સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for October, 2014
October 31, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
જીવતર જીવ્યાં તાણેવાણે !
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે !…
. ફળફળતાં જળમાં ઝબકોળી
. કરમ-જુવારની કાંજી !
. સૂતરને તરણીથી જ તાણી
. અંજળ નીરખ્યાં આંજી !
ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે !
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગૂંજે પાણે – પાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે…
. અરધાં બાહર અરધાં ભોં-માં
. રહ્યાં ચોફાળ સાંધી !
. હૃદય-રાશનો રંગ ચડાવ્યો
. રાખી મુઠ્ઠી બાંધી !
નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે !
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે !
. સાળ વચાળે શ્વાસ ગૂંથતા…
. જીવતર જીવ્યાં…
– દાન વાઘેલા
પાટણ-નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઈ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ આપવામાં આવે તો જ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાન બત્રીસ લક્ષણો હતો. પાટણના નાગરિકોની હાજરીમાં વીર મેઘમાયાએ સ્વેચ્છાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
વીર મેઘમાયાએ સ્વ-બલિદાન આપતાં પૂર્વે શું કહેવા ધાર્યું હશે એનું આ ગીત… વણાટક્રિયાના તળપદા શબ્દો અને વર્ણાનુપ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે.
Permalink
October 30, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મણિલાલ હ. પટેલ
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર, ફૂહાર વળી વીજળી ને વાછંટો લાવશું… કોકવાર
આ તો પહેલો વરસાદ પછી બીજો વરસાદ
. એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેકાય
. પછી કક્કાની જેમ કશું ભણવાનું હોય નહીં
ઘર આગળ મોગરો, ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
. …કોકવાર તારે મલક ચઢી આવશું
વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
. પંખીઓ તારામાં અટકળને ગાશે
બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
. ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
માયાળુ લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું ?
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
– મણિલાલ હ. પટેલ
અણધાર્યા આવી ચડવાની વાત… પહેલા અને બીજા વરસાદની કક્કાવારી ભગવતીકુમાર શર્માનું ગીત યાદ અપાવી દે.
Permalink
October 27, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો .
ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો .
બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો .
ન છૂટી શકાતું, ન બંધાયેલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો .
સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો .
ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો .
મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો .
-ભગવતીકુમાર શર્મા
Permalink
October 26, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
હજી વ્હાલમને આવવાની વાર
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?
હજી વ્રેહથી વીંધાય અંગ આખું
તમે શીદને રડો,લ્યો,છાનાં રાખું,
રે કેમ મારી પીડા ઉછીની તમે માંગો ?
ગણતાં થાકું છું હું તો આભના તારલિયા
તમે કીકીમાં કેમ રહો ઝીલી,
આઘું ઠેલાતું રહે વ્હાણું ને આજ મારી
રાત રાણી કેમે નહીં ખીલી !
હજી કિરણોને ફૂટવાની વાર,
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?
વ્હાલમને આવવાની વેળા થશે ને
મારી રાતડીનાં ઊઘડશે ભાગ્ય,
એને હૂંફાળે સંગ જાગવાની ઝંખનાનો
ગુંજરશે જયારે એક રાગ,
ત્યારે પળમાં બિડાશે બેઉ દ્વાર
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?
– હરીન્દ્ર દવે
કેવું અદભૂત ભાવવિશ્વ સર્જાયું છે !!
Permalink
October 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
. ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
. ને હું જળની બારાખડી !
એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
. ને હું પડછાયામાં પડી !
એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !
– વિનોદ જોશી
“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!
Permalink
October 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
નાની અમથી વાત પર,
જાય છે સૌ જાત પર !
રહે અધૂરું સ્વપ્ન તો,
વાંક આવે રાત પર !
આ સમય લીલા કરે,
ઘાત-પ્રત્યાઘાત પર !
જીતની સંભાવના,
હોય છે સૌ મ્હાત પર !
ધારણા જન્મે-મરે,
થઈ ગયું કે થાત પર !
બોલવા દે મૌનને,
ભીતરી જજબાત પર !
અંત હળવો થઈ જશે,
ભાર દે શરૂઆત પર !
-લક્ષ્મી ડોબરિયા
ટૂંકી બહેરની મજેદાર રચના. “આમ થઈ ગયું” કે “આમ થાત તો”ના અર્થઘટન પર જન્મતી-મરતી ધારણાવાળો શેર શિરમોર…
Permalink
October 23, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મુકેશ પુરોહિત
તમે હંસ હું મોતી
પાણી લાગે અમથું ખારું નથી હવે હું રોતી
ઉપર શાંત પરંતુ પાણી અંદર બહુ હઠીલાં,
અઘરા આ સરવરની અંદર નથી ક્યાંય પણ ચીલા,
ઊંડી ડૂબકી મારી મુજને તળિયે લેજો ગોતી.
પાંખ હોય તો કે’ દિવસની આવી હોત કિનારે,
ચાંચ મહીં બિડાઈ જવાનો ખરો ઈરાદો મારે,
બંધ છીપમાં ભવભવથી હું વાટ તમારી જોતી.
– મુકેશ પુરોહિત
કેવી સરળ ભાષા અને પ્રણયની કેવી તીવ્રત્તમ આરત ! આમ તો છીપ અને ખારાં પાણીને સામાન્યતઃ સરોવર સાથે સંબંધ નથી અને હંસની વાત કરીએ તો એને દરિયા સાથે લેતી-દેતી નથી પણ ગીત એવું ફક્કડ થયું છે કે આટલું પોએટિક લાઇસન્સ સહજ સ્વીકારી લેવાનું મન થાય…
Permalink
October 20, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
સાંભળ્યું છે કે જમીન પરના સાપ
પોતાના રાફડા ત્યજીને હવે
પાણીમાં રહેવા જતા રહ્યા છે.
સીમમાં ચાલતી વખતે
મારા પગે અથડાય છે
રંગબેરંગી કાંચળીઓ.
અને ત્યાં પાણીની અંદર
સાપનાં ઠાલાં શરીર
ફંગોળાતા હશે,
ખડકો પર પછડાતા દોરડાની જેમ.
એમનાં શરીર પર ફૂટતા હશે લોહીના ટશિયા,
પણ મારા હાથમાંની આ કાંચળી તો
એવી સૂકીભટ છે,
જાણે આકરા વૈશાખમાં તરછોડાયેલું કોઈ પાંદડું.
આ કાંચળીની અંદર ક્યારેક કોઈ ઝેરીલું શરીર રહેતું હતું.
હવે, મનના એક ખૂણે કોઈ એક પ્રેમપ્રકરણની વચ્ચે મૂકેલા
વિષભર્યા કાગળની જેમ
રંગ બદલતી રહેશે આ કાંચળી.
– મનીષા જોષી
ખૂબીપૂર્વક કંડારાયેલી દ્રોહની વાત છે અહીં. પ્રેમમાં ઠેસ ખાધેલી વ્યક્તિની સ્વગતોક્તિ છે.
દ્રોહી પ્રેમી એક સર્પની જેમ મુખવટો [ કાંચળી ] ઉતારીને અન્યત્ર જાળ ફેલાવવા ચાલ્યો જાય છે. પ્રેમિકાના હાથમાં રહી જાય છે એ છદ્મ મુખવટો. એ મુખવટો કે જેમાં કદીક એક ઝેરીલી વ્યક્તિ વસતી હતી. પ્રેમિકા એવી કલ્પના કરે છે કે કાંચળી ઉતારેલા એના દેહને અવશ્ય પીડા તો થતી જ હશે – આ પ્રેમિકાનું પોતાની જાતને અપાતું ઠાલું આશ્વાસન [ wishful thinking ] માત્ર જ છે. વાસ્તવિકતામાં તો પ્રેમિકા દ્રોહથી એટલી વિચલિત થઇ ગઈ છે કે એને એમ લાગે છે કે આ બેજાન કાંચળી પણ કદાચ રંગ બદલતી રહેશે…..!!!!
Permalink
October 19, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, હરીન્દ્ર દવે
કૈં કેટલાયે કાળથી
રચવા મથું હું શબ્દનો એક તાજ
ને એવી કો મુમતાજને સ્મરણે
મને જે આ ઘડી લગ ના મળી !
મુમતાજ
– કે જેની ફક્ત છે કલ્પના એ – ના
સ્મરણમાં રોનકી આલય રચું છું અવનવા
એકાંતના પાયા ઉપર.
એને વિરહ તડપી રહું
જેના મિલનનું ભાગ્ય તો ખૂલ્યું નથી !
– હરીન્દ્ર દવે
જેટલી લાગે છે તેટલી સરળ રચના નથી – ખરી વેદના એ છે કે મારા ભાગ્યે એવી કોઈ મુમતાજ પણ નથી કે જેના વિરહમાં હું તડપું….. કેવી ઘોર એકલતા !!!!
Permalink
October 18, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.
ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.
ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટ-અમીટે એ જગ જોવા, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.
– સંજુ વાળા
જમાનો એનો છે જે પોતાની રાહ પોતે કંડારે છે. બીજાની ચાલ કે બીજાએ ચાતરેલી કેડી નહીં પણ જરા અવળું કરી શકો તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય – બધું જ તમારું છે. પંક્તિ-દર પંક્તિમાં છવાયેલો વર્ણાનુપ્રાસ (alliteration) કવિતાના નિર્મિત સંગીતની ભીતર એક બીજું સંગીત ઉમેરે છે, જાણે કે શરણાઈની પછીતે ઝાંઝરી !
Permalink
October 17, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
તું નથી ગઈ તોય પાછી આવ ને;
ને મને તારામાં ચપટીક વાવ ને.
આ જગત પાછો તને આપે કદાચ,
સૌની પાસે તું મને ઉઘરાવ ને.
હું તને જોઉં તને ગમતું નથી ?!
આંખનો શું ધર્મ છે સમજાવ ને !
શું થયું? શું થઈ રહ્યું છે? શું થશે?
આ વિચારોને હવે સળગાવ ને.
તું ફરીથી આવ ને પાણી બની,
ને ડૂબાડી દે ડૂબેલી નાવને.
– ભાવેશ ભટ્ટ
સાદ્યંત સંતર્પક રચના…
Permalink
October 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
આપી જશે આ ભીંતને વધુ એક ચોકડી
આજેય બીજું સૂર્યની ઝોળીમાં કંઈ નથી
જન્મારો વેઠે છે અહીં નોંધારો ખાલીપો
લૂંટી શકે તો લૂંટ, હવેલીમાં કંઈ નથી
બસ, બે’ક બુંદ જેટલો સંસાર એનો છે
શબ્દો કે સૂર જેવું ઉદાસીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી
– પંકજ વખારિયા
આમ તો આખી ગઝલ જ ગઝલકાર પંકજની તાસીર મુજબ સશક્ત છે પણ હું મત્લાના શેરથી આગળ વધી જ શકતો નથી. વાત ખાલી એક સપનું તૂટી જવાની છે કે આપણી આખી જિંદગીની ?
Permalink
October 14, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ જોશી, ગીત
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ચાહકોના ખૂબ આગ્રહને અંતે અનિલભાઈએ પોતે આ ગીત ગાયું હતું અને મને એ હજુ યાદ છે કે ત્રણથી ચાર વાર વન્સ મોર થયું હતું. લગ્ન જેવા આંનંદના પ્રસંગે તેઓ ખૂબ અચકાતા હતા આ ગીત સંભળાવતા પરંતુ પછીથી ખૂબ ખીલેલા… ઘણા વર્ષે આ ગીત ગઈકાલે રેડિઓ પર સાંભળ્યું અને બધું યાદ આવી ગયું….
Permalink
October 12, 2014 at 11:28 PM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !
કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !
પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !
– જગદીશ જોષી
કેટલા નાજુક શબ્દોથી ફરિયાદ રચી છે !!! એક અંગત સૂક્ષ્મ વિચ્છેદને કેવી સંવેદનશીલતાથી કંડાર્યો છે !!
Permalink
October 11, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અરુણા રાય, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
બોલાવવા છતાંય
પ્રતિ-ઉત્તર ન મળે
તો હવે બહાર નહીં રખડું
બલ્કે ફરીશ પાછી
ભીતર જ
હૃદયાંધકારમાં બેસી
જ્યાં
બળી રહ્યો હશે તું.
ત્યાં જ મધ્યમ આંચમાં બેસી
ઝાલીશ
તારા મૌનનો હાથ !
-અરુણા રાય
(અનુ. વિવેક મનહર ટેલર)
*
કવયિત્રીઓ ભીતરના ભાવ જે સબળતા અને સરળતાથી રજૂ કરી શકે છે, ક્યારેક પુરુષો એ કરી શકતા નથી. અરુણા રાયની આ હિંદી કવિતા અનુવાદની જરાય મહોતાજ નથી. પણ કવયિત્રીનો ‘ઇનર ફૉર્સ’ આ દુષ્કર્મ કરવા માટે મને મજબૂર કરી ગયો.
અવાજ દેતાંય જો એ હવે ન મળે તો કવયિત્રી એને શોધવા બહાર જવાની નથી કેમકે એ તો કવયિત્રીના હૃદયના અંધારાને ઉજાળતો ધીમો ધીમો અંદર જ સળગી રહ્યો છે. પ્રેમના પાવક દીપકનો શબ્દહીન હાથ ઝાલીને કવયિત્રી ત્યાં જ બેસી રહેશે… સાંન્નિધ્યની મૂક ઉષ્માની અદભુત અભિવ્યક્તિ! સલામ ! સો સો સલામ !
*
पुकारने पर
पुकारने पर
प्रति-उत्तर ना मिले
तो बाहर नहीं भटकूँगी अब
बल्कि लौटूँगी
भीतर ही
हृदयांधकार में बैठा
जहाँ
जल रह होगा तू
वहीं
तेरी मद्धिम आँच में बैठ
गहूँगी
तेरे मौन का हाथ।
अरुणा राय
Permalink
October 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under નીરજ મહેતા ડૉ., વિલાનેલ
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
જિંદગી આખી વિરહ સાલ્યા કર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં
એટલે ફૂલ્યાં નહીં, ફાલ્યાં નહીં
આપણાં હુંકારે રસ્તો આંતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
દૂર જાતાં પગરવો ઝાલ્યા નહીં
પ્રેમ આવી કેટલુંય કરગર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં
મૂર્તિવત્ હાલ્યાં નહીં, ચાલ્યાં નહીં
છેવટે તો બાંકડોય થરથર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
સાવ સાંનિધ્યો હતા મ્હાલ્યા નહીં
આમ રહેવાને સમંદર પણ તર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં
આંસુથી પગને તો પ્રક્ષાલ્યા નહીં
માનતા પાછા કે ચીલો ચાતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
એક ડગલું આપણે ચાલ્યા નહીં
– ડૉ. નીરજ મહેતા
કેટલીક વાર એકબીજા તરફ માત્ર એક ડગ ન ભરી શકવાની ભીરૂતાના કારણે સમ્-બંધ થતા થતા રહી જાય છે. વિલાનેલ કાવ્ય સ્વરૂપમાં પંક્તિઓના નિયમિત અંતરાલે થતા પુનરાવર્તનના કારણે ઘણીવાર કવિતા મરી પરવારવાનો ડર રહેલો હોય છે. પણ અહીં કવિ ખૂબ સરસ રીતે સાહજિકતાથી કાવ્યસ્વરૂપ અને કાવ્ય- બંનેને નિભાવી શક્યા છે.
ફ્રેન્ચ કાવ્ય પ્રકાર વિલાનેલના સ્વરૂપ વિશે વિશેષ માહિતી આપ અહીં મેળવી શકશો.
Permalink
October 9, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિપાશા મહેતા
હું આજે ઉદાસ છું.
હું કાલે ઉદાસ નહીં હોઉં.
પણ આજ તો કાલ નથી.
આજે મારું મન ઉદાસ છે.
જાણે કોઈએ દરિયાનાં મોજાં આડે પથ્થરોની લાઇન મૂકી
એને રોક્યાં હોય.
આ વાંચી તમે ઉદાસ નહીં થઈ જતા.
પણ હું આજે
દરિયાના મોજાંની જેમ ઉદાસ છું.
– વિપાશા
વાંચતાવેંત વાચકને ગ્લાનિર્મય કરી દે એવું વેધક કાવ્ય. નાના-નાના વાક્યોથી બનેલું નાનકડું કાવ્ય. પ્રસન્ન હોય ત્યારે માણસ લાંબું-લાંબુ બોલે છે, ઝાલ્યો ઝલાતો નથી. પણ મન ઉદાસ હોય ત્યારે બોલવાનો પણ ભાર પડે છે. વાક્ય શરૂ થયું નથી કે તરત પતી જાય છે… કવિતાના પહેલા ચાર વાક્ય આ રીતના ટૂંકા-ટૂંકા વાક્ય છે જેમાં ત્રણવાર ઉદાસ શબ્દ પુનરાવર્તિત થાય છે. (આમ તો નવ પંક્તિની કવિતામાં ઉદાસ શબ્દ કુલ પાંચવાર ફરી ફરીને આપણા મનોમસ્તિષ્ક પર દરિયાના મોજાંની જેમ અફળાય છે)
બધી જ ટૂંકી પંક્તિઓની વચ્ચે પથ્થરોની લાઇનવાળી એક જ પંક્તિ એ રીતે લાંબી અને અધૂરી રહી છે જાણે એ પંક્તિ પોતે જ પથ્થરોની લાંબી લાઇન ન હોય ! કવિતાના સ્વરૂપ વડે ભાવ ઉપસાવવાની આ પ્રથા નવી નથી પણ અહીં ખાસ્સી અસરકારક નિવડી છે.
Permalink
October 8, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?
પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
પહોંચીને પાછો વળી જાઉં છું કા ?
બધે હોઉં છું તો કળાતો ન ક્યાંયે,
નથી હોતો ત્યારે જ દેખાઉં છું કા ?
શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?
બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ –
સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા ?
તને કાનમાં વાત કહેવી હતી તે,
ગઝલ રૂપે જાહેરમાં ગાઉં છું કા ?
નથી મારે ચાવંડ-લાઠીથી નાતો,
છતાં ત્યાંથી નીકળું તો ખેચાઉં છું કા ?
– મનોજ ખંડેરિયા
કવિ બે બાજુ ખેંચાતા જાય છે. સરળ ને અઘરું અને અઘરાં ને સરળ કરતા જાય છે. આ મથામણ જ સર્જનના રસ્તાની શરુઆત હશે ?
Permalink
October 7, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
પગલાંનું વ્હેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પ્હોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી
તારી ભીની હથેળી સમી તાજગી નથી
પથરાયું શુષ્ક વાતાવરણ ક્યાંથી ક્યાં સુધી
આ શ્વાસમાંય કેટલી કુમળાશ આવી ગઈ
એક વિસ્તરી છે રેશમી ક્ષણ ક્યાંથી ક્યાં સુધી
આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી
સૂરજ તળાવ ફૂલ વગર ને વને વને
ભટક્યાં કરે છે તારાં સ્મરણ ક્યાંથી ક્યાં સુધી
– મનોજ ખંડેરિયા
વિષાદને વરખની જેમ ઓઢીને ફરતો કવિ જ આટલી સહજતાથી અભાવને ગાઈ શકે. હરણને લીલાશનુ સપનું માત્ર નસીબ થાય એ અવસ્થાનો સૂર પકડીને આખી ગઝલ વાંચજો.
Permalink
October 6, 2014 at 8:50 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
વૈભવની રાત હોઉં, કે દુઃખની સવાર દોસ્ત,
તું તો સમય બનીને મને આવકાર દોસ્ત.
તું અર્થ શોધશે તંઈ હું સ્પષ્ટ થૈ જઈશ,
બદલામાં એક શબ્દ દઈ દે હકાર દોસ્ત.
આ પાનખર તો ગેરસમજ ઋતુની હશે,
હું આંખમાં લઈને ફરું છું બહાર દોસ્ત.
જેઓ ગયા છે દૂર કિનારે મૂકી મને,
ભરતી બનીને આવશે એ પારાવાર દોસ્ત.
દુનિયા મને જુએ છે ને દુનિયાને જોઉં હું,
નીકળી ગયો છું આયનાની આરપાર દોસ્ત.
પાંપણને સ્થિર રાખી કશું પાઠવી તો જો,
વિસ્મયમાં ઓતપ્રોત તું છે એ જ પ્યાર દોસ્ત.
ભારણની ભીંત તોડીને ભાગી ન જા ‘ગની’,
મારા ખભેથી હેઠો મને પણ ઉતાર દોસ્ત.
– ‘ગની’ દહીંવાળા
મત્લાનો ઉપાડ તો જુઓ !! ત્યાર પછીના પણ એક એક શેર પાણીદાર મોતી છે ! નખશિખ અદભૂત ગઝલ……
Permalink
October 5, 2014 at 2:50 AM by તીર્થેશ · Filed under ઉશનસ્, ગીત
વિનવું : એટલા દૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો…
માનું : અવિરત મળવું અઘરું
માગ્યું કોને મળતું સઘળું?
કગરું, એટલા ક્રૂર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો
જાણ્યું : નવરું એવું ન કોઇ
કેવળ મને જ રહે જે જોઇ;
તો ય લ્યો, આમ નિષ્ઠુર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો
રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
શમણું એક તમ સાચવી રાખ્યું
એટલું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો
આ વેલ તો મેં આંસુથી રોઇ
પણ ફળની આશા ન કોઇ
પણ સમૂળા નિર્મૂળ ના થાઓ
કે પછી ક્યારેય યાદ ના આવો.
– ઉશનસ
Permalink
October 4, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
મઝધારે તો કોઈને કિનારે મજા પડે
જેવું હો જેનું સ્તર એ પ્રમાણે મજા પડે
જ્યારે મળે તું આમ તો જાણે મજા પડે
વચ્ચે ન આવે ‘હું’ તો વધારે મજા પડે
મન તો સતત વિચારે કે ક્યારે મજા પડે
કૈં એવું થોડું રોજ મજાને મજા પડે
ખીલે છે ફૂલ જ્યારે હવાને મજા પડે
વહેંચે એ ખુશબૂ ત્યારે બધાને મજા પડે
સાચી મજા વિશે ઘણી મોડી ખબર પડી
કારણ ન હો કોઈ ને છતાંયે મજા પડે
– મહેશ દાવડકર
મજા પડે જેવી રદીફ પકડીને કવિ મજા પડે એવી મજાની ચાર-ચાર મત્લાવાળી ગઝલ લઈ આવ્યા છે. દરેક શેરમાં મજા પડવાનો ભાવ બદલાતો રહે છે એ આ ગઝલની ખરી મજા છે અને એકેય શેરમાં કવિ જરા અઘરી પડે એવી રદીફ ‘ન સાંધો-ન રેણ’ની કાબેલિયતથી જાળવી શક્યા છે એની મજા તો કંઈ ઓર જ છે…
Permalink
October 3, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
. પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
. વીખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક ! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
. ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખ પરોવીને ખારવણ
. દરિયાને પૂછે છે ભાળ
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
– રમણીક સોમેશ્વર
દરિયામાં ડૂબી ગયેલા ખારવાના ખબર ખારવણ પૂછે ત્યારે બિચારા દરિયાની પીઠ પર કોઈ સબ્બાક કરીને ચાબખો ન મારતું હોય એવી વેદના જન્મે છે.
Permalink
October 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under સુન્દરમ, સોનેટ
પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.
ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ;
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !
– સુન્દરમ્
પ્રથમ દૃષ્ટિએ કવિતા વધુપડતી મુખર લાગે પણ કવિએ વાચાળ થઈને પણ સૂક્ષ્મતાપૂર્વક સર્વકાલીન સત્ય અદભુત રીતે કવિતામાં વણી લીધું છે. આ સત્ય દરેક યુગનું સત્ય છે. બળનો યુગ ઉદય પામે, ધરા-આકાશ-સમુદ્ર બધું જ કાબૂમાં કરી લે, નિર્બળ લોકોનો શિકાર ખેલે અને એમના રક્ત સીંચીને મહાલયો ખડા કરે…
ગીતાના यदा यदा हि धर्मस्यના નિયમ મુજબ ક્યારેક ઈસુ તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ગાંધી ધરતીના રુદનમાંથી જન્મ લે છે અને કવિ સુન્દરમ્ ગાંધીવાણીના રૂપે આપણને અજર-અમર કહેવત આપે છે: “હણો ના પાપીને… …ગુપ્ત બળથી”
પણ ધરતીમાં જ કંઈ સમસ્યા છે કે શું પણ વિશ્વપ્રેમના બીજ વાવ્યાં હોવા છતાં મરણપથ સમું પાપ જ ઊગે છે… (જો કે વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું એવો અર્થ પણ અંતિમ બે પંક્તિનો અન્યો વડે કરવામાં આવ્યો છે)
(છંદ: શિખરિણી, શૈલી: શેઇક્સપિરિઅન)
Permalink