દાદા હો દીકરી – લોકગીત
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
– લોકગીત
કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-
કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?
સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.
અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)
ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.
(આસ્વાદ: ઉદયન ઠક્કર)