એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2012

એકાકી – યજ્ઞેશ દવે

જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
– એકલા

*

તમે ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
પાછળથી એક ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ
તમે ત્યાં જ ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
– એકલા

*

મોડી રાત્રે
એ ઝરૂખામાં ગયો
આકાશમાં એક ચાંદો જ હતો
તેણે કહ્યું
‘આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી

*

તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને પાડવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ધરબી દેવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે

– યજ્ઞેશ દવે

એકલતાથી બધાને ડર લાગે છે પણ એકલતા આપણા અસ્તિત્વના તાણાવાણામાં વણાયેલી છે. ટોળું થઈને જીવવું એ સમાધાન છે. જ્ઞાનનો રસ્તો એકલતાનો રસ્તો છે. અસ્તિત્વની ધરી – એકાકીપણા – પર ઊભેલા  માણસને કંઈ પણ સમજાવાની શક્યાતા છે, બાકી બીજા બધાને ભાગે તો ગોળ ગોળ ફરવાનું જ આવે છે.

Comments (8)

રૂપ-નારાનેર કૂલે – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

રૂપ-નારાનેર કૂલે
જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે.

રૂપનારાન[નદીનું નામ] ના કિનારા પર
હું જાગી ઊઠ્યો.
જાણ્યું કે આ જગત
સ્વપ્ન નથી.
રક્તના અક્ષરોમાં નિહાળ્યું
મેં પોતાનું રૂપ;
પોતાની જાતને ઓળખી
પ્રત્યેક આઘાતમાં
એકેએક વેદનામાં;
સત્ય તો કઠિન છે,
કઠિનને મેં પ્રેમ કર્યો-
તે ક્યારેય છેતરપિંડી કરતું નથી.
સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની,
મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની,
મરણ પર્યંતની દુઃખની તપસ્યા – આ જીવન.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

 

‘ સત્ય ‘ એક એવો વિષય છે જે અનાદિકાળથી વિચારના કેન્દ્રસ્થાને રહ્યો છે. પૌરાણિક સાહિત્યનો અભ્યાસ કરીએ તો સત્ય શું છે તે સમજવું મુશ્કેલ બની જાય. વાલી-વધનું સત્ય આજ સુધી સમજાયું નથી. કૃષ્ણ તો સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ઉપર ચાલતા એક નટ જેવા લાગે ! કોઈ કહે છે-‘સત્ય સાપેક્ષ હોય છે.’ કોઈ કહે છે-‘સત્ય અચળ અને નિરપેક્ષ હોય છે.’ ગાંધીજીનું સત્ય જુદું,ભગતસિંહનું જુદું,સુભાષબાબુનું  જુદું. કવિ કહે છે આ જીવન એ એક નિતાંત સત્યની ખોજ સિવાય કંઈ નથી…..

Comments (5)

વાંસળી વાગી હશે ! – ‘ગની’ દહીંવાળા

એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?
ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે !

ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?

એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે !
ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે !

શ્વાસ અલગારી હશે, ઉચ્છવાસ વરણાગી હશે;
જયારે મીઠી મૂંઝવણ મનમાં થવા લાગી હશે.

મય હશે મુસ્તાક મારી આંખની મસ્તી વિશે;
જામને પણ મારા હોઠોની તરસ લાગી હશે.

આ હ્રદય જંપે, નહોતાં કોઈ એવાં કારણો;
એની શાતા કાજ દુનિયાએ દુઆ માગી હશે.

જ્યાં તમન્ના ત્યાં જ નિષ્ફળતા ય ઢાંકે છે ‘ગની’,
હોય જ્યાં હૈયું, તો હૈયે ચોટ પણ લાગી હશે.

-‘ગની’ દહીંવાળા

 

ત્રીજો શેર જુઓ…..જ્યારથી આ શેર વાંચ્યો ત્યારથી તે મનનો કબજો જમાવીને બેઠો છે.

Comments (10)

કવિના મૃત્યુ પર યમરાજાનો આદેશ – ઉર્વીશ વસાવડા

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.

ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.

કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

– ઉર્વીશ વસાવડા

કવિના મૃત્યુ પર સાક્ષાત્ યમરાજા પણ કેવો મલાજો પાળે છે એ કલ્પન કોઈપણ ભાષા, કાળ કે સંસ્કૃતિના કવિની ખરી મહત્તા સ્થાપિત કરે છે.

Comments (13)

(થઈ જઈએ રળિયાત) – આંડાલ (તામિલ) (અનુ. સુરેશ દલાલ)

આ માગશરનો મહિનો ને આ પૂર્ણચંદ્રની રાત,
ચલો સખી નાહવાને જઈએ, થઈ જઈએ રળિયાત.

ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,
સજીધજીને ચલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.

યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો
ઘનશ્યામ દેહ ને કમલનયન એ : નહીં આઘો નહીં ઓરો.

ચહેરો જેનો ચંદ્ર સમો ને બધાંયનું સુખધામ
એ આપણને વરદાન આપશે : સ્તુતિમય સઘળાં કામ.

– આંડાલ
(અનુ. સુરેશ દલાલ)

ભારતીય સંસ્કૃતિના ભક્તકવિઓએ કદી કવિતા કરવા માટે કલમ નથી ઉપાડી પણ ભક્તિ એમના લોહીમાં એવી રીતે ભળી ગઈ હતી કે એમની કલમથી કે જીભેથી નકરી લયબદ્ધ કવિતા ટપકતી. તામિલ કવયિત્રી આંડાલની આ કૃષ્ણભક્તિપ્રેમની કવિતા જેટલી સરળ અને સહજ લાગે છે એટલી જ ઊંડી પણ છે. પ્રભુમિલનની આશા હોય તો કશું પણ અપૂર્ણ ખપે નહીં. માટે જ પૂર્ણચંદ્રની રાત. અને નાહવા જઈએ ત્યારે સામાન્યરીતે આપણે મેલાં કપડાં પહેરીને જતાં હોઈએ છીએ જ્યારે નહાયા પછી ચોખ્ખાં અને નવાં કપડાં ! ખરું ? અહીં જ આંડાલનું ભક્તિપદ કાવ્યત્વ પામે છે. અહીં નહાવા જવાનું છે પણ સજીધજીને. પ્રભુપ્રેમમાં તરબોળ થવા જવું હોય તો જેમ કશું અપૂર્ણ ન ચાલે, એમ જ કશું મેલું કે જૂનું પણ ન ચાલે. બધો મેલ મેલીને જવું પડે અને એમાં ઉતાવળ પણ ન ચાલે… ત્યાં તો ધીમે ધીમે સરવાનું હોય…

Comments (6)

દાવો -પન્ના નાયક

ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…

પન્ના નાયક

Comments (5)

ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી

હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?

આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ?

હું પ્રતીતિનો પ્રતાપી રાજવી,
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?

કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?

વિષ વિષય ઋતુઓ રૂંવાટી કંપનો,
કોટિ તેત્રીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?

– લલિત ત્રિવેદી

એક રચનામાં કલ્પનો અને અર્થછાંયાઓની જાણે આખી ફોજ !

(ધખ=ધગશ, ખખ=જીર્ણ (શરીર), રખરખ=તલસાટ, ચખ=ચક્ષુ, વખ=ઝેર)

Comments (8)

વિસ્મય – જગદીશ જોષી

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

આખુંય આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ:
તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ, અહીં
ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમદરની ફાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલાં ફૂલોમાં છે શ્યામ:
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળપળનાં પોપચાંમાં મરકે ત્રિકાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

– જગદીશ જોષી

અસ્તિત્વનો ઓચ્છવ……બિંદુ એ જ સિંધુ અને સિંધુ એ જ બિંદુ….

Comments (10)

બે પંક્તિના ઘરમાં – મુકેશ જોષી

કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે,
બે પંક્તિની વચ્ચે એણે ઘર રાખ્યું છે.

બે શબ્દોની વચ્ચે એના ઘરની બારી ખૂલે,
લયનો હિંડોળો બાંધી એ ધીમે ધીમે ઝૂલે.
શીર્ષકના તોરણમાં પણ અત્તર રાખ્યું છે. કમાલ છે….

અક્ષરના ઓશીકે પોઢી હસ્યા કરે એ મંદ,
એ ચાલે ને એની સાથે ચાલે સઘળા છંદ.
રસમાં લથબથ થાવાને સરવર રાખ્યું છે. કમાલ છે….

અર્થભરેલી ચાર દીવાલો એ પણ રંગબેરંગી,
અલંકારના ઝુમ્મર જોઈ હરખે ખૂબ ત્રિભંગી.
નેમપ્લેટમાં નામ છતાં કવિવર રાખ્યું છે. કમાલ છે…..

-મુકેશ જોષી

 

Comments (5)

અગ્નિપથ – હરિવંશરાય બચ્ચન (અનુ. વિવેક મનહર ટેલર)

અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !

વૃક્ષ હો ભલે ઊભાં,
ગીચ હો ભલે ઘટા,
પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત !

તું ન થાકશે કદી,
તું ન થંભશે કદી,
ના કરીશ પીછેહઠ, લે શપથ ! લે શપથ ! લે શપથ !

આ મહાન દૃશ્ય છે,
ચાલી રહ્યો મનુષ્ય છે,
અશ્રુ-સ્વેદ-રક્તથી લથબથ ! લથબથ ! લથબથ !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !

– હરિવંશરાય બચ્ચન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

બે વાર બનેલી ‘અગ્નિપથ’ ફિલ્મના કારણે ખૂબ જાણીતી થયેલી આ કવિતાનું ભાવવિશ્વ જેટલું સરળ દેખાય છે એનો મર્મ એવો જ ગહન અને અગ્નિપથ સમો છે.  જીવન એ અનવરત સંગ્રામનું બીજું નામ છે એ વિભાવના આ કવિતામાં સુપેરે તરી આવી છે. માર્ગમાં ગમે એવા વિરાટકાય સુખો કેમ ન મળે, એક પત્તીભાર સુખનીય અપેક્ષા રાખ્યા વિના આ જીવનમાં આપણે સતત આગળ જ વધતા રહેવાનું છે.

  *

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

वृक्ष हों भले खड़े
हों घने, हों बड़े
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!

तू न थकेगा कभी
तू न थमेगा कभी
तू न मुड़ेगा कभी
कर शपथ! कर शपथ! कर शपथ!

यह महान दृश्य है
चल रहा मनुष्य है
अश्रु-स्वेद-रक्त से
लथ-पथ! लथ-पथ! लथ-पथ!

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

– हरिवंश राय बच्चन

Comments (16)

ખૂબ અઘરું છે – મનોજ ખંડેરિયા

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.

– મનોજ ખંડેરિયા

મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલના સરમુકુટનો કોહિનૂર છે. આખી ગઝલ મનનીય છે પણ મને લાક્ષાગૃહ ગમી ગયું… આખી જિંદગી આપણે આપણી ઇચ્છાઓ અને સ્વપ્નોના મહેલ ચણવામાં કાઢી નાંખીએ છીએ અને અંતે સત્ય સમજાય છે કે આપણે આપણી જાતને પણ ભીતર જ કેદ કરી દીધી છે… આ મહેલ વળી લાખના-તકલાદી છે અને અહીંથી બહાર નીકળવું પણ ખૂબ અઘરું છે…

Comments (15)

પરમેશ્વર – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

                                           – મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

                                       – મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

                                       – મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

                                   – મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

                               – મને…

– પ્રીતમલાલ મજમુદાર

કુદરતની કમાલનાં મૂળ સુધી તો કોણ જઈ શકે?  એના વિશે શુદ્ધ પ્રમાણ કોણ માંગી શકે?  એક જિજ્ઞાસુ બાળક અને  સર્જનહારનાં સર્જન અને સ્વરૂપ વિશેની એની બાળસહજ જિજ્ઞાસા.  પ્રેમ અને પરમેશ્વરને પામવા માટે પ્રશ્નો નહીં પરંતુ શ્રદ્ધા જોઈએ, તર્ક નહીં પરંતુ વિશ્વાસ જોઈએ.

નાનપણમાં ગોખાઈ ગયેલા આ બાળકાવ્યને જ્યારે પણ વાંચવાની શરૂઆત કરૂં છું ત્યાં તો મન પલાઠી વાળીને ફરી એ વર્ગમાં બેસી જાય છે… અને એ વંચાતુ નથી, પણ આપમેળે જ ગવાઈ જાય છે. અને જાણે વર્ગનાં બધા વિદ્યાર્થીઓ હજીયે સૂર પુરાવે છે…

Comments (5)

દરિયો -અમૃત ‘ઘાયલ’

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.

દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.

કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !

જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !

ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.

બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !

– અમૃત ‘ઘાયલ’

દરિયાની ‘દરિયા-ગીરી’ની પોલ ખોલતી ગઝલ 🙂

Comments (7)

એકલું – પ્રહલાદ પારેખ

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:
એવું રે લાગે આજે એકલું !

-પ્રહલાદ પારેખ

ક્યાંક વાંચ્યું છે – ‘ સૌની એકલતા પોતીકી હોય છે. ‘ બધું જ છે,પણ જો તું નથી, તો કશું જ નથી……

Comments (8)

હે રી મૈં તો…. – મીરાંબાઈ

હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.

– મીરાંબાઈ
 

મીરાંબાઈના પદને વળી ટિપ્પણ હોય ? જાતમાં છિદ્રો થાય અને જાત પોતે બંસરી બને ત્યારે આ સૂર નીકળે….

Comments (8)

મારે નહીં ? – ચિનુ મોદી

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.

– ચિનુ મોદી

આ પાંચેપાંચ શેરમાં કવિ શું ફક્ત વૃક્ષની જ વાત કરી રહ્યા છે ? કે પછી…

સંબંધોમાં થતા ઘા, અવસ્થા આવવા છતાં મમત પકડીને બેસી રહેતું વૃદ્ધત્વ, ફળની કામના પણ કર્મની તૈયારી નહીં, જાત સાથેની વિસંવાદિતતા અને અંતે જિંદગીને સમજી શક્નાર એકાદ સુખી જીવ – આ ગઝલના હજી તો ઘણા અર્થ નીકળી શકે એમ છે… આપનું શું કહેવું છે?

Comments (8)

ગઝલ – મિલિન્દ ગઢવી

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી

જિંદગીના કેટલાક મહાદૂષણૉમાંનું એક તે જીદ. જીવનમાં જીદ ન હોત તો કદાચ કેટકેટલા ઇતિહાસ સર્જાયા વિનાના રહી જાત. તો ક્યારેક જીદ આવી મજાની ગઝલ પણ સર્જાવી આપે.

 

Comments (12)

બે- પળની વચ્ચે… – દિવ્યા મોદી

વમળ તો રહે છે સદા જળની વચ્ચે,
મળી જાય દુનિયા અહી છળની વચ્ચે.

હતું આંખમાં કૈંક કાજળની વચ્ચે,
સમાયું છે જળ જેમ વાદળની વચ્ચે.

હવે તો ગઝલને હું જીવી રહી છું,
કશું શોધ ના આમ કાગળની વચ્ચે.

પડી જાય સોપો પછી આમ્રકુંજે,
નભી જાય ટહુકા જો બાવળની વચ્ચે.

કશું એ અટક્યું નથી તે છતાંયે,
નજર એક અટકી છે સાંકળની વચ્ચે.

વિચારો તો, સઘળું હતું એનું એ પણ;
હતી જિંદગી માત્ર બે-પળની વચ્ચે.

-દિવ્યા મોદી

આશાવાદી અભિગમ ઝલકાવતી ગઝલ.  અને ખરે જ, સાચી જિંદગી તો બે-પળની વચ્ચે જ જીવાતી હોય છે ને…

Comments (9)

જીભ મારી તેજની તરસી હતી – યોગેશ જોષી

કે કિનારે કોણ બેસે, ડૂબકી મારી હતી
પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી

આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી

તાળવામાં ઝળહળે છે સૂર્ય શીતળ કેટલા
જીભ મારી કૈં યુગોથી તેજની તરસી હતી

આભ આખું આમ ઉકેલી દીધું અંધારનું
વીજના ઝબકારની એ તેજક્ષણ અટકી હતી

અગ્નિ સાતે એકદમ ભપકી ઊઠ્યા’તા છાતીમાં
જળ તણી આ જાળમાં મેં કૈં લહર પકડી હતી

કોક પંખી થઈ અચાનક હું ઊડ્યો ઊંચે કશે
રોમરોમે એકસાથે પાંખ કૈં ફફડી હતી

– યોગેશ જોષી

ચેતનાની ક્ષણનું છ અલગ અલગ રીતે વર્ણન.

મને તો છેલ્લેથી બીજા શેરનું વર્ણન  સૌથી વધારે ગમ્યું. તમને કયું વર્ણન વધારે ગમ્યું ?

Comments (6)

આપણે યે સરવાનું – મનોજ ખંડેરિયા

કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને
વરસોના રાફડાની ધૂળ
ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે
વીતકના મોગરાનું ફૂલ
હોવાના રંગ ઝરી જાય બધા નિશ્વાસે
આપણે સુવાસ લીએ શ્વાસમાં.

આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે
આપણે ન ભીંત ઊભી અંધ
પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ
ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
પંખી તો ઊડતું આકાશમાં.
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

– મનોજ ખંડેરિયા

 

રમણીય રૂપકોમાં ખૂબીથી મઢાયેલી વસ્ત્રની જેમ બદલાતા રહેતા શરીરની અને શાશ્વત એવા આત્માની વાત છે.

Comments (8)

ગઝલ – મરીઝ

હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.

ભલા વિશ્વાસ શું બેસે બહુ ખંધુ હસે છે એ,
વચન આપી રહ્યા છે એમ, જાણે હાથતાલી છે.

તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,
ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે ?

તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.

તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.

મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

– મરીઝ

Comments (12)

પ્રારબ્ધ મીમાંસા – રાજેન્દ્ર શુક્લ

પંડ પરમાણે ઘાટ ને ઘડતર,
ઝાઝેરું રહી જાતું પડતર.

ભાર ભરાતો કંઈ ભવભવનો,
ક્યાંથી ઊતરે ભારે ચડતર ?

ઈ જ અનાડી આવે આડું,
ઈ પોતે પોતાનું નડતર !

ક્યાંક જડે મરમી કારીગર,
તો ઊઘડે આ જાડાં જડતર :

લાધે તો લાધે ઘટ ભીતર,
અધિક અધિકું વાધે વડતર !

– રાજેન્દ્ર શુક્લ

રા.શુ.ની કલા-કારીગરી આજના તમામ ગઝલકારોથી સાવ જ નોખી તરી આવે છે. એમની ગઝલોમાં ભગવો રંગ નજરે ચડે છે પણ આ ભગવો ભાગવાનો નહીં, ભોગવવાનો, માણવાનો, જાણવાનો ભગવો છે. આપણી ભીતર જે છે આપણને જે કાંઈ મળે છે એ આપણી ભીતરની લાયકાતના આધારે જ મળે છે. એથી વધુ કાંઈ પણ મેળવવા ગયા તો એ પડતર જ રહેવાનું. અને જનમ-જનમનો ભાર જે આપણે માથે લઈને ફરીએ છીએ એ ભાર જ હકીકતમાં આપણા ઉર્ધ્વગમનને આડે આવે છે.

Comments (7)

હવે આરામ કરવો છે ! – જિગર જોષી ‘પ્રેમ’

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે.

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદીઓથી,
જુઓ, નફ્ફટ ઉદાસીને હવે આરામ કરવો છે !

‘કશો તો મર્મ છે એમાં, અમસ્તું કંઈ નથી થાતું’ –
ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
‘જિગર’ ! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.

– જિગર જોષી ‘પ્રેમ’

વાંચતાવેંત આરામ આવી જાય એવી મજાની ગઝલ..

Comments (11)

વિસ્મય ? – વિપિન પરીખ

૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !

– વિપિન પરીખ

ગાગરમાં સાગર…

Comments (6)

તે જ હું! – નિર્મિશ ઠાકર

ધોધમાર તેજનો ખુમાર, તે જ હું !
તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !

આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું !

રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !

સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
આદમી છતાંય જે ધરાર, તે જ હું !

સ્થિર આંખ-હાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર એ અચૂક લક્ષ્ય-પાર, તે જ હું !

– નિર્મિશ ઠાકર 

પોતાના અસ્તિત્વની ખૂમારીપૂર્વક ઉજવણી કરતી ગઝલ.

Comments (9)