તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for August, 2010
August 31, 2010 at 10:02 PM by ધવલ · Filed under અછાંદસ, સિલાસ પટેલિયા
દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!
છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…
એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા
કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!
– સિલાસ પટેલિયા
મનગમતી ચીજ પોતાના મનને અડી લે – મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.
ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.
Permalink
August 30, 2010 at 10:03 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ
– શેખાદમ આબુવાલા
Permalink
August 29, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાવજી પટેલ
દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –
દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..
– રાવજી પટેલ
એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……
Permalink
August 28, 2010 at 1:06 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !
તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !
ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.
બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?
સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
– ડૉ. હરીશ ઠક્કર
ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…
Permalink
August 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !
આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.
તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?
મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.
– હરેશ તથાગત
જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !
Permalink
August 26, 2010 at 8:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.
ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !
તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.
એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.
માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.
– રિષભ મહેતા ‘બેતાબ’
મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂 બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.
Permalink
August 25, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.
આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.
ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.
તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.
બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.
– ડો. પ્રફુલ્લા વોરા
Permalink
August 24, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આકાશ છે, અંધકાર છે, ઈશ્વર છે
આભાસ છે, મૌન છે, હવાનો સ્તર છે
છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?
– જવાહર બક્ષી
Permalink
August 23, 2010 at 7:09 PM by ધવલ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.
મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.
ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય. વધુ આગળ વાંચો…
Permalink
August 22, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાવજી પટેલ
મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..
– રાવજી પટેલ
આ કવિ માટે મને ખાસ પક્ષપાત છે. એની કોઈપણ કવિતા દિલમાં જડાઈ જાય છે.
પ્રથમ વાંચને સરળ લગતી આ કવિતામાં ઈંગિતોની ભરમાર છે. કવિના ચિત્કારો બહેરા કાનોએ અથડાય છે. કવિ તરીકેનું અસ્તિત્વ નિરર્થક ભાસે છે. જીવનનાં દસ વર્ષોનો નીચોડ એક કવિતામાં ઠાલવ્યા પછીની કવિની સ્થિતિ ઘેરી નિરાશાની દ્યોતક છે . છેલ્લા પંક્તિઓમાં માનવજાત પ્રત્યેની નિરાશા છલકે છે – કહે છે -‘ ….કેટલાય કાનોને હું જગાડત….’ – કમ સે કમ કાનોને તો જગાડી શકતે ! માંહ્યલાને જગાડવો તો અસંભવ ભાસે છે ! આ જ ચિત્કાર દુષ્યંતકુમારની કવિતાઓમાં ઠેર ઠેર સાંપડે છે.
Permalink
August 21, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ
ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ
હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ
બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ
તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ
– જિગર જોષી ‘પ્રેમ’
હવે આ ગઝલમાં કયો શેર સારો છે અને કયો શેર નબળો છે એવું પિષ્ટપેષણ કરવાનું કામ આવે તો હારી ન જવાય?
*
કવિ મિત્ર જિગરનો બીજો ગઝલ સંગ્રહ (સ્વતંત્રપણે પહેલો) ‘તને મોડેથી સમજાશે’ હાલમાં જ પ્રકાશિત થનાર છે… એ સંગ્રહમાંની આ મારી ગમતી રચના… કવિને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
August 20, 2010 at 2:00 AM by તીર્થેશ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
– હરિકૃષ્ણ પાઠક
બુદ્ધ ન હોવા નો ફાયદો !! અજંપાનો આ આનંદ બુદ્ધત્વ સાથે અલોપ થઇ જાય !
Permalink
August 18, 2010 at 8:44 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.
કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.
સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.
પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.
પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.
પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.
-ગની દહીંવાળા
અસ્તિત્વ, પવન, સમય, હૈયું, સંબંધ……. દરેક શે’ર વિશે એક એક નિબંધ લખવો પડે એટલા જ સબળ બધ્ધા જ શેરો થયા છે. આપણું અસ્તિત્વ એ તો ધરતીની રૂંવાટી જેવું છે, કેટલી અદભૂત કલ્પના !
Permalink
August 17, 2010 at 4:51 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
પાણીનું એક ટીપું
જો એ તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટે છે.
એ જો કમળના પાન પર પડે
તો મોતી જેવું ચમકી ઊઠે છે.
અને જો છીપમાં પડ્યું
તો મોતી જ થઈ જાય છે.
પાણીનું ટીપું એ જ
તફાવત માત્ર સહવાસનો.
– અશ્વિની પાનસે (અનુ. અરુણા જાડેજા)
સોબતની અસરને ઓછી ન આંકશો. હમણા જ કશે વાંચેલું કે What you will become in five years depends on the people you meet and the books you read.
Permalink
August 16, 2010 at 4:53 PM by ધવલ · Filed under અછાંદસ, રઘુવીર ચોધરી
સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.
જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી ધૃતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.
પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.
– રઘુવીર ચૌધરી
કાવ્યનો પ્રસંગ બધાને ખબર જ છે. ભીમના મોઢામાંથી બોલાતા આ કાવ્યનો સંદર્ભ સર્વવિદિત છે. પણ આ ઘટનાને કવિ જે અલગ દ્રષ્ટિકોણ આપે છે તે કાવ્યને મહાન બનાવે છે.
ખાલી સત્ય (અને જ્ઞાન)થી કાંઈ શક્ય નથી. સત્યનો આદર કરવાનો એક જ રસ્તો છે – એને આચરણમાં મૂકવાનો. જે સત્યને તમે કર્મનો ટેકો નહીં આપી શકો તે વિલોપાઈ જ જવાનું. કવિએ કાવ્યમાં ભીમની સાથે સંવાદમાં સહદેવને મૂક્યો છે. સહદેવ બધુ જાણતો હોવા છતાં જાતે કદી કશું કરી શકે નહોતો. એ અહીં નમાલા, અકર્મણ્ય સત્યનું પ્રતિક છે.
સત્યનો પૂર્ણ પ્રકાશ તો એની પાછળ કર્મનું બળ મૂકો તો જ મળે.
Permalink
August 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત, દેશભક્તિ
ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
. ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
. ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
. ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
. જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
. ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
. અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
. વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
. વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
. કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
. મનુકુલ-મનનની ધારા.
– ઉમાશંકર જોશી
‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!
કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ. આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?
(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)
Permalink
August 14, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
અખંડ
મીણબત્તી
નાની થતી જાય છે,
પણ
છેવટની ક્ષણ સુધી
ઘટતું નથી
એની જ્યોતનું કદ !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
એક જ લીટી જેટલું નાનું પણ કેવું વિરાટ કદનું કાવ્ય !
Permalink
August 13, 2010 at 2:20 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
આમ તો હવામાં વસંત છે
પણ ફૂલો આટલાં ઉદાસ કેમ છે ?
ભમરાઓ કોનો શોક પાળીને
આટલા ગમગીન છે ?
પતંગિયાંઓ કરમાયેલાં ફૂલની
જેમ પડી રહ્યાં છે
કોયલના કંઠ પર કાગડાઓએ
ચોકીપ્હેરો ગોઠવ્યો હોય
એવું લાગે છે
આમ તો હવામાં વસંત છે,
– પણ…
– સુરેશ દલાલ
માણસનો અને એ રીતે પ્રકૃતિનો મૂડ પળેપળ બદલાતો હોય છે, ક્યાંક પાનખરમાં વસંત અનુભવાય છે તો ક્યાંક વસંતમાં પણ પાનખરનો અહેસાસ થાય છે. આપણી જેવી મનોદશા તેવું આપણું દર્શન. કહ્યું છે ને કે કમળો હોય તો પીળું દેખાય?!
Permalink
August 12, 2010 at 4:07 PM by ઊર્મિ · Filed under મુક્તક, શોભિત દેસાઈ
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
-શોભિત દેસાઈ
નવરંગી નશો… આહાહાહા !!! 🙂
Permalink
August 11, 2010 at 10:07 PM by ઊર્મિ · Filed under ગીત, વિનોદ જોશી, હસ્તપ્રત
(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
Permalink
August 10, 2010 at 3:50 PM by ધવલ · Filed under કરસનદાસ માણેક, ગીત
એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !
તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !
– કરસનદાસ માણેક
શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.
Permalink
August 9, 2010 at 10:59 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.
– હિતેન આનંદપરા
કૃષ્ણ આનંદ-ઉલ્લાસ-પ્રેમના દેવ છે. એમની પીડાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. એ અવતારની પાછળની પીડાને જે.વી.એ આ લેખમાં બહુ ઉમદા રીતે સમજાવી છે. આ લેખ અને ગઝલ બન્ને બહુ મનનીય થયા છે. ( આભાર, શ્રુતિ મેહતા)
Permalink
August 9, 2010 at 10:48 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને… 🙂
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
Permalink
August 8, 2010 at 12:49 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.
Permalink
August 7, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
– ઉર્વીશ વસાવડા
સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…
Permalink
August 6, 2010 at 5:30 AM by વિવેક · Filed under ગઝલ, સૌમ્ય જોશી
(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)
અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?
સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી
મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી
દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી
રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
– સૌમ્ય જોશી
કવિતા ગમવાના ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ પણ છે કે કવિતા એક જ વસ્તુના અલગ અલગ એટલા આયામ નાણી-પ્રમાણી શકે છે કે ભાવક સાનંદાશ્ચર્ય આંચકો અનુભવે. શબરીના બોર અને એની પ્રતીક્ષા તો સદીઓથી જાણીતાં છે પણ સૌમ્ય એની પ્રતીક્ષાના સાત રંગોનું જાણે એક નવું જ ઇન્દ્રધનુ રચે છે…
Permalink
August 5, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, વંચિત કુકમાવાલા
મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.
એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.
પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.
આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.
દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.
શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.
– વંચિત કુકમાવાલા
કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે. પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ. વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું. અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે. વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…
Permalink
August 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under એષા દાદાવાળા, ગીત
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
–એષા દાદાવાળા
અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે… 🙂
Permalink
August 3, 2010 at 9:57 PM by ધવલ · Filed under જાવેદ અખ્તર, મુક્ત પદ્ય, રઈશ મનીયાર
કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ
– જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)
વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.
Permalink
August 2, 2010 at 8:22 PM by ધવલ · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
– અશરફ ડબાવાલા
શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું કવિ કહે છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.
આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે. માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.
Permalink
August 1, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ ….. તને…
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું …. તને….
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ ….. તને….
– મુકેશ જોષી
Permalink