નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’
એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’
મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.
અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’
મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’
હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?
કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.
ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ. **
– ઉદયન ઠક્કર
*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.
********
સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?
ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.
અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.
આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.
છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.
(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)
એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)