પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે
તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.
કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.
નીલ વર્ણનું અંબર એમાં સોનલ વરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.
-હરીન્દ્ર દવે
Jayshree said,
June 4, 2012 @ 2:15 AM
અને હું દઈ બેઠો આલિંગન…
મારું એકદમ ગમતું ગીત..!!
ક્ષેમુદાદાએ આનું સ્વરાંકન પણ ખૂબ જ મઝાનું કર્યું છે.
pragnaju said,
June 4, 2012 @ 8:38 AM
કોઇ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન…
ધ્યાનમાં મૂલાધાર ચક્રમાંથી ઉપર ઉઠીને ઉર્ધ્વગામી બનેલી કુંડલિની કેવી રીતે આજ્ઞાચક્ર સુધી પહોંચી તેનો અણસાર
સુફી સંતો ઇશ્વરને માશુકના રુપમાં માને છે અને ઇશ્વર પ્રત્યે જે પ્રેમ બયાં કરે છે તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય, આ પણ એક ઉંચા દરજ્જાનો પ્રેમલક્ષણા ભાવ છે, પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષાને ’ઇશ્કે-હકીકી’ કહેવાય છે. આવા ગીતો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે.
ટહુકો પર રજુ થયેલ પધ્ધતિથી ,કોઇ પણ પંક્તિઓ કાપ્યા વગર, આદરણિય તિર્થેશભાઇએ આ ગીત રજુ કર્યું હોત તો ગુંજન આહ્લાદક રહેત.આવા ગુઢગીતમાં તેમની વિદ્વતાભર્યો આસ્વાદની રાહ જોઇએ…………….
kishoremodi said,
June 4, 2012 @ 1:30 PM
પ્રેમલક્ષણા ભક્તિની અનુભૂતિ કરાવતું સુંદર ગીત માણવાની મજા આવી
Pravin Shah said,
June 5, 2012 @ 6:20 AM
અજબ નેહનું અંજન…
મનના અહર્નિશ ફાગણનું સુંદર ગીત !
Dhruti Modi said,
June 5, 2012 @ 2:08 PM
સુંદર ગીત.
janak prajapati said,
September 4, 2012 @ 4:04 AM
પ્રેમ અને વરસાદ્ ને જે રિતે સથે વણિ લિધ ચ્હે એ ખુબ સુન્દર લાગ્યુ.
પ્રેમ નિ મિટિ મજા તો વર્સાદિ મોસમ મા જ આવે.