અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
મીનાક્ષી ચંદારાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2007

ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !

થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.

આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.

યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !

Comments (8)

તેઓ – અશોક વાજપેયી

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)

તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.

Comments (4)

સંવાદ – રજની પરુળેકર

અચાનક ક્યાંકથી ઘણી બધી ચકલીઓ આવી,
વાડ પરથી બેસીને ઝૂલવામાં મગ્ન થઈ ગઈ
તારની તીક્ષ્ણ, વળદાર ગાંઠો
તેમણે કેટલી સહજતાથી ટાળી હતી !
અને તારને પણ ચકલીઓનો ભાર લાગતો નહોતો;
તારા-મારા સંવાદનું તે ચિત્ર હતું !

– રજની પરુળેકર
(અનુવાદ : જયા મહેતા)

તારની વાડ પર બેસીને ઝૂલતી ચકલી – એવા સામાન્ય ચિત્રમાંથી કવિ કેટલી સિફતથી એક અદભૂત વાત કહી દે છે એ તો છેલ્લી લીટીની ચોટ આવે ત્યારે જ સમજાય છે.

Comments (3)

ગઝલ- રઈશ મનીઆર


(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)

જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.

સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.

વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.

આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.

મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.

મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.

મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.

મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.

-રઈશ મનીઆર

કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)

અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!

Comments (12)

વારી વારી જાઉં રે – જીવણદાસ (દાસી જીવણ)

વારી વારી જાઉં રે
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર

ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી ના’વું રે. – વારી0

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – વારી0

શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. – વારી0

દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. – વારી0

-જીવણદાસ (દાસી જીવણ)

ઈસવીસનની અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે 1755)ના આ કવિ ભક્તિરસમાં એટલા તરબોળ હતા કે નામ જીવણદાસ હોવા છતાં દાસી જીવણ તરીકે ઓળખાતા. રવિભાણ સંપ્રદાયના આ કવિને પ્રભુવિરહનાં આરતભર્યાં પદ-ભજન ખાસ હસ્તગત હતા. સંતપરંપરાના કવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાભક્તિને તળપદા વાણીવળોટો, રૂપકો અને હિંદીની છાંટ સાથે સુંદર વાચા આપી છે.

Comments (1)

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…

Comments (14)

કોનું મકાન છે ? – અમર પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

– ‘અમર’ પાલનપુરી

આ ગઝલ પ્રિયતમાને સંબોધીને લખી છે અને એમાં વિષય પણ પરંપરાગત – પ્રણય-વિચ્છેદ-વિયોગ – નો જ છે. છતાંય ગઝલ એકદમ તાજી લાગે છે. ‘મકાન’ શબ્દને કવિ કેટલા બધા જુદા જુદા અર્થમાં વાપર્યો છે એ પણ જોવા જેવું છે.

(ફના=વિનાશ)

Comments (3)

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. આ ગીત સાથે નિરંજન ભગતનું ગીત ફરવા આવ્યો છું અને ઉમાશંકરનું ભોમિયા વિના તરત જ યાદ આવે.

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (1)

ગઝલ – કવિતા મૌર્ય

મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.

ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.

આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?

એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.

કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?

કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?

– કવિતા મૌર્ય

શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ અહીં તો મૌન ઉઘડતું ન હોવાની વાત છે. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે. કાંટા અને ફૂલનો સંબંધ અસંખ્ય વાર કવિતાઓમાં ખેડાયો છે. છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. લયસ્તરોને આ ગઝલ મોકલવા માટે આભાર.

Comments (5)

ગઝલ લખાતી નથી – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

-મુકુલ ચોક્સી.

ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…

Comments (14)

Page 1 of 4123...Last »