બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સોનેટ

સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મારામાં તું જ ઊમટે – મકરંદ દવે

હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.

હું તો નાનું હિમકણ,હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય!
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.

હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.

મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.

– મકરંદ દવે

અનંત સાગરમાં એક અનંત બિંદુ…..
-ખલીલ જિબ્રાન.

Comments (13)

આંસુ – જયન્ત પાઠક

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

– જયન્ત પાઠક

ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…

Comments (8)

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

Comments (18)

જીવો ને જીવવા દ્યો ! – કરસનદાસ માણેક

નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !

તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !

શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !

– કરસનદાસ માણેક

ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?

Comments (6)

સૉનેટ – ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

– ઉમાશંકર જોશી.
[1937]

પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……

Comments (17)

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

Comments (8)

ગાંધી-વિશેષ:૧: ગાંધી જયંતી – નાથાલાલ દવે

તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.

-નાથાલાલ દવે

આજે ગાંધીજયંતીના વિશેષ અવસરે ત્રણ કાવ્યોનું એક નાનકડું બીલીપત્ર…

શંકરની પેઠે જાતે ઝેર પીને પણ જગતને પ્રેમ,અહિંસા અને સત્યનું અમૃતપાન કરાવનાર આવો વીરલો જવલ્લે જ પાકે છે. છેલ્લા સો-સવાસો વર્ષનો ભારતનો ઇતિહાસ એના પ્રતાપે દસ મહાભારત લખવા પડે એવો ભવ્ય થયો છે…  ઝુલણા છંદના ‘ગાલગા’ના આવર્તનોના કારણે આ સૉનેટ સ-રસ રીતે લયબદ્ધ પણ થયું છે.

Comments (9)

મિલનનું સ્વપ્ન – સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?

-સ્નેહરશ્મિ

પહાડનો ખોળો ત્યજીને અને વનોના ગીતોના પડઘા પોતાની લહેરોમાં ઝીલતી ઝીલતી નદી કદી ચંચળ કન્યાસમી ઊંચા કપરા ખડકોને ગજવતી તો કદી ગૌરવવંતી મહારાણી જેવી બંને કાંઠા છલકાવતી વહે છે અને સાગર નજીક આવતાં પહેલાં તો ઘુઘવાટા સાંભળી ચમકે છે પણ પછી ગહનમાં ભળી જવાના સપનાંનું સાફલ્યપણું નજરે ચડતા ઉછળીને દોડે છે એમ જ આ જીવનની નદી પણ કદી સરળ તો કદી કષ્ટપૂર્ણરીતે, કદી પરમ સુખના કોતરોમાં તો કદી મહાદુઃખના ખડકો વચ્ચે ફુદરડી ફરતી વહેતી રહે છે. કાળનો ગહન નાદ સંભળાય ત્યારે આઘાતથી ચમકે છે કે શું આ જીવનનદીના ભાગ્યમાં ઈશ્વરરૂપી સાગરના મિલનના સ્વપ્નનું સાફલ્ય લખાયું નથી?

Comments (4)

વિસર્જન – ચંદ્રવદન મહેતા

પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા !

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે !

અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.

– ચંદ્રવદન મહેતા

થોડા દિવસો પહેલાં ધવલે એક ગઝલમાં વિસર્જનને સર્જનની પૂર્વભૂમિકારૂપે આલેખી હતી ત્યારે મને આ સૉનેટ યાદ આવ્યું હતું.

આજે ગઝલ-અછાંદસની દેમાર વર્ષામાં સૉનેટ લગભગ મૃતઃપાય થઈ ગયાં છે. અમારી કોશિશ છે કે કઠે નહીં એ રીતે આ કાવ્યપ્રકાર ભાવકો સમક્ષ નિયમિત પ્રસ્તુત કરતા રહેવો…

અહીં કવિ ઇશ્વરને પ્રલય કરવા આહ્વાન આપે છે અને બધા ગ્રહો, બધા તારાઓ સમુદ્રમાં સમાવી લેવા કહે છે અને આમ કરવામાં જો એની પ્રલયશક્તિ ઓછી પડે તો પોતાનાં આંસુઓ પણ કવિ મદદ માટે આપવા તૈયાર છે.  બધાને ભસ્મીભૂત કરતા અગ્નિને ઠારવા ઝંઝાવાતોનો વાયુ જો ખૂટી પડે તો કવિ પોતાના હૈયાના ઊના નિસાસાઓ પણ સહાયમાં દેવા તત્પર છે.  સૃષ્ટિસંહાર કાજે જો વીજતણખા ખૂટી પડે તો કવિ પોતાના હૃદયના ધબકારા આપવા ચહે છે.  કારણ કે કવિ જાણે છે કે આજની આ દુનિયામાં ઘણુંબધું બરાબર નથી અને આ વિશ્વનો પૂરો નાશ થાય તો જ નવું સર્જન સર્જનહાર પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે…  સર્જનહારના વિરાટને સાહવા પોતાના સૂક્ષ્મતમની પણ ભેટ આપવાની તીવ્રેચ્છા એ આ કવિતાનો પ્રાણ છે !

Comments (5)

થતું કુસુમને – મનસુખલાલ ઝવેરી

થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”

“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”

ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !

– મનસુખલાલ ઝવેરી

ધરતીના રસે રસાઈને બીજ કળી બને અને કાળક્રમે પુષ્પ તરીકે ઊઘડે ત્યારની મુગ્ધાવસ્થાના ભાવ અહીં જે રીતે આલેખાયા છે, એ યૌવનના ઉંબરે પગ મૂકતી કોઈ નવયૌવનાના ચિત્તસંવિતનુંય યથાર્થ પ્રતિબિંબ બની રહે છે. સૉનેટના પહેલા ષટ્કમાં તરુણાવસ્થામાં પ્રવેશતા કુસુમના અંતરમાં ઊમડતી ઊર્મિઓની હેલીનું દર્શન છે તો બીજા ષટ્કમાં પોતાના વિકાસને – પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની અદમ્ય ઝંખના ડોકિયું કરે છે. ઘડીમાં એને શિવની જટામાં સ્થાન મેળવીને ગંગાના પવિત્ર જળના છંટકાવથી કૃતાર્થ થવાના મનોરથ જાગે છે તો વળી નવોઢાના ગળાની માળા બની એના સાસરિયાના નૂતન અનુભવોથી ધડકતા હૈયાનો તાગ મેળવવાના કોડ જાગે છે. વળી નાના બાળકના નિષ્પાપ હાથોમાં રમવાનુંય મન થાય છે અને કો’ક માતાના પાલવમાંના ફૂલડાંની ભાત મહીં એક ફૂલડું બનવુંય એ ચાહે છે.

કોઈ પણ કારણોસર પોતાનું હોવાપણું સાર્થક કરવા માંગતા આ પુષ્પની વાતો પરથી માખનલાલ ચતુર્વેદીની पुष्प की अभिलाषा જરૂર યાદ આવી જાય. પણ અહીં મજા તો ત્યાં છે જ્યારે તીવ્ર મનોમંથનમાં ડૂબી ગયેલા પુષ્પને કોઈ ભ્રમર રજા લીધા વિના જ સ્પર્શે છે અને કુસુમના ચિત્તના તાર-તાર મુગ્ધતાના અને ધન્યતાના રણકારે ગુંજી રહે છે… આ જ છે જીવનનું ખરું સાર્થક્ય…  

પહેલા બે ષટ્કમાં કવિએ પૃથ્વી છંદ વાપર્યો છે અને આખરી બે કડીમાં સાયાસ મંદાક્રાંતા છંદ વાપરીને અજબ ચમત્કૃતિ સાધી છે. પહેલા ષટ્કમાં કુસુમનો વિકાસ અને બીજામાં એની ઉદાત્ત ભાવનાઓનું ચિત્રણ કર્યા પછી ત્રીજા ખંડમાં ભમરાના સ્પર્શથી એના ભાવતંત્રમાં જે પલટો આવે છે એ છંદપલટા વડે કવિએ બખૂબી ઉપસાવ્યો છે !   

Comments (6)

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (22)

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

Comments (6)

ગુજરાત – ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો, જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી !
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.

નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથી: પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

– ચંદ્રવદન ચી. મહેતા

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિન. ગરવી ગુજરાતના ગરવા ગુજરાતી હોવાનો ગર્વ કોના હૈયે ન હોય? કવિ મજાની વાત લઈને આવે છે. આખાયે ભારતદેશની એક-એક જગ્યાઓ ખૂંદી વળી બધી જગ્યાની તમામ લાક્ષણિક્તાઓ જોઈ વળો તો પણ જે વાત ગુજરાતમાં છે એ તમને બીજે ક્યાંય નહીં જ મળે એ હકીકત પર કવિ મુશ્તાક છે. અન્યત્ર હોય એવું ઘણું અહીં નથી છતાં ગુજરાતના નામમાત્રથી જે ભાવ અને ભક્તિ હૃદયમાં જાગે છે એ બીજે ક્યાંય નથી અને એથી જ તો કવિ મૃત્યુ પણ આજ ભૂમિમાં મળે એવી અભીપ્સા વ્યક્ત કરે છે.

Comments (11)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૭ : નમું તને, પથ્થરને? – સુંદરમ્

Sundaram

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

– સુંદરમ્
(27, જુલાઇ 1939)

Comments (3)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૬ : ગાંધી – સુન્દરમ

Sundaram

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

-‘સુન્દરમ્’

દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!

(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)

Comments (7)

માગું બસ રાતવાસો જ હું – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

(પૃથ્વી છંદ)

ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.

બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.

વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.

મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.

-રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સૉનેટ વિશે આપણી સામાન્ય માન્યતા એવી રહે છે કે એ વાંચવા-સમજવા ખૂબ જ અઘરાં હોય છે. રા.વિ. પાઠકનું આ સૉનેટ બંને રીતે ખૂબ જ સરળ અને સહજ અપવાદ બની રહે છે. જીવનની સફર અને પૃથ્વી જેવો અજાણ્યો મુલક, ઉંમરના ભારથી જૈફ બનેલી કાયા અને એકલવાયાપણું…. આ બધામાં કોઈ એક ખૂણે થોડી જગ્યા પણ મળી જાય તો તાજગીસભર પ્રભાતનું આવણું અનુભવાવાની લાગણી કેવી સુંદર રીતે અહીં વ્યક્ત થઈ છે !દુનિયાના આ વિશાળ મહેલમાં ક્યાંક કોઈ એકાદો ખૂણો પણ આપણો હોય તો આ દુનિયા પછી અજાણી નથી લાગતી.

(ઘનો=જંગલો, સરાઈ=ધર્મશાળા, હર્મ્ય= હરમ, જઈફ=વૃદ્ધ)

Comments (3)

મારી જ મુશ્કેલીઓ – ઉશનસ


(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)

(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.

જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.

નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.

-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭

22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?


(દિવ્ય ભાસ્કર….                               ….૦૧-૧૦-૨૦૦૭)

Comments (10)

વાસના – ગોવિન્દ સ્વામી

(સ્વતંત્ર સૉનેટસ્વરૂપ, છંદ: પૃથ્વી, ચોથી પંક્તિ: પૃથ્વીતિલક)

પ્રસુપ્ત અહિરાજ આહ ! દઈ ડંખ ચાલ્યો ગયો.
રગેરગ મહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે
બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિઃસ્ત્રવે.
ન હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે
ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.
હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા
વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,
પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની જ દોડી ગયો.

હવે ન કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.
સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.
જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;
વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.

ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.
હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે !

-ગોવિન્દ સ્વામી

અમદાવાદના ગોવિંદભાઈ વાડીભાઈ સ્વામી આયુર્વેદની પદવી ધરાવતા અને વૈદક કરતા હતા. ‘ફાલ્ગુની’નામના ત્રિમાસિકના તંત્રી હતા. (જન્મ:૦૬-૦૪-૧૯૨૧, મૃત્ય:૦૫-૦૩-૧૯૪૪; પુસ્તક: “મહાયુદ્ધ” (પ્રજારામ રાવળ સાથે), મરણોત્તર કાવ્યસંપાદન: “પ્રતિપદા” (ઉમાશંકર જોશી, સુન્દરમ્ અને પ્રજારામ રાવળ દ્વારા)
સર્પ આપણે ત્યાં કામ-વાસનાનું પ્રતિક મનાય છે. વાસનાનો સૂતેલો સાપ અચાનક ડંખ દઈ જતા રગેરગમાં જે ઝેર પ્રસરી ગયું એનાથી આખું શરીર ભાંગી પડ્યું. ન તો નીલકંઠની જેમ એ ઝેરને ગળામાં અટકાવી શકાતું કે નથી એમની જેમ ત્રીજું નેત્ર ખોલીને કામદેવ નામના સાપને બાળીને ભસ્મ કરી શકાતો. લીલું ઘાસ અને ખુશ્બૂદાર પુષ્પોભર્યા વનમાં વિહાર જાણે સૂતેલી વાસનાને જાગૃત કરતા સંજોગોનો નિર્દેશ કરે છે. વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?

કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું બતાવીને પણ કવિએ સૉનેટને ધાર બક્ષી છે.

(પ્રસુપ્ત=સૂતેલું, અહિરાજ=સાપરાજ, વિષદ=સાપ, કાલકૂટ=સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ ઝેર જે શંકરે પીધું હતું અને ગળામાં અટકાવી રાખ્યું હતું જેના કારણે એ નીલકંઠ તરીકે ઓળખાયા.)

Comments (3)

ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)
(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્)

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે.

નર્મદા નદીના શાંત સૂતેલા જળ – સ્તનયુગ્મની જેમ- ઊંચાનીચા થાય છે અને સ્તન પરનો તલ પણ છાતીની સાથે જેમ પડે-ઊપડે એમ કવિની નાવ પણ ધીમીધીમી હાલકડોલક થાય છે. દૂર કિનારે ધુમ્મસમાં હજી વૃક્ષો ઊંઘી રહ્યા છે અને સ્વપનમાં જેમ સુંદરી મીઠું મલકે એમ નર્મદા શોભી રહી છે. માથે ઊગેલી ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે છુપાઈ રહી છે. અને સૌંદર્યઘેલો થઈ બીડાતા કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો જેમ નાજુક પગલે ડોલે એમ આ પવન ધીમો-ધીમો વાઈ રહ્યો છે.

ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદો બોલે છે જાણે કે આ ડોલતી ગતિ પર બીનના તાર મંદ-મંદ સજાવી રહ્યા છે. સૃષ્ટિના આ પ્રસ્ફુટ અપાર સૌંદર્યમાં આળોટતી વેળાએ આ ભણકારા શેના થાય છે? પ્રકૃતિના હૈયામાંથી જાણે રજનિ સરતી હોય, કે નર્મદાના વ્હેણમાંથી કોઈ અગમ વાણી ફૂટતી હોય, ચાંદની રાતે આકાશગંગામાંથી જાણે ચાંદીની રજ સરી રહી હોય કે ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યા છે ત્યારે કવિના અંતરમાં છાનીછપની કંઈક એવી જ ભીની-ભીની બાની નીતરી અર્હી છે, નીંગળી રહી છે… કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર કવિએ પોતાને ઉદ્દેશીને અહીં આપ્યો છે. (‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો 1890 પછીથી એમણે ત્યાગ કરી દીધો હતો.)

(દ્રુમો=વૃક્ષો, સુહાવે=શોભે, વારિ=પાણી, નિજ=પોતાનું, કાંતિ=તેજ, જ્યોત્સ્ના=ચાંદની, અલિ=ભમરો, પદે=પગલે, લવું=લવારા કરવા, સ્વર્ગંગા=આકાશગંગા, રજત=ચાંદી, ફેન=ફીણ, વિમલ=શુદ્ધ)

Comments (9)

બોન્સાઇ વૃક્ષની મનોવ્યથા – જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

(વસંતતિલકા)
જાણો વસંતતિલકા ‘તભજાજગાગા’
—————————————–

કાપીકૂપી, નિત અરે અમ ડાળ સર્વે,
‘બોન્સાઇ’ વૃક્ષ રૂપમાં ઘરના રવેશે,
કૂંડાં મહીં જતનથી તરુ જાળવી ત્યાં,
શોભા રચો કદ કરી અમ વામણાં કાં?

આવેલ સૌ અતિથિને નિજ હુન્નરો આ,
વૃક્ષો વિરાટ સહુ વિરાટ વામન રૂપમાં ત્યાં,
કેવાં જહેમત કરી જ તમે બનાવ્યાં,
એ પોરસે બહુ કથા સહુને કહેતા.

”આ પીપળો વડ તથા ગુલમોર આંબો,
આ લીંબડો સવન બાવળ બોરડી તો,
’બોન્સાઇ’ રૂપ દઇને ઝરૂખે સજ્યા છે.”
આવું સુણી મન મહીં અમને વ્રીડા છે.

’ઓ માનવી! નિજ ઉરે કદી તો વિચારો,
‘બોન્સાઇ’ કો વપુ કરે તમ જો જગે તો?!

જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

વપુ – શરીર ; વ્રીડા – લજ્જા , શરમ

કવિતામાં કૃત્રિમ સૃષ્ટિ આવી શકે? હા! આવી શકે.

આધુનિક અને વૈભવી જીવનની એક ચીજ ‘બોન્સાઇ’ ઉપર રચાયેલું આ સોનેટ સાવ નવા નક્કોર વિષયને જૂના છંદમાં અને હવે ઓછા ખેડાતા કાવ્ય ક્ષેત્રમાં રજુ કરી કવિએ એક નવી કેડી શરુ કરી નથી લાગતી?

અને આગળ વિચારીએ તો આપણે પણ ‘બોન્સાઇ’ જેવા નથી? કોઇ આપણી ઇચ્છા વિરુધ્ધ હંમેશ આપણી ડાળીઓ અને આપણાં મૂળ કાપી આપણને વામણા ને વામણા રાખે છે; અને આપણે તે પરમ તત્વ સામે એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી !

આપણા જીવનની આ એક કરુણ નિયતિ છે.

Comments (2)

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ)

પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

પ્રેમનું શું કરવું, નિજમાં જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના લાજે ?
બુંદને શું કરું જે પ્રસરે , ના વહે ?

પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને બાળતો.

ઉશનસ્

Comments (5)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.

ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

Comments (8)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: છેલ્લી મંજિલ – સુંદરમ્

સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!
સલામ, દિન કો ઊગે, દિન તણી ઊગે કેડી–ઓ
પ્રલમ્બ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;
ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.

અહો સુખ ઉરે ઘણું – ભવન તાહરે, મંજિલ !
હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,
સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-
સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.

અરે, પણ સદા ન મંજિલ કદાપિ વાસો બને.
નિશા સમયની ઘડી અબઘડી અહીં ગાળવી :
પ્રભાત કૂકડાની બાંગ સહ વાટને ઝાલવી.
સદા સફરી કાજ તો સ્વ-પથ એ જ સંગાથ હા,

સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :
ફરી ન મુખ તાહરું દૃગપથે કદી આવશે.

સુંદરમ્

(25-1-1952)

Comments

શબ્દોત્સવ – ૩: સૉનેટ: સખી મેં કલ્પી’તી – ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)

આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !

Comments (1)

જર્જરિત દેહને – બળવન્તરાય ક. ઠાકોર

(પૃથ્વી)
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? *તુરંગમ – અશ્વ
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ? * સંધિ – સાંધા
ન સ્થૈર્ય, નવ હોશ લેશ, શ્વસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનીમ. અહ શી દશા તાહરી !

તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે, * પ્રલંબ – લાંબી
હ્જીય મુજને જવૂં છ ડગ સ્વલ્પ, તું ચાલ જો:
હજી છ મુજને કંઇક કરવૂં અધૂરું પુરૂં,
ઉકેલિ લઉં તે, – પછી ઉભય તું અને હું છુટી

વિરામમધુ પ્રાશવા, અક્રિયતોદધિ સેલવા, * અક્રિયતોદધિ – નિષ્ક્રીયતાનો સમુદ્ર
જુની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં, * રુચિર – સુંદર
તરંત ઉભરૈ રહંત, રહિ હૈ જ વાગોળવા !
સબૂર જરિ, ના ચહું કશુંય જે તને શક્ય ના,

કદી ન તગડીશ, લે વચન! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે. * ઉચલ – ઊંચી કર

– બળવન્તરાય ક. ઠાકોર

સાક્ષર યુગના અગ્રગણ્ય કવિ – સોનેટ અને પૃથ્વી છંદ તેમની વિશેષતા. લાગણી પ્રધાન, પોચટ કવિતાઓના જમાનામાં વિચાર પ્રધાન કવિતાઓને વહેતી કરી. માટે તેમનો આગ્રહ સોનેટ અને પૃથ્વી છંદ ( લગભગ અગેય છંદ) માટે.

Comments (1)