકા શબ્દ-પરસ્ત કવિને પુસ્તક વાંચતા – શબ્દ પોતાની જાત પર ઘા કરીને બધા આવરણોને ઊકેલી આપે એટલે – પોતાની જાત વધુ સમજાય છે. પોતાની અશક્તિઓની શરમની અવસ્થા માટે કવિએ ‘રમેશાઈની ગાંસડી’ જેવો ધારદાર પ્રયોગ કર્યો છે.

Comments (6)

લયસ્તરોનું નવું ઈ-મેલ લીસ્ટ

(આ પોસ્ટ થોડા દિવસ સુધી મથાળે રહેશે. નવા પોસ્ટ આ પોસ્ટની નીચે અપડેટ થાય છે.)

કમનસીબે, લયસ્તરોનું અત્યાર સુધી કામ આપતું ઈ-મેલ લીસ્ટ હવે ‘રિટાયર’ થાય છે. સો-બસો ઈ-મેલ મોકલવાની વાત હોય તો પહોંચી વળે એવું આ લીસ્ટ, હજારથી વધારે ઈ-મેલ સબસ્ક્રાઈબર્સના બોજ નીચે દબાઈ જતુ’તુ. હવે એને રિટાયર કરે જ છૂટકો હતો ઃ-)

એની જગા લેશે નવું ઈ-મેલ લીસ્ટ જે ‘ફીડબર્નર’ (ગૂગલની સેવા)થી ચાલે છે. આ લીસ્ટ માટે તમારે ફરી વાર સબસ્ક્રાઈબ કરવું પડશે. બસ, સાઈડબાર પરના બોક્સમાં તમારું ઈ-મેલ એડ્રેસ સબમીટ કરો એટલે ફરી આપને ઈ-મેલ મળતા થઈ જશે.

Comments (19)

બુદ્ધનું ગૃહાગમન – મકરંદ દવે

ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી
હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું,
અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું,
મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ?
મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી
ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું,
ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ?
ભલે જાગ્યો જાગ્યો સ્થવિર, પણ જાતો શું થથરી?
હવે ચાલો, મારાં ચરણ, ટહુકો કંઠ, હળવે
કહો: ભિક્ષાન્નદેહિ ! સકળ નિજ ત્યાગેલ પ્રિયને
જગાડો આઘાતે ફરી, સ્વજનની નીંદર હરો;
નથી લક્ષ્મી લાવ્યો, નથી સુમુખી, લાવ્યો સુખ હવે,
છતાં આજે બંસી ફરી લગનની, શુભ્ર શયને
તમારા આત્માનો અમર વરણે દીપક ધરો !

[ ખાંપણ = કફન, ઘારણ = ખૂબ ઊંઘ લાવતું ઔષધ , સ્થવિર = સ્થિર ચિત્ત વાળો, નિશ્ચયી ]

કોઈક કારણોસર ગુજરાતી વાચકોમાં સોનેટ કાવ્યપ્રકાર બહુ લોકપ્રિય નથી થઇ શક્યો. છંદબંધન સાચવવા કરાતો કઠિન શબ્દોનો વપરાશ અને વાચનમાં સરળતાનો અભાવ વાચકને કંટાળો લાવી દે છે. પરંતુ મકરંદ દવેના શ્રેષ્ઠ સોનેટમાં ગણના પામતાં ઉપરોક્ત સોનેટની ભૂમિકા જ અતિરમ્ય છે.

ભારતીય સમાજ અંધ Hero Worship ધરાવતો સમાજ છે. અમુક પાત્રો ને કદી પ્રતિપ્રશ્ન કરવામાં ન માનતો સમાજ છે. કદાચ આથી જ યશોધરાના એક પ્રશ્નને પૂરતું મહત્વ નથી મળ્યું. આ સોનેટમાં જે ભૂમિકાની વાત છે,તેના અનુસંધાનમાં તત્પશ્ચાતનું એક દ્રશ્ય ઇતિહાસમાં આલેખાયેલું છે- ભગવાન બુદ્ધ બુદ્ધત્વ પામ્યા બાદ પ્રથમવાર પાછાં જયારે પોતાને મહેલ જાય છે અને યશોધરાને મળે છે ત્યારે યશોધરા એક સોંસરવો પ્રશ્ન પૂછે છે,” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”

Comments (5)

ગઝલ – હેમંત ગોહિલ ‘મર્મર’

આ વસ્ત્ર એક જો વણાય તોય છે ઘણું ઘણું,
મળ્યું છે એટલું લણાય તોય છે ઘણું ઘણું.

કહે કબીર ઇશ તો અસીમ ને અમાપ છે,
જરાક જેટલો જણાય તોય છે ઘણું ઘણું.

નવો નથી ઉગાડવોય મોલ મારે ખેતરે;
ભરેલ કણસલાં લણાય તોય છે ઘણું ઘણું.

ભલે ન ભીતરે જવાય મુક્તકો તપાસવા,
બહાર છીપલાં ગણાય તોય છે ઘણું ઘણું.

અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.

જવાબ તો બધાય પ્રેમના મળી જશે પછી
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું

– હેમંત ગોહિલ ‘મર્મર’

આપણી અપાર ઇચ્છાઓનો કદી અંત હોતો જ નથી.. પણ જ પરમ સુખ તો સંતોષ જ છે.

Comments (14)

ગઝલ – હરકિસન જોષી

છબીમાં હસો છો, કહો ક્યાં વસો છો ?
હવા છો સ્વયં કે હવામાં શ્વસો છો ?

નથી સ્વર્ણ હોવાનો દાવો કર્યો મેં
કસોટીના પથ્થર ઉપર કાં ઘસો છો !

બધા ઓરડાઓમાં ગુંજે છે પગરવ
તમે પહેલા જેવા હજુ ધસમસો છો !

વિસરવા ચહું તોય વિસરાશો થોડા ?
સપન થઈને નિંદરની વચ્ચે ડસો છો !

સમેટીને અસ્તિત્વ ચાલ્યા ગયા પણ,
સ્મરણમાંથી પળવાર પણ ક્યાં ખસો છો ?

– હરકિસન જોષી

મમળાવવી ગમે એવી ગઝલ…

Comments (6)

કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

(ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ)

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– સૌમ્ય જોશી
(‘ગ્રીનરૂમમાં’)

પહેલા અને છેલ્લા વાક્યની ધારદાર જોડી વચ્ચે કવિએ એક જ ક્ષણમાં તાદ્રશ થઈ જાય એટલું સબળ ચિત્ર દોર્યું છે. કેટલાક તડકા.. અને કેટલાક છાંયડા… માં કાવ્યની આખી ચોટ છે. એક રીતે જુઓ તો દરેક માણસે પોતાનો છાંયડો જાતે જ ઊંચકવાનો હોય છે – આજે નહીં તો કાલે.

Comments (10)

દર્પણ અંગત – ભગવતીકુમાર શર્મા

માંડ જીવતી રાખી છે મેં આ ક્ષણ અંગત;
કેમ જિવાડી, તેનું પાછું કારણ અંગત!

આશા છે કે મૃગજળમાં પણ ભરતી ચઢશે,
તેથી તો અકબંધ રહ્યું મારું રણ અંગત.

ટોળામાં તો ટાંકો પણ તૂટવા નહિ દીધો;
રહ્યા સતત વિખરાતા મારા કણ કણ અંગત.

વ્યાખ્યાની ઓળખચિઠ્ઠીનો અર્થ નથી કઈ;
શબ્દ,લોહી,સંકેતથી પણ એક સગપણ અંગત.

સહિયારા સંબંધોનો એક ટાપુ જુદો;
વાસ્તવમાં તો હું પણ અંગત,તું પણ અંગત.

ભીંત ભરાઈ ગઈ છે મારી છાયાઓથી;
ચાલ,વસાવી લઉં આજે એક દર્પણ અંગત.

બારે મેઘથી લથબથ ધરતીને શું કરવી?
મને ખપે છે મારો સૂકો શ્રાવણ અંગત.

Comments (10)

કોણ ભયો સંબંધ – સંજુ વાળા

ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…

કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…

છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…

– સંજુ વાળા

ઘણા લાંબા સમયથી આ કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું. દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો ન સૂઝે. આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા. આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા… ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ?

Comments (12)

તૃપ્ત કરે જળકૂપ – બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

કરે ચૂંચવતો રહેંટ
ઘટિકાચક્ર ચક્રભ્રમણે ફરી ઠલવે ધડધડ વારિભાર
સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર
ઊછળી પછડાટે વેરછેર
છંટાતો શીકરનિકરનો મોતીફુવાર
જળપૂરે ખળખળ ઊભરાતી વેગે વહત પ્રણાલ :
.                          વનસીમાન્તે કરે ભલેરો આ જળકૂપ
શ્રાન્ત, પિપાસુ ગ્રીષ્મ-પથિકનાં
.                         લોચન, કંઠ, શ્રવણ સંતૃપ્ત

– બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ તરીકે સ્થાન પામેલ બાણભટ્ટનું આ નાનકડું કાવ્ય કવિતાના પ્રાણને સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે. એક સફળ કવિતા શી રીતે બને છે? શબ્દોની ગોઠવણી કે પ્રાસગુંથણીથી ? મને લાગે છે કે કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે. જે વસ્તુ આપણે સહુ રોજબરોજની જિંદગીમાં જોતા રહીએ છીએ એ જ વસ્તુ પર કવિની નજર પડે છે ત્યારે ફરક સમજાય છે.

વનના સીમાડે કૂવામાંથી પાણી ખેંચવા માટેનો રહેંટ ફરતો જાય અને ધડધડ પાણી પછડાતાં ઉડતી રહેતી વાંછટનું સાવ સીધુંસાદું દૃશ્ય કવિની નજરમાં ચડે છે તો કવિતા બની જાય છે… શરૂઆતની પંક્તિઓમાં કવિ એક મજાનું શબ્દચિત્ર ઊભું કરે છે અને અંતે છેલ્લી બે લીટીના આઠ શબ્દોમાં કવિતાનું સર્જન કરે છે… ઉનાળાના તાપથી તપેલા, થાકેલા, તરસ્યા ઉનાળુ માટે આ રહેંટ શું છે?  પાણીની સાચી તાકાત શી છે? છેલ્લા ત્રણ શબ્દ પર નજર નાંખીએ અને વિચારીએ…

*

રહેંટ = કૂવામાંથી પાણી ખેંચવાને માટે કરેલી ઢોચકાંવાળા ચક્કરની યોજના; ઘટીચક્ર
શીકરનિકર = પાણીની છાંટનો ઢગલો
પ્રણાલ = પરનાળ; ખાળ; નીક; પાણી નિકળવાનો માર્ગ; ધોરિયો
શ્રાન્ત = થાકેલું

Comments (9)