સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…
(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)
મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…
એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.
નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !
ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !
વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.
હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.
ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?
ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.
ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.
જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.
એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.
તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.
તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.
આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.
કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.
નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.
સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.
પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.
લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.
આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.
થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.
-મહેશ દાવડકર
સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…
…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…