તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for August, 2011
August 31, 2011 at 2:36 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મંગેશ પાડગાંવકર, સુરેશ દલાલ
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે,
પેલી તેની હોય છે.
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઇએ છીએ.
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે આપણે નથી હોતાં :
આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર :
કંડમ પાંસળીમાં
ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર,
ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.
તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.
(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બન્ને એ કહેવાનો ‘શયનમહાલ’
આ બધું સોગંદ ખાઇને કહું છું કે, સાચું હોય છે.
કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ ચૂકીને એકાદ વાર
જ્યારે પેલી પ્રેમ કરે છે
ત્યારે તે તેને ગાઇને બતાવે છે
કંપતા બેસૂર અવાજમાં :
તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.
કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,
કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.
પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.
મોંમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.
પણ તે થૂંકતો નથી જગત પર :
કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથી :
કારણ પેલીએ સીવેલા હોય છે તેના – તેના રાજાનાં –
બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને
અને પેલાએ થીંગડા મારેલા પાલવથી
તેણે સાંધેલું હોય છે એક આકાશ.
True love reinvents itself every second…….
Permalink
August 30, 2011 at 8:50 PM by ધવલ · Filed under ગીત, વિમલ અગ્રાવત
તગતગતી તલવાર્યું તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણા હફડક નદી બની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
તદ્દારે તદ્દારે તાનિ દિર દિર તનનન છાંટેછાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે,
ઘેઘેતિટ્ તા-ગી તિટ્ તકતિટ્ પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રૂંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચૂંનડી, કંગન, કાજળ લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું દરિયેદરિયા ઝંખુ ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
હું પગથી માથાલગ ભીંજુ, તું કોરેકોરો હાય –
અરે ! ભરચક ચોમાસાં જાય ને મારું અંગ સકળ અકળાય રે
– નફ્ફટ ધોધમાર વરસાદ પડે છે !
– વિમલ અગ્રાવત
વરસાદના ગીતોની તો આખી ફોજ વાંચી હોય તોય આ ગીત તમને ભીંજવ્યા વગર છોડે એવું નથી. મોટેથી લયબદ્ધ રીતે વાંચો, બીજી વાર વાંચો, અને પછી જ સમજવાની મગજમારી કરો.
Permalink
August 29, 2011 at 10:39 PM by ધવલ · Filed under ભગવતીકુમાર શર્મા, મુક્તક
હું હથેળીની અણઉકલી રેખ છું
હું અનામી ફૂલ કેરી મ્હેક છું
હું જ મારાં સૌ રહસ્યોથી અજાણ
હું અતિ પ્રાચીન શિલાલેખ છું
– ભગવતીકુમાર શર્મા
ઉકેલી શકે કોણ જાત ને ? – અક્કલથી ન તોલી શકાય એ વાતને. બંધ કરી આંખ દિલથી સૂંઘી લો, તો પળમાં પારખી શકાય એ પદાર્થને.
Permalink
August 28, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under કલાપી, ગઝલ
હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !
જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ !
જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !
જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ !
હમે જાહેરખબરો સૌ જીગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ !
ગરજ જો ઇશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ !
જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !
ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં કયાંયે સુખેથી ઊંઘનારાઓ !
સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતા,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !
જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !
બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !
હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ !
[ મુરશિદ – ધર્મોપદેશક ]
કલાપી એટલે મારો first love….. એની ગઝલના બધાં જ શેર ભાગ્યે જ ગમે,પરંતુ જે બે-ચાર ગમી જાય તે પૈસા વસૂલ કરી દે. ‘હમે જોગી બધા વરવા ….’, ‘ ગમે તે બેહયાઈને દઈ ….’, ‘ જખમથી જે ડરી રહેતાં,….’ – જેવાં શેર તરુણાવસ્થાથી જ દિલમાં ઉતરીને આસન જમાવી બેઠા છે.
એક રમૂજી કિસ્સો છે- કોઈએ મહાત્મા ગાંધી આગળ કલાપીના વખાણ કર્યા. ગાંધીજીને પ્રણય-કાવ્યો પ્રત્યે પહેલેથી જ અણગમો. ગાંધીજી કહે- ‘ આવા રાજવીઓ હોય તો સ્વરાજ ક્યાંથી મળે ? ‘ આ વાતની ખબર કવિશ્રી ન્હાનાલાલને પડી. તેઓએ વળતો ફટકો માર્યો- ‘ આવા રાજવી વિનાનું સ્વરાજ શું કામનું ? ‘ …………
Permalink
August 27, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીનાક્ષી પંડિત
મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.
દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.
એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.
દીકરી મોટી થઈ જશે ત્યારે ?
– મીનાક્ષી કૈલાસ પંડિત
ગઈકાલે દીકરી વિશે શેફાલી રાજની એક મજાની કવિતા વાંચી. આજે એ જ કાવ્ય સંગ્રહ ‘ત્રિધા’માંથી એવા જ મિજાજની એક કવિતા મીનાક્ષી પંડિતની કલમે…
Permalink
August 26, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, શેફાલી રાજ
દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.
– શેફાલી રાજ
એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવું કાવ્ય પણ એટલામાં મા-બાપની આખી જિંદગીનું, એક-એક શ્વાસનું સરનામું જડી આવે છે. સંતાનો મોટા થશે એટલે બદલાઈ જરૂર જવાના એ ખાતરી એક ફેફસાંમાં ઢબૂરી દઈને મા-બાપ સંતાન જ્યારે પુષ્પ જેવા સુવાસિત હોય છે ત્યારના સંસ્મરણોના પ્રાણવાયુથી બીજા ફેફસાની ટાંકી ભરી રાખે છે જેથી પાછળની જિંદગી જીવી શકાય…
Permalink
August 25, 2011 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.
પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.
આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શુ કહેશે ! બસ એ જ વિચારે ઊભો છું.
આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.
સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું !
જાકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું.
સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત દશા મારીય હવે,
કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.
જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.
– અમૃત ઘાયલ
ગમે એટલી નવી ગઝલો કેમ ન વાંચીએ, જૂની ગઝલ અને જૂની શરાબનો નશો કંઈ ઓર જ હોય છે !!
Permalink
August 24, 2011 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી
એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી
એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી
રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી
એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી
ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી
– હેમંત પુણેકર
ધીમે રહીને ખુલતી ગઝલ… એક એક શેર જરા હળવા હાથે ઉઘાડીએ, દોસ્તો…
Permalink
August 23, 2011 at 8:53 PM by ધવલ · Filed under ગીત, સુરેશ હ. જોશી
(પંતુજીની દૃષ્ટિએ)
આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?
આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
– સુરેશ જોષી
ગંભીર કવિ કોઈક વાર હળવું કાવ્ય લખી નાખે ત્યારે વાંચીને આનંદ થઈ જાય છે. અર્થની આંટીઘૂટીને બદલે નિતાંત કુદરતી કાવ્ય – જાણે ગંભીર ચહેરા પર અચાનક પ્રસરી વળેલું સ્મિત 🙂
કોઈ વાર એવો વિચાર આવી જાય કે હાસ્ય-વિનોદને આજદીન સુધી આપણે જે હળાહળ અન્યાય કર્યો છે એના પ્રાયશ્ચિતરૂપે બધા કવિ-લેખકોએ દર ત્રણ રચનાએ એક હળવી (હળવી નહીં તો કમ સે કમ ‘અ-ગંભીર’) રચના કરવી જ પડે એવો કાયદો કરવો જોઈએ. શું કહેવું છે ? 🙂 🙂
Permalink
August 22, 2011 at 9:56 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે
આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.
મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?
તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.
– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)
એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય કાંઈ કરવાનું રહેતુ નથી.
Permalink
August 21, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અમિત વ્યાસ, ગઝલ
કોણ ધીમા અવાજે બોલે છે ?
કોણ આ રાતને ડ્હોળે છે ?
એ તરફનો નથી પવન,તો પછી;
તું એ બારી શું કામ ખોલે છે !
ખળભળી જાય કેટલાં વિશ્વો;
ત્યારે તરણું જરાક કોળે છે !
એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
પર્ણ : જાણે હવાને તોળે છે !
કોઈ માથે ચડાવે છે જળને;
કોઈ પાણીમાં પગ ઝબોળે છે !
Permalink
August 20, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીનાક્ષી પંડિત
મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગાય થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની
ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે
દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!
– મીનાક્ષી કૈલાશ પંડિત
આમ તો આપણી દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, હવાઈ જહાજના માધ્યમથી હજારો કિલોમીટરનું અંતર પણ વર્તાતું નથી પણ મુંબઈ જેવા મહાનગરમાં આપણા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જતા હોય છે. કૈલાશ પંડિત જેવા ગઝલકારના પત્નીની આ કવિતાના અંતે સૉનેટ જેવી ચોટ છે અને પંક્તિઓ પણ ચૌદ છે. કવિ શ્રી સુરેશ દલાલ આ અછાંદસને કદાચ મુક્ત સૉનેટ તરીકે પણ ઓળખાવે.
Permalink
August 19, 2011 at 12:54 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
(લયસ્તરો ટીમ તરફથી કવિ શ્રી રઈશ મનીઆરને
આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ)
*
રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે,
રણ પછી ઘરમાં જ પૂરું થાય છે.
એક જગ્યાથી બીજે ઠલવાય છે…
રણ કદી ક્યાં કોઈથી સરજાય છે ?
રણ વિશેની આ સમજ બસ છે મને
રણ કદી ક્યાં કોઈને સમજાય છે ?
ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે તો રણ બની સચવાય છે.
રણના નામે મુઠ્ઠીભર બસ રેત પણ…
રેત-શીશીમાં ગજબ ફૂંકાય છે.
ને તમે સાધો નિકટતા એ પછી
રણ સ્વયમ્ રણદ્વીપ પર લઈ જાય છે.
આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !
– રઈશ મનીઆર
રણ વિશેની એક મજાની મુસલસલ ગઝલ આજે કવિના જન્મદિવસે માણીએ…
Permalink
August 18, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, હરિવંશરાય બચ્ચન
મેં મારાં દુઃખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યાં હતા;
જો એણે તમારા સુધી પહોંચાડ્યાં નહીં
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં
કાગળને કહ્યાં હતાં;
જો તમે મારા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યાં હતાં,
મૂંગા તારાઓને કહ્યાં હતાં,
સૂના આકાશને કહ્યાં હતાં,
જો એમનો પ્રતિધ્વનિ
તમારા અંતરમાંથી નહીં ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.
મને ખબર હતી
કે એક દિવસ
મારી વેદનાઓનો સાથ મારાથી છૂટશે,
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.
– હરિવંશરાય બચ્ચન – અનુ.સુશી દલાલ
જિબ્રાને કહ્યું છે- ‘ મારા શબ્દો મારી વેદનાના એકમાત્ર સાક્ષી છે…..’
Permalink
August 17, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી, વિશ્વ-કવિતા
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..
Permalink
August 16, 2011 at 10:31 PM by ધવલ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
જરા અંધારનાબૂદીના દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
‘તમે છો’ એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શકયાતામાં બસ હું થોડો ભેજ લઇ આવ્યો.
હતી મર્મર છતાં પર્ણો અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી મહેકની સેજ લઇ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં હું એ જ લઇ આવ્યો.
– શોભિત દેસાઈ
રંગનું એક ટપકું મેઘધનુષ થઈ જાય અને પછી પ્રસરીને લોહીનો રંગ થઈ જાય … હોઠ એ રીતે આ ગઝલ ગણગણતા થઈ જાય ઃ-)
Permalink
August 15, 2011 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, ડેરેક વોલ્કોટ, ધવલ શાહ
એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.
ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે
આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,
ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.
– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)
માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.
ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.
Permalink
August 14, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નલીની માડગાંવકર, વિશ્વ-કવિતા, સાનાઉલ હક
સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.
રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.
– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)
માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.
Permalink
August 13, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રામચન્દ્ર પટેલ
સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !
નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…
આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…
પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !
– રામચન્દ્ર પટેલ
દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.
Permalink
August 12, 2011 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?
જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?
જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?
પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?
– અનિલ ચાવડા
અનિલની આ ગઝલ એના ભાષાકર્મના કારણે સવિશેષ સ્પર્શી જાય છે. રોજિંદી બોલચાલમાં આપણે જે લહેકાથી શબ્દોની દ્વિરુક્તિ શબ્દોને બહેકાવીને કરીએ છીએ એ શૈલીની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે…
અને હા, અનિલને ‘યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૧૦’ પછી તેરમી ઓગસ્ટે મુંબઈ ખાતે INT તરફથી ‘શયદા પુરસ્કાર’ પણ એનાયત થનાર છે. ફરી ફરીને અભિનંદન, દોસ્ત!
Permalink
August 11, 2011 at 1:49 AM by વિવેક · Filed under ગઝલ, પ્રમોદ અહિરે
સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ?
‘તું કોણ છે?’ આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?
એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?
જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?
બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?
-પ્રમોદ અહિરે
આ ચાર શેર વાંચીએ અને અંદર ખળભળાટ ન થાય તો જ નવાઈ…
Permalink
August 10, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
આઘેથી એક મત્સ્યપરી જોઈ ને પછી,
દરિયાને કીધું, ‘એય ! પરિચય કરાવને !’
હોઠોનાં સૌ કમાડ કરીને જરાક બંધ,
કેવું સરસ એ મૌનમાં બોલી’તી, ‘જાવ ને !’
ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
દુઃખતી રગોને સહેજ તું પાછી દબાવને.
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યું’તું જે,
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળો થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..
– જિગર જોષી ‘પ્રેમ’
જિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે એટલે બધાય શેર સાવ અનાયાસ અને સંતર્પક લાગે છે… કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે એ સાચે જ કાબિલે-દાદ છે…
Permalink
August 8, 2011 at 8:01 PM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.
– મનીષા જોશી
કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.
Permalink
August 7, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહીં,
કદાચ મનમાં રમી જાય
તો કહેવાય નહીં.
ઉદાસ,પાંદવિહોણી,બટકણી ડાળ પરે,
દરદી પંખી ધરે પાય, ને ચકરાતું ફરે
તમારી નજરમાં ત્યારે કોણ કોણ શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહીં,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહીં.
ઉગમણે પંથ હતો સંગ,સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું
પછી મળ્યું, ન મળ્યું, થયું જવાટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહીં,
આ ગીત તમને ફળી જાય
તો કહેવાય નહીં.
કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,
આ ગીત ગુંજ વણી જાય
તો કહેવાય નહીં,
તરી નિકુંજ ભણી જાય
તો કહેવાય નહીં.
શ્રી મકરંદ દવેની એક ખાસિયત છે- શબ્દો પાસેથી ખૂબીપૂર્વક શ્રેષ્ઠ કામ લેવું. ભાગ્યે જ કોઈ શબ્દ જરૂરિયાત વગર છંદ સાચવવા વપરાયો હોય તેમ લાગે. ક્ષ્રરદેહધારી માનવીને (દરદી પંખી) અસ્તિત્વ (બટકણી ડાળ) આકરું લાગે, વિયોગના ભણકારા વાગવા લાગે, અનઅભિવ્યક્ત ભાવનાઓનો જયારે છાતીએ ડચૂરો બાઝે – ત્યારે આત્માનું ગીત એ જ એક સહારો છે…..એ જ એક સુહૃદ છે…..એ જ સુરા છે…..એ જ ગેબી સૂર છે…….
Permalink
August 6, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
હજી છોડી શક્તો નથી હું તરાપો,
મને ડૂબવા કોઈ વરદાન આપો.
તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.
મને કૈંક શાતા વળે રોમેરોમે,
ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.
કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.
ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.
– ડૉ. મનોજ જોશી ‘મન’
ગઝલકારોના અડાબીડ ફાટી નીકળેલા જંગલમાં બહુ જૂજ ઝાડવાં એવાં છે જે જંગલની શાન બની શકે એવાં છે. મનોજ જોશીનું નામ આ યાદીમાં ચોક્કસ મૂકી શકાય. પ્રસ્તુત હમરદીફ-હમકાફિયા ગઝલમાં એમણે જે રીતે કાફિયા પ્રયોજ્યા છે એ જોઈએ એટલે તરત જ આ વાત સમજી શકાય. છેલ્લો શેર તો કાળાતીત થવા સર્જાયો છે…
Permalink
August 5, 2011 at 12:30 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ભીંજવું પાંપણની ભીનાશે તને,
મારામાં વરસાદ દેખાશે તને.
આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,
હોઠ પર મૂકી કોઈ ગાશે તને.
હું જ ધરતી પર તને લાવી શકીશ,
મેં જ બેસાડ્યો છે આકાશે તને.
તારો શત્રુ હું નહીં પણ તું જ છે,
આજ નૈ તો કાલ સમજાશે તને.
મારા હૈયામાં કરી જો ડોકિયું,
ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.
અશ્રુઓ શું શું લખે છે આંખમાં,
વાંચજે ધીમેથી વંચાશે તને.
તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,
આવતા વરસે વિચારાશે તને.
– ખલીલ ધનતેજવી
ગુજરાતી શ્રોતાઓ આમ તો કવિસંમેલનોમાં ભાગ્યે જ દાદ આપતા નજરે ચડે છે પણ ખલીલ ધનતેજવી આ બાબતમાં એક સોલિડ અપવાદ છે. ખલીલ ધનતેજવી એમનો કાવ્યપાઠ પૂરો કરીને બેસી જાય અને શ્રોતાઓ વન્સ મોર કરીને એમને પાછા પૉડિયમ પર બોલાવીને બીજો દોર ન કરાવડાવે એવું કવિસંમેલન મેં જોયું નથી… આમ તો કવિની આ આખી ગઝલ ખૂબ સહજ ભાષામાં અને તરત સમજાય એવી થઈ છે પણ મને ચુંબનની આ સાવ નવી અને અદભુત વ્યાખ્યા ખૂબ સ્પર્શી ગઈ…
Permalink
August 4, 2011 at 9:38 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.
તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી,બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.
છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
ને પછી જોયાં કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી,લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.
એટલું સુંદર ગીત છે કે ટિપ્પણ લખવા કોઈ શબ્દો જડતા જ નથી ! મનભરીને માણવા જેવી મનોરમ રચના…..
Permalink
August 3, 2011 at 7:59 AM by તીર્થેશ · Filed under ગીત, સુન્દરમ
કાહેકો રતિયા બનાઈ ?
નહીં આતે, નહીં જાતે મન સે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઈ ? …..કાહેકો.
હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઈ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઈ ?…..કાહેકો.
ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઈ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઈ. ….કાહેકો.
હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઈ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઈ! ……કાહેકો.
કહેવાય છે- ઈશ્વર માનવીના મનનું સર્જન છે. જાતે જ પ્રિયતમનું સર્જન કરે,જાતે જ તેનાથી વિરહની ભાવના અનુભવે અને જાતે જ આવા તલસાટના ગીત સર્જે [વાહ રે મન મર્કટ] !!!!! ……its a journey from emptiness to emptiness …….
Permalink
August 2, 2011 at 11:20 PM by ધવલ · Filed under અછાંદસ, જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, શ્રીકાંત વર્મા
મેં તેને આ જ રસ્તે
જતાં જોયો:
એકલો નહોતો તે,
સૈન્ય હતું,
હાથી હતા,
ઘોડા હતા,
રથ હતા,
વાજિંત્રો હતાં –
જાહોજલાલી હતી.
એ બધાંની વચ્ચે
એક ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે જઈ રહ્યો હતો,
જેમ કે લગામ
તેના હાથમાં હોય
બધાં
માત્ર અનુગમન
કરી રહ્યાં હોય.
વીસ વર્ષ પછી
હું તેને એ જ રસ્તે
આવતાં
જોઈ રહ્યો છું:
એકલો નથી તે,
સૈન્ય છે,
હાથી છે,
ઘોડા છે,
રથ છે,
વાજિંત્રો છે –
જાહોજલાલી છે.
એ બધાંની વચ્ચે
ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે પસાર થઈ રહ્યો છે
જેમ કે લગામ
કોઈ બીજાના
હાથમાં હોય,
તે
માત્ર અનુગમન
કરી રહ્યો હોય.
– શ્રીકાન્ત વર્મા
(અનુવાદ : જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )
શ્રીકાંત વર્માના સંગ્રહ ‘મગધ’માંથી આ કાવ્ય છે. ‘મગધ’ સંગ્રહમાં કવિ સમયનું સંમોહન કરીને, પોતાની સાથે આપણને પણ, મગધના સુવર્ણયુગમાં લઈ જાય છે.
આ સંદર્ભ વિના પણ આમ તો કાવ્ય માણી શકાય એમ છે. પણ આટલી વાત કરો એટલે તરત ખ્યાલ આવે કે વાત સમ્રાટ અશોકની છે. દુનિયાને દોરવાનું ગુમાન રાખતો અશોક, પાછા વળતી વખતે વિચારમાં લીન, હતહ્રદય, ને જાણે દુનિયામાં પોતાનું સ્થાન શોધવા મથતો હોય એવી સ્થિતિમાં દેખાય છે. કવિના વર્ણનથી શરુઆતમાં લાગે છે કે જાણે કાંઈ પણ બદલાયું નથી. પણ, પછી ખ્યાલ આવે છે કે કશું ય બદલાયા વિનાનું રહયું નથી… ને એક ટીસ નીકળી જાય છે.
સાથે જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને વળી, આ જ સંગ્રહમાંનું અદભૂત કાવ્ય, મિત્રોના સવાલ પણ જોજો.
Permalink
August 1, 2011 at 9:39 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ
તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.
– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.
જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?
Permalink