સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)
આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’
(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)
ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !
સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.
આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.
બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે. કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.
ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.