કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન હૉલ, સુરત ખાતે આજે સવારે શ્રી કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન સાથે થયા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચૌહાણે પોતાની સંસ્થાની કેફિયત આપી હતી. રઈશ મનીઆરે કવિપ્રતિભાનો પરિચય અને બે ગઝલોનું પઠન કર્યું હતું અને ગૌરવે પોતાની જીવનયાત્રા અને ગઝલયાત્રાને મંત્રમુગ્ધ કરી દેતી શૈલીમાં વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મેં સંગ્રહની સમીક્ષા કરી હતી જે અક્ષરશઃ નીચે સમાવિષ્ટ છે:
(ગૌરવ ગટોરવાળાની કથા અને વ્યથા એમના જ મુખે)
*
પળનું પરબીડિયું – સમીક્ષા: વિવેક ટેલર
(સંગ્રહની મીમાંસા…. …વિવેક મનહર ટેલર)
ગઝલના ગામમાં મારી પોતાની કોઈ ઓળખ છે કે નહીં હજી તો એય હું જાણતો નથી અને ગૌરવના ગઝલસંગ્રહ વિશે ટિપ્પણી આપવા જેવું કામ માથે આવી પડ્યું. પણ મિત્ર કિરણસિંહના અનુરોધની અવગણના પણ શી રીતે કરી શકું? ગૌરવને આ પૂર્વે એક જ વાર એક કવિસંમેલનમાં સાંભળવાનું થયું છે પણ રૂબરૂ મુલાકાત કદી થઈ નથી એટલે આ કવિને હું પહેલવહેલીવાર એની ગઝલોની ગલીઓમાં મળી રહ્યો છું એમ કહું તો અતિશયોક્તિ નથી.
સંગ્રહની ચોપ્પન ગઝલોમાંથી આ ટિપ્પણીના બહાને અવારનવાર પસાર થવાનું થયું અને સાચું કહું તો મજા આવી. આ કવિ માત્ર સ્પર્શ અને શ્રુતિના સહારે આ વિશ્વને જુએ છે. એ અવાજને અડી શકે છે અને રંગોને જોઈ શકે છે એની પ્રતીતિ આ સંગ્રહના પાનેપાને થતી રહે છે. એની આંખોની સામે અંધારું છે પણ એના દિલમાં ઊર્મિઓનું અજવાળું છે. એના પગ નીચેનો રસ્તો રણમાં દિશાહીન થઈ જનારા મુસાફર જેવો વિકટ છે પણ એની પાસે સંવેદનાના ઊંટ છે જે એને કવિતાના રણદ્વીપ સુધી ખેંચી લાવ્યા છે. સરવાળે આ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે કવિ આપણને ગઝલિયતના સમ્યક્ દર્શન કરાવવામાં સફળ રહે છે.
ગૌરવની ગઝલોનો આ પહેલો આલેખ છે. બાળક જ્યારે પ્રથમવાર ચાલવાની કોશિશ કરે ત્યારે એ પડે-આથડે જરૂર છે, ગૌરવની ગઝલોમાં પણ બાળકના પહેલા પગલા જેવી અસ્થિરતા કવચિત્ નજરે ચડે છે પણ જે મુખ્ય વસ્તુ એની ગઝલોમાં નજરે ચડે છે એ છે એની સૌંદર્ય-દૃષ્ટિ. એની ગઝલોમાં પરંપરાના પ્રતીકો છે પણ એ પ્રતીકોને નવો જ ઓપ આપતા કલ્પનોની તાજગી છે. એની ગઝલોમાં હવે પછીના પગલાંમાં આવનારી મક્કમતા નજરે ચડે છે.
આ કવિ પોતાની હદોથી વાકેફ છે. એટલે જ કહે છે:
હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.
કવિ પ્રજ્ઞાચક્ષુથી કામ લે છે. પ્ર એટલે વિશેષ અને જ્ઞા એટલે જાણવું. પ્રજ્ઞાચક્ષુ એટલે બુદ્ધિરૂપી કે જ્ઞાનરૂપી નેત્રથી જોનાર. આ માણસ કેવો પ્રજ્ઞાચક્ષુ છે એ એના આ શેરો પરથી જાણી શકાય છે :
ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
આંગળીના ટેરવાંનું કામ શું ?
જુઓ, ગઝલના શેરોમાં એની દૃષ્ટિ કેવી ખુલી છે!:
ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર.
આંખો અને સ્વપ્નોને લગતા કેટલાક શેર માણીએ:
સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.
ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.
તારી પાંપણનો નરમ તકિયો કરી,
તારી આંખોમાં જ ઊંઘી લેવું છે.
કેટલાયે તૂટી ગયા શમણાં
તોય આંખો હજી ક્યાં ખૂલી છે ?
– આ કવિ જેમ આંખના શેર વધુ કહે છે એમ જ આંસુ પણ એની ગઝલોમાં અવારનવાર નજરે ચડે છે:
ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.
આંખને પણ થાક લાગ્યો પણ અલગ રીતે જરા,
તેથી પરસેવાને બદલે આંસુના ટીપા પડ્યા.
ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.
ક્યાંક નવસર્જન થયું આંસુ થકી,
ક્યાંક સર્જાયેલું ભૂંસાઈ ગયું.
આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.
ગૌરવ નવયુવાન કવિ છે, અપરિણિત છે અને ગઝલ જેવા પ્રણયોર્મિના સાગરને અડે છે એટલે સાહજિક પ્રણયોદ્ગાર પણ એમની ગઝલોમાં આવવાનો જ. પ્રેમની નજાકતના કેટલાક અશ્આર જોઈએ:
જ્યારથી મોતી જડાયું છે તમારા નામનું,
ત્યારથી આ જિંદગીનો હાર ઝગમગ થાય છે.
મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
પણ પછી જાણ્યું હું તારામાં હતો.
મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.
તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
દિલને પણ હોય બારણાં જેવું.
અને પ્રણયરસથી તરબતર આ શેર જુઓ, એનું કલ્પન જુઓ, એની તાજગી અને કવિની મસ્તી જુઓ:
તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
ક્યારેક થાય છે કે તને હું નદી કહું.
એક બીજો પ્રણયરસનો શેર:
જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
આટલો અધિકાર મારો થઈ ગયો.
રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા.
અને દોસ્તો, જ્યાં પ્રણય આવે ત્યાં પ્રણયભંગ પણ આવે. મિલન આવે ત્યાં જુદાઈ પણ આવે. વસ્લની પાછળ પાછળ સ્મરણ પણ આવે જ. અને પ્રણયપ્રચૂર શેર કરતાં પ્રણયભગ્ન હૈયાને ચીસો હંમેશા વધુ આસ્વાદ્ય જ હોવાની. કેટલાક શેર જોઈએ:
તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
પણ હજી પણ મારું છે તારું સ્મરણ.
પ્રતીક્ષા ઉપર ગાલિબની કક્ષાનો કહી શકાય એવો આ શેર જુઓ:
જિંદગી પૂરી થવા આવી હવે,
ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.
કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.
(બાકીની સમીક્ષા આવતા શનિવારે…..)
***
(કવિપ્રતિભાનો પરિચય… …રઈશ મનીઆર)
*
(‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ… …કિરણસિંહ ચૌહાણ)
*
(પળનું પરબીડિયું….. ….વિમોચન વિધિની પળો)