વસંતગઝલ – રમેશ પારેખ
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
– રમેશ પારેખ
વસંતના આવવાની છટા તો દરેકે નિહાળી છે પણ માણસે-માણસે એની અનુભૂતિ ભિન્ન અને અભિવ્યક્તિ અલગ. આખું વર્ષ લીલાં પાંદડાં વેંઢાર્યા કરતો ગુલમહોર વસંત આવતાં જ નવી ચામડી પહેરવાનું આદરે છે અને ફાગણ આવતા સુધીમાં તો આખો લાલઘુમ્મ થઈ જાય છે… ગુલમહોરના મહોરવાની આ ઘટનાની નોંધ તો ગમે એટલો યંત્રવત્ માણસ પણ બેધ્યાનપણેય અચૂક લેતો હશે. ર.પા. લાલ-કેસરી રંગથી લચી પડતી આ ઘટનાને સાત શેરમાં સાત અલગ-અલગ રંગોથી મૂલવે છે. ઝાડ હેઠળ ઢંકાઈ જતા છાપરાંનો તોર જ માત્ર થોડો બદલાય છે, ફૂલ ખરીખરીને રસ્તા પણ તો આ ઋતુમાં જીવતા થઈ ઊઠે છે ! જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે અને આ તરફ કે પેલી તરફ રહેવાનું ભાન ભૂલાઈ જતાં સાથે વહી નીકળવાનું સોપાન સિદ્ધ થાય છે!
pradip sheth said,
February 19, 2009 @ 1:07 AM
ખુબ જ સુન્દર …ભાવનાનુ વ્યક્તિએ વ્યક્તિએ મુલ્ય અલગ અલગ હોય છે..દ્રશ્યનિ સમ્વેદના અલગ અલગ હોય છે.
સુન્દર ગઝલ મતે અભાર……
pradip sheth said,
February 19, 2009 @ 1:09 AM
ખુબ જ સુન્દર …ભાવનાનુ વ્યક્તિએ વ્યક્તિએ મુલ્ય અલગ અલગ હોય છે..દ્રશ્યનિ સમ્વેદના અલગ અલગ હોય છે.
સુન્દર ગઝલ માટે અભાર……
pragnaju said,
February 19, 2009 @ 9:23 AM
અહીં તો સ્નોમા પહેલા દર્શન થયા ક્રોકસના, કોઈ ટુલીપ-ડેફોડીલ પછી તો હાઈસીંથ,એલીઅમથી ભરાઈ જશે અમારો બગીચો-
પણ સાલે ખૉટ ગુલમ્હોરની-તે આજે વસંતની સવારે માણી!
રપાના સપ્તરંગી મેઘધનુષ જેવા સાતેય સુંદર શેરોમાં આ તો ખૂબ ગમ્યા
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
યાદ આવ્યાં…
ગુલમ્હોર શો મ્હોર્યા કરું છું એટલે
જિંદગીભરનો ઉનાળો તેં દીધો ?
સવારે બારી ખોલતા જ થાય છે દર્શન
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ,
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
એક ગુલમ્હોર આંખને કનડે કહુંને તું મળ
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે.
ઘરનો લગ્ન પ્રસંગ- કૉઈ પણ જાતના હાર ફૂલ ન મળે!
હાર-કલગી બાનાવી ગુલમ્હોરની,વર્ષો વીત્યા છતા હજુ
પણ ફોટામા એવીજ રોનક દેખાય છે
ગુલમ્હોરની!!
ધવલ said,
February 19, 2009 @ 6:57 PM
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
– બહુ સરસ ગઝલ !
kuldeep karia said,
February 24, 2009 @ 1:33 PM
રમેશ પારેખ ની આ ગઝલ પસંદ કરવા માટે વિવેકભાઇ ને ખુબ ખુબ અભિનંદન
PALASH SHAH said,
April 12, 2020 @ 5:56 AM
ખૂબ સુંદર વસંત કાવ્ય