*
અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?
– નયન દેસાઈ
ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.
એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.
અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.
કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !