ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2010

થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી 🙂

આ ગઝલ શેખાદમના ઈમરજન્સીના વખતમાં કરેલા રાજકીય કટાક્ષકાવ્યોના સંગ્રહ ‘ખુરશી’માંથી છે. આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.

Comments (17)

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી.

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી.

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.

– કિરીટ ગોસ્વામી

પ્રસિદ્ધિની ભવ્ય ક્ષણોમાં માણસ પણ જો ઝાડની જેમ જ નમ્ર થઈને ઝૂકી શકે તો… ?   તો કદાચિત પોતાના પ્રેમની લીલપની  સરવાણી સૌ પર એકસરખી રીતે વહાવી શકે ! પણ કદાચિત…

Comments (17)

મારો અવાજ તારા લગી ન પહોંચે તો – અફઝલ અહમદ સૈયદ

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.

અને એમાં ઉમેર –
એક રાજકુમારી

અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ

અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ

અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

વાત તો એ જ છે જે આપણે અસંખ્ય કથાઓમાં અને કવિતાઓમાં સાંભળી ચૂક્યા છીએ. પણ કવિની વાત કહેવાની અદા જ આ કવિતાને મહાન બનાવી દે છે.

Comments (11)

જીવન-ગીત – ગની દહીંવાળા

ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત ?
મારે ગાવું જીવન-ગીત.

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.

– ગની દહીંવાળા

સરળ વાણી,સુંદર અર્થ,સબળ કાવ્ય-બંધારણ એટલે ગનીચાચા. ‘યજ્ઞ મહીં હોમાઈ જવું છે’- આ ભાવના આખા ગીત ને એક અનેરી ઊંચાઈ અર્પે છે-હકારાત્મકતાની દ્યોતક આ ભાવના ગીતા-ધ્વનિની યાદ અપાવી જાય છે.

Comments (7)

આંસુ – જયન્ત પાઠક

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

– જયન્ત પાઠક

ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…

Comments (8)

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

Comments (18)

ગરબડ ન કર -રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

આજે આપણે થોડા હળવા થઈ જઈએ… (હસીને, diet કરીને નહીં!)  🙂

Comments (32)

કદાચ -વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

આ કવિતા એટલે ગાગરમાં સાગર.  કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો !  અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !

Comments (16)

રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં, થોડીક ખેતી.

થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!

વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.

રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.

સૂનો મહેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.

ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !

– જયન્ત પાઠક

રાજસ્થાન કવિઓને ખૂબ આકર્ષે છે. એકવિધ રેતીના દરિયાને પોતાનું સૌંદર્ય છે. કથાઓ અને કારસ્તાનોના આ પ્રદેશમાં એકએક પથ્થરની નીચે ઈતિહાસ દબાયેલો પડેલો છે. આ કાવ્યમાં જ.પા. થોડા શબ્દોમાં રાજસ્થાન નામની દંતકથાત્મક ઘટનાને દેહ આપવામાં સફળ રહે છે.

Comments (10)

થઈ ગયો – ઉદયન ઠક્કર

પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.

કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.

પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી
ધીરે ધીરે થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.

પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે…
જોઇને દર્પણમાં, છોગાળો-છબીલો થઇ ગયો

માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો

– ઉદયન ઠક્કર

પ્રકૃતિના મૂળભૂત તત્વો –  હવા,પાણી,પ્રુથ્વી,સૂર્ય,માટી – ની એકબીજાની સાથેની પ્રતિક્રિયાને મસ્તીખોર રીતે રજૂ કરતી ગઝલ.  એક રીતે જુઓ તો સૃષ્ટિના સર્જનને જાણે માણસ મોટો થતો હોય એમ વર્ણવ્યું છે. પહેલા શેરમાં જન્મ, પછી બોલતા શીખવું, ચાલતા શીખવું, જુવાન થવું, સમયની થાપટ ખાવી અને છેવટે દુનિયાદારી શીખવી.જોકે, ગઝલની ખરી મઝા તો આવો લાંબો વિચાર કર્યા વિના જ આસ્વાદવામાં છે.

હંમેશની જેમ ઉ.ઠ.ની આ ગઝલ પણ તાજા કલ્પનોની લ્હાણી કરતી આવે છે અને હસતા – ને વિચારતા – કરી જાય છે.

Comments (17)

ગઝલ – મુકુલ ચોક્સી

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક,તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

– મુકુલ ચોકસી.

છ શેરની આ ગઝલમાં એક સળંગ સૂર સંભળાય છે. અસ્તિત્વના વર્તુળનું કેન્દ્ર ‘સ્વ’ છે. વાસ્તવિક બંધનોની જાળ કરતા ભ્રમણાના બંધનોની જાળ જાણે વધુ વ્યાપક હોય છે !

Comments (14)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

મુક્તક -વિવેક મનહર ટેલર

આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

-વિવેક મનહર ટેલર

આજે ‘ગાગરમાં સાગર‘ પર જયશ્રીએ મૂકેલી વિવેકની એક ઓવનફ્રેશ ગઝલનો મા ગુર્જરી વિશેનો એક શે’ર એના કાવ્યપઠનની સાથે માણ્યો… અને તરત જ મને એનું આ મુક્તક યાદ આવ્યું અને તરત જ અહીં ટપકાવી પણ દીધું…

Comments (13)

(ચાલ, થોડો યત્ન કર) – ચિનુ મોદી ‘ઇર્શાદ’

chinu-modi-yatna-kar(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.  થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ.  થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ.  ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે.  સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે.  બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે.  જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય.  કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો.  થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂

Comments (22)

મુક્તક – યુસુફ બુકવાલા

મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?

– યુસુફ બુકવાલા

Comments (11)

(અડધો અડધો) – કુંતલકુમાર જૈન

જીવતરના બે ભાગ કર્યા, પછી એક અડધિયું જીવ્યા
પ્રેમ પણ અર્ધો કર્યો, ધિક્કાર અર્ધો જીવ્યા
સત્ય બોલ્યાપણ પહેલાં એના બે ભાગ કર્યા
સાહસ હતું ઓછું, જૂઠાણું પણ અર્ધું જીવ્યા !
ન્યાય હતો સહેજ છેટો, પણ મજલ અર્ધી જ કાપી
મન પણ પૂરેપૂરું પાપી નહોતું, છેહ તો પુણ્યને ય આપ્યો
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?

– કુંતલકુમાર જૈન
(અનુ. રમેશ પારેખ)

આપણે કશું જીગર ફાડીને પૂરેપૂરું કરી શકતા નથી. પ્રેમ – સત્ય – ન્યાય – જીવન -મૃત્યુ બધું જ અડધું કરે રાખીએ છીએ. એ અડધામાંથી કંઈ ન ઊગે એમાં વાંક કોનો ? – આપણો જ સ્તો !

Comments (10)

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

તિથિસાર ! – વીરુ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !

પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

– વીરુ પુરોહિત

તમામ ગુજરાતી તિથિઓને કળાત્મકરીતે સાંકળી લેતું આવું સરસ મસ્તીસભર પ્રણયગીત આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?

Comments (7)

ખંખેરી નાખ – સુધીર પટેલ

ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !

રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !

નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !

– સુધીર પટેલ

ખંખેરી નાખ જેવી અર્થપૂર્ણ રદીફ લઈ કવિ મજાના પાંચ શેર નિપજાવે છે. સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિની સહુથી પહેલી શરત છે સંપૂર્ન અજ્ઞાન ! અધકચરી સમજણના ડાબલાં આંખ ઉપર બંધાયેલા હોય તો જ્ઞાનમાર્ગ નજરે ચડવો સંભવ નથી… ઊભા થવાનું આહ્વાન એ શિક્ષાનું પ્રથમ સોપાન છે અને ધૂળ પેઠે સમજણને ખંખેરી નાંખવી એ બીજું…

Comments (31)

ક્યાં ભરોસો હોય છે ? – આહમદ મકરાણી

ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?

ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?

આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?

અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?

તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?

– આહમદ મકરાણી

જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?

(તૂર=પર્વત)

Comments (11)

ચૈત્રરાતે – સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગેઅંગે ફેરવીને અંગુલિ
કૂતુહલથકી ઉકેલવા બેઠો પવન ,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.

– સુરેશ જોષી

જાપાનીઝ કવિતાઓના ઋજુ સૌંદર્યની યાદ અપાવાતી કવિતા. અનુભૂતિની સચ્ચાઈથી જ કવિતાનો ગર્ભ રચાય છે. ને એ સચ્ચાઈ હોય તો કાવ્ય-સૌંદર્ય તો એની મેળી જ ખીલે ઊઠે છે. એમના જ બે સૌંદર્ય-શુદ્ધ લઘુકાવ્યો પણ જોશો.

Comments (4)

સૂરતનો વરસાદ – નયન દેસાઈ

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે…  સૂરતનો…

– નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂

Comments (18)

મળો તો- -જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.

Comments (7)

ગઝલ – મરીઝ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

– મરીઝ

મરીઝને ગયાને જમાનો થયો પણ એની ગઝલો આજે પણ સર્વોત્કૃષ્ટ અને સહુથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણા સાહિત્યની અમૂલ્ય જણસ છે…

Comments (19)

પત્રલેખા – (સંસ્કૃત) અનુ. હરિવલ્લભ ભાયાણી

પત્રલેખા – ૧

બસ થયું !
પત્રલેખન રહ્યું –
લેખિની બોળવાને સખીએ નમાવેલ
કાંડાથી જે સરી પડ્યું કંકણ
એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
. વિરહનું વેદના-દર્પણ !

***
પત્રલેખા – ૨

જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય

(મૂળ સંસ્કૃત)
– અનુ. હરિવલ્લભ ભાયાણી

આજે SMS અને e-mailના યુગમાં પત્રલેખન ઝડપથી ઇતિહાસ બની રહ્યું છે. સંસ્કૃત મુક્તકોમાંથી બે નાનકડા મુક્તક આ જ વિષય ઉપર આજે આપના માટે…

બંને મુક્તકમાં પ્રોષિતભર્તૃકાનો વિરહભાવ વ્યક્ત થયો છે પણ બંનેની વાત જરા અલગ છે… જુદાઈની આગમાં સળગી સળગીને પત્રલેખાની કાયા એટલી કૃશ થઈ ગઈ છે કે કલમ કડિયામાં બોળવા એ કાંડું નમાવે છે તો પાતળા થઈ ગયેલ હાથમાંથી કંગન પણ સરી પડે છે. લખવાની તાકાત પણ નથી એટલે પ્રિયને વિરહ વેદનાના અરીસાસમું એ કંગન જ મોકલી આપવા એ કહે છે… બીજા મુક્તકમાં પણ વિરહ-વ્યથા ચરમસીમાએ છે… જેના માટે પત્ર લખાઈ રહ્યો છે એની જ યાદમાં ટપકતાં આંસુઓ એને ભૂંસી રહ્યા છે…

Comments (9)

પ્રાર્થના – હરીન્દ્ર દવે

તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

-હરીન્દ્ર દવે

ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન.  મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…

Comments (7)

વતનની યાદ – શેખાદમ આબુવાલા

વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે

– શેખાદમ આબુવાલા

‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે  અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.

Comments (10)

(એક માણસ કેટલો ઘરડો પડે!) – હરદ્વાર ગોસ્વામી

એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.

આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે!

છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!

એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!

ભીતરે સળગાટ કૈં એવો હતો,
આંખમાંથી આંસુ નહીં, તણખો પડે!

-હરદ્વાર ગોસ્વામી

મારો સૌથી પ્રિય શેર – એક લીલી લાગણીને પામવા, એક માણસ કેટલો ઘરડો પડે. હા, રમૂજ તો છે જ, પણ વાત પણ એટલી જ ઊંચી છે. કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !

કવિની વેબસાઈટ ગુજરાતી છું… પર એમની વધારે રચનાઓ હાજર છે.

Comments (14)