વિસર્જન – ચંદ્રવદન મહેતા
પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા !
ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે !
અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !
નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.
– ચંદ્રવદન મહેતા
થોડા દિવસો પહેલાં ધવલે એક ગઝલમાં વિસર્જનને સર્જનની પૂર્વભૂમિકારૂપે આલેખી હતી ત્યારે મને આ સૉનેટ યાદ આવ્યું હતું.
આજે ગઝલ-અછાંદસની દેમાર વર્ષામાં સૉનેટ લગભગ મૃતઃપાય થઈ ગયાં છે. અમારી કોશિશ છે કે કઠે નહીં એ રીતે આ કાવ્યપ્રકાર ભાવકો સમક્ષ નિયમિત પ્રસ્તુત કરતા રહેવો…
અહીં કવિ ઇશ્વરને પ્રલય કરવા આહ્વાન આપે છે અને બધા ગ્રહો, બધા તારાઓ સમુદ્રમાં સમાવી લેવા કહે છે અને આમ કરવામાં જો એની પ્રલયશક્તિ ઓછી પડે તો પોતાનાં આંસુઓ પણ કવિ મદદ માટે આપવા તૈયાર છે. બધાને ભસ્મીભૂત કરતા અગ્નિને ઠારવા ઝંઝાવાતોનો વાયુ જો ખૂટી પડે તો કવિ પોતાના હૈયાના ઊના નિસાસાઓ પણ સહાયમાં દેવા તત્પર છે. સૃષ્ટિસંહાર કાજે જો વીજતણખા ખૂટી પડે તો કવિ પોતાના હૃદયના ધબકારા આપવા ચહે છે. કારણ કે કવિ જાણે છે કે આજની આ દુનિયામાં ઘણુંબધું બરાબર નથી અને આ વિશ્વનો પૂરો નાશ થાય તો જ નવું સર્જન સર્જનહાર પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે… સર્જનહારના વિરાટને સાહવા પોતાના સૂક્ષ્મતમની પણ ભેટ આપવાની તીવ્રેચ્છા એ આ કવિતાનો પ્રાણ છે !
pragnaju said,
September 19, 2009 @ 1:39 AM
નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.
સુંદર
આંસુની ઓકળીઓ ભીના ચહેરાથી કરો પ્રાર્થના
અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !
બળુકડું સોનેટ્
sudhir patel said,
September 19, 2009 @ 12:25 PM
વિસર્જન અને નવ-સર્જનને આહવાન આપતું સુંદર સોનેટ!
સુધીર પટેલ.
Kirtikant Purohit said,
September 20, 2009 @ 10:47 AM
સુંદર કાવ્ય
ભાઇ સારી કવિતા કઠે તેવો પ્રશ્ન જ નથી થતો.
ધવલ said,
September 20, 2009 @ 4:08 PM
નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.
– ચોટદાર સોનેટ !
rekha sindhal said,
September 27, 2009 @ 11:56 AM
ધન્યવાદ કવિ શ્રેી ને ! બહુ જ સરસ સોનેટ !