તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથી યે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

– ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीराँ है मयकदः[1] ख़ुमो-सागर[2] उदास हैं
तुम क्या गये कि रूठ गए दिन बहार के

इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार[3] के

दुनिया ने तेरी याद से बेगानः कर दिया
तुम से भी दिलफ़रेब[4] हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
मत पूछ वलवले दिले-नाकर्दःकार[5] के

शब्दार्थ:

↑ शराबघर
↑ सुराही और जाम
↑ ईश्वर, ख़ुदा
↑ दिल को धोखा देने वाले
↑ अनुभवहीन हृदय

Comments (7)

ગઝલ- હરીન્દ્ર દવે

બંનેમાં વેદના છે; હું તારી નિકટ કે દૂર,
જુદા છે સાજ, એકનો એક જ વહે છે સૂર.

તારી કૃપાનું કેવું સનાતન ધસે છે પૂર,
ઓઝલ લગાર આંખથી,કહી દઉં છું તને ક્રૂર.

વચ્ચે છે ભારે મૌનનો સાગર છતાં, પ્રભુ,
લાગે છે કે લગારે ગયો છું હૃદયથી દૂર ?

વનરાજીમાં તો કૃષ્ણ નથી, માત્ર કાષ્ઠ છે,
નક્કી કદંબવનથી અમે સાંભળ્યો’તો સૂર.

કોઈને કંઈ દીધું કે લીધું ? કંઈયે યાદ ના,
લૈ કોરી પાટી આવી ગયો, આપની હજૂર.

-હરીન્દ્ર દવે

Comments (5)

ગઝલ-હરીન્દ્ર દવે

સુખ કેટલું હતું તે સમીપતાના ખ્યાલમાં,
આવી શકી ન જે આ મુકદ્દરની ચાલમાં.

સદીઓ વીતી છે, એમને ઝૂર્યા કરું છું હું,
લાગે છે એ મળ્યા’તા હજી આજકાલમાં.

એના જવાબના બધા સંકેત સ્પષ્ટ છે,
શબ્દોને ગોઠવી નથી શકતો સવાલમાં.

ઘાયલ કરી ગયાં છે એ તીરોનો શો કસૂર,
છિદ્રો અદ્રશ્ય હોઈ શકે મારી ઢાલમાં.

મારો જ મેળ મળતો નથી, કોને શું કહું ?
ખામી કશીયે ક્યાં છે આ દુનિયાના તાલમાં.

-હરીન્દ્ર દવે

Comments (6)

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]

પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.

Comments (10)

કવચ – હરીન્દ્ર દવે

તમે શરસંધાન કરો છો ?
તો જરા ખમો,
મને મારું કવચ ઉતારી લેવા દો.

મારા પડછાયામાં
પતંગિયું સૂતું છે:
હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું ?

દીવાલો ટેવાઈ છે ગણેલા ચહેરાઓથી
માપેલાં સ્મિતોથી,
દરવાજો ખૂલતાં જ
ત્રણ દીવાલો ધસી આવે છે
એની પશ્ચાદભૂમિમાં રહેલી વ્યક્તિ
ચોથી દીવાલ બનીને ઊભી રહે
ત્યારે રંગભૂમિ તો નથી જ રચાતી.

શૂન્ય દ્રષ્ટિઓની ગીચ ઝાડીમાં
ક્યાંય દેખાતી નથી અદ્રષ્ટની કેડી.

કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર,
ઓછી થતી નથી.
આ દુનિયા સાથે સમાધાન પર આવવું
અસંભવિત ભલે ન હોય,
અશક્ય જરૂર છે.

ના,
તમે શરસંધાન નહીં,
શબ્દસંધાન કરો છો :
મારી બરછટ ત્વચા પરથી તો એ
પથ્થર પરના પાણીની જેમ સરી જશે.
ચાલો, ત્વચાને ઉતરડી
થોડાંક મર્મસ્થાનો પ્રગટ કરું.

હું હસું છું
કારણકે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણકે ચૂપ રહેવાનો થાક છે.
ચાલુ છું
કારણકે અગ્નિનું રહસ્ય
મને સમજાયું નથી.
મારી આસપાસ ઘૂમે છે,
પૃથ્વી,બ્રહ્માંડ.
અને હું સ્થિર થવાનો કીમિયો શોધવા
કીમિયાગરનાં ચરણ તળાસું છું.

હવે વાર કરવામાં વાર શેની છે ?
કલ્પનામાં વીંઝાતો હાથ
સાચેસાચ વીંઝાય ત્યારે
હું ચિત્કાર કરીને કહીશ :
‘હું જીવતો નથી.’

-હરીન્દ્ર દવે

ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે જેટલી વિશાળ range ભાગ્યે જ કોઈ સર્જકની હશે. આ અછાંદસ paradox દ્વારા તીવ્ર અભિવ્યક્તિ જન્માવે છે. વિરોધાભાસ જયારે સત્યને વધુ સચોટ રીતે પ્રકટ કરી શકે ત્યારે કવિ તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરતા હોય છે. Walt Whittman નું કથન છે – ” Do I contradict myself ? Very well, then I contradict myself, [ I am large, I contain multitudes. ]

કાવ્ય પ્રમાણમાં સરળ છે. આ કાવ્ય ત્રણ અછાંદસ સ્તોત્રોમાંનું પ્રથમ કાવ્ય છે. સમયાંતરે બાકીનાં બે પણ પ્રસ્તુત કરીશ.

Comments (5)

ચરખો – શાહ હુસેન – અનુ. હરીન્દ્ર દવે

ચરખો ચાલે ને મારાં નયણાં ઝરે
પાસેનું ધુમ્મસ થઇ ધૂંધળું દેખાય
ઓલી આઘેની સૂની વાટ લોચન ઠરે.

ચરખાનો તાર વારે વારે તૂટે છે
મારે નયણે અખંડ વહે ધાર,
ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
મારાં આંસુનો એકધારો તાર.

આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
હવે વીતી ગઈ આખી બારમાસી,
આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
મારો પથરાયો જીવ આ ઉદાસી.

કોટડીમાં એક તો દીવો નથી ને
વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
મારા જીવનની રહીસહી ઝાંય.

-શાહ હુસેન

શાહ હુસેન પંદરમી સદીના પંજાબી સૂફી સંત-કવિ હતા. તેઓ ‘કાફી’ શૈલીના જનક ગણાય છે. આબિદા પરવીન,નુસરત ફતેહ અલી ખાન અને નૂરજહાન એ તેઓને વિસ્તૃત રીતે ગાયા છે.
સૂફી પંથ પ્રિયતમ સાથે એકત્વ પામવાના ઝૂરાપાને વાચા આપતો પંથ છે. વિરહ વેદના એટલી તીવ્ર હોય છે કે ભાષા-વ્યાકરણ ઈત્યાદિની ગુલામી વગર સીધું હૃદયથી જ કવિનું ગાન નીકળે છે. પ્રતીકો સરળ હોય છે પણ ગૂઢાર્થ અદભૂત હોય છે. અહી ચરખો એટલે ભૌતિક જીવન. નયણાં એટલે આંતરચક્ષુ જેઓને પિયા-મિલન સિવાય કશું જ ખપતું નથી. જીવન અંત તરફ ધસી રહ્યું છે પણ સાક્ષાત્કાર છેટો ને છેટો જ રહી ગયો છે…..

Comments (5)

ગઝલ – હરીન્દ્ર દવે

બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

-હરીન્દ્ર દવે

Comments (9)

પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.

કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.

નીલ વર્ણનું અંબર એમાં સોનલ વરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.

-હરીન્દ્ર દવે

Comments (6)

એક હસે, એક રડે – હરીન્દ્ર દવે

એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે.

એક નિહાળે ગગન, બીજીને
જચે ફક્ત આ ધરતી,
એક ઉગાડે ફૂલ, અન્યને
ગમે પાંદડી ખરતી;
મળે એક, એક બિછડે
આંખ બે આપસમાં ચડભડે.

એક ક્ષિતિજને પાર જવાના
શમણે ઘેલીઘેલી
બીજીને એ રંજ, ન સમજે
કોઈના મનને પ્હેલી,
જુદાં સપના ઘડે
આંખ બે આપસમાં ચડભડે.

 

આપણાં મનના બે મુખ્ય functional centres હોય છે – emotion અને intellect . આ બંને centres ને જે પ્રકારનું conditioning થયું હોય છે તેના આધારે જે-તે વ્યક્તિ બે અંતિમો વચ્ચે ફંગોળાતો રહે છે-positive અને negative. સામાન્ય રીતે બાળક positivity ના predominance સાથે જન્મતું હોય છે. ત્યારબાદનું તેનું conditioning કેવું થાય છે તે ઉપર ભવિષ્યનો આધાર હોય છે. જે આ conditioning ને અતિક્રમી શકે તે યોગી.

Comments (5)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

માગણી – હરીન્દ્ર દવે

જે માગતો નથી,
એની જ માગણી પ્રચંડ હોય છે,
જે મેળવતો નથી
એને જ સૌથી વધુ મળે છે;
જે ફરતો નથી
એની જ યાત્રા કબૂલ થાય છે;
જે ભૂલો કરે છે
એની સમક્ષ ક્ષમાનો પારાવાર છે;
જે ઊભો છે
એની જ ગતિનો મહિમા છે.

 

આ કાવ્ય જાણે Lao Tzu લિખિત ‘ Tao Te Ching ‘ નું હોય તેવું લાગે છે !

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

Comments (9)

दोनों जहान तेरी…. – ફૈઝ અહમદ ફૈઝ – હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબ્બતમાં હારીને
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

 

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीरां है मैकदा ख़ुमो-साग़र उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के

इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के

दुनियां ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा जो दिये थे वो आज फ़ैज़
मत पूछ वलवले दिले-नकर्दाकार के

 

બેગમ અખ્તરના કંઠે અદભૂત રીતે ગવાયેલી આ ગઝલ સાંભળીને nostalgia માં અનાયાસ જ સરી જવાય છે. ફૈઝ અહમદ ફૈઝનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘ सारे सुखन हमारे ‘ હવે ઉપલબ્ધ છે.

Comments (11)

ગાલિબ – અનુ.- હરીન્દ્ર દવે

જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.

આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!

હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.

હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.

દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !

દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !

દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.

ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !

ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !

ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.

કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?

કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !

 

जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!

એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.

.

Comments (14)

ભાગ્ય અજબ -હરીન્દ્ર દવે

ભાગ્ય અજબ, કે વિધિએ મારો કાગળ રાખ્યો કોરો,
શ્યામ, તમે મનફાવે તેવું ભાગ્યચક્ર ત્યાં દોરો.

સઘન મેઘની રાત, આંગણે રાહ હજી હું જોતી,
મનગમતો દશનો તારો લઉં વાદળ વચ્ચે ગોતી,
ધખતી વિરહઅગનની શૈયા પર હું લેતી પો’રો.

પરણ પરણ પર જળનાં બિંદુ રચે કુંડળી કોની?
લહરલહર મનના આકાશે કથે કથા અનહોની,
ફૂલ બધાં વીંટળાઈ બનાવે સુંદરવરનો તોરો.

– હરીન્દ્ર દવે

ધખતી વિરહઅગનની શૈયા પર પો’રો લઈ શકવા સમર્થ ગોપીનું ભાગ્ય કદી કોરું હોય ખરું?

Comments (1)

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

– હરીન્દ્ર દવે

તદ્દન જુદા જ મિજાજની કવિતા……

Comments (7)

રોયા નહીં-હરીન્દ્ર દવે

અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.

તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી,બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.

છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
ને પછી જોયાં કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી,લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.

એટલું સુંદર ગીત છે કે ટિપ્પણ લખવા કોઈ શબ્દો જડતા જ નથી ! મનભરીને માણવા જેવી મનોરમ રચના…..

Comments (6)

ગઝલ – હરીન્દ્ર દવે

એના પાયલ તો સદાકાળ રહે રણઝણતાં,
જિંદગી વીતી ગઈ એક ઝલક સાંભળતાં.

જાણે ક્યારેય કોઈ ઓળખાણ પણ ન હતી,
માર્ગ પર સામા મળે તોય એ નથી મળતાં.

યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,
એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.

હું જ શબ્દોને કહું છું કે તમે ના ઊગો,
ને છતાં ફૂલ શા ફૂટી રહે તને લખતાં.

આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,
જન્મજન્માંતરો વીત્યા છે તને ઓળખતાં.

– હરીન્દ્ર દવે

Comments (11)

થવાની વાત – હરીન્દ્ર દવે

અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત.

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.

– હરીન્દ્ર દવે

વાતચીત જેવી જ સરળ ભાષાનો પ્રયોગ ખાસ ધ્યાન ખેંચે છે. સ્વપ્નમાં રહેવા ટેવાઈ ગયેલા માણસને હકીકત સાથે કામ પાર પાડતા અઘરું પડી જાય છે.

Comments (11)

મુક્તક – હરીન્દ્ર દવે

જેવી પડી મધુર નામની ગુંજ અંતરે
વાગી રહી અકળ સુંદર કોઈ બાંસુરી;
મુંઝાયેલો પથિક હું સ્વરને પથે થઈ
તારી કૃપા નિકટ પહોંચી ગયો અચાનક.

– હરીન્દ્ર દવે

કૃષ્ણની બાંસુરી તો હંમેશા વાગતી જ રહે છે પણ  આપણે એ સ્વરને રસ્તે જવા માટે કાન ખુલ્લા રાખીએ છીએ ખરા ?

Comments (3)

સાજન, થોડો મીઠો લાગે – હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

– હરીન્દ્ર દવે

વેલેંટાઈન ડેના અવસરે હરીન્દ્ર દવેનું સંગાથનો મહીમા કરતું મધમીઠું પ્રેમગીત.

Comments (9)

રજકણ – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.

– હરીન્દ્ર દવે

સૂર્ય એ જ રજકણ અને રજકણ એ જ સૂર્ય-આ વાતની અનુભૂતિ જ્યાં સુધી રજકણને નહિ થાય ત્યાં સુધી તેનું ગંતવ્ય છે અકલ મૂંઝવણ મહીં અટવાવું અને તેનું લોક-ચરણે ટળવળવું. શા માટે તે સામર્થ્ય અન્ય પાસેથી ઝંખે છે ? જે ક્ષણે તે પોતાની અંદર નજર કરશે – તેને પોતાની અને સૂર્યની એકાત્મતા લાધશે.

Comments (10)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

– હરીન્દ્ર દવે

સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]

મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.

(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)

Comments (5)

પ્રાર્થના – હરીન્દ્ર દવે

તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

-હરીન્દ્ર દવે

ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન.  મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…

Comments (7)

મિત્રને – હરીન્દ્ર દવે

ગાઢ નિદ્રામાંથી મને જગાડી
મારા માટે સજાવેલી ચિતામાં
પોઢી ગયેલા, અય દોસ્ત !
મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
મારી જાગૃતિનો રંજ છે.

– હરીન્દ્ર દવે

એક ટચૂકડી કવિતા … એમાં કેટલાય અર્થવિભાવો !

Comments (20)

બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

Comments (23)

(રે અમે ને તમે ના મળ્યાં) – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે (૨૫-૭-૭૧)

ક્યારેક ગમે તેટલું ચાલીએ તોપણ બે ડગલાં જેટલું અંતર કપાતું નથી,તો ક્યારેક જોજનોનું અંતર પણ કંઈ વિસાતમાં નથી. એક મિત્રએ સહજ રીતે કીધેલી ગહન વાત યાદ આવે છે- “બહારનું અંતર કપાતું નથી,અંદરનું અંતર સમજાતું નથી !!!”

Comments (15)

ગઝલ – હરીન્દ્ર દવે

સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

– હરીન્દ્ર દવે

બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.

Comments (10)

તો જગત શું કહેશે ? – હરીન્દ્ર દવે

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?

– હરીન્દ્ર દવે

માનવીના મનનું કુંડાળું અને દુનિયાનું વર્તુળ કદી એકરસ થઈ શક્તા નથી. સામાજીક પ્રાણી હોવાની કિંમત માણસે ક્ષણે-ક્ષણે ચૂકવવી પડતી હોય છે. મનને કંઈ ઓર જ કરવું હોય પણ દુનિયા શું કહેશે એ પ્રશ્ન સતત મન-હૃદય પર રાશ બનીને જકડાયેલો રહે છે. પ્રણય અને મૃત્યુ હરીન્દ્ર દવેની કવિતાના પર્યાય સમા છે. મૃત્યુથી શરૂ થતી આ ગઝલ પણ પ્રણયની ત્રણ ગલીઓમાં ફરીને અંતે મૃત્યુ પર જ સ્થિર થાય છે.

Comments (4)

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

Comments (13)

એ મુસાફર હશે એકલો – હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

– હરીન્દ્ર દવે

મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

Comments (8)

લઘુકાવ્યો – મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)

મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.

*

ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ  ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.

*

બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી –
તારો અંબોડો અકબંધ રહે છે ?

– મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)

જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.

Comments (10)

માર્ગ પછીની મંઝીલ – હરીન્દ્ર દવે

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે

-હરિન્દ્ર દવે

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

– હરીન્દ્ર દવે
(1930 – 1995)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Harindra Dave – Aansu ne Pee Gayo Chhun.mp3]

1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે.  પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે.  પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો.  કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે.  પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો.  જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે.  આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે.  છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી” કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી.  વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.

Comments (9)

તારી સુવાસ – હરીન્દ્ર દવે

તારી  સુવાસ અંગ થકી  ઓસરી નથી,
આશ્લેષથી  તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?

Comments (8)

મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

Comments (4)

પછી – હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
          સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
          રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
          મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
          મુલાકાત થઈ પછી.

– હરીન્દ્ર દવે

આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !

Comments (9)

થાક છે – હરીન્દ્ર દવે

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.

મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેએ મૃત્યુ વિષય પર ઘણી ઘણી રચનાઓ કરી છે. અહીં પણ મરણ પરનો શેર બહુ સરસ થયો છે. અને ગુજરાતી ભાષાના સૌથી મુલાયમ સ્વભાવના ગણાતા કવિ શીખ શું આપે છે ? – મુલાયમ નહીં થતા !!!

Comments

ખાલી જગા – અમૃત પ્રીતમ (અનુ. – હરીન્દ્ર દવે)

માત્ર બે રજવાડાં હતાં –
એકે મને અને તને પદભ્રષ્ટ કર્યાં હતાં.
અને બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.

નગ્ન આકાશની નીચે –
હું કેટલીયે વાર –
શરીરના વાદળમાં પલળતી રહી,
એ કેટલીયે વાર
શરીરના વાદળમાં પલળતો રહ્યો.

પછી વર્ષોના મોહ ને-
એક ઝેરની જેમ પીને
એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો
ચાલ ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ
તે જો !
દૂર  – સામે, ત્યાં
સાચ અને જૂઠની વચ્ચે – કંઈક ખાલી જગ્યા છે…

– અમૃતા પ્રીતમ
(અનુ. – હરીન્દ્ર દવે)

અમૃતા પ્રીતમની કવિતામાં પ્રેમને માટે નવી દુનિયા વસાવવાની વાત વારંવાર આવે છે. અમૃતા પ્રીતમ જેવી વ્યક્તિને પ્રેમ માટે આ દુનિયા નાની પડે એ સ્વાભાવિક જ છે. અહીં એ પ્રેમી સાથે નવું ઘર બાંધવાની વાત પોતાની આગવી છ્ટાથી કરે છે. પ્રેમનું ઘર તો સત્ય-અસત્યથી પર જ હોય. એમાં ખરા-ખોટાની બધી વાત ભૂલી જવાની હોય.

Comments (2)

નીકળી જઈશ – હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

– હરીન્દ્ર દવે

મીણના માણસ હરીન્દ્ર દવે યાદ, જુદાઈ અને ઝંખનાની વાત માંડે ત્યારે આવી ગઝલ રચાય છે. કાંકરી તો કવિના જળસપાટી-વત મનને માટે બહુ મોટી વાત છે, એમાં તો જળનું જ એક ટીપું પડે તોય મસમોટાં વમળો રચાય છે – અંતરમનની વ્યથિત અવસ્થાની કેવી નાજુક અને અસરદાર રજૂઆત !

Comments (5)

એકલવાયો – હરીન્દ્ર દવે

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
– જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
– જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !

– હરીન્દ્ર દવે

આ કવિતામાં કોઈ સંદેશ નથી, માત્ર સચ્ચાઈ છે. જીવનભર લીધેલા નિર્ણયોને કારણે ભલે લોકો તમને બિરદાવ્યા કરે પણ અંતરમન તો જાણતું જ હોય છે કે એ નિર્ણયો ‘લીધેલા’ નહોતાં ‘લેવાય ગયેલા’ હતાં. પગલાં ખોટી દીશામાં ન ઊપડ્યા એમાં મનની શક્તિ કરતા શિથીલતાનો ભાગ વધારે હતો. આવું ખૂબ અંગત અંતરદર્શન ગુજરાતી કવિતામાં ઘણું ઓછું જોવા મળે છે.

Comments (4)

યાદ- હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહીતી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયોતો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તમે એમને પત્રકાર, નિબંધકાર, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક યા સંપાદક તરીકે ભલે ઓળખો, હરીન્દ્ર દવેની સાચી ઓળખ તો કવિ તરીકેની જ. કવિ તરીકે મુખ્યત્વે એ ગીતકાર. રાધા-કૃષ્ણના ભક્તિગીતો એ હરીન્દ્ર દવેની આગવી લાક્ષણિક્તા. સ્વભાવ જેટલો મૃદુ, ગીતો ય એટલાં મસૃણ. પરંપરા અને આધુનિક્તાનું સાયુજ્ય સાધીને નમણી ઊર્મિઓ લયની નજાકત લઈને એમના ગીતમાંથી પથ્થરમાંથી ફૂટતા ઝરણાની સહજતાથી વહી નીકળે છે. અને ગીત જેટલી જ મધુરી છે એમની ગઝલો. ‘યાદ’ કાફિયા પરથી રચાયેલી યાદગાર ગઝલોમાંની એક અહીં માણીએ. (જન્મ 19-09-1930ના રોજ કચ્છમાં અને મૃત્યુ 29-03-1995ના રોજ મુંબઈમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. કાવ્ય સંગ્રહો: આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી અને મારગે મળ્યાતા શ્યામ. ચાલ, વરસાદની મોસમ છે…. એ એમની સમગ્ર કવિતા.)

Comments (3)

મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

ઘણા વખતથી આ ગઝલ મનમાં રમતી હતી. મૃત્યુને નવી રીતે જોવાની વાત અહીં સરસ રીતે આવી છે. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,’આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો, એ મારી પ્રિય પંક્તિ છે. આ ગઝલ આખી શોધી આપવા માટે આભાર, ક્લ્પન.

Comments (5)

ગુલાલ કરી ગઈ – હરીન્દ્ર દવે

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!  

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,

જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

– હરીન્દ્ર દવે

(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)

Comments (4)

નથી મળવું – હરીન્દ્ર દવે

ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.

હવામાં તારી હવા છે, છતાં નથી મળવું,
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.

મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.

છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું,
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.

– હરીન્દ્ર દવે
(‘મનન’)

Comments (1)

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
                મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
                વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
                મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
                ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
                લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
                અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
                યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
                હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

Comments (1)

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

Comments (2)

પાનખર -હરીન્દ્ર દવે

હવા   ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું આસપાસ છે!

                 વિલુપ્ત ગુંજનો થતાં
                                રહ્યા પ્રસન્ન રાગનાં,
                 લહર ગઈ સમેટી શ્વાસ
                                 મ્હેકતા   પરાગના;

છેલ્લું  આ  કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર તણો  શું આસપાસ છે!

               હવે બિડાય લોચનો
                              રહેલ નિર્નિમેષ જે,
               રાત અંધકારથી જ
                               રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ   સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે!

-હરીન્દ્ર દવે

Comments (1)

ચાલ્યા કરીએ -હરીન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

Comments (2)

મને ખ્યાલ પણ નથી -હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

Comments (4)