ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for November, 2013
November 30, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
. આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
અવાજ-૧
. એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
. અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
. ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
. ઊંડે તાણી જાય છે, મારા
. શ્વાસો
. ક્રમશ:
. તૂટે છે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી
અવાજ-૨
. મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
. જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
. દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
. મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
અવાજ-૩
. શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે !
. રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે !
. જાણે પંખી ડાળ મૂકીને જાત હવામાં ફેંકે જી !
. અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી !
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
– ઉદયન ઠક્કર
Permalink
November 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે
સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?
જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે
કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે
સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે
– હેમંત પુણેકર
સુંદર ગઝલ…
Permalink
November 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
સમયના સુકાતાં ઝરણમાં ઊભો છું,
કે હું રાખના કોઈ કણમાં ઊભો છું.
ને ત્યાં કોઈનો હાથ લંબાય ક્યાંથી ?
હું સૂરજની પાછળ કળણમાં ઊભો છું.
કમળ જેમ ખીલ્યાં છે સ્વપ્નો પરંતુ,
તિમિરના સઘન આવરણમાં ઊભો છું.
અનાગતની વાતો કરું કેવી રીતે ?
હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું.
ને અણસાર મારો મળી પણ ગયો છે,
હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.
ભવન આપણું સાવ જર્જર પુરાણું,
હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું.
– હેલ્પર ક્રિસ્ટી
એકે-એક શેર ખરા સોના જેવા…
Permalink
November 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
– મનોજ ખંડેરિયા
Permalink
November 24, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?
રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધું
તું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ
મારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?
સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ
– મુકેશ જોષી
Permalink
November 23, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.
તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.
તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
તમે મને સાઇરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.
તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.
– જયા મહેતા
ચૌદમી પંક્તિ ઉમેરી હોય તો મુક્ત-સૉનેટ કહેવાનું મન થાય એવું મજાનું કાવ્ય. પહેલી બાર પંક્તિમાં તો કવિતા એક પ્રેમીનું બીજા સામેનું કબૂલાતનામું જ બની રહે છે. તમે મારા જીવનમાં આ ને તે અને પેલું અને ઓલું અને વગેરે વગેરે બનીને આવ્યા છો… પણ કવિતાનો ખરો પંચ એની આખરી પંક્તિમાં છે.. જે કોઈ એકની મહત્તા અને મહત્વ સમજી-સ્વાકારી કોઈ એકને સાચા અર્થમાં પ્રેમ કરી શકે એ સમસ્ત વિશ્વને ચાહતાં શીખી જાય છે…
Permalink
November 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.
સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.
સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.
ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.
કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.
– નીતિન વડગામા
આજે ભીડની વચ્ચે આમ જોઈએ તો માણસ સાવ એકલો પડી ગયો છે પણ શું એ સાચે જ એકલો પડી શકે છે ખરો? એકલતા અને એકાંત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કવિ આ ગઝલમાં સરસ રીતે ખોલી આપે છે.
Permalink
November 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.
હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.
-મરીઝ
મરીઝની ગઝલને વળી ટિપ્પણીની શી જરૂર? શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે.
કોઈ ‘તબીબ’ ઉપનામ ધરાવતા શાયરને શરાબના પૈસા સાટે એ ગઝલો લખી આપતા હતા એ વાત અહીં કેવી વક્રોક્તિ બનીને રજૂ થઈ છે !
Permalink
November 18, 2013 at 1:24 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?
પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
– જગદીશ જોષી
આ કવિના ગીતોમાં જે માધુર્ય છે તે અદ્વિતીય છે…….
Permalink
November 17, 2013 at 1:17 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
-ચિનુ મોદી
Permalink
November 16, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.
આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ,
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.
માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.
ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.
રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.
– હેલ્પર ક્રિસ્ટી
મજાની ગઝલ… આપણને સહુને આપણી બંધ બારી ખોલી અજવાસ આણતાં વર્ષો નથી લાગી જતાં ? વર્ષો વહી ગયાં રદીફ મનોજ ખંડેરિયાની ગઝલ વરસોના વરસ લાગે યાદ આવી જાય…
Permalink
November 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
. આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
. ક્યાંક એક કૂંપળ તો તાજી
. આપણે તો એટલામાં રાજી
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
. તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
. તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
. ત્યાં રણઝણતી ઝાલરી બાજી
. આપણે તો એટલામાં રાજી…
પાણીની એકાદી છાલકમાં હોય કદી
. રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
. એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
. કોઈ પૂછે, તો કહીએ કે હાજી
. આપણે તો એટલામાં રાજી
– રમણીક સોમેશ્વર
કેવું મજાનું સંતોષનું ગીત ! એક-એક પંક્તિ જાણે સામે ચાલીને આપણને વહાલ કરવા ન આવતી હોય ! ટોલ્સ્ટોયની વાર્તા How much land does a man need અને ‘રોજા’ ફિલ્મનું ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ યાદ ન આવે તો જ નવાઈ… સાવ સરળ ચાલમાં ચાલતા ગીતનો ખરો પંચ એની છેલ્લી ક્રોસ-લાઇનમાં છે… કાવ્યનાયકને જીવનના નાના સુખોથી કેટલો સંતોષ છે એના વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કાવ્યનાયક જે રીતે ‘હાજી’ કહીને જવાબ વાળે છે એના પરથી એની અંતરતમ સંતુષ્ટિનું કેવું દૃઢીકરણ થાય છે ! આજ છે કવિતા!
Permalink
November 14, 2013 at 12:31 AM by વિવેક · Filed under બાળકાવ્ય, વિવેક મનહર ટેલર
*
૧૪ નવેમ્બર… બાળદિન… મારા દીકરા સ્વયમની પણ વર્ષગાંઠ… એક બાળગીતની મજા લઈએ…
*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)
Permalink
November 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હિતેન આનંદપરા
આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે
કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી
ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !
-હિતેન આનંદપરા
Permalink
November 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
-જગદીશ જોષી
કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!
Permalink
November 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રિપદી, સંજુ વાળા
ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો
વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો
નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો
હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો
ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો
તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો
– સંજુ વાળા
જેમ મનુષ્ય પોતાના અસ્તિત્વનો એમ કવિ પોતાના કવિપણાનો તાગ સતત લેતો આવ્યો છે. કવિમિત્ર સંજુ વાળા ગઝલ ત્રિપદીના સ્વરૂપમાં અહીં પાકા કવિના લક્ષણ તાગવાની મથામણ કરે છે…
Permalink
November 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે
મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે
પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે
ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે
વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે
– કુમાર જૈમિની શાસ્ત્રી
મનનીય ગઝલ…
Permalink
November 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.
હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.
વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભળે ભેદી અવાજો રોજ પાણીમાં.
નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જાય પાંખો રોજ પાણીમાં.
વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં ?
– વારિજ લુહાર
આંસુભીની આંખ દુખસાગરમાંથી પાર થવા સતત કોઈક સહારાની શોધમાં છે પણ આ આંસુમાં રોજ કંઈ કેટલી આશાઓ- કેટલા શ્વાસ ડૂબી મરે છે ! વરસાદની આગાહી તો હોય પણ નિર્વસ્ત્ર વરસાદ તરસનુંય માન ન રાખીને આવે જ નહીં એ કેવો અભિશાપ ! સરવાળે મજાની ગઝલ…
Permalink
November 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, રવીન્દ્રનાથ ઠાકુર
આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.
– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી
ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….
Permalink
November 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી.
કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને,
બાકી હે આપનાર સમસ્યા કશી નથી.
પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે,
આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી.
આશા છે એકની અને આદત બીજાની છે,
હા હોય કે નકાર સમસ્યા કશી નથી.
ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે,
યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.
ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.
વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.
મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.
-રઈશ મનીઆર
Permalink
November 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under મુરલી ઠાકુર, હાઈકુ
મોરપિચ્છમાં
રંગ ભર્યા છે : વચ્ચે
કોની આંખ ?
– મુરલી ઠાકુર
સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ? રંગ અને આંખ – આ બે શબ્દ અહીં જે અનુભૂતિ ઊભી કરી શક્યા છે એ સાચે જ શબ્દાતીત છે… વળી આમ જુઓ તો સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ અને આમ જુઓ તો નખશિખ માત્રામેળ છંદમાં…
Permalink
November 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રમેશ જાની
લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
. તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !
જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
. છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !
નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ-શો અંધાર પણ
. અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !
શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
. – જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !
– રમેશ જાની
ગાગાલગાના આવર્તનોમાં ડોલન શૈલીમાં લખાયેલું, પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવું અને ૫-૪-૪-૪ એ રીતે ગીતની ચાલમાં ન ચાલતું હોય એવું મજાનું ઊર્મિકાવ્ય.
વિદાયની ક્ષણો ઘણા બધા સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે. આવા કોઈ સંબંધમાં આવેલ આવી કોઈ એક વિદાયની વેળાએ વર્તાતો ગોરંભો કવિએ સ-રસ ઉપસાવી આપ્યો છે.
Permalink