માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

કવિનો શબ્દ – ચિનુ મોદી

(શિખરિણી)

મને તું બાંધે જે જડજગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું.

વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિએ,
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં.

અને એનો એ હું કુસુમરજ વ્હેંચું વન વિશે,
તને આપું મારો પરિચય હજી? હું સમય છું.

ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું, અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું,

ઉલેચું એથી તે પ્રલયકર વિસ્ફોટ અટકે,
હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે

ધરા ને આકાશે, ગહનતમ પાતાલતલમાં,
વહી છાનો છાનો ધ્વનિત બનતો હું લય સખી.

છટાથી આ વાયુ- સમય – લયને એક કરતો,
ત્રિકાલે, બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

એકવાર અસ્મિતા પર્વમાં સહુ કવિમિત્રો સાથે ભોજન કરીને હું ઉતારા તરફ પરત ફરતો હતો ત્યારે સામે રાજેન્દ્ર શુક્લ મળ્યા. જુવાનિયાઓના ટોળા સાથે વાત કરવા એ રોકાયા. (ત્યારે મનેય ચાળીસ નહોતાં થયાં.) અમારામાંથી એક કવિની ભાષા સાંભળીને રા.શુ.એ એને ટોક્યો: ‘આમ ન બોલાય, કવિ. સામાન્યજનના શબ્દ અને કવિના શબ્દ વચ્ચે બહુ મોટો તફાવત છે. કવિનો શબ્દ કદી જવાબદારી વિનાનો હોઈ ન શકે.’ આ વાત મનમાં ઘર કરી ગઈ.

ચિનુ મોદીની આ કવિતા કવિનો શબ્દ એટલે શું એનો પરિચય ત્રણ ઉદાહરણોની મદદથી આપે છે. કાવ્યારંભે કવિ આપણને પવન શું છે એ સમજાવે છે. શરૂઆત જ જડજગતના નિત્યનિયમે બંધાવાના પ્રતિકારથી થાય છે એ નોંધવા જેવું. જન્મજાત આઝાદ પવનને કોણ બાંધી શકે? ગતિ અલસમન્થર હોય કે તીવ્ર હોય, પણ એ પવનની સ્વૈચ્છિક ગતિ છે. જે પવન વર્ષો જૂનાં વૃક્ષોને જમીનસોતાં કરી શકે છે એ જ પવન વનમાં પરાગરજ વેરીને નવાં વૃક્ષોને નવી નવી જગ્યાઓએ ઉગવા અનુકૂળતા પણ કરી આપે છે. બીજા દૃષ્ટાંત વડે કવિ સમયનો પરિચય કરાવે છે. અખિલ બ્રહ્માંડમાં ક્ષણોના સ્વામી એવો સમય સતત સરકતો, ગતિ કરતો રહે છે. જગતના સઘન બનતા શૂન્યને એ ઉલેચતો રહે છે અને પ્રલયકર વિસ્ફોટને અટકાવે છે. વિશ્વને એના હોવાનો અર્થ પ્રદાન કરે છે. કવિના શબ્દને સમજવા મથતા પાઠકના મનમાં હજીય કંઈ કુતૂહલ રહી ગયું હોય તો કવિ ત્રીજા દાખલા વડે વાત વધુ સ્પષ્ટ કરે છે. શબ્દ સાક્ષાત્ લય છે, લય જે ત્રણેય લોકમાં પ્રવર્તમાન છે.

કવિનો શબ્દ આ ત્રણેયનો સરવાળો છે. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં, સકળ બ્રહ્માંડમાં વાયુ, સમય અને લયને જે વસ્તુ છટાભેર એક કરી શકે એ છે કવિનો શબ્દ. સર્જંન-વિનાશના નિમિત્ત વાયુ, બ્રહ્માંડને સભર બનાવતો સતત ગતિવંત સમય અને ત્રિલોકના કણેકણમાં વ્યાપ્ત લય – આ તમામ એક થાય ત્યારે કવિનો શબ્દ બને છે. કવિના શબ્દમાં કેટલી તાકાત હોય છે, અને એ ઉપલક્ષમાં કાગળ ઉપર શબ્દ માંડતા કવિના માથે કેટલી મોટી જવબદારી છે એ વાત કવિએ સુપેરે સમજાવી છે.

1 Comment »

  1. Poonam said,

    May 27, 2024 @ 9:32 AM

    તને આપું મારો પરિચય હજી? હું…
    – ચિનુ મોદી 👌🏻

    …કવિનો શબ્દ કદી જવાબદારી વિનાનો હોઈ ન શકે.’ 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment