ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2008

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.

ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.

જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.

પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.

દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.

વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકા વિશે મારું દૃઢપણે એવું માનવું છે કે સાહિત્યને જે ચીવટાઈ અને ખંતથી એ આરાધે છે એટલી કાળજીથી આજનો અન્ય કોઈ સર્જક આરાધતો નહીં જ હોય. ગઝલ હોય કે ગીત, નવલિકા હોય કે નવલકથા, નિબંધ હોય કે વિવેચન, ભગવતીકાકા એમાં પોતાનો પ્રાણ રેડી દે છે. એમની ગઝલો જેમ-જેમ વધારે વાંચું છું, મારો આ મત વધુ અફર બનતો જાય છે. આ ગઝલના એક-એક શેરને હાથમાં લઈ જુઓ… અહીં ખરા સોના સિવાય બીજું કંઈ મળે તો કહેજો… દર્પ અને દર્પણની દોસ્તી ત્યજીને સભાન થયેલા આ શાયર પસાર થઈ ગયેલી ક્ષણોની કાંચળીનો પણ યાદોની ટાંપ તરીકે ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે જે કુમળી કળીના ખરી જવાથી પણ અકથ્ય વેદના અનુભવી આંખો મીંચી જાય છે જ્યારે આખી શેરી ઝબકીને જાગી જાય એવા ટકોરાં પડે તોય ન ઊઘડે એવા દ્વાર જેવા પણ કેટલાક હોય છે.

Comments (6)

ગઝલ – અશરફ ડબાવાલા

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

સાવ અધવચ્ચેય આવે છે પરાકાષ્ઠા કદી,
પહોંચવા ના પહોંચવાના ભાવ પણ સાપેક્ષ છે.

પોતપોતાનું બધાંને પ્રાણપ્યારું છે રટણ,
જે કરે છે તું સતત તે જાપ પણ સાપેક્ષ છે.

હું કદી મારો, કદી તારો, કદી છું સર્વનો,
મારા મનમાં છે તે મારું સ્થાન પણ સાપેક્ષ છે.

મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

‘સાપેક્ષ છે’ જેવી મજાની રદીફને કવિએ આ ગઝલમાં ખૂબ સુંદર રીતે નિભાવી જાણી છે. સાવ સીધી ભાષામાં લખાયેલા બધા જ શેર વારંવાર ગણગણવાનું મન થાય એવા મજાના થયા છે. મંઝિલ અને મઝલની વાત કરતો બીજો શેર તથા મોકળાશ અને સંકડાશની સાપેક્ષતા આપણા પોતાના મનની જ નીપજ હોવાનું ઈંગિત કરતો આખરી શેર જો કે મને ખૂબ ગમી ગયા.

Comments (5)

પરિપક્વતા – વિપિન પરીખ

હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.

ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.

યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.

– વિપિન પરીખ

માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.

Comments (7)

કોને ખબર – વિનોદ ગાંધી

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

– વિનોદ ગાંધી

Comments (3)

મુક્તક – નીતિન વડગામા

એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.

– નીતિન વડગામા

Comments (4)

અપેક્ષા – પન્ના નાયક

વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…

-પન્ના નાયક

પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).

Comments (5)

ઘડપણ – કિરણસિંહ ચૌહાણ

તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.

– કિરણસિંહ ચૌહાણ

Comments (10)

ગઝલ – અંકિત ત્રિવેદી

રેતના  ઘરમાં  રહું  છું, રણ નથી
આંસુમાં  દેખાઉં  છું, દર્પણ  નથી.

તું  સમયની જેમ  ભૂંસાતો  ગયો,
મેં તને  ધાર્યો હતો એ જણ નથી.

મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય  જેવું આમ તો કંઈપણ નથી.

આપણામાં  કૈંક  તો  બાકી  બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.

ઊજવી  નાખેલ  અવસરનું  કોઈ
બારણા  પર  શોભતું તોરણ નથી.

-અંકિત ત્રિવેદી

સમય જીવનની નોટબુકમાં પડતો રહેતો એવો અક્ષર છે જે સતત ભૂંસાતો રહે છે અને અવિરત ઘૂંટાતો રહે છે. મનુષ્યજાતનું પણ એવું જ નથી? સામા માણસને ઓળખવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય અને અંતે જાણ થાય, અરે, આ તો મેં ધાર્યો હતો એનાથી સાવ વિપરીત જ નીકળ્યો ! અંકિત ત્રિવેદીની આ ગઝલનો મને ગમતો અન્ય શેર છે સૂર્યને “પોતાના ” પડછાયાનું પ્રતિબિંબ ધારવાની રોચક કલ્પના. અને છેલ્લો શેર એવો બન્યો છે કે જેટલીવાર એને મમળાવો, વધુ ને વધુ મીઠો અને અર્થગહન લાગે.

જે મિત્રો અંકિત ત્રિવેદીના શેરોની રમઝટ માણવાનું અગાઉ ચૂકી ગયા હોય એમને અહીં કડી-૧ અને કડી-૨ પર ક્લિક્ કરવા ગઝલપૂર્વક આમંત્રણ આપું છું.

Comments (11)

શું થયું એ નાવનું ? – આહમદ મકરાણી

માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.

ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.

આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?

સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?

જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.

-આહમદ મકરાણી

સાવ સહજ બાનીમાં કવિ ફ્રિજમાં ઠરી ગયેલી વાસી ક્ષણોનું તરોતાજા કલ્પન લાવી આપણી રુગ્ણ માનસિક્તા પર જનોઈવઢ ઘા કરે છે. અને સામે કાળ સામે બાંયો ચડાવવાની બાળમમત ત્યજવા પણ કહે છે. કાળ સામે કોનું ચાલ્યું જ છે કે આપણું ચાલવાનું? મહાભારત યાદ આવે છે: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.

Comments (2)

ગજરો – રમેશ પારેખ

(1)

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

(2)

ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
          શી ખબર ?
જીવનો ખોબો અમે
          અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…

(3)

જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !

(4)

ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?

– રમેશ પારેખ

ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.

Comments (8)

Page 1 of 3123