દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

આસિમ વિશેષ : ૬ : કટકે કટકે – આસિમ રાંદેરી

Aasim_Randeri2

રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ   ભલેને   માથું   પટકે !

આપ   જ  મારું    દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.

પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો   પણ   ફાંસી   લટકે.

બચપણ,  યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન   પણ   છે  કટકે કટકે.

રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?

પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.

એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.

દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.

નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.

ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?

એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.

એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

– આસિમ રાંદેરી

વીસ વર્ષ પહેલાની વાત છે. આસિમસાહેબનો મને કોઈ પરિચય નહીં. એક મુશાયરામાં એમને પહેલવહેલા જોયા. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. સૂટ, ટાઈમાં એકદમ અપટૂડેટ દેખાવ. ને એમનો બુલંદ અવાજ. જ્યારે એમના અવાજમાં એક્ એક્ લટમાં સો દિલ લટકે પંક્તિ સાંભળી ત્યારે જીંદગીમાં પહેલી વખત ખ્યાલ આવ્યો કે ‘રોમાંટિક’ માણસ કોને કહેવાય !

આ ગઝલનો મારો સૌથી પ્રિય શેર -જે મેં નહીં નહીં તો હજાર વાર ટાંક્યો હશે- આ છે  : એ જ મુસાફિર જગમાં સાચો, જેની પાછળ મંઝિલ ભટકે. મંઝિલને પરાસ્ત કરવાની વાત તો બધા કરે છે, પણ અહીં કવિ એનાથી બહુ ઊંચી વાત કરે છે –  મંઝિલ ખુદ તમારી પાછળ ભટકે તો જ તમારી લગન સાચી ! છેલ્લા બે શે’રમાં એમણે કવિ તરીકે પોતાની  કેફિયત રજૂ કરી દીધી છે. આસિમ માટે કવિતા પ્રેમને ગાવાનું સાધન માત્ર હતી. કવિતાને માત્ર પ્રેમ સુધી સિમિત કરી દેવી એ વાત આજે લોકોને ગળે નહીં ઊતરે. પણ આસિમે જે અદાથી અને જે સચ્ચાઈથી પ્રેમને ગાયો છે એનું ખરું મહત્વ છે.

આ ‘આસિમ’ બંદાને હજાર સલામ !

(આસિમ =પવિત્ર, સદગુણી)

11 Comments »

  1. bharat said,

    February 8, 2009 @ 1:15 AM

    ‘આસિમ’ના શ્વાસ કોઇ દી અટકે?
    બસ આસિમ જ ટકે, આસિમ જ ટકે.

  2. Sandhya Bhatt said,

    February 8, 2009 @ 6:52 AM

    એ જ મુસાફિર જગમાં સાચો
    જેની પાછળ મંઝિલ ભટકે.
    શતાયુ અસિમસાહેબ સાચા અર્થમાં કવિજીવન જીવી ગયાં.

  3. ઊર્મિ said,

    February 8, 2009 @ 3:33 PM

    એ જ મુસાફિર જગમાં સાચો,
    જેની પાછળ મંઝિલ ભટકે.

    લા જ વા બ !!!!!!!!! ટૂંકી બહેરની આખી ગઝલ જ લાજવાબ છે..!

  4. kirankumar chauhan said,

    February 8, 2009 @ 10:33 PM

    ketli premal gazal!

  5. pragnaju said,

    February 8, 2009 @ 10:37 PM

    એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
    પ્રેમ-ક્હાણી કટકે કટકે.
    પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
    જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.
    હરેક ઈન્સાનને આ વાત કબૂલ

  6. વિવેક said,

    February 9, 2009 @ 12:44 AM

    આસિમ રાંદેરીના વીસ વર્ષ પૂર્વેના એ મુશાયરામાં ધ્વલની સાથે હું પણ હતો. અને ‘એક એક લટમાં સો દિલ લટકે’ તો અમારી ધ્રુવપંક્તિ બની ગઈ હતી. આસિમસાહેબની કાવ્યપઠનની અદા અને અપ-ટુ-ડેટ વેશભૂષા કદી વિસરી નહીં શકાય…

    લયસ્તરો તરફથી આજની આ ‘આસિમ-વિશેષ’ શૃંખલાની પૂર્ણાહૂતિ પોસ્ટ સાથે એમને ફરી એકવાર નતમસ્તક શબ્દાંજલિ!

  7. preetam lakhlani said,

    February 9, 2009 @ 12:12 PM

    પ્રિય્ ધવલ ભઈ,
    આસિમ ભાઈ બહુ જ મજા ના શાયર જેતલા જ મજા ના માણસ હતા..આજ થી દસ વરસ પહે લા, નવા વરસ ની વ્હેલિ સવારે સાલ મુબારક કહેવા મને તેમ નો ફોન આવિ યો, હુ તો બહુ જ ખુશ થય ગયો…. આખિ જિન્દીમા ફ્ક બે વાર ખુશ થયો છુ,,,,એક વાર આસિમ ભાઈ ના ફોન થી અને બિજી વાર જ્યારે ઈદીરા ગાધી રાયબરેલિ થિ રાજ નારાય્ણ સામે હારી ગયા ત્યારે….ભાગ્યે જ ગુજ્રરાતિ ગઝલમા કવિ કલાપી બાદ જો કોઈ યુવાન દીલ નિ ધડતન હોય તો તે છે આસિમ રાદેરી નિ ગઝ્લ્….શાયર જ્યા પણ હ્શે ત્યા ઈશ્ક નો બન્દો હશે………

  8. દક્ષેશ said,

    February 9, 2009 @ 12:43 PM

    આપ જ મારું દૃષ્ટિ-બિન્દુ,
    હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.
    લગ્નસંબંધમાં પતિવ્રતા કે પત્નીવ્રતાની વાત આવે છે એવી જ કોઈ ઉંચાઈ પ્રેમ માટે દેખાય છે. પ્રિયતમ જ સાધ્ય, ઈષ્ટ કે જીવનસર્વસ્વ બની જાય એ પ્રણયની સીમા.
    અને તમે કહ્યું એ ખરેખર સાચું છે કે
    એ જ મુસાફિર જગમાં સાચો,
    જેની પાછળ મંઝિલ ભટકે.
    કાબિલે-તારિફ .. કંઈક પામવાની લગન કેટલી છે તે આનાથી વધારે સારી રીતે કેવી રીતે કહેવાય.
    નેટ પરના મારા જેવા સાહિત્યપ્રેમીઓને આસિમ-વિશેષ શુંખલા દ્વારા રસપાન કરાવવા બદલ દિલથી ધન્યવાદ.

  9. Pinki said,

    February 10, 2009 @ 12:48 AM

    બહુ મજાની ગઝલ ……..

    ખુદા તેમના આત્માને શાંતિ બક્ષે !!

  10. mahesh dalal said,

    February 11, 2009 @ 12:11 PM

    શાયર માટે શઊ કહેઊ? લાજ વાબ્..

  11. Jigar said,

    April 13, 2016 @ 11:48 AM

    આસીમ સાહેબ ની ચોધાર રોવડ઼ાવતી કવિતા ” કિંતુ મારી લીલા ક્યાં છે ” પણ પોસ્ટ કરો ને ક્યારેક, ધવલ સર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment