હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

ચરખો – શાહ હુસેન – અનુ. હરીન્દ્ર દવે

ચરખો ચાલે ને મારાં નયણાં ઝરે
પાસેનું ધુમ્મસ થઇ ધૂંધળું દેખાય
ઓલી આઘેની સૂની વાટ લોચન ઠરે.

ચરખાનો તાર વારે વારે તૂટે છે
મારે નયણે અખંડ વહે ધાર,
ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
મારાં આંસુનો એકધારો તાર.

આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
હવે વીતી ગઈ આખી બારમાસી,
આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
મારો પથરાયો જીવ આ ઉદાસી.

કોટડીમાં એક તો દીવો નથી ને
વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
મારા જીવનની રહીસહી ઝાંય.

-શાહ હુસેન

શાહ હુસેન પંદરમી સદીના પંજાબી સૂફી સંત-કવિ હતા. તેઓ ‘કાફી’ શૈલીના જનક ગણાય છે. આબિદા પરવીન,નુસરત ફતેહ અલી ખાન અને નૂરજહાન એ તેઓને વિસ્તૃત રીતે ગાયા છે.
સૂફી પંથ પ્રિયતમ સાથે એકત્વ પામવાના ઝૂરાપાને વાચા આપતો પંથ છે. વિરહ વેદના એટલી તીવ્ર હોય છે કે ભાષા-વ્યાકરણ ઈત્યાદિની ગુલામી વગર સીધું હૃદયથી જ કવિનું ગાન નીકળે છે. પ્રતીકો સરળ હોય છે પણ ગૂઢાર્થ અદભૂત હોય છે. અહી ચરખો એટલે ભૌતિક જીવન. નયણાં એટલે આંતરચક્ષુ જેઓને પિયા-મિલન સિવાય કશું જ ખપતું નથી. જીવન અંત તરફ ધસી રહ્યું છે પણ સાક્ષાત્કાર છેટો ને છેટો જ રહી ગયો છે…..

5 Comments »

  1. Rina said,

    July 16, 2012 @ 1:38 AM

    આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
    હવે વીતી ગઈ આખી બારમાસી,
    આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
    મારો પથરાયો જીવ આ ઉદાસી.

    કોટડીમાં એક તો દીવો નથી ને
    વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
    મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
    મારા જીવનની રહીસહી ઝાંય.

    awesome..

  2. pragnaju said,

    July 16, 2012 @ 8:32 AM

    શાહ હૂસેનના ભાવોના અનુ હરીન્દ્ર દવે હોય તે રચના જ અદભૂત હોય
    ચરખાનો તાર વારે વારે તૂટે છે
    મારે નયણે અખંડ વહે ધાર,
    ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
    મારાં આંસુનો એકધારો તાર.
    ગૂઢ ભાવની સહજ વાત
    સૂફી વાણી… ફકીરોની વાણી… એક પ્રકારની ઇબાદત છે. સૂફી શાયરો કબીર, બાબા ફરીદ, બુલ્લેશાહ, અમીર ખુસરોની રચનામાં ભક્તિભાવ છલકે છે. ગઝલ, ઠુમરી, હિર, કવ્વાલી, મિરઝા સૂફી ગાયકી વધુ પ્રચલિત છે.
    ગાંધી-વિનોબાના આધ્યાત્મિક દર્શનનું આજ ચરખો સાધન છે
    શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
    સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.તો અનેક સંતોએ
    સાધુ પરમ પદકો પરખો
    સાધુ ચાલે ચિતનો ચરખો સહજ રીતે ગાયું છે
    મનમાં રવિ સાહેબ ગૂંજે છે.
    કોણે બનાયો પવન ચરખો…
    એ જી એના ઘડનારા ને પરખો‚
    એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
    જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો
    આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
    દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
    જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
    ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
    ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
    જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
    પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
    પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
    જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
    રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
    ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
    જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

    તીર્થેશની પસંદગી અને આસ્વાદ માટે અભિનંદન

    .

  3. Dhruti Modi said,

    July 16, 2012 @ 3:25 PM

    સુંદર રચના, હરીન્દ્ર દવેનો ઉત્તમ અનુવાદ.

  4. વિવેક said,

    July 17, 2012 @ 2:56 AM

    અદભુત કવિતા…

  5. P Shah said,

    July 17, 2012 @ 1:09 PM

    મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
    મારા જીવનની રહીસહી ઝાંય…
    અંતિમ બાજી !

    એક અદભુત રચનાનો ઉત્તમ અનુવાદ !
    વાંચીને લોચન ઠર્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment