જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

વિલાનેલ – ડૉ. નીરજ મહેતા

ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
જિંદગી આખી વિરહ સાલ્યા કર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

એટલે ફૂલ્યાં નહીં, ફાલ્યાં નહીં
આપણાં હુંકારે રસ્તો આંતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં

દૂર જાતાં પગરવો ઝાલ્યા નહીં
પ્રેમ આવી કેટલુંય કરગર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

મૂર્તિવત્ હાલ્યાં નહીં, ચાલ્યાં નહીં
છેવટે તો બાંકડોય થરથર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં

સાવ સાંનિધ્યો હતા મ્હાલ્યા નહીં
આમ રહેવાને સમંદર પણ તર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

આંસુથી પગને તો પ્રક્ષાલ્યા નહીં
માનતા પાછા કે ચીલો ચાતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
એક ડગલું આપણે ચાલ્યા નહીં

– ડૉ. નીરજ મહેતા

કેટલીક વાર એકબીજા તરફ માત્ર એક ડગ ન ભરી શકવાની  ભીરૂતાના કારણે સમ્-બંધ થતા થતા રહી જાય છે.  વિલાનેલ કાવ્ય સ્વરૂપમાં પંક્તિઓના નિયમિત અંતરાલે થતા પુનરાવર્તનના કારણે ઘણીવાર કવિતા મરી પરવારવાનો ડર રહેલો હોય છે. પણ અહીં કવિ ખૂબ સરસ રીતે સાહજિકતાથી કાવ્યસ્વરૂપ અને કાવ્ય- બંનેને નિભાવી શક્યા છે.

ફ્રેન્ચ કાવ્ય પ્રકાર વિલાનેલના સ્વરૂપ વિશે વિશેષ માહિતી આપ અહીં મેળવી શકશો.

2 Comments »

  1. nehal said,

    October 10, 2014 @ 4:06 AM

    Khub j saras..

  2. lalit trivedi said,

    October 20, 2014 @ 2:47 PM

    સરસ્.નિરજભાઇ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment