~ – કાજલ ઓઝા – વૈદ્ય
અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?
તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…
ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે
શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?
– કાજલ ઓઝા – વૈદ્ય
સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…