ગઝલ – રાજેન્દ્ર શુક્લ
તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.
આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.
પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.
લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.
લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !
-રાજેન્દ્ર શુક્લ
કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!
ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…
(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)
pragnaju said,
February 22, 2009 @ 12:41 AM
સર્વાંગ સુંદર ગઝલ
ખૂબ સરસ
આપણા જીવનનું ધ્રુવ લક્ષ ઈશ્વરની પ્રાપ્તિ છે. ઈશ્વરની પાસે પહોંચવાનો અર્થ એવી અવસ્થાએ પહોંચવાનો છે જ્યાં આપણી શક્તિ, આપણું જ્ઞાન અને આપણો આનંદ તેમજ આપણું અસ્તિત્વ પરિપૂર્ણ બની જાય, તે વખતે આપણે સસીમ મટીને અસીમ બની જઈશું ને પ્રકૃતિ તેમજ ઈન્દ્રિયોની પર આપણું સ્વામીત્વ આવી જશે.
pragnaju said,
February 22, 2009 @ 12:43 AM
લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.
લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !
ખૂબ સરસ
KIRANKUMAR CHAUHAN said,
February 22, 2009 @ 1:28 AM
છંદમાં લયની મજા અને ઉત્તમ કાવ્યતત્વની પણ.
bharat said,
February 22, 2009 @ 2:49 AM
“આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી”
બાપુ, શુ વાત કહી દીધી!!!!!!!
-ભરત જોશી
ધવલ said,
February 22, 2009 @ 10:58 AM
પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.
સરસ !
sudhir patel said,
February 22, 2009 @ 1:19 PM
શ્રી રાજેન્દ્ર શુકલની પોતાની આગવી મુદ્રા ધરવતી સુંદર ગઝલ.
જોકે મત્લાના શેરમાં પૂરક તરીકે લેવાયેલ ‘આ’ ( આ જ્યારથી ) તેમજ ‘ગઝલ-આકારથી’ માં
‘ગઝલ’ શબ્દ ‘લગા’ ને બદલે ‘ગાલ’ તરીકે લેવાયેલ છે, તે ‘ગાલગા’ ની મૌશિકીમાં ખલેલ પહોંચાડે છે.
સુધીર પટેલ.
વિવેક said,
February 23, 2009 @ 12:10 AM
પ્રિય સુધીરભાઈ,
ગઝલનો ઉચ્ચાર ગ-ઝલ એમ કરવાને બદલે કવિએ અહીં ગઝ્-લ એમ પ્રયોજ્યો છે જે શાસ્ત્રીય દૃષ્ટિએ કદાચ યોગ્ય નથી જ. પણ રા.શુ.એ ઘણીબધી જગ્યાએ શબ્દના ઉચ્ચારણમાં આ પ્રમાણે છૂટ લીધી છે. કવિ જાતે પોતાનો દૃષ્ટિકોણ જાહેર કરે તો આ અંગે થોડો વધારે પ્રકાશ પડે…
પહેલા શેરની પહેલી કડીમાં ‘તું વહે વંશીને સૂર આ જ્યારથી’ જો મારે લખવાનું હોય તો છંદ જાળવવા અને ભરતીનો શબ્દ ખાળવા હું એમ લખી શકું કે ‘તું વહે વંશીના સૂરમાં જ્યારથી’, પણ કવિવરની કવિતાની બાની આપણા સહુ કરતાં કંઈક અલગ જ અને વિશિષ્ટ ભાત ઉપસાવનાર છે. રા.શુ.ની કવિતામાં ભાતીગળ શબ્દોનું જે વૈવિધ્ય છે એ ભાગ્યે જ કોઈ કવિમાં જોવા મળશે. આપણને ‘આ’ શબ્દ ભરતીનો લાગે પણ કવિ આ ભરતીના શબ્દ વડે મારી નજરે ‘તું’ અને ‘જ્યારથી’ પર વધારે વજન મૂકવા માંગતા હોય એમ લાગે છે…
ઊર્મિ said,
February 23, 2009 @ 3:24 PM
સુંદર ગઝલ…
આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.
વાહ… ખૂબ જ ગમ્યો આ શેર…
બ્લોગજગતમાં ઘણા વખતે છંદની તંદુરસ્ત ચર્ચા સાંભળવા મળી… 🙂
sudhir patel said,
February 23, 2009 @ 10:57 PM
પ્રિય વિવેકભાઈ,
આપના સવિસ્તાર જવાબ બદલ આભાર. શ્રી રાજેન્દ્ર શુકલ તો મુરબ્બી અને ઋષિ-કવિ છે અને એમની
પાસેથી ઘણું શીખવાનું પણ છે.
સુધીર પટેલ.
raeesh maniar said,
February 28, 2009 @ 12:53 AM
કવિવર રાજેન્દ્ર શુક્લના છન્દોવિધાન સામે આંગળી ચીંધવાનું મારું, વિવેકનું કે સુધીરભાઇનું ગજું નથી.. માત્ર ગઝલનો આનંદ લઇએ અને એના અર્થસંકેતો, ભાવ સંકેતો કે લયસૌંદર્ય માણવાનો પ્રયાસ કરીએ. પાંચ કે છ માત્રાના છન્દોમાં કવિ વાર્રંવાર ગાલ ની જગ્યાએ લગાનો પ્રયોગ કરી અરૂઝ્ના માપદંડ પ્રમાણે છંદ તોડે છે, પરંતુ લય સુંદર રીતે નિભાવે છે. આ બાબતે કવિ સાથે ઘણીવાર શિષ્યભાવે ચર્ચા કરી છે. કવિનું છન્દોવિધાન ભારતીય પરંપરા અને અરેબિક પરંપરાનું આગવું મિશ્રણ છે. ભાષા, નાદ અને લય ઉપરના કવિના અધિકારને જોઇ માત્ર આપણા કાન ખુલ્લા રાખી જ્ઞાનને આરામ આપવો વધુ યોગ્ય લાગે છે.
આઠ માત્રાના ગીતસદ્ર્શ છંદ માં ગાલલગાગા ની જગ્યાએ લગાલગાગા કે ગાલગાલગા વપરાતું આપણે વારંવાર જોયું છે.
કભી કભી યુંભી હમને અપને દિલકો બહલાયા હૈ
સાત રંગના સરનામે ન તુ આવી ના હું આવ્યો.
નિદા ફાઝલી – રમેશ પારેખ
આ ગઝલની વાત કરીએ તો મને લાગે છે કે પહેલા શેરમાં ‘આ’ નો સંકેત પોતાના દેહ કે અસ્તિત્વ માટે છે. એમ કરવાથી વિવેકે જે અર્થ સમજાવ્યો છે તે થોદો બદલાઇ જાય એ ખરું
કાવ્યની સંગીતાત્મકતામાં વર્ણોની પુનરાવૃત્તિ, લક્ષવિણ અને લક્ષવિધનો યમક અલંકાર, અનુરણન વગેરેનો ફાળો નોંધપાત્ર છે,
વીઝાની લાઇનમાં ન ઊભા રહેવા માંગતા આ કવિનું અદભૂત પઠન અમેરિકાના ચાહકો માટે સુલભ કરી આપવા વિવેક અને જયશ્રીને સૂચન કરું છું
વિવેક said,
February 28, 2009 @ 1:43 AM
પ્રિય રઈશભાઈ,
આવી મજાની અને વિસ્તૃત છણાવટ કરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર… ઇન્ટરનેટનો આ જ તો મોટો ફાયદો છે. અહીં મોકળી ચર્ચાને ખુલ્લો અવકાશ છે જે ચોપડીના પાનાંઓમાં નથી અને એથી જ મને લાગે છે જે જતે દિવસે ઇન્ટરનેટ એ ગુજરાતી ભાષાનું સાચું સરનામું બની રહેશે…
રા.શુ.ના કાવ્યપઠન વિશે અવશ્ય વિચારીશું.
hasmat tadha said,
March 31, 2009 @ 12:01 PM
I am salim_salas’s staff member. he always talk about you.
he says you are ginious.