ખરી છે વાંસની પાંદડી! – પ્રદીપ સંઘવી
વાંસની પાંદડી ખરી પડી,ખુશ છે.
ઊડી, ખુશ છે.
કરોળિયાના જાળામાં ફસાણી,
ત્યાં યે નાચે છે.
કરોળિયાએ પાસે આવી,સૂંઘી,
ફેંકી દીધી.ખુશ છે.
ધૂળમાં આળોટે છે,ખુશ.
વાંસની પાંદડી ખરી પડી,
ખરી છે વાંસની પાંદડી!
– પ્રદીપ સંઘવી
આસ્વાદ : ઉદયન ઠક્કરની કલમે –
વાંસની પાંદડીનું આયુષ્ય અલ્પ હોય, માત્ર એક વર્ષ. કવિ કલ્પે છે કે તે પ્રત્યેક સ્થિતિમાં રાજી રહે છે. ખરે,ઊડે, ફસાય, ફેંકાય,આળેટે, તોય ખુશની ખુશ.વાંસની પાંદડીના પ્રતીક વડે કવિ સૂચન કરે છે કે આપણે સદા ય હસતા રહેવું જોઈએ. એ ખરું કે કરોળિયાના જાળામાં ફસાયેલી પાંદડી નાચતી લાગે, આનંદમાં છે તેમ કલ્પી શકાય. પણ ખરતી, ફેંકાતી કે આળોટતી વખતે પાંદડી ખુશ છે કે નહિ, તે આપણે જાણી ન શકીએ. કવિ તેની ઉપર આનંદના ભાવનું જાણે કે આરોપણ કરે છે. બહુ બહુ તો એમ કહી શકાય કે વાંસની પાંદડી ખરવાની વેળા આવે ત્યાં સુધી લીલીની લીલી રહે છે, ફિક્કી-પીળી પડતી નથી, માટે જાણે ખુશ રહે છે.
ગિજુભાઈની બાળવાર્તાઓ કોણે ન સાંભળી હોય? આનંદી કાગડાને રાજા સાથે વાંકું પડ્યું. રાજાએ શિક્ષા કરી, ‘ઊકળતા તેલમાં નાખો!’ કાગડો હરખાઈને ગાવા માંડ્યો, ‘તેલમાં ડૂબકાં ખાઈએ છીએ,ભાઈ ખાઈએ છીએ!’ રાજા કહે, ‘એમ નહિ માને, કાનમાં કાણાં પાડો!’ પેલો ખુશ થઈ ગાતો રહ્યો, ‘કૂણા કાન વિંધાવીએ છીએ,ભાઈ વિંધાવીએ છીએ!’ કંટાળીને રાજાએ આનંદી કાગડાને ઉડાડી મૂક્યો. સદા પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી, માટે કવિના મુખેથી ઉદ્ ગાર સરી પડે છે, ‘ખરી છે વાંસની પાંદડી!’ અહીં ‘ખરી છે’ પદ વડે શ્લેષ કરાયો છે.
-ઉદયન ઠક્કર
Dr Sejal Desai said,
May 21, 2024 @ 3:45 PM
ખૂબ સરસ અછાંદસ અને આસ્વાદ…ખરી છે વાંસની પાંદડી..વાહ
kantilal sopariwala said,
June 6, 2024 @ 9:19 AM
ખુબજ ઉત્કૃષ્ટ અછાંદસ કાવ્ય વાંસ પણ
જીવન ને કંઈક તો સંદેશ આપેજછે સીધા રહેવું
સીધા ચાલવું અને લોકો ને કામ આવવું
કે બી