એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં
જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2024

ફરી ગામડે – રાજેશ પંડ્યા

આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.

– રાજેશ પંડ્યા

વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.

Comments (5)

રાત્રી થતાં… – ચંદ્રકાન્ત શેઠ

રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા:
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મયુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.

શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું.
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે-
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યાં કરે….!

કૈં કેટલાય યુગથી આમ જ એ મને તો
.                                    તાક્યાં કરે…!

– ચંદ્રકાન્ત શેઠ

રાતની પીંછી દુનિયાને એકરૂપ કરી દે છે. અજવાળામાં સજીવો અને નિર્જીવોને આકાર-કદ વગેરેના કારણે અલગ અલગ ઓળખાણ સાંપડે છે, પરંતુ અંધકાર બધા વચ્ચેના ભેદભાવ ઓગાળી દે છે. જ્યારે આંખો કશું જ જોઈ શકવા સમર્થ રહેતી નથી, ત્યારે માણસ પોતાને જોઈ શકે છે. દિવસના અજવાળામાં માણસ સ્વયં ઉપર થરના થર ચડાવી રાખી જીવતો રહે છે. રાતના અંધારામાં આ તમામ થર ધોવાઈ જાય છે. રાતનું આ અંધારું એકલતાનું પણ પ્રતીક છે. કોઈ પોતાને જોઈ શકનાર નથી એની પ્રતીતિ થાય એ ઘડીએ માણસનો ખરો રંગ, એની અંદરનું હિંસક પશુ પ્રગટે છે. વિલિયમ ગોલ્ડિંગની બહુખ્યાત નવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ આ તબક્કે તરત જ યાદ આવે, જેમાં એક ટાપુ પર સભ્ય સમાજથી અળગા પડી ગયેલ તરુણો અસ્તિત્ત્વના સંઘર્ષની કગાર પર આવીને ઊભા રહે છે ત્યારે એમની અસલિયત પ્રકાશે છે. ઈશ્વરના દૂત ગણાતા બાળકોની ભીતર પણ કેવું ખતરનાક પ્રાણી જીવે છે એ જોઈને લોહી થીજી જાય છે. પ્રસ્તુત રચનામાં પણ કવિએ અંધારાને પ્રતીક બનાવીને આ સત્ય ઉપર જ પ્રકાશ ફેંકવા ચાહ્યું હોય એમ જણાય છે.

Comments (5)

(ચાલે છે) – ડૉ. પરેશ સોલંકી

શ્વાસ શ્રદ્ધાના સહારે ચાલે છે,
નાવ તો સઢના ઈશારે ચાલે છે.

ખેડી લે દરિયે સફર કો’ વિરલા,
કોઈ જીવનભર કિનારે ચાલે છે.

લાખ કોશિશો કરી છે સૂર્યએ,
સ્વપ્ન તોયે અંધકારે ચાલે છે.

કોઈએ ઈશ્વર નથી જોયો છતાં,
જિંદગી એના સહારે ચાલે છે.

જે ઉદય કે અસ્તને પામી ગયા,
પ્રેમપંથે એ વધારે ચાલે છે.

– ડૉ. પરેશ સોલંકી

સરળ બાનીમાં મજાની ગઝલ…

Comments (12)

જુએ છે – રઈશ મનીઆર

તું જળ છે, તો તારી સપાટી જુએ છે,
અહીં તળ સુધી કોણ તાગી જુએ છે?

મૂલવવા સ્વયંને નથી ખુદને જોતાં
જુએ છે, તો બસ, ખુદની ખ્યાતિ જુએ છે

જુએ છે તરણ કે તરસની નજરથી,
નદીનેય કોણ આખેઆખી જુએ છે?

ફૂટેલા ઘડાને ન કુંભાર જોતો
તરત એ નવીનરવી માટી જુએ છે

મળે છે હીરા એને ક્યારેક ક્યારેક
જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે

– રઈશ મનીઆર

સમય સાથે માનવીય મૂલ્યોને સતત ઘસારો લાગતો આપણે સહુ જોઈ-અનુભવી રહ્યાં છીએ. માણસ મોટો થતો જાય છે એમ એમ મૂલ્યો છીછરાં થતાં જાય છે. પોતાની કાવ્યસફરના પ્રારંભે ‘કો’ ઉપરછલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોંસરવા ગયા’ લખનાર કવિ આજે ‘તળ સુધી કોણ તાગી જુએ છે?’ લખવા મજબૂર થયા એ કેવી વિડંબના! સપાટીથી ઊંડે ઉતરવા ભાગ્યે જ કોઈ આજે તૈયાર છે. સ્વયંમાં કેટલું સત્ત્વ છે એની પ્રામાણિક ચકાસણી કરવાના બદલે વાડકીવ્યવહારી ફેસબુક કે ઇન્સ્ટાની પૉસ્ટને કેટલી લાઇક્સ, શેર અને કમેન્ટ્સ મળ્યાં છે એના પરથી જ આપણે આપણી જાતની સફળતાનો ક્યાસ કાઢવા માંડ્યા છીએ. જેમ સ્વયંનું એમ માણસ સામાનું આકલન પણ સમૂચુ કરવાના બદલે જરૂર મુજબનું જ કરે છે. નદી સમગ્રને નાણવાના બદલે હેતુસરનો જ સંબંધ આપણે રાખીએ છીએ. જો કે પહેલા ત્રણ શેરમાં કવિહૃદયની વ્યથા રજૂ કર્યા બાદ અંતિમ બે શેરમાં કવિઓ કરવટ બદલે છે. કુંભાર અને કંકરે-કંકરની ઉલટતપાસ કરનાર આશાવાદી અને ખંતીલા મનુષ્યોના પ્રતીકથી કવિ આપણને અમૂલ્ય જીવનપાથેય આપે છે…

Comments (9)

વિચાર અજમાવું – શૈલેશ ગઢવી

રાજદ્વારી વિચાર અજમાવું,
ખુશખબર વારતામાં લઈ આવું.

જાઉં છું કંઈક બોલવા પાસે,
એ કહે છે, પછીથી બોલાવું!

શૂળીનો ઘા સરી ગયો સોયે,
મારા મનને હું રોજ સમજાવું.

પૂરી દુનિયા છે દિલરૂબા મારી,
ક્યાં સુધી મારી બાંહ ફેલાવું?

સૌના જુદા અવાજ ને ચહેરા,
તો પછી અન્ય જેમ શું થાવું!

– શૈલેશ ગઢવી

કવિતા એટલે આઉટ ઑફ ધ બોક્સ વિચારવાની કળા. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. ગઝલમાં રાજદ્વારી વિચાર અજમાવવાની વાત આપણને બે ઘડી વિચારતાં કરી મૂકે એવી અજુગતી છે. કવિ એક તરફ રાજદ્વારી વિચારની વાત કરે છે તો બીજી તરફ વારતામાં ખુશખબર લઈ આવવાની વાત કરે છે. બે સાવ અસંબદ્ધ લાગતા મિસરા સાંધીને કવિએ કેવો મજાનો મત્લા જન્માવ્યો છે એ જોવા જેવું છે. સામાન્યરીતે કળાને ઘેરો રંગ, વિષાદનો રંગ વધુ માફક આવે છે. મિલન કરતાં વિરહની કવિતાઓ જ વધુ લોકભોગ્ય બને છે. એટલે વારતામાં ખુશખબર લઈ આવવી હોય તો રાજદ્વારી અમલ કરવો અનિવાર્ય થઈ પડે. ખાધું, પીધું ને મોજા કરીની વારતાઓ તો પરીકથામાં જ જોવા મળે, જીવનમાં તો કરુણતા જ સવિશેષ જોવા મળે. (સ્મરણ: ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…’ નરસિંહરાવ દિવેટિયા)

સરવાળે આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે…

Comments (9)

તમાશાને તેડાં – સંજુ વાળા

તમાશાને મોકલ્યાં રે તેડાં
સપરમો દાડો જોઈ કરવાને બેઠા રે કવિતા
.                  જોડી નામઠામ વગરના નેડા.
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

પેનમાં સુકાઈ ગઈ શાહીને મનાવવા
હાથ જોડી શાંતચિત્તે કરીએ આરાધના
ખીચોખીચ ઊભરાતા કોટિ કોટિ કાગળોના
પારને પમાય એવી કઈ હશે સાધના?
તણખામાં દાવાનળ સમેટાય જાણું પણ
.                  કેમ સંકેલાય કોઈ લંબાયેલા છેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યાં નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં?
.                  કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં

– સંજુ વાળા

માતૃભાષા દિન આવ્યો? લખો કવિતા… મધર્સ ડે આવ્યો? લખો કવિતા… વસંતપંચમી? લખો કવિતા… પહેલો વરસાદ? અતિવૃષ્ટિ? ઓછો વરસાદ? –લખો કવિતા… સૉશ્યલ મિડિયા પર પ્રસંગ પ્રમાણે રચનાઓ રેલાવતા સર્જકોનો લીલો દુકાળ છે… પ્રસ્તુત રચના જાણે કે આવા સર્જકો માટે જ લખાઈ છે! નામઠામ વગરના નેડા જોડીને સપરમો દહાડે કવિતા કરવા બેસી જવું એટલે તમાશાને તેડાં આપવાં. વિલિયમ વર્ડ્ઝવર્થે ૧૮00ની સાલમાં કહ્યું હતું: કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.

સર્જનશક્તિનો સ્રોત સૂકાઈ ગયો હોય તો શાંત ચિત્તે હાથ જોડી સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ઇયત્તાના મહાસાગરની પેલે પારની ગુણવત્તાને પામવા સાધના કરવી જોઈએ. કવિતા એટલે તો તણખામાં દાવાનળ, બુંદમાં સાગર અને બીજમાં વૃક્ષ! બિનમતલબી પથારો સંકેલતાં ન આવડે એ કવિતડાં કરી શકે, કવિતા નહીં. કવિતા બળનું નહીં, સામે તાણ ચડતા ભીનારાને, ઊર્મિઓના દુર્દમ્ય ઊભરાને ઝેરવવાનું કામ છે. કવિતાના ક્ષેત્રમાં માર્ગદર્શન તો કેવળ ઉપલક સહાય છે, આ યાત્રા તો આપબળે ને આપમેળે, પોતાની કેડી પોતે કંડારીને જ કરવાની છે… કવિતા એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા…

ગીતસંરચનામાં જેમને રસ હોય એમને આ ગીતના લયમાં પણ મજા આવશે. સામાન્ય રીતે ગીતો માત્રામેળ છંદોમાં લખાય છે, પણ કવિએ અહીં અક્ષરમેળ વૃત્ત- મનહર છંદ પ્રયોજ્યો છે. બીજા બંધમાં પહેલી બે પંક્તિમાં છલકાતી વર્ણસગાઈ ઉપરાંત ‘કરી કરી ઢળી પડી’ની લચક તથા ‘કરી,’ ઝૂરી’ની પુનરોક્તિ ગીતના લયને વધુ લવચિક બનાવે છે…

Comments (12)

કાગળની હોડી – વજેસિંહ પારગી

દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!

– વજેસિંહ પારગી

કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!

કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!

Comments (11)

(ભાગી છૂટો) – અરવિંદ ભટ્ટ

તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.

કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.

તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.

શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.

– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો

– અરવિંદ ભટ્ટ

જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.

પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:

સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે

આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’

Comments (13)

જ્ઞાનીઓનું ગીત – આદિલ મન્સૂરી

ક ખ ગ ઘ ક ખ ગ ઘ
કક્કો તારો ખોટો
ઝટ ઝાલી લે લ લંપટનો લોટો
કનું માથું કાપો
કપાયલું ધડ છાપો
ખ ખાડામાં બની બકરી બાંધો
ઘના ઘરમાં ગનો ગર્દભ હાંકો
ચની ચાંચે મનું મરચું
દ દેવીને સઘળું અર્ચું
જ જડચરનો ક્યાંય જડે ના જોટો…

કાનો માતર ચાવી જઈએ
અનુસ્વારને ધાવી લઈએ
હ્રસ્વઇ દીર્ઘઈ ચટણી વાટો
ઉપર અલ્પવિરામો છાંટો
પ્રશ્નાર્થોના દૂકને ઊંધા વાળો
લિપિને દોરીથી બાંધી
ત્યાં અવળી ટીંગાડો
રક્ત વહેતો
કાગળ ઉપર લાંબો લાલ લિસોટો

– આદિલ મન્સૂરી

પ્રમુખતઃ ગઝલકાર રહેલા કવિને ગીતની ઇબારત બહુ માફક આવી જણાતી નથી. કવિએ શીર્ષકમાં ‘ગીત’ શબ્દ પ્રયોજ્યો છે, પણ રચનાને ગીત ગણવી કે કેમ એ સવાલ છે. બબ્બે પંક્તિઓ વચ્ચેની પ્રાસસાંકળી અને અંત્યપંક્તિઓ વચ્ચેના પ્રાસના અંકોડા ગીતનુમા રચનાનો આભાસ અવશ્ય કરાવે છે, પરંતુ કટાવ છંદના અનિયમિત આવર્તનવાળા ઊર્મિકાવ્યની કક્ષા છોડીને ગીત સુધી આ રચના પહોંચી શકતી નથી. ‘જ્ઞાનીઓનું ગીત’ શીર્ષક ઉપરથી ખ્યાલ આવે છે કે આ રચના ભાષાના કહેવાતા પંડિતોને નિશાન બનાવીને લખાયેલી વ્યંગરચના છે અને કવિએ ભાષાના નામે થતા ભવાડાઓ સામે આંખ લાલ કરવા ધારી જણાય છે, પરંતુ શ્રી સુરેશ જોશીએ આ રચના વિશે આમ લખ્યું છે: “વિડમ્બના વિદ્રોહનું પ્રબળ શસ્ત્ર છે, પણ એ રીતે એનો સમર્થ પ્રયોગ થયેલો ઝાઝો દેખાતો નથી. આદિલ મન્સૂરીનું “જ્ઞાનીઓનું ગીત” જાણે ભાષા સમસ્ત સામે વિદ્રોહ પોકારતું હોય એવું લાગે છે. રેંબોની “સ્વરો’વાળી કવિતા યાદ આવે ને તે સાથે જ આ કાવ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ જાય છે. અહીં જે છે તે તરંગ છે, રમત છે. રેંબોમાં કાવ્યને સ્તરે પહોંચવાની શક્તિ છે તે અહીં દેખાતી નથી.”

Comments (3)

સત્ય બ્હાર આવે છે – શૈલેશ ગઢવી

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

– શૈલેશ ગઢવી

મારી પાસે કોઈ પણ સંગ્રહ આવે એટલે સૌપ્રથમ હું પ્રસ્તાવના કોણે કોણે લખી છે એ જોઈ લઉં અને કવિની કેફિયત વાંચી લઉં. કવિની કેફિયત પરથી કવિનો વ્યાપ કેટલોક હશે એનો અંદાજ આવી જાય. પછી પ્રસ્તાવનાઓ ઉપર ઉપરથી વાંચી જાઉં. અને પછી સંગ્રહ વાંચવો શરૂ કરું… મોટાભાગનાં ગીત-ગઝલોમાં પહેલી બે પંક્તિ નક્કી કરી દે કે આખી રચના વાંચવી કે આગળ વધવું.

જેમની સાથે અગાઉ ભાગ્યે જ કોઈ સંપર્ક થયો હતો એવા એક કવિમિત્રએ એમનો પ્રથમ ગઝલસંગ્રહ મોકલાવ્યો. પાછળના કવરપેજ પર ભરત વિંઝુડાની પ્રસ્તાવનાના અંશનું પ્રથમ વાક્ય હતું: ‘ગઝલમાં પોતીકો અવાજ લઈને આ કવિ આવે છે.’ ભરતભાઈ પ્રિય કવિ છે, પણ આજકાલ દરેક પ્રસ્તાવનાકારને દરેક સર્જનમાં સર્જકનો ‘પોતીકો અવાજ’ જ સંભળાય છે. હૈયે હામ રાખીને સંગ્રહની પહેલી ગઝલ વાંચી અને પછી તો બસ… ઘણા લાંબા સમય પછી એવો સંગ્રહ હાથ લાગ્યો, જેણે મને એકી બેઠકે આખો સંગ્રહ વાંચવાની ફરજ પાડી અને પહેલો શેર વાંચીને આગળ વધી જવાના બદલે દરેકે દરેક ગઝલ અને દરેકે દરેક શેર ધ્યાન દઈ વાંચવા માટે મજબૂર કર્યો…

પ્રસ્તાવનામાંથી મળતી માહિતી મુજબ ૯૬ ગઝલોમાં કવિએ ૨૬ છંદ વાપર્યા છે, જે સાચે જ સરાહનીય કહેવાય. પ્રથમ સંગ્રહ છે એટલે ક્યાંક ક્યાંક છંદદોષ અને ભાષાની શિથિલતા તથા શેર પૂરો કરવાની ઉતાવળ નજરે પડે છે. તદોપરાંત છંદવૈવિધ્ય માટેનો વ્યાયામ કેટલીક જગ્યાએ વ્યાયામ જ બનીને રહી જતો પણ દેખાય છે, પણ સરવાળે આખો સંગ્રહ સંતર્પક થયો છે અને આગામી ગઝલો વધુ બુલંદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે…

સાચા અર્થમાં આ સંગ્રહમાં એક નવ્ય સર્જકનો ‘પોતીકો અવાજ’ સંભળાયો…

કવિશ્રી શૈલેશ ગઢવીને પ્રથમ ગઝલસંગ્રહ ‘થોડાંઘણાં કબૂતર’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

Comments (11)

એક પત્ર – ઉદયન ઠક્કર

દોસ્ત, પત્રનો લય પકડીને, ગાઈ કરીને, અને બને તો તબલાં લઈને વાંચ.

લયનાં અમને સવાસાત જનમોનાં જૂનાં જૂનાં વળગણ, લયમાં નાવું, લયનાં દાતણ, લયને લઈને રોજ દિશાએ જાવું. લયથી અમને પ્રેમ સ્ફુરે, ને વીર્ય સ્રવે તે લયમાં લયમાં, લયભાષામાં વિચાર આવે, લયને લઈને કૈંક અગોચર, કૈંક મજાનાં સરોવરોમાં અમે ડુબાડી ચાંચ.

લયનું પાછું અલકમલક છોડીઓ જેવું—કામ્યગાત્ર પંક્તિને ચૂમી લઈ ગાઢો આશ્લેષ ભરીને, લઈ ગાઢો આશ્લેષ ભરીને ચૂરેચૂરા કરી નાખીએ એવું, લય પણ કૂદી ઊછળી આવે, લય આવે ને ના પણ આવે એવું : અલકમલક છોડીઓ જેવું. અક્ષરમેળ વૃત્ત બહુ prudish. માત્રામેળની સાથે flirting
કરતાં કામાતુર કવિને ખાસ ન આવે આંચ.

અમે ડુબાડી ચાંચ,
બને તો તબલાં લઈને વાંચ.

– ઉદયન ઠક્કર

લગભગ ૧૯૭૮ની સાલમાં કવિએ જાણીતા અભિનેતા દર્શન જરીવાલાને ઇન્લેન્ડ લેટરમાં એક પત્ર લખ્યો હતો તે આ. માત્રામેળ અને અક્ષરમેળ છંદોનું બાવીસ વરસના યુવાનને એ સમયે આકર્ષણ પણ ખૂબ હતું અને કૌતુક પણ. અને એ વય વળી અંગાંગમાં પૌરુષી અંતઃસ્ત્રાવોના ઘોડા હણહણવાનો, એટલે એ બંનેની અસર આ રચનામાં નજરે ચડે છે.

‘ગીતગુંફન’ પુસ્તક તૈયાર કરતો હતો, ત્યારે એક નામાંકિત ગીતવિશ્લેષક અને ગીતકારના અર્વાચીન ગુજરાતી ગીત વિશેના પોણીબસો પાનાંના પુસ્તકમાં આ રચનાનો આધુનિક ગીત તરીકે આસ્વાદમૂલક પરિચય કરાવાયેલ જોયો. એમણે લખ્યું છે કે ‘આખીય રચના પ્રથમ દૃષ્ટિએ ગીત ન પણ લાગે, છતાં એમાં ગીતાભાસ જણાય છે…. …આખુંય રચનાતંત્ર આમ તો પત્રશૈલીનું હોવા છતાં એના લક્ષ્યાર્થ ગીતના શિલ્પ સ્થાપત્યને બરાબર માફક આવે છે એમ હું માનું છું.’ આ રચનાને ગીતના શિલ્પસ્થાપત્યને માફક આવતી રચના કહી શકાય કે કેમ એ બાબતે મેં કેટલાક સંનિષ્ઠ ગીતકવિઓ સાથે વિમર્શ કર્યો. કોઈને આ રચનામાં ગીત ન દેખાયું. મૂળ સર્જક ઉદયનભાઈએ પણ આ રચના ગીત હોવા વિશે સાશ્ચર્ય ઇનકાર કર્યો. મારા મતે આ રચનાને કટાવ છંદમાં રચાયેલ ગીતનુમા ઊર્મિકાવ્ય જ કહી શકાય.

હશે, આપણને તે મમમમ સાથે કામ કે ટપટપ સાથે? કવિએ એક પત્ર લખ્યો છે, અને ડોક્ટર દવાના પિસ્ક્રીપ્શન સાથે દવા કઈ રીતે લેવી એ સૂચના આપે એમ એમણે સૂચના પણ આપી છે કે આ પત્ર એમનેમ વાંચવાનો નથી, એનો લય પકડીને ગાઈને વાંચવાનો છે અને શક્ય બને તો તબલાં લઈને વાંચવાનો છે. મતલબ, આપણે લય અને સંગીત –ઉભયની મદદ લઈને આ પત્રમાં આગળ ગતિ કરવાની છે. મૂળમાં આ પત્ર એક સમર્થ સર્જકે ગીતકવિઓના વધી ગયેલ ઉપદ્રવ સામે લાલ બત્તી દેખાડવા લખ્યો જણાય છે. લય અને સંગીત જ કેવળ ગીતના પ્રાણ નથી, પણ આપણે તો લયનાં સવાસાત જન્મોનાં જૂનાં જૂનાં વળગણ ન હોય એમ લયમાં જ નહાઈએ છીએ, લયમાં જ દાંતણ પણ કરીએ છીએ અને લયમાં જ ટોઇલેટ પણ જઈએ છીએ. આપણી આખેઆખી રોજનીશી લયગ્રસિત છે એમ કહી કવિ કટાક્ષ તો કરે જ છે, પણ સાથોસાથ અગોચર મજાનાં સરોવરો સુધીનો સફળ ફેરો પણ કરાવે છે. લયને કવિ અલકમલક છોડીઓ સાથે પણ સરખાવે છે. છોકરીઓના સ્વભાવનું વર્ણન તો કરે જ છે, પણ પુનરોક્તિનો સહારો લઈને પોતે જે કહેવું છે એને અધોરેખિત કરીને દૃઢીભૂત પણ કરે છે. વાત અલકમલક છોડીઓની છે, પણ ગાઢ આશ્લેષમાં લઈ ચૂરેચૂરો કરવાની વાતમાં ધૃતરાષ્ટ્ર અને ભીમનો સંદર્ભ પણ નિહિત છે. કામ્યગાત્ર પંક્તિ અને કામાતુરતાની વાત કરતા બાવીસ વર્ષના છોકરડાના મનમાં એ સમયે મહાભારતનોએ સંદર્ભ ન પણ હોય, પણ કવિતાની ખરી મજા જ એ છે કે કવિએ એને કાગળ પર છૂટ્ટી મૂકી નથી કે એ સ્વૈરવિહારે નીકળી નથી પડી. વધુ પડતી જોરજબરી કરવા જાવ તો લય ભાંગીય જાય, ખરું ને? ગીતને માફક ન આવતા અક્ષરમેળ વૃત્તને પ્રુડિશ અને માફક આવતા માત્રામેળ સાથે ફ્લર્ટિંગ કહીને કવિ એક તરફ ગીતની લાક્ષનિકતા તો સૂચવે જ છે, પણ સાથે જ કામ્યગાત્ર જેવી સુશ્લિષ્ટ ભાષા સાથે અંગ્રેજીની ભેળસેળ કરતા ‘કામાતુર’ ગીતપ્રેમી કવિને ‘ખાસ ન આવે આંચ’ કહીને ભાષાની ભેળના ભયસ્થાન પણ નિર્દેશે છે.

Comments (6)

પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ – રાવજી પટેલ

ધીરે રહી પમરતું પ્રભાતિયું, ને
માંચી મહીં બચબચ્યું શિશુ. કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો’ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે. સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો
ભીની જગા કલકલી ઊઠી—સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં…

– રાવજી પટેલ

કહે છે કે શીર્ષક રચનાપ્રવેશ માટેની કૂંચી છે. પ્રસ્તુત રચના આ પૂર્વધારણાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શીર્ષક ન હોય તો આ રચનામાં બેને બે ચાર કરવું દોહ્યલું થઈ પડે. પરોઢનો સમય તો પ્રથમ પંક્તિ વાંચતા સમજાઈ જાય, પણ શિયાળાની સવારે જીવનની સાંજે આવી ઊભેલ એક વૃદ્ધ તાપણી પાસેથી હૂંફ મેળવતાં આ વાત આપણને કહી રહ્યો છે એ હકીકત શીર્ષકની સહાય વિના શી રીતે સમજાય? અને સૉનેટની ભાષા તો જુઓ! માંચી-બચબચ્યું-ઘટ-ઉતાવળી ગરગડી-સણકોરવાયો-કલકલી-સાંઠી –આ શબ્દો રાવજી સિવાય સૉનેટમાં પ્રયોજવાનું ગજું તો ઉમાશંકર કે સુન્દરમ્ જેવા સૉનેટસ્વામીઓનું પણ નહીં! આ તળપદી ભાષાના કારણે ગ્રામ્યજીવનની સવારા વધુ હૃદ્ય અને વધુ સજીવ બની છે.

શિયાળાની સવારે પથારી છોડવી એ કેટલું મુશ્કેલ કાર્ય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. અહીં પણ એવા જ એક પ્રભાતની વાત છે. આળસ છોડવી અઘરી લાગતી હોય એમ પ્રભાત પણ ધીમે ધીમે પમરે છે. પારણામાં બાળક ક્ષણેક બચબચ કરે છે એ સિવાય આખી દુનિયા શાંત છે. બાળકનો અવાજ સાંભળીને એકાદ કૂતરું અને જાણે કે એ મિષે આખો માર્ગ ઘડીભરા સળવળીને વળી શાંત થઈ જાય છે. ક્યાંકથી કોઈક તંબૂરનો તો પાદરના કૂવેથી ગરગડીનો સ્વર આ રિક્ત શાંતિમાં થોડો થોડો ચણભણાટ કર્યે રાખે છે. બહુ ઓછી પંક્તિમાં શિયાળાની સવારના ગામડાનું શબ્દચિત્ર આલેખી કવિ તાપણીનો અગ્નિ સંકોરાય છે એજ રીતે વાત સંકોરીને સુકાન ફેરવે છે. મનમાં કોઈકની યાદોનું વલોણું ફરવું શરૂ થાય છે. દૂરની સીમમાં સૌ ગમાણો ચાલી ગઈ જેવા અનૂઠા વાક્યપ્રયોગથી કવિ ગાયોનું જતન કરનારી સીમની પેલે પાર ચાલી ગઈ હોવા તરફ ઇંગિત કરે છે. લાગણીની ભીનાશ અને સ્પર્શની હૂંફ બંને અનુભવાય છે. જનાર વ્યક્તિનો હાથ કઠોર થઈ ગયેલ કાયા ઉપર વહાલથી ફરતો અનુભવાઈ રહ્યો છે. પણ આ સ્મરણસ્વર્ગમાં વધુ સમય રહેવા મળે એ પૂર્વે તો પૂર્વમાં સૂર્ય જાણે કે કટાણે ઊગી નીકળતાં કથકને વાસ્તવની ધરતી પર નાછૂટકે પાછા ફરવું પડે છે. સંકારાયેલ તાપણીની રાખમાં વિગત સ્વજનની સ્મૃતિ ખોળવા સિવાય હવે વૃદ્ધ કરેય શું! ગામ આખું રજાઈ તળે કેદ હોય એવા સમયે જીવનસાથીની હૂંફ અને સાથ તાપણામાંથી મેળવવાની વૃથા કોશિશ કરતા વૃદ્ધની વેદના આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી…

કેવું અદભુત સૉનેટ!

(માંચી= પારણું)

Comments (12)