ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2007

ઝાકળના તાજા ટીપાંઓનાં સપ્તાહ…

પુષ્પની પાંખડી પર વહેલી પરોઢે જામતા ઝાકળનાં ટીપાં જેટલી તાજગી સૃષ્ટિમાં બીજે ક્યાંય વર્તાતી જોવા મળે ખરી? વાતાવરણમાં આખી રાત ઘૂંટાયા કરેલ ભેજ થોડો સ્થિર થાય ત્યારે પાંદડીને એક તાજી ભીનાશનું સરનામું બનવાની ધન્ય ક્ષણ સાંપડે છે. તાજી નાહીને નીકળેલ સુંદરી માટે આપણે સદ્યસ્નાતા શબ્દ વાપરીએ છીએ, નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? આખી રાત સરસ્વતીના વરદાનનો ઘૂંટાતો રહેલો ભેજ શબ્દનું ઝાકળ બનીને જ્યારે કાગળ પર ઉતરે છે ત્યારે એક સદ્યશબ્દેલ કવિનો જન્મ થાય છે.

પ્રતિદિન એક નવી કવિતાના ન્યાયે ‘લયસ્તરો’ પર ગુજરાતી ભાષાના ત્રણસોથી વધુ દિગ્ગજ તથા નવોદિત કવિઓની કલમે સર્જાયેલી લગભગ સાડી આઠસો જેટલી સબળ કૃતિઓ આજે ‘માઉસ’ની એક ક્લિક્ માત્ર પર હાજર છે. અવારનવાર તરોતાજા કવિઓની રચનાને પણ યથાર્થ ન્યાય આપવાની અમારી કોશિશ રહી છે. પરંતુ ‘ફૉર અ ચેઈન્જ’ આ બે સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત. તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…

-લયસ્તરો ટીમ

Comments (10)

ગીત – હિતેન આનંદપરા

એય… મારી પાસે ન આવ
સાચકલી ખોટકલી વાતો ન કર
આંખોમાં આમ રાતવાસો ન કર
મને ભોળીને નાહકનું આમ ના સતાવ

દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
નજરોને જોરૂકી થઈને ન વાળું તો, કોણ જાણે શું થાતું સ્હેજમાં
અણદીઠા સાગરમાં કર ન ગરકાવ

રાતાં રાયણ જેવાં સપોલિયાં ભીંસે-ની લાગણીનું નામ લખું સ્પર્શ
મરજાદી તુલસીના ક્યારામાં માંડ મેં તો સાચવ્યાં છે સોળ સોળ વર્ષ
લચકેલી ડાળીને આમ ના નમાવ

ટળવળતા શ્વાસોને ઝૂલવાનું કે’ એ પહેલાં હકનો હિંડોળો તો બાંધ
આભ લગી ઊડવાના કોલ તો કબૂલું, પણ સગપણની પાંખો તો સાંધ
ત્યાર લગી રમવો ના એક્કેય દાવ

– હિતેન આનંદપરા

પ્રેમમાં પડતી ષોડ્ષીના ગીતો તો આપણી ભાષાના ખજાનામાં કંઈ કેટલાય મળી આવે. પણ આ ગીત તમે એના મધુરા લય સાથે વાંચો ત્યારે ફરીને પ્રેમમાં પડવાનું કે પાડવાનું મન થઈ આવે એવું મજાનું છે. ઉજાગરા માટે આંખોમાં રાતવાસો જેવો મજાનો શબ્દપ્રયોગ કરીને કવિ હિંચકાની હીંચ જેવો હળવો ઉપાડ લે છે. પ્રિયતમની દૃષ્ટિ માત્રથી અંગમાં અનંગના એવા દરિયા તોફાને ચડે છે કે જોરૂકા થઈ નજરોને વાળવી પડે છે નહીંતર જેમાં ગરકાવ થવા માટે મન સદૈવ આતુર જ છે, એવા અણદીઠા પ્રેમસાગરમાં ગરકાવ ન થઈ જવાય ! લચી પડેલી ડાળીને વધુ નમાવવાની વાત હોય કે પછી હકનો હિંડોળો બાંધવાની વાત હોય કે એક્કેય દાવ ન રમવાની વાત હોય, નાયિકા અહીં ના-ના કરીને હા-હા જ કરી રહી છે અને એ નકારમાં છુપાયેલો હકાર જ તો આ ગીતનું ખરું સૌંદર્ય છે.

Comments (4)

ગઝલ – સરૂપ ધ્રુવ

આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.

ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.

કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.

દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.

અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?

કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.

-સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શેર વિશે વાત કરવી એ બાકીના શેરનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)

Comments (7)

વાસના – ગોવિન્દ સ્વામી

(સ્વતંત્ર સૉનેટસ્વરૂપ, છંદ: પૃથ્વી, ચોથી પંક્તિ: પૃથ્વીતિલક)

પ્રસુપ્ત અહિરાજ આહ ! દઈ ડંખ ચાલ્યો ગયો.
રગેરગ મહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે
બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિઃસ્ત્રવે.
ન હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે
ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.
હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા
વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,
પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની જ દોડી ગયો.

હવે ન કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.
સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.
જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;
વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.

ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.
હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે !

-ગોવિન્દ સ્વામી

અમદાવાદના ગોવિંદભાઈ વાડીભાઈ સ્વામી આયુર્વેદની પદવી ધરાવતા અને વૈદક કરતા હતા. ‘ફાલ્ગુની’નામના ત્રિમાસિકના તંત્રી હતા. (જન્મ:૦૬-૦૪-૧૯૨૧, મૃત્ય:૦૫-૦૩-૧૯૪૪; પુસ્તક: “મહાયુદ્ધ” (પ્રજારામ રાવળ સાથે), મરણોત્તર કાવ્યસંપાદન: “પ્રતિપદા” (ઉમાશંકર જોશી, સુન્દરમ્ અને પ્રજારામ રાવળ દ્વારા)
સર્પ આપણે ત્યાં કામ-વાસનાનું પ્રતિક મનાય છે. વાસનાનો સૂતેલો સાપ અચાનક ડંખ દઈ જતા રગેરગમાં જે ઝેર પ્રસરી ગયું એનાથી આખું શરીર ભાંગી પડ્યું. ન તો નીલકંઠની જેમ એ ઝેરને ગળામાં અટકાવી શકાતું કે નથી એમની જેમ ત્રીજું નેત્ર ખોલીને કામદેવ નામના સાપને બાળીને ભસ્મ કરી શકાતો. લીલું ઘાસ અને ખુશ્બૂદાર પુષ્પોભર્યા વનમાં વિહાર જાણે સૂતેલી વાસનાને જાગૃત કરતા સંજોગોનો નિર્દેશ કરે છે. વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?

કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું બતાવીને પણ કવિએ સૉનેટને ધાર બક્ષી છે.

(પ્રસુપ્ત=સૂતેલું, અહિરાજ=સાપરાજ, વિષદ=સાપ, કાલકૂટ=સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ ઝેર જે શંકરે પીધું હતું અને ગળામાં અટકાવી રાખ્યું હતું જેના કારણે એ નીલકંઠ તરીકે ઓળખાયા.)

Comments (3)

આભમાં – મણિલાલ દેસાઈ

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

આ ગીત કાનથી વાંચવાનું ગીત છે.  ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

Comments (5)

કવિતા – પન્ના નાયક

મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.

સાવ અચાનક.

મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.

મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો

છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.

– પન્ના નાયક

Comments (2)

ઓળખ – શકીલ કાદરી

એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.

– શકીલ કાદરી

Comments (10)

ગઝલ – બાલુભાઈ પટેલ

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

-બાલુભાઈ પટેલ

ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!

(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)

Comments (5)

ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)
(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્)

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે.

નર્મદા નદીના શાંત સૂતેલા જળ – સ્તનયુગ્મની જેમ- ઊંચાનીચા થાય છે અને સ્તન પરનો તલ પણ છાતીની સાથે જેમ પડે-ઊપડે એમ કવિની નાવ પણ ધીમીધીમી હાલકડોલક થાય છે. દૂર કિનારે ધુમ્મસમાં હજી વૃક્ષો ઊંઘી રહ્યા છે અને સ્વપનમાં જેમ સુંદરી મીઠું મલકે એમ નર્મદા શોભી રહી છે. માથે ઊગેલી ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે છુપાઈ રહી છે. અને સૌંદર્યઘેલો થઈ બીડાતા કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો જેમ નાજુક પગલે ડોલે એમ આ પવન ધીમો-ધીમો વાઈ રહ્યો છે.

ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદો બોલે છે જાણે કે આ ડોલતી ગતિ પર બીનના તાર મંદ-મંદ સજાવી રહ્યા છે. સૃષ્ટિના આ પ્રસ્ફુટ અપાર સૌંદર્યમાં આળોટતી વેળાએ આ ભણકારા શેના થાય છે? પ્રકૃતિના હૈયામાંથી જાણે રજનિ સરતી હોય, કે નર્મદાના વ્હેણમાંથી કોઈ અગમ વાણી ફૂટતી હોય, ચાંદની રાતે આકાશગંગામાંથી જાણે ચાંદીની રજ સરી રહી હોય કે ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યા છે ત્યારે કવિના અંતરમાં છાનીછપની કંઈક એવી જ ભીની-ભીની બાની નીતરી અર્હી છે, નીંગળી રહી છે… કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર કવિએ પોતાને ઉદ્દેશીને અહીં આપ્યો છે. (‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો 1890 પછીથી એમણે ત્યાગ કરી દીધો હતો.)

(દ્રુમો=વૃક્ષો, સુહાવે=શોભે, વારિ=પાણી, નિજ=પોતાનું, કાંતિ=તેજ, જ્યોત્સ્ના=ચાંદની, અલિ=ભમરો, પદે=પગલે, લવું=લવારા કરવા, સ્વર્ગંગા=આકાશગંગા, રજત=ચાંદી, ફેન=ફીણ, વિમલ=શુદ્ધ)

Comments (9)

સુધન – હરનિશ જાની

ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.

હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”

લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)

Comments (14)

ગઝલ – હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” હિતેન આનંદપરાને એનાયત કરાયો છે. આ પ્રસંગે એમની એક સુંદર ગઝલ… ગાલ પરના ખંજનોને ટેરવાંનો સ્પર્શ ગણવાની કલ્પના પોતે જ કેટલી રૉમેન્ટિક છે ! અને તું બધીયે વાતનો સંદર્ભ છે વાળી વાત પણ ખૂબ ગમી જાય એવી છે. “શયદા પુરસ્કાર” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હિતેનભાઈ!

Comments (7)

ગૌરવ – દિનેશ કોઠારી

ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમતો વગડાઉ તોય ફૂલ છું,
કાંટો નથી.

-દિનેશ કોઠારી

Comments (5)

તને – ખલીલ ધનતેજવી

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

– ખલીલ ધનતેજવી

કેટલીક પરંપરાગત ગઝલ પરંપરાને અકબંધ રાખીને એને અતિક્રમી જતી હોય છે. આ એવી જ એક ગઝલ છે. વિષય તો ગઝલનો સૌથી જૂનો વિષય છે. પણ કેવા મઝાના શેર કર્યા છે એ તો જુઓ… પહેલો જ શેર દિલ જીતી લે એવો થયો છે. મૌનની મસ્તીથી રંજાડવાની વાત પણ સરસ રીતે આવી છે. કવિ ‘યાદ વળગાડું તને’ જેવો પરાણે મીઠો લાગે એવો પ્રયોગ પણ સહજતાથી કરે છે. ‘ઘર નથી’માં ચમત્કૃતિ છે. અને છેલ્લો શેર વિવિધ રીતે મૂલવી શકાય એવો થયો છે.

Comments (11)

થોડીક વારમાં – કાસા

મને એવું સપનું આવ્યું
કે મેં મારી જ સામે
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ.

-કાસા
(અનુ. સુરેશ દલાલ)

Comments

કવિ રઈશ મનીઆરના અમેરિકામાં કાર્યક્રમો

સુરતના કવિ રઈશ મનીઆર આજકાલ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. એમના કાર્યક્રમો આજથી શરૂ થઈ રહ્યા છે. એમના કાર્યક્રમની રૂપરેખા અને સંપર્કની માહિતી આ સાથે છે.

  • હ્યુસ્ટન -15, 16 સપ્ટેમ્બર. દીપ માલી: (832) 265-2026
  • ફિલાડેલ્ફીયા-21 સપ્ટેમ્બર. કિશોર દેસાઇ: (215) 272 0152
  • ડેટ્રોઇટ-22 સપ્ટેમ્બર. ચન્દ્રેશ ઠાકોર : (248) 344-7895
  • ન્યુ જર્સીમાં એક કાર્યક્રમ 6 ઓક્ટોબરે યોજાવાની શક્યતા છે. સંપર્ક: શ્રી આદિલ મંસૂરી (201) 868-6991
  • આ ઉપરાંત કાર્યક્રમો બોસ્ટન અને એટલાંટામાં યોજાવાની શક્યતા છે. એટલાંટા કાર્યક્ર્મ માટે તમે મારો -ધવલ શાહ (mgalib@hotmail.com) – સંપર્ક કરી શકો છો. તારીખ / સ્થળ નક્કી થયે હું અહીં વધુ માહિતી મૂકીશ.

રઈશભાઈનું ઈ-મેલ એડ્રેસ amiraeesh@yahoo.com છે.

Comments

ખબર છે તને ? – મુકુલ ચોક્સી

(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી

આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…

Comments (9)

આ જિંદગીયે…. – આદિલ મન્સૂરી

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

-આદિલ મન્સૂરી

‘અમેરિકન ફેડરેશન ઑફ મુસ્લિમ ઑફ ઈન્ડિયન ઑરીજીન’ના ઉપક્રમે ઉર્દૂ-ગુજરાતીના જાણીતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરીને “લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” એનાયત થયો એ હકીકતે તો પુરસ્કારનું જ બહુમાન થયું છે. કવિશ્રીને અભિનંદન કે શુભેચ્છા પાઠવવા માટે “લયસ્તરો”ના હાથ ખૂબ નાના છે, છતાં મોકળા મને આ મોટા ગજાના આદમીને અમારી અદની શુભકામનાઓ… આ મુબારક મોકાને એમની જ કાવ્યપંક્તિથી બિરદાવવો હોય તો આ જ ગઝલની આ પંક્તિઓ વાપરી શકાય ને? –બધાય પંથ વળી જાય છે તમારી તરફ, તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

Comments (15)

ગઝલ – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

-અશરફ ડબાવાલા

સરહદપારના કવિઓમાંથી ઊઠતા એક અગ્રિમ અવાજનું બીજું નામ એટલે અશરફ ડબાવાલા. મૂળે ગુજરાતના અમરેલીમાં જન્મેલા, વ્યવસાયે તબીબ અને શિકાગો-અમેરિકામાં સ્થાયી. “શિકાગો આર્ટ્સ સર્કલ”ના સ્થાપક. ગીત, ગઝલ અને અછાંદસ પર એમની ખાસ હથોટી છે. એમની કાવ્યશક્તિનું હાલમાં જ યોગ્ય મૂલ્યાંકન “કલાપી પુરસ્કાર” વડે સન્માનિત કરીને કરવામાં આવ્યું છે. લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન…

(જન્મ તારીખ: ૧૩-૦૭-૧૯૪૮, કાવ્યસંગ્રહો: “અલગ”, “ધબકારાનો વારસ”)

Comments (20)

દરિયાઈ શંખ – ડીક સટફેન

સદીઓ સુધીનો પુરાયેલો
દરિયાનો ઘૂઘવાટ –
દિવાલોમાં શંખલાની …

એને મેં ધર્યું
મારે કાને
અને તેણે
પડઘા પાડ્યા
તારા નામના.

– ડીક સટફેન
(અનુ. સુરેશ દલાલ)

Comments (6)

કોઈ નજરું ઉતારો… – દીવા ભટ્ટ

કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…

સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…

મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…

સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…

સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…

– દીવા ભટ્ટ

કવિએ ‘દેખાય લીલુંછમ લીલુંછમ‘ નો એવો જાદૂભર્યો પ્રયોગ આ ગીતમાં કર્યો છે કે બધી પંક્તિઓને સોનાવરણી કરી નાખી છે. ‘દેખાય લીલુંછમ’ કાઢી નાખો તો બધા કલ્પનો પહેલા સાંભળેલા જ લાગે પણ આખી રચના વાંચો તો તરબતર થયા વિના રહેવાય નહીં એટલો સરસ પ્રયોગ થયો છે. કવિ ઉપાડ જ અદભૂત કરે છે… કહે છે કે મારા મનની નજર ઉતારો કારણ કે મને બધું લીલુંછમ દેખાય છે ! આ Self deception થી શરુ કરીને, self destruction ના અંશ (પાણી દેખાય લીલુંછમ) બતાવીને, છેવટે self realization (પાનું દેખાય લીલુંછમ) સુધીની સફર કવિ તદ્દન સહજ રીતે કરાવે દે છે. છેલ્લે વાંચનારના દિલને લીલુંછમ થવા સિવાય કોઈ છૂટકો જ રહેતો નથી !

Comments (6)

ખેલૈયો – પલ્લવી ભટ્ટ

હસ્તરેખાઓમાં રેખાયું છે ઘણુંઘણું,
વાસરપોથી ઉકેલનારે, કંઈક પ્રગટ-અપ્રગટ
વાચ્ય-અવાચ્ય વચ્ચે ગૂંથ્યું છે ગૂંફન …
રોજ રોજ ઉકેલાતા ભાવિને પણ …
અકથિત રહેવું ઘટે… સહદેવક્ષણે…
ક્ષણ… પ્રમાણ… ઘટના બધું જ અગોચર,
બે બિન્દુ વચ્ચે મૂકી છે
અલ્પ સમજ
દાવ જે આવે
માત્ર ખેલૈયો જ બનવું…

– પલ્લવી ભટ્ટ

જીવનની બાજીને રમી લેવા સિવાય આપણો એના પર કોઈ હક નથી. વિતેલી કે આવનારી ક્ષણો તો આપણી પહોંચની બહારની વાત છે. હાથમાંથી સરી જતી સમયની રેતીને બે ઘડી રમાડી લેવી એ જ આપણો તો ખરો ખેલ છે !

Comments (3)

કેળવણી – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

એક ખીલીને
ભણવા બેસાડી…
ગ્રેજ્યુએટ થઈને આવી
ત્યાં સુધીમાં તો

સ્ક્રૂ બની ગઈ !

– જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

આ કવિ વિષે મને કાંઈ ખબર નથી. અને આ કવિતા ક્યા સંદર્ભે લખી છે એ પણ ખબર નથી. પણ કવિતા એટલા બધા વિવિધ અર્થ -હકારાત્મક અને નકારાત્મક બન્ને- નીકળી શકે છે કે એ તરત જ વિચાર કરવા મજબૂર કરી દે છે. માણસને ‘ખીલી’ માંથી ‘સ્ક્રૂ’ બનાવી દે એ કેળવણી – કેટલી નવી વાત છે !  કેળવણી વિષે તો અઢળક લખાયું-વિચારાયું છે … આવા ‘ચવાઈ ગયેલા’ વિષય પર અને તે પણ માત્ર સવા પાંચ લીટીમાં માણસને વિચારતા કરી દેવો એ પોતે પણ એક સિદ્ધિ છે.

Comments (9)

ગઝલ – રઈશ મનીઆર

(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)

હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.

આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.

ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.

મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.

ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.

જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.

હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો

સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.

-રઈશ મનીઆર

માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.

Comments (5)

ભમરો – પ્રદ્યુમ્ન તન્ના


(લીમડાની એક ડાળ મીઠી…       … ચિત્રાંકન: પ્રદ્યુમ્ન તન્ના)

બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !

પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ફટ્ ભૂંડી ! હું છળી મરું ને તમીં હસો ફરી આડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

– પ્રદ્યુમ્ન તન્ના

જે દિવસે સૌપ્રથમવાર પ્રદ્યુમ્ન તન્નાનું એક ગીત વાંચ્યું એ જ દિવસથી એમના તરફ અનોખો પક્ષપાત થઈ ગયો. અને કેમ ન થાય? આ એક સાવ સરળ સીધ્ધું-સટ્ટ ગીત જ જોઈ લ્યો ને ! આ ભાષાના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… ખરું ને ?

Comments (4)

તારી શેરી – હર્ષદ ચંદારાણા

જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર છે થાકવું.

તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
જેમ અવકાશમાં હોય છે ચાલવું.

તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે,
લોહ-ચુંબક સુધી લોહ માફક જવું.

તારી શેરી જ છે કેન્દ્ર બ્રહ્માંડનું,
સૂર્યના તેજનું સાવ ઝાંખું થવું.

એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.

-હર્ષદ ચંદારાણા

પ્રિયતમાની શેરીમાં જવાની વાત પણ જુદી-જુદી કેટલી રીતે -ખાસ તો ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં- મમળાવી શકાય છે તે જોવા જેવું છે. અગાઉ આજ રીતે એક ગઝલ (અમર પાલનપુરીની) આપણે મકાન વિશે માણી હતી એ પણ અહીં જોવા જેવી છે.

Comments (4)

ત્રણ ગોળીઓ – કીર્તિકુમાર પંડ્યા

આ દેશમાં
ગાંધી-હ્રદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.

– કીર્તિકુમાર પંડ્યા

Comments (10)

દોસ્ત – મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

– મુકુલ ચોકસી

આજે જ ધ્યાન પર આવ્યું કે આ ગઝલ તો લયસ્તરો પર છે જ નહીં. આ ગઝલની ઓળખાણ મોટા ભાગના લોકોને એના છેલ્લા શેર પરથી હોય છે, જે ઘણો જાણીતો છે. પણ એટલા જ સરસ શેર જીરવી શકાશે… અને દરિયા-પહાડ-આભ... પણ થયા છે. જે પ્રેમ આખી દુનિયામાં ક્યાંય ન સમાય એ પ્રેમને નાની ચબરખીમાં સમાવવાના જાદૂની વાત કવિએ અદભૂત રીતે કરી છે !

Comments (7)

ગઝલ – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી

વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.

Comments (9)

નિર્માણ – પ્રીતમ લખલાણી

લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !

– પ્રીતમ લખલાણી

આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.

Comments (2)

ગઝલ – ગૌરાંગ ઠાકર

(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

-ગૌરાંગ ઠાકર

થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!

Comments (25)