જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
મનોજ ખંડેરિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for January, 2010
January 31, 2010 at 3:24 PM by તીર્થેશ · Filed under જગદીશ જોષી, સોનેટ
વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.
ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!
ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !
તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….
-જગદીશ જોષી.
પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.
Permalink
January 30, 2010 at 12:05 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.
– ઉમાશંકર જોશી
આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.
એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…
ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!
Permalink
January 29, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, કનક રાવળ
સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે
– કનક રાવળ
White Shadows
Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?
– Kanak Ravel
દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)
એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!
એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.
પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.
પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…
Permalink
January 28, 2010 at 2:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું
શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું
આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું
હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું
‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું
– હર્ષદ ચંદારાણા
કવિએ ખૂબ જ વેધક વાત કરી છે- આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી. પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો. ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !
Permalink
January 27, 2010 at 8:23 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેશ ઝવેરી 'બેફીકર'
ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.
પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.
દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!
સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.
ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!
વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.
– સુરેશ ઝવેરી
દોરાધાગા ને ટીલાંટપકાંવાળા ઠેર ઠેર ફૂટી નીકળતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા કહેવાતા ચમત્કારીક ‘અવતારી’ બાબાઓ ખરેખર તો પેલી દસ માથાળી રાવણવૃત્તિથી વિશેષ હોતા જ નથી… કાશ, આટલી વાત ‘શ્રદ્ધાળુ’ ભક્તો સમજી શકે ! ગંગાજળવાળો શે’ર તો ખૂબ જ સ્પર્શી ગયો…
Permalink
January 26, 2010 at 9:58 PM by ધવલ · Filed under ગઝલ, મનહર મોદી
ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું
મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું
હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું
ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું
ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું
– મનહર મોદી
Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે. સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.
Permalink
January 25, 2010 at 10:18 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીનાથ જોશી
દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.
– શ્રીનાથ જોશી
દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.
ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ !
Permalink
January 24, 2010 at 2:22 PM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.
વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.
આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.
એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.
જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.
આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.
મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.
– હરીન્દ્ર દવે
બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.
Permalink
January 23, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, શેખ નુરુદ્દીન વલી
પ્રેમ
. એ તો એક માત્ર પુત્રનું મરણ :
. માતા કદી ચેનથી સૂએ ?
પ્રેમ
. એ તો મધમાખી કેરા વિષડંખ :
. લાગ્યા પછી ચેન કોઈ લહે ?
પ્રેમ
. એ તો હૃદયે હુલાવેલી કટાર :
. પછી એક નિસાસો ય રહે ?
– શેખ નુરુદ્દીન વલી
પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.
એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?
Permalink
January 22, 2010 at 12:54 AM by વિવેક · Filed under અછાંદસ, ઇન્દિરા સંત, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.
– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ
રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !
Permalink
January 21, 2010 at 3:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ બી. સોલંકી
લાશ ખુદની ઉંચકીને ચાલનારા આપણે,
તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે.
કોણ કોનું સુખ દેખી થાય છે રાજી અહીં,
રામને વનવાસ આપી કાઢનારા આપણે.
જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.
સંત જેવો એ હતો, શયતાન ક્યાંથી થઈ ગયો ?
હાથમાં ચાકુ-છરી પકડાવનારા આપણે.
ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.
પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.
– રતિલાલ બી. સોલંકી
‘આપણા’પણાંને છડેચોક નગ્ન કરતી ધારદાર ગઝલ… વાંચતાવેંત સોંસરવી ઉતરી ગઈ ! ‘આપણે’ વિશે આટલું જાણ્યા પછી આ ગઝલ વિશે આપણે કંઈ બોલવાનું રહે ખરું?
Permalink
January 20, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
પંચમસૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યાં, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એનાં અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
– હરિકૃષ્ણ પાઠક
વસંતપંચમી આવે રંગબેરંગી ફૂલો અને કોયલનાં ટહુકાઓ જરૂર યાદ આવે, પણ જો વસંતપંચમી આવે એની ખબર હોય તો ! આજે શહેરોમાં કદાચ ઘણાને ખ્યાલ પણ નથી રહેતો કે વસંતપંચમી ક્યારે આવી ને ક્યારે ગઈ. આજે જ ક્યાંક વાંચ્યું કે દીકરાની શાળામાં વસંતપંચમી વિશે ભણવાની વાત આવી ત્યારે મા-બાપને યાદ આવ્યું કે આજે વસંતપંચમી છે. વેસ્ટર્ન વેલેંટાઈંસ ડે માટે કદી આવું નથી થતું. એ હાલત માત્ર એકની જ નહીં, આપણા જેવા અનેકોની છે. અમારે ત્યાં પણ વસંત તો આવે જ છે પણ જરા મોડી આવે છે. અને જ્યારે આવે છે ત્યારે આખું વાતાવરણ ટ્રાંસફોર્મ થઈ જાય છે. ઘરમાંથી બહાર નીકળતા જ રસ્તાની બાજુમાં ઠેર ઠેર રોપવામાં આવતા ચેરી બ્લોસમ્સથી ભરાઈ ગયેલા ઝાડ, બાગ-બગીચા તથા ઘેર ઘેર રોપેલા ખાસ સ્પ્રિંગમાં ઉગતા ફૂલો કદી અમને ભૂલવા જ નથી દેતા કે ‘Spring is here!’ આ વસંતગીતમાં ‘પંચમસૂર રેલાવતો કોકિલ’ શબ્દો વાંચીને મને યાદ આવ્યો તાજેતરમાં જ વાંચેલો ગુ.સ.નો એક લેખ… જેમાં લખ્યું હતું કે– વસંતમાં મીઠા ટહુકા ટુહૂ ટુહૂ ટુહૂ નરકોકિલ કરે છે. કોયલડી તો ગાતી જ નથી. છતાં કવિઓ નરકોકિલને ડોન્ટકેર કરીને કોયલડીની પાછળ જ પડ્યા છે. 🙂
લયસ્તરોનાં વાચકોને વસંતપંચમીની અઢળક વાસંતી-શુભેચ્છાઓ.
Permalink
January 19, 2010 at 9:30 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.
આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.
– ભરત વિઝુંડા
દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.
Permalink
January 18, 2010 at 11:57 PM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.
– નિરંજન ભગત
મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !
Permalink
January 17, 2010 at 3:51 PM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.
-મરીઝ
મક્તામાં નામ ન હોય તો પણ પહેલા શેર થી જ ખબર પડી જાય કે આ મરીઝ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘પાગલપણું આ…’ શેર મને શિરમોર સમાન લાગ્યો – કોઈકે મજનુંને પૂછેલું, ‘તું આ નુક્કડ પર શું કરે છે ? અહી લૈલાનું ઘર નથી.’ મજનું કહે, ‘મને દરેક જગ્યાએ લૈલા સિવાય કશું જ નથી દેખાતું તેથી જે ઘર ઉપર મારી નજર પડે તે લૈલા નું ઘર બની જાય છે !’ બીજો શેર પણ સુંદર છે – જાણીતી વાત સરસ અંદાઝમાં કહેવાઈ છે.
Permalink
January 16, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નલિન રાવળ
કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પત્ર રે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઉછળંત લય
એ
લય અહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.
-નલિન રાવળ
કવિનો, સર્જકનો હાથ જ્યારે હાથમાં આવે છે ત્યારે આકાશમાં સૂર્ય તાપ વરસાવતો નહીં, સ્મિત કરતો લાગે છે. વસંતરાજના મહાસાગરનો મોહલ લય જે કદાચિત્ બ્રહ્મ અને બ્રહ્માંડના લય સાથે પણ તાલમેળ ધરાવે છે એની અનુભૂતિ કવિનો હાથ હાથમાં આવે ત્યારે થાય છે. પણ આ હાથ શું કોઈ સ્થૂળ હાથ છે? હરીન્દ્ર દવે આ કવિતા સમજાવતી વખતે ખૂબ સૂક્ષ્મ વાત કરે છે-
તમે ક્યારેય કવિના હાથ સાથે હાથ મેળવ્યો છે ?
હા ?
તો તમને આ બધી જ વાત ઉપલક લાગશે.
ના ?
તો તમને આ સમજાશે નહીં.
– હવે કવિના આ ‘હાથ’ વિશે ફરી વિચારીએ…
Permalink
January 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હીરજી સિંચ
વાત મારી સાંભળી લેજે સખા !
જો પછી કરતો નહીં કોઈ ડખા !
જા રહેવા દે દવા લેવી નથી
દર્દ લાગે છે મને આ નવલખા !
એકલો વરસાદમાં ચાલ્યો, અને –
ત્યાં મને આ કોણ વીંઝે ચાબખા !
તેં ય પીધી છે સુરાહી પ્રેમની
તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !
– હીરજી સિંચ
ઓછા શેરની અને નાની બહેરની સહજ અને સરળ ગઝલ… વરસાદની ભીની મોસમમાં ‘એકલા’ નીકળવું પડે ત્યારે વરસાદનું ઝીંકાતું પાણી પાણી નહીં, ચાબખાની જેમ વાગે છે એ વેદના કવિએ કેવી સરસ રીતે કરી છે ! શેરનો ઉપાડ ‘એકલો’ શબ્દથી થાય છે એમાં જ ખરી કવિતા સર્જાય છે…
Permalink
January 14, 2010 at 12:30 AM by ઊર્મિ · Filed under ગઝલ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.
પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.
નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?
મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.
નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.
રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.
ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.
-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
(જન્મ: ૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨)
વિકસતા વ્હાલ જેવું વ્હાણું, શરમની લાલી જેવા રંગનું લ્હાણું અને પ્રિયાના નેન જેવું ઠકરાણું — આ રૂપકો તો દિલને ખૂબ જ અડી ગયા… (સાચું કહું તો ગલગલિયા કરાવી ગયા ! 🙂 ) આપણને જીવાડવા માટે આપણામાં સતત પ્રાણ પૂરે છે અને તે છતાં હવા અદૃશ્ય રહે છે; બિલકુલ દેખાડો કર્યા વગર અદૃશ્ય રહીને અપાતું આના જેવું મીઠું ઉપરાણું જીવનમાં બીજું કંઈ હોઈ શકે ખરું ?
કવિશ્રીનાં કાવ્યસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩) માંથી સાભાર. આ કવિએ ‘સરોદ’નાં ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’નાં તખલ્લુસથી ગઝલો લખી છે.
* લયસ્તરોનાં વાચકોને લયસ્તરો-ટીમ તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ… આગળ મૂકેલા પતંગ-કાવ્યો આજે ફરી અહીં માણો:
Permalink
January 13, 2010 at 2:22 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
પ્રિય મિત્રો,
ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:
“सरहद की दोनों ओर चहकता चमन रहे |”
– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…
આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…
Permalink
January 12, 2010 at 11:53 PM by ધવલ · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
(પુણ્ય સ્મરણ: મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’)
ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત?
વહેવારનો ઉચાટ, હવે કેટલો વખત?
*
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.
પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.
ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.
રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત
છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત
પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત
અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત
– હરીશ મીનાશ્રુ
કવિની વિચારસૃષ્ટિના ઊંડાણનો પરિચય આ ગઝલમાં થાય છે. છેલ્લા પાંચે શેર એકમેકથી ચડે તેવા થયા છે. હવે એક આખો દિવસ આ બધા શેરને મમળાવવામાં જશે.આ ગઝલ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ની એક પંક્તિ અને રદીફ-કાફિયા લઈને એમના પુણ્યસ્મરણ રૂપે લખાયેલી.
(ગફલતથી આ ગઝલ કવિ મકરંદ દવેની છે એવું આગળ મૂક્યું હતું. એ ભૂલ સુધારી લીધી છે. એપ્રિલ 2020)
Permalink
January 11, 2010 at 10:06 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.
– ગની દહીંવાળા
ગનીચાચાની સુંવાળી ગઝલ. સૌથી સરસ શેર એ છેલ્લો શેર છે : નવી નવાઈની જન્મેલી ઉદાસીઓના હસી પડવાની વાત જ મઝાની છે !
Permalink
January 10, 2010 at 5:27 PM by તીર્થેશ · Filed under ગીત, મહાદેવભાઈ દેસાઈ, રવીન્દ્રનાથ ઠાકુર
તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …
જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …
જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !
– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )
ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)
[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]
મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર
[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]
રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે.
મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road less traveled ની યાદ અપાવે છે.
Permalink
January 9, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
ભલે તું બાદશાહી દે
ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે
હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે
થશે કર અબઘડી પાંખો
ખરેખર આપવી હો તો મને ચોપાસ ખાઈ દે
ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
ગઝલ આપી ન દે તો કૈં નહીં નાની રૂબાઈ દે
બધું ફાવી ગયું ‘નીરજ’
કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે
– ડૉ. નીરજ મહેતા
શેરના ઉલા મિસરા (પહેલી કડી)માં લગાગાગાના બે આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં એનાથી બેવડા આવર્તનો લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ?
ગઝલના બંધારણને જે નામ આપવું હોય એ આપીએ પણ મને તો કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો. સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે. અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે… સાહિરના લબ્ધપ્રતિષ્ઠ શેરથી સાવ વિપરીત પણ કદાચ વધુ ઉજળી વાત છે આ. (દુનિયાને તજુર્બાતોં હવાદિશ કી શક્લમેં, જો કુછ મુજે દિયા હૈ, વો લૌટા રહાહૂઁ મૈં)
Permalink
January 8, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલેરબાબુ
લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.
તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.
પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ત્યાં ટોળે વળ્યું હશે.
તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.
– દિલેરબાબુ
(જન્મ : ૧૪ -૦૬-૧૯૪૬, મૃત્યુ : ૦૪-૦૧-૨૦૧૦)
રવિવારે રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજ કવિના દેહાવસાનના ડુંગર પછીતે સોમવારે ભાવનગરના દિલેરબાબુના નિધનના સમાચાર લગભગ સાવ જ ઢંકાઈ ગયા. બી.એ.ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ અને પોસ્ટ ખાતામાં નોકરી. ભાવનગરના ભાદ્રોડ (મહુવા) ખાતે શબ્દની મૂંગી આરાધના કરતા આ કવિ પ્રસિદ્ધિની પાછળ કદી દોડ્યા નહોતા. એમના સુંદર કવિકર્મની જો કે યોગ્ય નોંધ પણ કદી લેવાઈ નથી.
‘લયસ્તરો’ તરફથી શબ્દના આ મૌન આરાધકને એન નાની-શી શબ્દાંજલિ !
Permalink
January 7, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર, વિશ્વ-કવિતા, શૈલેશ પારેખ
મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.
– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ
ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”
– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…
Permalink
January 6, 2010 at 10:27 PM by ધવલ · Filed under મનીષ પરમાર, મુક્તક
ચાલચલગત જીવની ધૂની હતી
ખૂબ ઈચ્છાની રમત જૂની હતી
એમનાં પગલાં સુંઘી આવું ઘેર
સાંજ પડતાં શેરીઓ સૂની હતી
– મનીષ પરમાર
Permalink
January 5, 2010 at 10:14 PM by ધવલ · Filed under ગઝલ, રાઝ નવસારવી
આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.
તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.
તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.
મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.
– ‘રાઝ’ નવસારવી
હજુ તો ગઈકાલે જ મૃત્યુને ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ ગણાવીને રાજેન્દ્ર શાહ ગયા. ને આજે આ ગઝલનો છેલ્લો શેર વાંચવામાં આવ્યો. આ બધી ફિલસૂફી પછી પણ જીવન(ની આસક્તિ) અને મૃત્ય(ના ડર) ના સમીકરણો ક્યાં બદલાય છે ? એ ખરેખર જો બદલાય તો તો પયગંબરી મળે.
Permalink
January 4, 2010 at 10:21 PM by ધવલ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શાહના ગીતોમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર આ ગીતને કવિના મુખે સાંભળો. આ ઝલક સર્જક અને સાહિત્ય દસ્તાવેજી ફિલ્મશ્રેણીમાંની રાજેન્દ્ર શાહ પરની ફિલ્મ ‘નિરુદ્દેશે’માંથી લીધી છે. (નિર્દેશન: પરેશ નાયક, છબીકલા: રાવજી સોંદરવા, પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ )
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
– રાજેન્દ્ર શાહ
Permalink
January 3, 2010 at 11:30 PM by ધવલ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત સોહે સુકોમલ ધાત્રી
નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે
હરખી હરખી રહી કશું મનોમન
ચંચલ ધૃતિમય ચમકે લોચન
અહો સુંદર…
અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો સુંદર…
-રાજેન્દ્ર શાહ
સંગીત : અજીત શેઠ
સ્વર : ભૂપિન્દર
[audio:http://dhavalshah.com/audio/sundar.mp3]
‘આપણા દુ:ખનું કેટલું જોર?’ એવું ગાનાર કવિ રાજેન્દ્ર શાહનું સત્તાણું વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે. કવિનો જન્મ 1913માં કપડવંજમાં. એમના ગીતો અને સોનેટો આજે ય લોકોની જીભે રમે છે. એમણે થોડી ગઝલો પણ લખેલી. એમની કાવ્યસમૃદ્ધિ વીસ જેટલા સંગ્રહોમાં વિસ્તરાયેલી છે. એમને સૌદર્ય અને પ્રેમને બહુ બુલંદ અવાજે ગાયો છે. એમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો.
કવિને ખરી શ્રદ્ધાંજલી એમની કવિતાને યાદ કરીને જ આપી શકાય. આજે મારું બહુ ગમતું ગીત અહીં મૂકું છું. ગીતમાં શરદની એક રાતનું વર્ણન માત્ર છે. પણ ગીતના શબ્દો અને સંગીતનો જાદૂ બન્ને ભેગા મળીને જે માહોલ રચે છે એ સ્વયં એક નશા સમાન છે. પહેલા આંખ બંધ કરીને ગીત સાંભળો અને એ પછી જ વાંચજો.
(વસન=વસ્ત્ર, ધાત્રી=પૃથ્વી, સમીરણ=પવન, ધૃતિ=સ્થિરતા,દૃઢતા, અવગુંઠન=ઘૂંઘટ)
Permalink
January 2, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બંકિમ રાવલ
પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે,
જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.
સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.
-બંકિમ રાવલ
મનોજ ખંડેરિયાની વરસોના વરસ લાગે ગઝલની યાદ આવે એવી પરંતુ જરા નોખી જ ‘ફ્લેવર’ ધરાવતી આ ગઝલ.. મારી દૃષ્ટિએ જેમ જેમ ગઝલ આગળ વધે છે એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. ઇન્ટરનેટ અને ટેલિફોનના પરિણામે દૂધ પીતી થઈ રહેલી ટપાલસેવાને સાંકળીને જે બે શેર લખાયા છે એ તો અદભુત છે…
Permalink
January 1, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સ્નેહરશ્મિ
દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !
ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !
પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !
ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !
– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
‘લયસ્તરો’ના સમસ્ત વાચકગણને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !
ત્રણ અંતરામાં કવિએ જે વાત કરી છે એ નવા વર્ષના દહાડે ગુંઠે બાંધી રાખવા જેવી છે. રસ્તો ગમે તેવો વાંકો-ચૂકો કે કઠિન કેમ ન હોય, સહુ સાથે મળીને એને ખેડીને સરળ બનાવીએ. દિશા-સ્થળ અને કાળના કાંટાળા થોર ઉખેડી ફેંકી વિશ્વમાનવ બનીએ. ગઈકાલ અને આવતીકાલના ગોફણમાં સૂર્ય-ચંદ્રને ઊડાવી દઈને બ્રહ્મનું નિશાન તાકીએ…
Permalink