આ શેર કંઈ અગમ્ય અને ઓછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
હેમેન શાહ

આસિમ વિશેષ: ૧ : ચર્ચામાં નથી હોતી – આસિમ રાંદેરી

Aasim_Randeri
(૦૯-૧૧-૧૯૬૧ના રોજ શ્રી આસિમ રાંદેરીના હસ્તાક્ષરવાળો શ્રી મદને દોરેલ સ્કેચ)

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-આસિમ રાંદેરી

ગુજરાતી કવિતાના ઈતિહાસમાં કદાચ સૌથી લાંબું આયુષ્ય ભોગવનાર કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે ગઈકાલે (નિધન: ૦૫-૦૨-૨૦૦૯) એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… લયસ્તરો તરફથી એમને શબ્દભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ…

અસ્તુ !

14 Comments »

  1. કુણાલ said,

    February 6, 2009 @ 6:16 AM

    એક વધુ સૂર્યનો અસ્ત … !!

    એમની વધુ ગઝલોનો આસ્વાદ કરી/કરાવીને એમને શ્રદ્ધાંજલી આપી શકાય એવી અભિલાષા…

  2. કુણાલ said,

    February 6, 2009 @ 6:18 AM

    નાનું છે મનુષ્યનું મન જે પ્રેમનું એક ટીપું આપવામાં પાછીપાની કરે છે… નાનું છે મનુષ્યનું મન જ્યારે માત્ર એક જ ટીપું ધૃણાનું છાંટીને દુનિયાભરમાં અશાંતી ફેલાવી દે છે…

  3. pragnaju said,

    February 6, 2009 @ 6:53 AM

    આ ખૂબ જાણીતી,સદાબહાર,મોંઢે થઈ ગયેલી ગઝલ જેટલીવાર વાંચીએ તેટલી વાર મન પ્રસન્ન થાય-આંખ ભીની થાય.
    તેમના જ સ્વરમા-
    અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
    કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

    મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
    મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

    ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
    અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

    અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
    જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
    સાંભળ્યાનું યાદ છે.
    વલન તજિદ લિસુન્નતિલ્લાહિ તબ્દીલા-
    न किरस्य प्रमिनंति व्रतानि …
    જન્નતનશીન થયા જાણ્યું ત્યારે મનમાં ગુંજન આ પંક્તીનું હતું
    પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
    મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી
    અમે તો તાપીના અને તાપીને ચાહનારા અમારા જ લાગે.
    કવિઓ અને ચારાસાઝોની ઉંમરની સરાસરી કાઢીએ તો કદાચ તેમનાથી અર્ધી ઉમર સુધી પણ ઓછા પહોંચે છે…!
    લયસ્તરોથી શબ્દભીની શ્રદ્ધાંજલિમાં અમારો સૂર પૂરાવીએ છીએ

    .

  4. Shah Pravinchandra Kasturchand said,

    February 6, 2009 @ 7:45 AM

    ભૌતિક આયુષ્ય ૧૦૪ વર્ષનું ભોગવી હવે અસીમ આયુષ્યના કાળચક્રમાં વિલીન થઈ ગયા,આસીમ તમે!
    હવે કોણ વંચાવશે લીલાની કંકોતરી;કોણ દર્શાવશે સાદાઈમાં પણ લીલાની જાહોજલાલી,શું આસીમ તમે?
    આમ રાંક કરીને અમને કાં ચાલ્યા ગયા?સહુ શાયરના શાયર બનીને જન્નત જોવા ગયા,શું આસીમ તમે?
    શ્રદ્ધા છે અમને, જન્નતના દ્વારે ઊભા હશો તમે, અને આવકારો મીઠો આપશો અમને.ખરુંને?આસીમ તમે?
    અમારી લાખો સલામ,આસી સાહેબ,આપને!

  5. ઊર્મિ said,

    February 6, 2009 @ 8:47 AM

    કવિ જનાબ આસિમ રાંદેરીને સલામ અને શ્રદ્ધાંજલિ…!

    અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
    જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

    આખી ગઝલ સર્વાંગ સુંદર અને મનભાવન… પણ છેલ્લો શે’ર કાયમ જરા વધારે શિરમોર લાગ્યો છે.

  6. Ramesh Patel said,

    February 6, 2009 @ 10:37 AM

    શ્રદ્ધાંજલી
    ભુલ્યા નહીં ભૂલાય.
    અમર પ્રદાન અવિરત પણે ગૂંજશે હર સાહિત્ય પ્રેમીના દિલમાં.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. ધવલ said,

    February 6, 2009 @ 11:54 AM

    આસિમ રાંદેરીને મળવાનો મોકો મને મળેલો. એમના અવાજમાં ગઝલ પણ સાંભળી છે. વીસ વર્ષ પહેલાની વાત છે. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. મને એમનો કોઈ પરિચય ન હતો. પણ જ્યારે એમના અવાજમાં ‘એક એક લટમાં સો દિલ લટકે’ પંક્તિ સાંભળી તો તરત દેખાઈ આવ્યું કે કેટલો ‘રોમેંટિક’ માણસ છે ! એમને જ્યારે જ્યારે જોયા ત્યારે હંમેશા ‘સૂટ’ પહેરેલો હોય અને જાણે સાંજે ‘લીલા’ને મળવા જવાનું હોય એમ સરસ તૈયાર થયેલા હોય. તાપીને ગાનાર આ એક જ બંદો નીકળ્યો છે. એમની ગઝલમાં લીલા પછી બીજા નંબરનું ‘કેરેકટર’ હોય તો ‘તાપી’ છે. કહે છે બહુ ખાનદાન માણસ હતા. અને દોસ્તીનો કાફિયો મેળવવામાં કદી પાછા ન પડતા. સલામ, રાંદેરીસાહેબને ! લાંબુ જીવવું એક વાત છે અને લાંબા જીવનને નિભાવવું એ વળી અલગ વાત છે.

  8. Rajendra Trivedi, M.D. said,

    February 7, 2009 @ 2:59 PM

    Rajendra Trivedi, M.D. Says:
    February 7, 2009 at 7:49 pm

    આપણે બધા આસિમ ને પાસે રાખી તેમની લીલાને યાદ કરીએ છીએ.

    લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

    આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

    રાજેન્દ્ર ત્રિવેદી

  9. Dushman said,

    February 10, 2009 @ 6:13 AM

    જનાબ આસિમ જન્નતસિન થયા અલાહ એમન આત્મને ચિર શાન્તિ અર્પે એજ અભ્યર્થના

    દુશ્મન (મસ્કત ઓમાન)

  10. nani said,

    August 15, 2009 @ 9:56 PM

    I have grown up with Asimsaheb’s shayri & Gazals…have attended many mushayras with my elder sister at Rangbhavan in Mumbai…After 50 years also, I can recite most of gazals of “Lila”…2 weeks ago on this site, I was reunited with Asimji…reading about his life & at age 104 he was going strong etc etc…now he is no more but he will always be there in his gazals of Lila….
    we all will miss him…Thank you for all these years of good memories..
    May you rest in peace.

  11. કિંતુ મારી લીલા ક્યાં છે - આસિમ રાંદેરી | ટહુકો.કોમ said,

    October 15, 2009 @ 6:30 PM

    […] આસિમજીને શ્રદ્ધાંજલિ : લયસ્તરો પર – ચર્ચામાં નથી હોતી અને કંકોતરી (સંપૂર્ણ […]

  12. chandresh mehta said,

    August 19, 2010 @ 12:09 PM

    આ એકદમ સરલ શબ્દો મા અદભુત વાત

  13. ગાગરમાં સાગર » Blog Archive » વસંતોત્સવ ૦૮ : કે લીલાનું થાશે મિલન આજ રાતે -આસિમ રાંદેરી said,

    March 9, 2013 @ 10:42 AM

    […] શ્રદ્ધાંજલિ : લયસ્તરો પર – ચર્ચામાં નથી હોતી અને કંકોતરી (સંપૂર્ણ નઝમ) ટહુકા પર – […]

  14. DARSHIT ABHANI said,

    July 24, 2015 @ 3:02 AM

    ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
    નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

    મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
    અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

    વાહ … ક્યાં બાત હે…..લાજવાબ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment