આસિમ વિશેષ : ૫ : પરિચય – આસિમ રાંદેરી
ખરેખર ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે,
મુહબ્બતના, નિખાલસતાના જે જીવંત ચિત્રો છે.
સદા, એ મારા મિત્રોની મેં સાચી લાગણી જોઈ,
દુઃખી થાયે છે પોતે પણ મને આજે દુઃખી જોઈ.
નિહાળી અવદશા મારી દિલાસા આપતા રે’ છે,
અને ‘લીલા’ની ચાહતના ખુલાસા માંગતા રે’ છે !
ઘણી વેળા એ પૂછે છે, ‘તને શું છે પરેશાની ?
જીવનમાં તારા નીરસતા, નજરમાં તારી વેરાની ?
ભલા એવી મુહબ્બતમાં તને શું હાથ આવે છે ?
કે મુખમાં નામ ‘લીલા’નું નિસાસા સાથ આવે છે !
આ ‘લીલા’ કોણ છે, એની હકીકત તો કહે અમને,
છે કેવી બેવફા કે જે ભુલાવી દે છે પ્રીતમને !
હવે એ ક્યાં રહે છે, કોની સાથે છે જીવન એનું,
હવે કોની નજર અજવાળતું રે’છે વદન એનું ?!’
* * *
સુણો ઓ દોસ્તો મારા હું તમને ઓળખાણ આપું,
છે મારી જિન્દગી ‘લીલા’માં હું એનું પ્રમાણ આપું.
વસે છે મારી આંખોમાં રહે છે મારા અંતરમાં,
વધુ છે સ્થાન એનું મારાથી, મારા મુકદ્દરમાં.
નયન બિડાય છે ત્યારે અનોખું તેજ આવે છે,
સદા નીંદર મહીં સ્વપ્નું બનીને એ જ આવે છે.
ગુલાબી એ વદનથી કલ્પના રંગાઈ જાયે છે,
એ જ્યારે પ્રેરણા દે છે કવન સર્જાઈ જાયે છે.
ભુલાવી દે મને એવી પરાઈ થઈ નથી શક્તી,
કદી એનાથી એવી બેવફાઈ થઈ નથી શક્તી.
મુહબ્બત તો સફળ થઈ છે, ભલે સંસાર દુઃખમય છે,
હું એનો છું, એ મારી છે, અમારો આ પરિચય છે.
કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.
– આસિમ રાંદેરી
વ્યક્તિ-કાવ્યોનું ખેડાણ આપણે ત્યાં જૂજ થયેલું જ જોવા મળે છે. કલાપીના કાવ્યોમાં વ્યક્ત થતો શોભના અને રમા સાથેનો વાસ્તવિક પ્રણય-ત્રિકોણ કે રમેશ પારેખની છૂટીછવાયી સોનલ આના ઉદાહરણ છે. પણ આસિમ રાંદેરીએ ‘લીલા’ સાથે સાધેલો-બાંધેલો નાતો न भूतो, न भविष्यति જેવો છે. ખુદ આસિમસાહેબ જણવે છે કે ‘લીલા’કાવ્યોની પ્રેરણા એમણે કલાપીની ‘શોભના’ અને અખ્તર શીરાનીની ‘સલમા’માંથી લીધી છે. જો કે ‘લીલા’ એમને ક્યાંથી મળી અને એ વાસ્તવિક પાત્ર હતી કે માત્ર કલ્પના એ જાણવાનો ન તો આપણને અધિકાર છે, ન જરૂરિયાત. સાચા ભાવક માટે તો એ સ્થૂળ કૌતુક પણ નથી કેમકે એને તો નિસ્બત હોવાની ‘લીલા’ના અન્વયે આપણને પ્રાપ્ત થયેલા કાવ્યો સાથે. ‘લીલા’કાવ્યો એ આસિમ રાંદેરીની ઓળખ બની રહ્યા એ જ એમની સાચી ઉપલબ્ધિ. કવિસંમેલનમાં લોકો એમને જોઈને ‘લીલા…લીલા…’ની બૂમો પાડે એ દૃશ્ય ગુજરાતી સાહિત્યે અવારનવાર જોયું છે અને આવું બહુમાન બીજા કોઈ કવિએ કદી મેળવ્યું નથી એ વાતનું પણ એ સાક્ષી છે !
‘લીલા’ની ફરતે ફરતા રહેતા અગણિત કાવ્યો નિતાંત કથાકાવ્ય રચે છે જે લગભગ સાડાસાત દાયકા જેટલા પ્રદીર્ઘ સમયકાળમાં ટુકડે ટુકડે લખાયા હોવાથી એ સળંગ ન હોવા છતાં એકસૂત્રી ભાસે છે એ આસિમસાહેબની નકારી ન શકાય એવી સિદ્ધિ છે. અહીં ‘લીલા’ સાથેના પ્રથમ મિલનથી શરૂ કરી પ્રેમના અંકુરણ, કોલેજના દિવસો, પ્રેયસીની વર્ષગાંઠ, પ્રણયભંગ, પ્રેયસીના અન્ય સાથેના લગ્ન, એની કંકોતરી, વર્ષો પછીનું પુનઃમિલન અને એમ પ્રણયના જીવનકાળમાં ઉપસ્થિત થતા તમામ પ્રસંગો નઝમ-ગઝલ સ્વરૂપે પ્રકટ થાય છે.ક્યારેક ઘટનાતત્ત્વમાંથી કાવ્યસત્ત્વ ખરી પડતું પણ જણાય છતાં ઉત્કટ, એકધારા અને અવિનાશી પ્રેમની ગુલાબી અનુભૂતિ ક્યાંય મોળી પડતી નથી… કવિએ લીલાને એટલી બખૂબી ચિતરી છે કે ભાવક આ પાત્રને વાસ્તવિક માન્યા વિના રહે જ નહીં અને સાહિત્ય જ્યારે તાદૃશીકરણની આવી કળાને સિદ્ધ કરી બતાવે ત્યારે જ સાર્થક થાય છે…
‘લીલા’નું રહસ્ય અકબંધ રાખી વિદાય લેનાર જનાબ આસિમસાહેબ પોતે લીલાનો પરિચય કરાવે તે કેવો હોય એ આ નઝમના સ્વરૂપમાં જ માણીએ…
kantilalkallaiwalla said,
February 8, 2009 @ 8:07 AM
Congratulations and respects to Janabeali Randeri Saheb for taking secret (who was Lila) with him.To keep anything secret for any one is the big achievements of life.
ઊર્મિ said,
February 8, 2009 @ 3:50 PM
સાચી વાત છે… એમનાં કાવ્યોની પંક્તિએ પંક્તિએ અને અક્ષરે અક્ષ્રરે ધબકતી લીલામાં જો દરેક ભાવકને ‘લીલા જરૂર એમની જીવંત પ્રેરણામૂર્તિ જ હશે’ જેવી અનુભૂતિ થાય… તો એ વાત જ કવિની કેટલી ઊંચી કક્ષાની સફળતા કહેવાય… એ કેટલું ઊંચી કક્ષાનું અને સાર્થક કવિકર્મ કહેવાય…!!
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.
આટલું આપણને જ્યારે કવિ કહે એટલે આપણે એટલું તો જરૂર સમજી લેવું જોઈએ કે ‘લીલા’ માત્ર એમનાં કાવ્યોમાં શોધવાથી નહીં મળે… એના માટે આપણે બે પંક્તિ વચ્ચેની ખાલી જગ્યામાં સહેજ તો ઉતરવું જ પડશે.
ફરી એકવાર સુંદર મજાની રચના વહેંચી… આભાર દોસ્ત!
pragnaju said,
February 8, 2009 @ 10:39 PM
મુહબ્બત તો સફળ થઈ છે, ભલે સંસાર દુઃખમય છે,
હું એનો છું, એ મારી છે, અમારો આ પરિચય છે.
કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.
આ ફ રિ ન
દક્ષેશ said,
February 9, 2009 @ 12:50 PM
બંને ગઝલો પોતપોતાની રીતે તો સુંદર છે જ પરંતુ સાથે વાંચીએ, એકના ઉત્તર રૂપે બીજી વાંચીએ ત્યારે જલસો થઈ જાય છે.
હવે એ ક્યાં રહે છે, કોની સાથે છે જીવન એનું,
હવે કોની નજર અજવાળતું રે’છે વદન એનું ?!’
ના જવાબ રૂપે
કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.
એ પ્રણયની કેટલી ઊંચાઈ બતાવી જાય છે. આધ્યાત્મિક સાહિત્યમાં એવું કહેવાય છે કે જે ઈશ્વરની આરાધના કરે એ અંતે ઈશ્વરસદૃશ બની જાય. એ જ રીતે અહીં લીલા ક્યાં છે એનો જવાબ કેટલો લાજવાબ છે. ખરેખર શબ્દના માધ્યમથી પ્રેમના ઉંડાણનો આનાથી સુંદર પુરાવો બીજો શું હોઈ શકે ?
zakal said,
February 10, 2009 @ 1:06 AM
આસીમ રાંદેરી
ગુજરાતી ગઝલોને ધરે ધરે વાગતી અને સંભળાતી કરવાનો શ્રેય જો મનહર ઉદાસને આપીએ તો મનહર ઉદાસની દરેક મહેફીલમાં અચૂક ગાવામાં આવતી રચના હોય તો તે છે…. ‘‘કંકોતરી’’
આસીમ સાહેબે લખેલી કંકોતરી, અને જૂઓ લીલા કોલેજમાં જઇ રહી છે… એ બે ગઝલો (કે નઝમો) યુવા પેઢીમાં એટલી હદે લોકપ્્રિય હતી કે જેની કોઇ કલ્પના પણ ના કરી શકે…
અંદાજીત ૧૯૨૫ ની આસપાસ લખાયેલી જુઓ લીલા કોલેજ… માં જે શાલીનતાથી લીલાના સૌદર્યનું વર્ણન કરવામાં આવેલ છે તે અદભૂત છે, આ ગઝલ મનહર ઉદાસના અવાજમાં સાંભળતી વખતે નજર સમક્ષ લીલા નું ચિત્ર ઉભુ થાય છે.
કંકોતરી પણ એટલી જ સરસ છે, મનહર ઉદાસના લાઇવ કાર્યક્રમમાં જો આ ના હોય તેવું ના બને અને આ ગઝલમાં જે શ્રોતાઓનો પ્રતિશાદ આવે છે પણ અદભૂત હોય છે. (મને ગાંધીનગરમાં મનહર ઉદાસને સાંભળવાની ૪-પ વાર તક મળી છે )
કોલેજકાળમાં અને આજે પણ ધણીવાર મનહર ઉદાસની કેસેટ સાંભળીતી વખતે આ બે અચૂક સાંભળીએ છીએ.
– ઝાકળ
DARSHIT ABHANI said,
July 24, 2015 @ 2:44 AM
ગુલાબી એ વદનથી કલ્પના રંગાઈ જાયે છે,
એ જ્યારે પ્રેરણા દે છે કવન સર્જાઈ જાયે છે.
વાહ …