આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2024

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (હિન્દી) (અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો’તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે “દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

– અગ્નિશેખર (હિન્દી)
(અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

કેટલીક રચનાઓ આસ્વાદની મહોતાજ હોતી નથી. આ કવિતા શેના વિશેની છે અને શું કહી રહી છે એવું કશું અલગથી કહેવાની જરૂર જણાય છે? કવિતાના શબ્દ-શબ્દેથી જે પીડા નીંગળે છે એ આપણને ઘાયલ ન કરી જાય તો જ નવાઈ…

Comments (9)

સાંજ પડી – રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે,
ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?
સાંજ પડી…

સાંજ પડી ને ઢળતો સૂરજ, પશ્ચિમને પગથારે,
અન્તરને અણસારે સરકે, સપનાંને સથવારે
સાંજ પડી…

સાંજ પડી ને રમતું બાળક ભમતું નિજ ઘર આવે,
જનનીના પાલવમાં સરકી મરકી મુખ મલકાવે
સાંજ પડી…

સાંજ પડી ને અધખીલેલી કલિકા પલ્લવ પોઢે,
તેજ-મોગરે અંકિત નભનો ઉપરણો ઓઢે
સાંજ પડી…

સાંજ પડી ને અનામ પંખી અભિનવ અવાસ શોધે,
જીર્ણ પિંજરને પરહરીને નવતર ની શું ખોજે?
સાંજ પડી…

– રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

Comments (1)

કાગળ લખીએ – રાજેન્દ્ર મહેરા ‘રાજ’

ચાલ સખી રે કોરેકોરો
અમથે અમથો કાગળ લખીએ,
શ્રાવણનાં સરવરિયાં ઝીલી
ઝરમર ઝરમર વાદળ લખીએ.
.                       … ચાલ સખી રે…

દૂર દૂર ગરમાળે બેસી,
પ્રેમ સરોવર પાળે બેસી;
ઊતરતાં અંધારાં ઓઢી
યાદોને અજવાળે બેસી.
કો’ક સવારે, ધુમ્મસ ઓથે
કાલુંઘેલું ઝાકળ લખીએ
.                       … ચાલ સખી રે…

સૂનાં ખેતર, સૂનો વગડો
સૂની વનની કેડી લખીએ,
સૂનાં ફળિયાં, સૂનો ડેલો
સૂની મનની મેડી લખીએ.
આંખ ચૂવે ઝીણા મૂંઝારે
ભીનું ભીનું કાજળ લખીએ.
.                       … ચાલ સખી રે…

– રાજેન્દ્ર મહેરા ‘રાજ’

કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું, પણ ગીત વાંચતાવેંત મનમાં વસી ગયું. સરળતમ બાની, પ્રવાહી લય અને રસાયેલ લાગણીઓની સહજાભિવ્યક્તિના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. મનના માણીગરને દિલનો હાલ લખી મોકલવાની ઝંખામાંથી ગીત જન્મ્યું છે, પણ પ્રણયમાં સ્ત્રીસહજ સંકોચ પ્રારંભથી જ વર્તાય છે. કાગળ તો લખવો છે, પણ કોરેકોરો અને અમથે અમથો. કોરો કાગળ વાંચી શકે એ જ સાચો પ્રેમ. જીવનમાં તો અભાવનાં અંધારાં ઊતરી આવ્યાં છે. આવામાં કશાનું અજવાળું હોય તો તે કેવળ યાદોનું જ. ખેતર-વગડાથી લઈને મનની મેડી સુધી બધે જ સૂનકાર પ્રવર્તે છે. હૃદય ઝીણો ઝીણો મૂંઝારો અનુભવે છે ને આંખો ચૂઈ રહી છે, કાજળ વહી રહ્યું છે તો ભીનાં ભીનાં કાજળથી જ પ્રેમપત્ર લખીએ ને!

Comments (6)

હોળી ગીત – ઉદયન ઠક્કર

હવે હઠ છોડી ઊતરોને હેઠા,
કે ચોરટાઓ ‘ખૂલ જા સમ સમ’
કહી સરસરાટ ચિત્તડામાં પેઠા
…મહિલા–વિભાગનું પાનું ખોલીને, તમે છાપું વાંચો છો બેઠા બેઠા?

તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય

અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં

આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં

– ઉદયન ઠક્કર

લયસ્તરોના તમામ ચાહક કવિમિત્રો અને ભાવકમિત્રોને હોળી પર્વની શુભેચ્છાઓ..

પરંપરિત ગીત સ્વરૂપથી સહેજ અલગ ચીલો ચાતરતું મજાનું હોળી ગીત આજે માણીએ. મુખડા અને પૂરકપંક્તિ વિનાનું ગીત ચાર બંધથી બન્યું છે. ત્રીજો બંધ પાંચ પંક્તિનો છે અને પહેલા અને છેલ્લા બંધ સિવાય કવિએ ચુસ્ત પણ ઉન્મુક્ત પ્રાસનિયોજના સ્વીકારી છે. પ્રચલિત ગીતની ભાષા કરતાં ભાષાની રુએ પણ આ રચના ઉફરી તરી આવે છે. અને ગીતની છેલ્લી પંક્તિ તો સ્વયં એક કવિતા છે..

Comments (3)

(સ્વીકાર) – ગૌતમ બુદ્ધ

હું તમને કહું છું તે ભૂતકાળમાં કહેવાયું હતું તે કારણે માનશો નહીં;
પરંપરાથી ઊતરી આવ્યું છે તે કારણે માનશો નહીં;
આમ જ હોય એવું માનીને તેનો સ્વીકાર કરશો નહીં;
પવિત્ર ધર્મગ્રંથોમાં છે તેથી તેને માનશો નહીં;
અનુમાનથી તે પુરવાર કરી શકાય છે તેથી તેને માનશો નહીં;
એમાં વ્યવહારુ ડહાપણ છે એવું માનીને સ્વીકારશો નહીં;
એ સંભવિત લાગે છે તેથી તેને સ્વીકારશો નહીં;
પ્રખ્યાત અને પવિત્ર સાધુએ કહ્યું છે તેથી તેને માનશો નહીં;
પરંતુ તે જો તમારા વિવેકને અને અંતરાત્માને સુખકર અને શ્રેયસ્કર લાગતું હોય
તો જ તેનો સ્વીકાર કરજો અને તેને લાયક બનજો.

– ગૌતમ બુદ્ધ

ગાંધીજીમા ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તક (સંપાદક: વિશ્વાસ બા. ખેર)માંથી આ લખાણ મળી આવ્યું. આમ તો લયસ્તરો પર કવિતા સિવાયની પોસ્ટ ભાગ્યે જ મૂકીએ છીએ પણ આપણે ત્યાં તો પરાપૂર્વથી ગદ્ય અને પદ્ય –ઉભયને કાવ્ય તરીકે સ્વીકૃતિ સાંપડી છે. काव्यं गद्यं पद्यं च तद्विधा। (ભામહ) પ્રસ્તુત લખાણ કોઈ સમજૂતિનું મહોતાજ નથી. આમેય બુદ્ધે પોતાની વાત હંમેશા સરળતમ શબ્દોમાં જ કહી છે. આવી એકાદ વાત જીવનમાં ઉતરે તો જીવન નંદનવન બને.

Comments (6)

(એ જ વિચારે) – ઉર્વીશ વસાવડા

ક્યારે ઊઘડે એ જ વિચારે,
હું ઊભો છું એનાં દ્વારે.

સાવ એકલું કાં લાગે છે?
ચાલું છું હું સહુની હારે.

જે ખોવાયું અજવાળામાં,
એને શોધું છું અંધારે.

મુઠ્ઠીમાં તો ખાલીપો છે,
દુનિયા છોને કંઈ પણ ધારે.

કોક અકળ હેતુથી મારું,
પરિભ્રમણ ચાલે સંસારે.

– ઉર્વીશ વસાવડા

ટૂંકી બહરમાં સરસ ગઝલ. પાંચેય શેર ઊંડું મનન માંગી લે એવા સરસ મજાના થયા છે.

Comments (4)

સાદ ના પાડો – ચંદ્રકાન્ત શેઠ

બારીમાંથી ગગન પાડતું સાદ!
.                          સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                          સાદ ના પાડો.

સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ:
.                                             સાદ ના પાડો.

જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
.                                                 સાદ ના પાડો.
.                      અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                                                 સાદ ના પાડો.

– ચંદ્રકાન્ત શેઠ

સંવેદના ગુમાવી બેઠેલા માણસોનું રાષ્ટ્રીય ગીત બની શકે એવી અદભુત રચના. મનુષ્યનું બહારની દુનિયા સાથે પુનઃસંધાન કરી આપવાની વ્યવસ્થાનું બીજું નામ જ બારી. બારણાં કેવળ આવજા માટે વપરાય, પણ બારીનો હાથ ઝાલીને આપણે અસીમ આકાશની સફરે ઊપડી શકીએ છીએ. કંઈ એમનેમ મીરાંબાઈએ ગાયું હશે કે, ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી? દીવાલો જેવી આપણી જડ સંવેદનાની વચ્ચે ક્યાંક લાગણીની એકાદી બારી ભૂલથી રહી ગઈ હોય એને પ્રકૃતિ સાદ દઈ રહી છે, પણ આપણી પાંખો તો દીવાલોમાં જ ચણાઈ ચૂકી છે, એટલે આપણે એમ જ કહેવું પડે ને કે અમને સાદ ના પાડો! સૂનકારના સાગરમાં ડૂબી ચૂક્યાં હોય એવાં વ્હાણ છીએ આપણે. આપણાં કાન પણ પથ્થરનાં. પડછાયાના અંધારની બનેલી આપણી આંખોને તેજની જાણ કઈ રીતે હોય? ઘુવડના માળામાં આવીને સૂરજ સાદ પાડે તો કોણ સાંભળે?! પથ્થર થઈ ગયેલી ચેતનાને સંકોરતું-ઝંઝોડતું આ ગીત એના પ્રવાહી લય અને ચુસ્ત બાંધાને લઈને વધુ સંતર્પક બન્યું છે.

Comments (4)

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…

Comments (3)

(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

Comments (12)

(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર

આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું

– રઈશ મનીઆર

પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.

Comments (24)

મધ્યાહ્ને કોયલ – નંદિતા મુનિ

મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

– નંદિતા મુનિ

ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.

Comments (6)

બાકી છે – રીનલ પટેલ

હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.

હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.

અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.

મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.

કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.

– રીનલ પટેલ

ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

Comments (3)

(ના ગઈ) – લિપિ ઓઝા

રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.

જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.

સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.

કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.

સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.

ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.

અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!

– લિપિ ઓઝા

એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…

Comments (5)

સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. સોએક વર્ષ પહેલાં માત્ર ચાર જ કવિતા લખીને છવ્વીસ વર્ષની વયે આ દુનિયાને બાય-બાય કરી જનાર કવયિત્રીની એક રચના આજની ગ્લૉબલ કવિતામાં આસ્વાદીએ…

રચનાનો વિશદ આસ્વાદ માણવા અહીં ક્લિક કરશો.

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany

Comments

યુગલ ગીત – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…

કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…

ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે

સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…

કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું

મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.

Comments (11)