આસિમ વિશેષ : ૩ : કૉલેજ જતાં – આસિમ રાંદેરી
યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય-રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
. જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે
કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
. મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
છે લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે;
કવિતા જ સુંદર બનીને કવિતા
. પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી,
છતાં એની રંગત છે સૌમાં નિરાલી !
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઈમાં એની જાહોજલાલી !
. શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
સરળથી ય એની સરળ છે સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,
લખું તોય લખતાં ના કાંઈ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઊછળતા !
. અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…
કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ,
નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ !
મધુરો, મનોરમ્ય મલકાટ એનો
છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ !
. નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’…
ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ?
અને કોના દિલની કળીને ખિલવવા ?
રે ! દરરોજ બેચાર સખીઓની સાથે;
એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ?
. ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…
કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
. એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…
– આસિમ રાંદેરી
આખું નામ મહેમુદમિયાં મહંમદ ઇમામ સૂબેદાર. જન્મ: ૧૫ -૦૮-૧૯૦૪: રાંદેર (સુરત) ખાતે; મૃત્યુ: ૦૫-૦૨-૨૦૦૯: રાંદેર (સુરત) ખાતે. મેટ્રિક સુધીનો અભ્યાસ. ઇસ્ટ આફ્રિકામાં પત્રકારત્વ કર્યા પછી મુંબઈમાં સૅલ્સમેન અને પછી તો દેશ-દેશાવરમાં સતત ફરતા રહ્યા. આયખાનો ખાસ્સો એવો ભાગ અમેરિકામાં ગુજાર્યા પછી અંતભાગે સુરતમાં સુબેદાર સ્ટ્રીટ, રાંદેર ખાતેના એમનાઘરે જ રહ્યા. ચોળાયેલા કફની-પાયજામા, દિવસો સુધી શેવ ન કરેલો ચહેરો, તૂટેલી ચપ્પલ અને ખાદીનો બગલથેલો લઈને ફરતા ‘કવિ’ની શિકલ એમણે આમૂલ ફેરવી નાંખી. ઘરડે ઘડપણ પણ સદા વ્યવસ્થિત રીતે ટ્રીમ કરેલી દાઢી, અસ્ત્રી-ટાઈટ કપડાં, સૂટ-બૂટ અને ટાઈ સાથે જ જોવા મળતા આસિમ રાંદેરી શાયર ભલે પરંપરાનારહ્યા, માણસ એકવીસમી સદીના થઈને જીવ્યા…
આ ‘આખી’ રચના લયસ્તરોના વાચકો માટે… અને ઑડિયો: ટહુકો.કોમ)
(કાવ્ય સંગ્રહો: ‘લીલા’ (૧૯૬૩), ‘શણગાર’ (૧૯૭૮), ‘તાપી તીરે’ (૨૦૦૧))
ninad adhyaru said,
February 7, 2009 @ 3:00 AM
આસિમ સાહેબ સદા અમર રહેશે…………….
Jina said,
February 7, 2009 @ 3:28 AM
“ઘરડે ઘડપણ પણ સદા વ્યવસ્થિત રીતે ટ્રીમ કરેલી દાઢી, અસ્ત્રી-ટાઈટ કપડાં, સૂટ-બૂટ અને ટાઈ સાથે જ જોવા મળતા આસિમ રાંદેરી શાયર ભલે પરંપરાનારહ્યા, માણસ એકવીસમી સદીના થઈને જીવ્યા…”
વાંચીને ઘણી હાશ થઈ વિવેકભાઈ… કવિ કે શાયરની મુફલિસી કે મજબૂરીના કિસ્સાઓ સાંભળીને મને હંમેશા બહુ પીડા થાય છે…
એક વિનંતી છે… મને આ ‘લીલા’ અને તેના પરની આસિમ સાહેબની તમામ રચનાઓ પાછળનું હાર્દ કહેશો? શું આ એક કાલ્પનિક પાત્ર હતું કે વાસ્તવિક? કદાચ મારા જેવા ઘણા અજ્ઞાત વાચકોને આ વિશે જાણવું હશે…
pragnaju said,
February 7, 2009 @ 6:15 AM
કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
. એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…
– આસિમ રાંદેરીની લાગણીઓ હરેક જમાનામાં અનુભવાતી જોવાય છે!
Chetan Framewala said,
February 7, 2009 @ 9:24 AM
હું હજી કવિતાનો ક શિખતો હતો ત્યારે આદરણીય આસિમ સાહેબને મણવાનો મોકો મળ્યો. પ્રસંગ હતો આઈ એન ટી મુશાયરાની રજત જયંતિનો..
સાહેબના કંઠે ‘ જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે” સાંભળવાનો લાભ અનેરો છે,
લગભગ ૯૦ વર્ષની જૈફ વયે ‘લીલા” રજુ કરતી વખતે જે રોમાંચ એમનાં મુખ પર જોવા મળ્યો – ચહેરા પર જે લાલિમા છવાઈ ગઈ હતી,એવું ગાલતું હતું, જાણે યુવાનીમાં ડગ ભરતા કોઈ નવ યુવાન આપની સામે કાવ્ય પાઠ કરી રહ્યું હોય.
જય ગુર્જરી
ઊર્મિ said,
February 7, 2009 @ 10:24 AM
વર્ષોથી આ લીલા-કાવ્ય એટલી બધી વાર સાંભળ્યું છે કે ન પૂછો વાત…!
એમનું બીજું એક લીલા-કાવ્ય આજે અહીં માણો…
http://urmisaagar.com/saagar/?p=1533…. કે લીલાનું થાશે મિલન આજ રાતે.
sudhir patel said,
February 7, 2009 @ 11:14 AM
ગુજરાતીમાં બહુ ઓછી નઝમ લખાઈ છે. સુંદર નઝમ આપવા બદલ
જનાબ આસિમ સાહેબને સલામ.
સુધીર પટેલ.
Rajendra Trivedi, M.D. said,
February 7, 2009 @ 11:51 AM
જનાબ આસિમ સાહેબને સલામ.
કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
. મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
તાહા મન્સૂરી said,
February 7, 2009 @ 9:54 PM
આસિમ સાહેબને શ્રદ્ધાંજલિ…!
પોતાનાં “લીલા” કાવ્યો અને તાપી નદીનાં કાવ્યો દ્વારા આસિમ સાહેબ અમર રહેશે.
પોતાની કલ્પનામૂર્તિ “લીલા”ને તેમણે ગુજરાતી સાહિત્યમાં જીવંત કરી દીધી હતી..
શ્રી મનહર ઉધાસ સાહેબનાં કોઇપણ પ્રોગ્રામમાં પ્રેક્ષકો તરફથી થતાં “જુઓ લીલા…” અને “કંકોતરી” નાં પોકારો મેં સાંભળ્યા છે.
તેઓ ખુદ જણાવે છે “એક વખત થાણા મુંબઇથી આવેલા એક જૈન યુગલે મને પુછ્યું:’શું “લીલા”નું
પાત્ર ખરેખર જીવંત છે?’ મેં કહ્યું:’ના.એ તો મારી કલ્પનામૂર્તિ છે,કલ્પન છે.’ત્યારે તેઓ મને એકધારા તાકી રહ્યાં!
જાણે હું કઇંક છુપાવતો હોઉં,એવું તેમને લાગ્યું હોય એવું એમના ચેહરા પરના મનોભાવ પરથી લાગતું હતું.
ભગવતીકુમાર શર્મા લખે છે: મુશાયરામાં આસિમ સાહેબનો ક્રમ આવે એટલે શ્રોતાઓમાંથી
“લીલા…”,”લીલા…”ના પોકારો પડે તેનો હું સાક્ષી છું.
અમર પાલનપુરીના શબ્દોમાં આસિમસાહેબને શ્રદ્ધાંજલિ અર્પીએ.
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો “સરસ્વતીચંદ્ર”,
શ્રી કનૈયાલાલ મુનશીનાં “કાક-મંજરી”
શ્રી રમણભાઇ નીલકંઠનાં “ભદ્રંભદ્ર”
શ્રી તારક મેહતાનો “ટપુડો”
તેમ
શ્રી આસિમ રાંદેરીની “લીલા”ને
ગુજરાતી ભાષાના ખરા સાહિત્યરસિકો
ક્યારેય નહીં ભુલે…
વાર્તામાં કે નવલકથામાં એકાદ બે પાત્રો સર્જી
લેખક પોતાનું અને પોતે સર્જેલા પાત્રોનાં નામ
અમર કરી ગયાનાં ઘણાં ઉદાહરણો મળશે.
પણ…!
કવિતા,ગઝલ કે નઝમમાં વાર્તાનુરૂપ કાવ્ય લખનાર
શ્રી “આસિમ” રાંદેરી સિવાય કોઇ પણ શાયરનું નામ
હજુ સુધી મારા સાંભળવામાં આવ્યું નથી….
પ્રણામ છે એવા ગુજરાતનાં લેખક સપૂતોને
અને સલામ છે એમની કલમને.
તેમાંય શ્રી “આસિમ”ભાઇને તો ખાસ.
પ્રણામ “આસિમ”ભાઇ
સલામ “આસિમ”ભાઇ
“હમારે બાદ ઇસ મેહફિલમેં અફસાને બયાં હોંગે,
બહારેં હમકો ઢૂંઢેગી, ન જાને હમ કહાં હોંગે!”
ઊર્મિ said,
February 7, 2009 @ 11:24 PM
ઊર્મિ said,
February 7, 2009 @ 11:30 PM
ઘણા વર્ષો સુધી મેં આ લીટીને એમ જ સાંભળ્યા ને ગાયા કરી હતી કે- ” એ દરરોજ ભણતરના સમ લઈ રહી છે!” 😀
urvashi parekh said,
February 8, 2009 @ 12:11 AM
સરસ છે.
“લીલા”-આસિમ રાંદેરી « P R A S H I L said,
February 10, 2009 @ 8:03 AM
[…] “લીલા”-આસિમ રાંદેરી જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે (Courtsey: https://layastaro.com/?p=1701) […]
Naman Patel said,
April 28, 2010 @ 12:18 PM
hey frnds can u tell me the address of shree Aasim Randeri…………..
and from where i can get this book Leela…….
વિવેક said,
April 29, 2010 @ 12:40 AM
પ્રિય નમનભાઈ,
આસિમભાઈ હાલ જ્યાં રહે છે ત્યાં સદેહે જવું આપણા માટે શક્ય નથી. એ જન્નતનશીન થયા છે. પણ એમનું પુસ્તક સુરત ખાતે બુકવર્લ્ડ, કનકનિધિ એપાર્ટમેન્ટ, ગાંધી સ્મૃતિ ભવન સામેથી મળી રહેશે.
અભિષેક said,
August 13, 2010 @ 10:18 PM
આ ગીતના શબ્દો આપના નામની લીંક સાથે મારા બ્લોગ પર સંગીત સાથે મુક્યા છે. કોઇ વાંધો હોય તો મને તુરંત જાણ કરજો. હું ઘટતું કરીશ.
આભાર
કૃતેશ