હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2024

વતનનો તલસાટ – રમણિક અરાલવાળા

ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.

કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં,
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર, વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ :

ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.

ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુટ સમું મ્હોડું ક્યાં માવડીનું?

વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.

– રમણિક અરાલવાળા

શીર્ષકના બે શબ્દોમાં આખા સૉનેટનો સાર સમાયો છે. બહુ લાંબો સમય વિદેશમાં રહ્યા બાદ કથકના પ્રાણ જન્મભૂમિ જવા માટે ધમપછાડા કરે છે. સ્વયંની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રથમ બે પંક્તિમાં આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિની યાદોમાં વર્ષો પહેલાંનું વતન સજીવન થાય છે. કૂવાકાંઠે પાણી ભરતી પાણિઆરીઓ, ખેતરોમાં પવનની લહેરખીથી ડોલતાં અન્નપૂર્ણા જેવા ડૂંડા, ખંતીલા ખેડૂતોના મીઠાં ગીતો. વડનું ઝાડ, શંકર ભગવાનનું જૂનું દેરું, ગાયોનાં ધણ, મંદિર પર ફરકતી ગેરુ ધજા, અપાર વહાલ વરસાવતી બહેન અને લંગોટિયા દોસ્તો- કવિએ સંયમિત કલમે ગ્રામ્યજીવનને બહુ સુપેરે ઉપસાવ્યું છે.

વિદેશમાં વ્યથિત હૃદયને ઊંઘવાના સમયે ઊંઘ બરાબર આવતી ન હોવાથી જાગવાના સમયે ઝોકાં આવે છે. પોતાના વતનઘેલા હૈયાને ટપારતા કથક કહે છે, વતન જવા મળશે ત્યારે બધું જ મળશે, પણ કાલાગ્નિ ઓહિયા ન કરી જાય એ રીતે એનાથી સાચવીને રાખેલ સ્મૃતિસુમનમાંથી સારવેલ પરાગરજ થકી જેનું સિંચન કર્યું છે એ માવડીનું મોંઘા મધુપુટ સમું મોઢું વતનમાં ક્યાં જોવા મળશે? હન્મભૂમિ ગમે એટલી વહાલી કેમ ન હોય, પણ જનની વિનાની જન્મભૂમિ હૈયાને સંતોષ નહીં જ આપી શકે. એટલે વતન જઈને માતાની ગેરહાજરીમાં દુઃખી થવા કરતાં તો વિદેશમાં રહીને મા સહિતની જન્મભૂમિની કલ્પના કરીને જીવવું વધુ સારું નહીં?

Comments (5)

ધબાકો થાય છે – ધૂની માંડલિયા

કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.

ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.

હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.

એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.

સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.

– ધૂની માંડલિયા

ગઝલમાં આધ્યાત્મ, ચિંતનાત્મક વાતો અને બોધ વગેરેનું ચલણ હાલ એટલું વધી ગયું છે કે ક્યારેક તો શંકા પડે કે ગઝલકારનું પ્રમુખ કામ જ સમાજસુધારણા કે ધર્મોત્થાન તો નથી ને! એવામાં આવી વિશુદ્ધ સૌંદર્યબોધ કરાવતી ગઝલ હાથ લાગે એટલે આનંદ થઈ જાય. મૃગજળના મૃગ અને જળના સંદર્ભો વાપર્યા હોય એવા સેંકડો શેર આપણી ભાષામાં મળી આવશે પણ એ બધામાં પ્રસ્તુત ગઝલનો મત્લા નોખો તરી આવે છે. હરણના લપસી પડવાના દુર્લભ અકસ્માત સમેત ઝાંઝવામાં ધબાકો થવાની આખી વાત કેવળ કવિકલ્પના હોવા છતાં આપણી નજર સમક્ષ ક્ષણાર્ધમાં આખું દૃશ્ય રચાઈ જાય છે. આંધળા માણસના જીવનમાં અંધારપટ સિવાય કશું હોતું નથી, પણ આંખ ઉપર તડકો પડે ત્યારે અંધારું આછું થતું તો એય અનુભવી શકતા હશે. તડકાને ઊઠવાનું આહ્વાન દઈ અંધજન સાથે વાત કરવાનું કહેતો શેર પણ કવિની સૌંદર્યાનુરાગી નજરનો દ્યોતક છે. બધા જ શેર મજાના થયા છે, ખરું ને?

Comments (9)

છાણાં લેવાય નૈ – જયંતી પટેલ

વાડામાં કૂતરી વિયાઈ
.              છાણાં લેવાય નૈ.

ડેલીનો ડાઘિયો હાંફે બજારમાં એમ બેઠી’તી ચૂલાની મોર્ય,
ટાણું છાંડીશ તો તાડૂકશે બાઈજી કહેશે કે ટાંટિયો ઓર્ય,
રૂંવે રૂંવે મને લાગી છે લ્હાય,
.            આવું મ્હેણું તો સ્હેવાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ
.            છાણાં લેવાય નૈ.

પાદરમાં બેઠી છે પંચાયત ગામની કરીએ તો કરીએ શું રાવ?
હું રે ભોળુડી કંઈ બોલું ના બોલું ત્યાં કહેશે કે સાબિતી લાવ,
ઘૂંઘટ ઉપાડું તો ચહેરો દેખાય,
.            અંદરના ડામ કૈં દેખાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ,
.            છાણાં લેવાય નૈ.

– જયંતી પટેલ

સારી કવિતાની એક વિશેષતા એ છે કે સમસ્ત જનસમાજની વેદનાને એકદમ હળવાશથી વાચા આપી શકે છે. હળવીફૂલ લાગતી રચનામાંથી પસાર થઈએ અને કાવ્યાંતે હૃદયમાં કવિતામાં વ્યક્ત થયેલ પીડા ફાંસ બનીને ઘર કરી જાય એમાં જ કવિતાનું સાફલ્ય ગણાય. જુઓ આ રચના –

તાજી વિયાયેલ કૂતરીની નજીક જઈએ તો કરડી ખાય. ચૂલો પેટાવવા માટેનાં છાણાં જ્યાં પડ્યાં છે, એ વાડામાં જ કૂતરીએ બચ્ચાં આપ્યાં છે એટલે છાણાં લેવા જવું શી રીતે? ડેલીનો ડાઘિયો કૂતરો બજારમાં નવરો બેઠો કેવળ હાંફ્યે રાખે એ રીતે વહુરાણી ચૂલા પાસે બેસી રહી છે, પણ રાંધી નહીં સ્ઝકાય તો સારુ તારા ટાંટિયા ચૂલામાં કેમ ન ઓર્યા કહીને તાડૂકશે એ એ ડર એને સતાવી રહ્યો છે. પાદરમાં પંચાયત બેઠી છે એમ કાવ્યનાયિકા આપણને કહે છે ત્યારે પંચાયત શબ્દમાં પંચાતનો રણકો સંભળાયા વિના રહેતો નથી. સાસરીમાં વહુવારુઓને પડતાં દુઃખ નાની અમથી વાતના મિષે કેવી સાહજિકતાથી વ્યક્ત થયાં છે!

Comments (7)

બીજરેખા – જયદેવ શુક્લ

દરિયો
હમણાં જ હણહણ્યો.
ખડક સાથે
અથડાઈ
ભૂરો કાચ
ચૂરેચૂરા.
દૂર ઊભેલાં વહાણ
મેઘધનુષી વાછંટથી
ઉભરાય.
ખૂલી ગઈ બારી.
ખારી હવા ને દરિયો
વીંઝાયાં.
બીજરેખા
હલેસા વિના
તરતી રહી
ભરપૂર!

– જયદેવ શુક્લ

ક્યારેક કવિતા વિશેષ કશું ન કરતાં કોરા કેનવાસ ઉપર બે-ચાર લિસોટાની મદદથી સરસ મજાનું ચિત્ર દોરી આપે છે. વધુમાં વધુ છ જ શબ્દોથી બનેલ છ જ વાક્યોની મદદથી કવિએ અદભુત ચિત્ર દોરી બતાવ્યું છે. દરિયાના મોજાંના અવાજને હણહણાટ સાથે સાંકળીને કવિએ દરિયાને વેગ અને તોફાન બંને સાથે સાંકળી લીધો. કવિતાપ્રેમીઓના સ્મરણપટ ઉપર આ ઉપમા વાંચીને શ્રીધરાણીનું અમર સોનેટ ‘ભરતી’ તરવરી આવી શકે. ભૂરો દરિયો કાંઠાના ખડક પર અથડાઈને ફીણફીણ થઈ જાય એમાં કવિને ભૂરો કાચ ચૂરેચૂરા થતો દેખાય છે. બંધ બારી ખૂલી ગઈ એ વાતમાંથી અનેક અર્થાધ્યાસ સાંપડી શકે. નાની અમથી બારી સમગ્ર પ્રકૃતિ સાથે કથકને સાંકળી લેતું માધ્યમ બની રહે છે. આમ તો ઊડતી વાછંટને લઈને રચાતું મેઘધનુષ સૂર્યની હાજરી વિના સંભવ નથી, પણ એબ્સ્ટ્રેક્ટ ચિત્રની જેમ જ પોએટિક લિબર્ટી ક્યારેક સમયના બે ભિન્ન બિંદુઓને પણ એક સાથે સીવી દેવાનું નિમિત્ત બની શકે. બારીમાંથી દરિયો અને વિશાળ આકાશ બંને રાતના અંધારામાં એકાકાર થયેલા દેખાતા હોવાથી બીજનો ચાંદ હલેસા વિના એ કેનવાસમાં તરતો હોવાની પ્રતીતિ થાય છે. દરિયાના ચૂરેચૂરા થવાની સાપેક્ષે બીજરેખાનું ભરપૂર તરવાનો વિરોધાભાસ સમૂચા ચિત્રને વધુ આસ્વાદ્ય બનાવે છે.

જોગાનુજોગ આજે કવિની વર્ષગાંઠ પણ છે. કવિને લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (4)

સાંજ – નયન દેસાઈ

આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.

બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?

આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.

આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.

ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.

લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.

હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.

બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.

ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.

– નયન દેસાઈ

નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!

Comments (8)

‘સંતરાની માફક પૃથ્વીને આમ નિચોવ્યા જ ન કરાય…*’ – હરીશ મીનાશ્રુ

પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ

ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)

ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.

વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.

Comments (2)

તો વાત આમ છે – નાઝમ હિકમેત (તુર્કી) (અનુ: નંદિતા મુની)

આગળ વધતા ઉજાસમાં ઊભો છું
ક્ષુધાભર્યા છે હાથ મારા, ને આ સૃષ્ટિ સૌંદર્યભરી.

વૃક્ષો નિહાળીને ધરાતી જ નથી‌ મારી આંખો-
કેટલાં આશાભર્યાં, કેવાં લીલાં!

શેતૂરનાં વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે એક તડકાભર્યો રસ્તો,
ને હું જેલના દવાખાનાની બારીએ છું.

દવાની વાસ નથી આવતી મને-
નક્કી આસપાસમાં ફૂલ ખીલ્યાં હશે.

તો વાત આમ છે:
કોઇ કેદ કરી લે એ વાત મહત્વની નથી,
મહત્વ એ વાતનું છે કે તમે શરણ નથી થયા.

– નાઝમ હિકમેત (તુર્કી) (Turkish: [naːˈzɯm hicˈmet]
(અંગ્રેજી પરથી ગુજ. અનુ: નંદિતા મુની)

*

1938ની સાલમાં તુર્કી આર્મી વોર અકાદમીના વિદ્યાર્થીઓમાં અપપ્રચાર કરવાના આરોપસર કવિને યુદ્ધ અકાદમી અને નૌસેના તરફથી પંદર વત્તા વીસ –એમ કુલ પાંત્રીસ વરસની કેદ કરવામાં આવી હતી. પણ 1950માં ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવ્યા બાદ બુદ્ધિજીવીઓના આંદોલન અને કવિની ભૂખ હડતાળ સામે નમતું મૂકીને કવિને મુક્ત કરવામાં આવ્યા. તેર વરસના આ કારાવાસ દરમિયાન કવિએ જે રચનાઓ કરી હતી, એમાંની આ એક રચના છે.

કારાવાસની અંદર રચાયેલ આ કવિતામાં પહેલી પંક્તિમાં જ કવિએ ઘણું બધું કહી નાંખ્યું છે. શરૂઆત ‘આઇ’થી થાય છે. છત્રીસ વર્ષની વયે પાંત્રીસ વર્ષની કેદ થઈ હોય તોય ‘હું’ અડીખમ રહી શક્યો છે એ કવિના મજબૂત મનોબળની નિશાની છે. બીજો શબ્દ છે ‘સ્ટેન્ડ.’ એય કવિના અણનમ જુસ્સાને અધોરેખિત કરી આપે છે. કવિ આગળ વધતા ઉજાસમાં ઊભા છે. ઊભા છે, તૂટી નથી પડ્યા, મતલબ પ્રકાશની જેમ આગળ વધવાની આશા પણ કવિની જોડાજોડ હજી અણનમ ઊભી છે. કવિ જેલખાનાની બારીએ ઊભા છે અને બહારની ખૂબસૂરત દુનિયા તરફ એમના ભૂખ્યા હાથ લંબાયેલા છે. આ ભૂખ સૃષ્ટિના સૌંદર્યને પામવાની છે, આશાભર્યાં લીલાં વૃક્ષોને આંખોમાં ભરવાની છે. ’કેટલાં આશાભર્યા’ શબ્દપ્રયોગ પણ કવિતાની પાર્શ્વભૂમાં ધ્યાનાર્હ બને છે. જેલના દવાખાનાની બારી જેટલી નાનકડી જગ્યાથી સમગ્ર સૃષ્ટિ સાથે અનુસંધાન અનુભવતા કવિને દવાની વાસ પણ આવતી નથી, બલકે ફૂલોની ખુશબૂ અનુભવાય છે. મતલબ, કારાવાસના અત્યાચારો એમના સુધી પહોંચતા જ નથી, એમને કોઈ અસર કરી શકતા નથી. છેલ્લી બે પંક્તિ તો સૉનેટમાં આવતી ચોટ જેવી બળકટ થઈ છે.

*

It’s This Way

I stand in the advancing light,
my hands hungry, the world beautiful.

My eyes can’t get enough of the trees–
they’re so hopeful, so green.

A sunny road runs through the mulberries,
I’m at the window of the prison infirmary.

I can’t smell the medicines–
carnations must be blooming nearby.

It’s this way:
being captured is beside the point,
the point is not to surrender.

– Nazim Hikmet
(Eng. Trans. by Randy Blasing and Mutlu Konuk (1993))

Comments (5)

હોય છે – એસ. એસ. રાહી

ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?

ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.

દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.

આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.

આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?

– એસ. એસ. રાહી

ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?

Comments (9)

તો મજા – કિરણ જોગીદાસ ‘રોશન’

આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.

તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.

ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.

જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.

વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.

– કિરણ જોગીદાસ ‘રોશન’

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.

આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…

Comments (9)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
.                                       …આપણી!

.          એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
.          આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
.                            એકલી ઝૂરે છે અભાગણી.

.          હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
.          સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
.                        રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

શબ્દ બે ધારી તલવાર છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો જંગ જીતી શકાય અને અયોગ્ય રીતે વાપરો તો જીતેલી બાજી પણ હારી જવાય. પોતાના જ શબ્દોનો માર ખાધેલ બે પ્રિયજનની સમ-વેદનાનું આ સહિયારું ગાન છે. વાતને ઝરૂખે એક લાગણી ઝૂરી રહી છે. કોની? તો કે આપણી. મુખડાની બીજી પંક્તિમાં પરંપરા મુજબ આખું વાક્ય વાપરવાના બદલે કવિએ માત્ર એક જ શબ્દ –આપણી- વાપરીને સહિયારાભાવને કેવો અધોરેખિત કરી બતાવ્યો છે! આપણે એકબીજાને જે કહ્યું છે એ વાતો જ આપણને અલગ કરતી વાડ બની ગઈ છે. સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે. એક એક પળ પણ પહાડ જેવી વિરાટ ભાસે છે. રાતરાણીની સુગંધને પીઠ પર સવારી કરાવી ગામ આખાને તરબતર કરતો વાયરો સાથમાં હોવા છતાં અભાગણી રાતરાણી એકલી ઝૂરી રહી છે. એના પમરાટનો પાગલ એની સાથે નથી ને! પડછાયા એટલે અંધારું. હોઠેથી આયખું અજવાળે એવા શબ્દોના સ્થાને પડછાયાઓ પથરાઈ રહ્યા છે. આંખોની મરણપથારી પર કદી સાથે જોયાં હશે એ સ્વપ્નો આખરી શ્વાસ લઈ રહ્યાં છે. આગિયાની પાંખ પર બેઠેલો સૂરજ મારગની માંગણી કરે એ પ્રતીક મને પૂરું સમજાતું નથી. કવિ વાતનું વતેસર થયાની વાત કરે છે કે કંઈ બીજું એ બાબતે કોઈ કવિમિત્ર કે વાચકમિત્ર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

Comments (13)

બળતાં પાણી – ઉમાશંકર જોશી

(શિખરિણી)

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયૈ સળગતી,
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાંની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઉછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપીયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી- લોપીને સ્વજન દુઃખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહિ ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

– ઉમાશંકર જોશી

હજી તો એપ્રિલ માંડ શરૂ થયો છે ને ગરમીએ તો માઝા મૂકી છે. ડુંગરમાંથી જન્મેલી ડુંગરપુત્રી નદી દોડી રહી છે. એની આજુબાજુના ડુંગરો અને વનો તાપમાં ભડભડ શેકાઈ રહ્યાં છે ને ઓળા નદીના પાણીમાં પડે છે. નદીનું હૈયું તો સળગે જ છે, કાયા પણ ગરમીના કારણે દાઝી રહી છે. જે પહાડોએ એને પોતાનું સર્વસ્વ નિચોવીને જન્મ આપ્યો છે, એ પહાડોને તટ ઉપર છોળો ઉછાળી પાણી છાંટી શીતળ કરવાનું નદીના ભાગ્યમાં નથી. કિનારાએ જે જડ મર્યાદામાં એને બાંધી દીધી છે એને ઉથાપી-લોપીને સ્વજનોના દુઃખને એ શાંત કરી શકતી નથી. જે પાસેનાં છે એ સહુને સળગી મરતાં છોડીને એણે જે કદી જોયો નથી એવા દરિયાના પેટાળમાં ભડભડતા અગ્નિને ઠારવા જવું પડે છે. દરિયામાંથી વરાળસ્વરૂપ ધારીને વાદળ બનીને ક્યારેક આ તરફ આવીને પર્વતો પર લાગેલી આગ બૂઝાવવાનું સૌભાગ્ય જ્યારે એને સાંપડશે તો ખરું પણ બધું તાપથી બળીને ખાક થઈ જાય પછી એ સૌભાગ્ય સૌભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય?

એક પંક્તિ ઓછી કરીને કવિ ચૌદ પંક્તિનું સૉનેટ આપી શક્યા હોત, પણ જડ કાંઠાના નિયમોને ઉથાપી ન શકતી નદીથી વિપરિત હૃદયોર્મિના વેગને કાવ્યાકારના કાંઠાઓમાં બાંધવું યોગ્ય ન ગણીને કવિએ કદાચ સૉનેટ કહેવાનો મોહ જતો કર્યો હોઈ શકે. વધુ તો જાણકારો જ કહી શકે.

Comments (5)

(जानना) – विनोद कुमार शुक्ल

हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था

इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था

हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।

– विनोद कुमार शुक्ल

અનુવાદની આવશ્યક્તા ન હોવાથી મૂળ કવિતા જ રજૂ કરું છું. સારી કવિતા જટિલ શબ્દાડંબરની જરાય મહોતાજ હોતી નથી. સીધી દિલથી નીકળેલી વાત યથાતથ બીજા દિલ સુધી પહોંચાડી શકે એ સાચી કવિતા. અનુવાદ તો અપ્રસ્તુત જણાય જ છે, પિષ્ટપેષણ પણ બિલકુલ અનાવશ્યક લાગે છે. પણ એટલું જરૂર કહીશ કે આ રચના એકવાર વાંચીને આગળ વધી જવાને બદલે ત્રણ-ચારવાર એમાંથી પસાર જરૂર થજો અને પછી મને કહેજો કે કેવું લાગ્યું!

Comments (7)

તારાઓનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંધ્યા આવી પૂરે કોડિયાં,
.               આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
.               નવલખ જ્યોતિ પ્રગટાવે!
.                                 ચાર દિશાના વાયુ વાય;
.                                 થથરે, પણ નવ બૂઝી જાય!

અંબર ગરબો માથે મેલી,
.               આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તારા છિદ્રો એનાં,
.               મીઠાં મહીંથી તેજ ઝમે!
.                                 વ્યોમ તણેયે પેલે પાર!
.                                 જયોત ઝબૂકે જગ-આધાર

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સાવ ટબૂકડું પણ કેવું મજાનું ગીત! રાત્રે આકાશમાં તારાઓને ટમટમતાં આપણે સહુ જોઈએ છીએ. આ તો રોજેરોજનું દૃશ્ય છે, પણ કવિની તો દૃષ્ટિ જ અલગ. કવિના લેન્સમાંથી હજારોવાર જોયેલી વસ્તુ પણ અચંબો થાય એવી નવીન લાગે. પ્રસ્તુત રચના એનું બળકટ દૃષ્ટાંત છે. સાંજ આકાશના કોડિયાઓમાં લાલ-કેસરી રંગોનું તેલ પૂરીને આભઅટારીને શણગારે છે. સાંજના ધીમે ધીમે ઢળવા અને રાતના ધીમે ધીમે રેલાવાની ક્રિયાને કવિ રાત શરમાતી શરમાતી આવે છે એમ કહીને નવું જ પરિમાણ બક્ષે છે. અંધારું થાય નહીં ત્યાં સુધી તારાઓ ચમકતા દેખાય નહીં એ તથ્યમાં કવિને શર્મિલી વહુ નવલખ જ્યોતિ પ્રગટાવતી નજરે ચડે છે. સામાન્યરીતે વાયુ વાય એટલે દીવાની જ્યોત થથરવા માંડે અને બુઝાઈ પણ જાય. ઝબુક ઝબુક કરતા પણ ગાયબ ન થતા તારાઓમાં કવિને આ દૃશ્ય દેખાય છે. હવે તો નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા નામશેષ થવા આવી છે, પણ જે સમયે આ ગીત રચાયું હતું એ સમયે એવું નહોતું. ગરબો એટલે ઘણાબધાં કાણાંવાળું માટલું, જેની અંદર દીવડો મૂક્યો હોય અને એને માથે લઈને સ્ત્રી માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ રાસ રમે. (આજે આપણે આ ક્રિયાને જ ગરબો કહેવા માંડ્યા છીએ.) આખું અંબર એક ગરબો હોય, મીઠાં તેજ વરસાવતા તારાઓ એમાં કરાયેલ નવલખ છિદ્રો હોય અને સ્વયં આદ્યાશક્તિ એને માથે મેલીને રાસ રમતી હોય એ કલ્પન ધ્યાનમાં રાખીને રાત્રે આકાશમાં મીટ માંડજો. કવિએ કેવી કમાલ કરી છે એ સમજાશે. જે રીતે ગરબામાં કરાયેલ છિદ્રોમાંથી તેજ ઝમતું તો નજરે ચડે છે, પણ તેજ રેલાવનાર દીવો નજરે ચડતો નથી એ જ રીતે નજરે ચડતા આકાશની પેલે પાર દુનિયાના આધાર સમી જ્યોત ઝબૂકી રહી છે એમ કહીને ઈશ્વર તરફ અંગૂલિનિર્દેશ કરીને કવિ ગીતને નવી જ ઊંચાઈ બક્ષે છે.

Comments (9)

જંગલ ઝોલા ખાય – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલા ખાય…

નરસીં મેતે ભાર ષકટનો
.             જેના શિરે દીધો,
પરસેવાથી લથબથ કૂતરે
.             ઠામૂકો જશ લીધો.

નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

દીવાસળીના ડીંટે અગની
.             સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
.             નથી કોઈને નેઠો.

સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?

ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.

(નેવકો= સમૂળગો, સાવ; નેઠો= ભાન)

Comments (9)

આભ – મણિલાલ દેસાઈ

આભને નહીં હોય રે આભની માયા,
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્.હેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી, જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્.હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથંભે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન !
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્.હેતી છાયા !

– મણિલાલ દેસાઈ

સ્વની માયા ન હોય એ જ માણસ પરમાર્થે જોડાઈ શકે. આભના મિષે આ વાત કવિએ કેવી સરસ રીતે કહી છે એ જોવા જેવું છે. આભને આભની પોતાની માયા નથી હોતી. માયા હોય તો એ સ્વને ત્યાગીને વેરાન હોય કે વન, આવળબાવળ હોય કે લોકો, એ પોતાની સોનલવરણી છાયા સૌ પર એકસમાન હેતથી પાથરે નહીં ગીતોમાં સામાન્યરીતે જોવા મળતાં આવર્તનો કરતાં એક આવર્તન વધુ ગૂંથીને કવિએ લયને પણ લહેકાવ્યો છે. સરવાળે આખું ગીત સુપથ્ય બની રહે છે.

Comments (3)