થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2023

પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી

કવિના નવ્ય કાવ્યસંગ્રહની સર્વપ્રથમ પ્રત કવિહસ્તે પ્રાપ્ત કરવાની ધન્ય ક્ષણ..

*
પંખી બેઠું ડૂંડે*
ખેડુ નજરું માંડે જાણે ભથવારીના સૂંડે.

નળ્ય વળગાડે છાતીસરસી
બેઉ તરફની છાંય
ખૂણેખાંચરે જઈને થંભ્યા
તડકાઓના પાય

ગાડામારગ જાય ઊતરતો પોતામાં શું ઊંડે?

આભ નમીને રહ્યું નીરખી
લચી પડેલો મૉલ
વહુવારુની જેમ લ્હેરખી
ઘૂમે ઓળેઓળ

જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે

– મનોહર ત્રિવેદી

(*. કવિમિત્ર રમણીક સોમેશ્વરના અછાંદસની પ્રથમ પંક્તિ)

કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત.

બપોરીવેળાના ખેતરનું દૃશ્યચિત્ર કવિએ કલમના જૂજ લસરકા માત્રથી આબાદ ઉપસાવી આપ્યું છે. જે રીતે વહેલી સવારથી એકધારો પરિશ્રમ કરીને ભૂખ્યો-તરસ્યો થયેલો ખેડૂત બપોરે ભાથું લઈને આવતી ભથવારીના ટોપલા તરફ આતુર મીટ માંડે એવી જ પરિતૃપ્તિની અપેક્ષા લઈને ડૂંડા પર આવી બેઠેલા પંખીની ઉપસ્થિતિથી કાવ્યારંભ થાય છે. બે ખેતર વચ્ચેની કાંટાળા થોરની સરહદની વચ્ચે પસાર થતો સાંકડો રસ્તો એટલે નળ્ય. બેઉ તરફની છાંયને નળ્ય છાતીસરસી વળગાડે છે –આ એક જ પ્રતીક બપોરી તાપની પ્રખરતા મુખરિત કરવા સક્ષમ છે. ખૂણાખાંચરાઓને બાદ કરતાં તડકો સમસ્ત સૃષ્ટિમાં પગપેસારો કરી ચૂક્યો છે. છાંયડો એટલો ઓછો થઈ ગયો છે કે નળ્યના બે છેવાડા સિવાય ક્યાંય નજરે ચડતો નથી. ખૂણાખાંચરાઓને બાદ કરતાં સૃષ્ટિમાં બધી જગ્યાએ કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: ‘છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ.’ વળી, ‘તડકા’ બહુવચન ઓછું પડ્યું હોય એમ કવિ પોએટિક લાઇસન્સ વાપરી પાછળ ‘ઓ’ ઉમેરી બહુવચનનો પણ વિસ્તાર કરે છે. નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલ નિર્જન માર્ગ જાણે છેવાડે જઈને પોતાની જ અંદર ઊંડે ન ઉતરી જતો હોય એવો ભાસે છે. પંખીના બેસવાથી સજીવન થયેલ ખેતરની બપોરી દુર્દશા વર્ણવ્યા બાદ કવિ પુનઃ આવા વાતાવરણમાં સૃષ્ટિના ધનમૂલક પરિબળો સાથે સંધાન કરવું ચૂકતા નથી. લચી પડેલ મૉલને જોવા જાણે આભ માથે ઝળુંબી રહ્યું છે. વહુવારુ જે રીતે મર્યાદા જાળવીને ચાલે, એમ પવનની લહેરખી પણ ઓળેઓળે- ચાસેચાસે ઘૂમી રહી છે. કેવું અદભુત કલ્પન! બાકી હતું તે પતંગિયાના ઝુંડે સીમને શણગારી છે. આવા ખેતરમાં જઈ દિવસ ગાળવાનું મન ન થય તો જ નવાઈ…

*

Comments (10)

(જળને તરસતી માછલીને) – સંદીપ પૂજારા

કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!

કદી ગુસ્સો કરું તો પણ મને તું સાંભળી લે છે,
કોઈ સત્સંગી પાક્કો સંતવાણી સાંભળે એમ જ!

તને જોતા જ કેવો પાણી પાણી થઈ જઉં છું હું
તું મારામાં ભળે છે બર્ફ એમાં ઓગળે એમ જ!

રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!

નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!

– સંદીપ પૂજારા

એક તો મરીઝ જેવી સરળ-સહજ બાની અને નફામાં પાંચેય શેર આસ્વાદ્ય! પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી મુસલસમ રચના. સમ-બંધમાં પુરુષ કરતાં સ્ત્રી વધુ સમર્પિત હોય છે, એ વાત તો સર્વવિદિત છે. પણ એના આ ત્યાગ-સમર્પણ-પ્રેમને તંતોતંત સમજી શકે એવો પુરુષ બહુ ઓછી સ્ત્રીના નસીબમાં હોય છે. આવી જ કોઈ સદનસીબ નાયિકાની વાત માંડતી મજાની ગઝલ આજે માણીએ. જળ વિના તડપતી માછલીને જળ પ્રાપ્ત થાય એમાં કેવળ એ હાશકારો નથી અનુભવતી, જિંદગી પણ પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રિયા પ્રિયતમને ગળે વળગે છે, તે કેવળ પ્રેમની હૂંફ પામવા નહીં, પોતાના જીવનની પુનઃપ્રાપ્તિની તૃષાતૃપ્તિ ખાતર. સાવ સાધારણ લાગી શકે એવા પ્રતીકની મદદથી પ્રણય-તલસાટની તીવ્ર પરાકાષ્ઠા વ્યક્ત કરી શકતો આ શેર તો ઉત્તમ છે. વારંવાર મમળાવવી ગમે એવી આ આખી ગઝલ નખશિખ સંતર્પક થઈ છે. વળી, નિભાવવી અઘરી પડે એવી ‘એમ જ’ જેવી અનૂઠી રદીફ પણ કવિ બખૂબી નિભાવી શક્યા છે.

Comments (30)

(પ્રગટાવે મને) – હરીશ ઠક્કર

સાંજ પડતાંવેંત પ્રગટાવે મને,
યાદ આખી રાત સળગાવે મને.

એને જ્યારે એનું ધાર્યું કરવું હોય,
ત્યારે-ત્યારે ભાન ભુલાવે મને.

હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.

વાતમાંને વાતમાં કહેવાઈ જાય,
વાતને ગોઠવતાં ના ફાવે મને.

હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…

– હરીશ ઠક્કર

સરળ ભાષામાં સહજસાધ્ય રચના. સાચું બોલવાનો તાવ આવે ત્યારે ડહાપણ સમજદારીની પેરાસિટામોલ લઈને ચુપ રહેવામાં જ છે, ખરું ને? જે કહેવું હોય એને શબ્દોમાં ગોઠવીને રજૂ કરવાના બદલે વાતમાંને વાતમાં સહજતાપૂર્વક કહી દેવાની કવિની હથોટી એમના કવનમાં પણ સાંગોપાંગ ઊતરી આવી છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (14)

પગને પરખી – મનોહર ત્રિવેદી

પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શોર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તોર
તરત જ ની૨વ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?
અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

– મનોહર ત્રિવેદી

*

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. (દયારામ)

– ઈશ્વરની કૃપા ઝીલવા માટે પાત્રતા જરૂરી છે. ભક્તિ અને તડપ સાચા હોય તો માર્ગની ધૂળ સુદ્ધાં પગને ઓળખી લઈ વટેમાર્ગુને દૂર આવેલી મઢૂલી સુધી પહોંચાડી આપે છે. ગનીચાચા પણ યાદ આવે: ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!’ખરું ને? એકવાર સુરતા જાગી ગઈ, તો પાછળથી વહેરે આવતો સાંજનો શોર અને સમજણનો જૂઠો તોર-બધું જ ઓસરી જાય છે. વૈખરી પણ ખરી જાય છે અને પરા વાણી ખૂલી-ખીલી ઊઠે છે. ચોર્યાસી લાખ ભવના આંટાફેરામાં પોતાને કોણ અને કયા જન્મનું ઋણ ખેંચી લાવ્યું છે એ અળવીતરી દુવિધા સાંઈના ધૂણે મૂકી દેતાંમાં જ સંસારના ત્રિવિધ તાપ શાંત થઈ ભીતરે શાતા ફરી વળે છે. ઈશ્વરનો દરબાર ભરચકતાનો- અપારનો દરબાર છે. અહીં ઓછપને કોઈ સ્થાન નથી. અદીઠનો અંબાર પહેલવહેલીવાર નજરે ચડે એ પળે જ દુનિયા પાછળ છૂટી જાય છે. સરળ ભાષામાં ઊંડી અભિવ્યક્તિ!

Comments (4)

સૈંયા… – વિનોદ જોશી

સૈંયા, મેલી દે તારી નવાબી,
.          કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….

મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;

સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
.          કે આજ કરી દેને તું ખાનાખરાબી…

મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;

સૈંયા, અંધારું આછું ગુલાબી,
.          કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…

મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;

સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
.          કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…

– વિનોદ જોશી

લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…

ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…

Comments (8)

શેર – રાજ કૌશિક – ઓશો

अपनी चौखट पे रंगोली सा बना रहता हूं
जाने कब आए वो, हरदम मैं सजा रहता हूं

-राज कौशिक

આ શેર ઓશો રજનીશે ધ્યાનના સંદર્ભે ટાંક્યો છે – દૈવયોગે આ જ અનુભૂતિ તાજેતરના વિપશ્યના સાધના સમયે અનુભવાઈ હતી.

જેમ જેમ ધ્યાન અંગે થોડી અત્યંત પ્રારંભિક સમજણ આવતી જાય છે તેમ તેમ સમજાય છે કે પ્રયત્નપૂર્વક મનને વશમાં કરવાથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે મનની સજાગતા એક સ્થાયીસ્થિતિ બને તે ગંતવ્ય હોય છે. ધ્યાન સહજ બનતું જાય છે. નિર્વાણ શું હશે તે તો દૈવ જાણે – પણ તેનો રસ્તો એટલે કે ધ્યાન પોતે જ એક પરિપૂર્ણ અવસ્થા છે….

સતત રંગોળી સજાવી ઈંતેઝારમાં રહેતાં રહેતાં અંતે ઈંતેઝાર અદ્રશ્ય થઈ જાય છે અને સૌંદર્ય એક સ્થાયી ભાવ બની જાય છે…..

Comments (1)

(બેસીએ) – રમેશ પટેલ ‘ક્ષ’

વૃક્ષ નીચે છાંયડામાં બેસીએ,
ભીતરે ખાલી જગામાં બેસીએ!

ચાલ મારી સાથમાં મૃગજળ તરફ,
ને પછી ત્યાં નાવડામાં બેસીએ !

કયાં સુધી ભટકયા કરીશું આપણે?
બિંબ થઈને આયનામાં બેસીએ!

કર્ણની માફક કુંવારી કૂખમાં,
જન્મ લઈને પારણામાં બેસીએ!

એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!

– રમેશ પટેલ ‘ક્ષ’

સહજ સાધ્ય રચના…

Comments (1)

અવનવું કમાયો છું – લલિત ત્રિવેદી

દુકાનદાર, સૂણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું!

મેં ખોટ ખાઈને બરકત બચાવી લીધી છે,
વણીને સાખીઓ હું અવનવું કમાયો છું!

અમૂલી આંખને સાટે લીધી છે આ જગ્યા,
હે સુરદાસજી, હું તાગવું કમાયો છું!

કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું!

ન રંજ છે કે મેં દીવાળું કાઢી નાખ્યું છે,
રૂપૈયા વેચી લહાઈ લાગવું કમાયો છું!

ભલે જમાલભાઈ ધંધાનો ગણાયો છું,
ગલ્લાઓ ખંખેરીને જાપવું કમાયો છું!

વસત-બચત બધુંયે વેચી લીધી છે લેખણ,
ભરી બજારેથી ઊઠી જવું કમાયો છું!

ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદીનો અવાજ અલગ તરી આવતા ગઝલકારનો અવાજ છે. દુકાનદાર સાથેનો સંવાદ આમ તો ગ્રાહકનો હોય, પણ અહીં દુકાનદાર સાથે દુકાનદાર જ વાત કરે છે. કહે છે, સાંભળો, તમે લોકો જે કમાવ છો એનાથી સાવ અલગ વસ્તુ હું કમાયો છું. મેં નિરાંત ખર્ચી નાંખી છે અને બદલામાં સતત જાગવું કમાયો છું. અહીં આવીને સમજાય છે કે કથક દુકાનદાર ઈશ્વરભક્ત છે અને જગત આખું સામાનો દુકાનદાર છે. કબીર, સુરદાસ, અખા વગેરેના સંદર્ભ વાતને વધુ રોચક બનાવે છે.

Comments (8)

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે…. . . ……મલેશિયા, 2018

*

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

Comments (21)

કોઈ – નીતિન વડગામા

કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.

કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

– નીતિન વડગામા

‘કોઈ અહીં આવે છે મળવા’થી ગીતનો ઉપાડ થાય છે. અહીં ‘અહીં’ એટલે આખી દુનિયા. દુનિયામાં કે આપણા જીવનમાં આવતા દરેક લોકોના આગમનના હેતુ અલગઅલગ જ હોવાના. કોઈ કેવળ મળવા આવે છે, તો કોઈ કશું સાંભળવા. કોઈ ઉપલક મુલાકાતે આવી ચડ્યું છે, તો કોઈ આપણા અસ્તિત્ત્વમાં આખેઆખા ઓગળવા આવે છે. કવિએ અલગઅલગ મહેમાનોના આગમન પાછળના અલગઅલગ પ્રયોજનોની યાદી બનાવીને સરળ ભાષામાં વિચારવંત કરી દે એવું બળકટ ગીત રચ્યું છે. કોઈ આરતીની ઝાલર સાંભળી રહે છે, તો કોઈને અમથો-અમથો નશો ચડે છે. ઈશ્વરનો અમથો-અમસ્તો નશો જેને ચડે છે, એને વળી કવિ બડભાગી કહેવાના બદલે અભાગી વિશેષણથી નવાજે છે એ વળી ધ્યાનમાં લેવા જેવું છે. અવળવાણી સારી કવિતાનું મહત્ત્વનું અંગ છે, એ વાત અહીં સમજાય છે. કોઈ પદ-પ્રતિષ્ઠા-સમૃદ્ધિના આકાશમાં ઊંચે ઊગવાના હેતુથી આવે છે, તો કોઈ કળીની જેમ પોતે ઊઘડવા આવે છે. ગીતમાંથી પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ અવશ્ય યાદ આવશે.

Comments (12)

(નામ રતન બીજ) – ડૉ. ભરત ગોહેલ

નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.

માલા મોતી હાથ ધરે ક્યું, છોડો સબ દિખલાવા;
હોઠ જરા ભી હિલે ન ઐસે, ભીતર ભીતર ગાવા.
નામ લિખ ક્યું કાગદ રંગે, ક્યું ખરચો રે શ્યાહી;
.                                       નામ રતન બીજ…

નામ જપન કી બેલા કૈસી? જબ ચાહા જપ લેના;
મનમેં મંદિર, મનમેં મૂરત; મન હી મન મત્ત રેના.
ઐસી કિ૨યા કરો ના જીસસે, લોગ કરે બાહબાહી;
.                                       નામ રતન બીજ…

૫૨મ પ્રીત કી પાવન કથની, અંતરપટ હો અંકિત:
ઐસે રટતે રહો નામ હો, જનમ જનમ કો સંચિત.
ચાહ બચે ના એક અલાવા, પિયુ રહો સો ચાહી;
.                                       નામ રતન બીજ…

– ડૉ. ભરત ગોહેલ

મીરાંબાઈ ‘રામરતન’માં ધન પામ્યાં, આપણા કવિ ‘નામરતન’ની ગડ ઉકેલે છે. કહે છે, પ્રભુનામના રત્નને અંતરની માટીમાં એવી રીતે દાટી દો કે જોનારાને કેવળ શરીર જ દેખાય, અંદર વવાઈને ઊગવા તત્પર પ્રભુનામનું બીજ નજરે જ ન ચડે. અખાની જેમ જ કવિ માળા-મોતી વગેરે દેખાવાની તરફેણમાં નથી. એ તો કહે છે, પ્રભુનામ તો એ રીતે અંદરોઅંદર જ ગાવાનું હોય કે હોઠ જરાય હલે સુદ્ધાં નહીં. કાગળ પર પ્રભુનામ લખીને કાગળ બગાડવાની કે શાહી ખર્ચવાની ટેવ પણ અર્થહીન છે. અને ઈશ્વરનું નામ લેવા માટે તે કોઈ વેળા હોય? મન થાય ત્યારે લેવાનું હોય એ તો, કારણ મનમાં જ મંદિર પણ છે અને મનમાં જ મૂર્તિ પણ છે એટલે મનમાંને મનમાં જ નામ લેવું જોઈએ. એવું કશુંય કરવાનું જરૂરી નથી, જે જોઈને લોકો વાહવાહી કરે. પરમકૃપાળુ પરમેશ્વર સાથેની પરમ પ્રીતની પવિત્ર કથા અંતરપટ પર એમ અંકિત હોવી જોઈએ કે જનમજનમનું ભાથું બંધાય. એક ઈશ્વરને બાદ કરતાં કશાયની ચાહના ન રહે એ રીતે પિયુ પરમેશ્વરને ચાહવાનો છે. અલગારી સંતબાનીમાં આલેખાયેલ આ ગીત આજના પોચટ ભજનકાવ્યોથી સુપેરે અલગ તરી આવે છે.

Comments (7)

અન્ધારમાં એકાકાર વન – ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

સૂર્ય જેવા સૂર્યનો બોજો ઉપાડી પીઠ પર;
અસ્તાચલે કોઈ સ્વ-જન ધીરે ચડે કેડી ઉપર.

ભેખડે આરોહ ને અવરોહ ચાલે શ્વાસના;
વાયરાની મીંડમાં સ્વર શ્વાસના ઝૂકી જતા.

બેવડ વળેલા શ્વાસના ઝપતાલ પણ તૂટી ગયા;
રક્ત રંગો સૂર્યના ઝળહળ થતા ઝાંખા થયા.

માત્ર પડછાયો નજર સામે હતો બસ સાથમાં;
ક્ષીણ થઈ ધીરે ધીરે ડૂબતો જતો અંધારમાં.

પીઠ ૫૨નો સૂર્ય ને છાંયો ક્યહીં! ને ક્યાં સ્વ-જન!
ઘૂઘવે અંધાર ત્યાં સઘળુંય એકાકાર વન.

– ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

કોઈ કવિતા પસંદ પડી જાય એ માટેના કોઈ ધારાધોરણ નિશ્ચિત કરી શકાય એમ નથી. ઉપલક નજરે આ રચના સાધારણ કહી શકાય પણ મને વાંચતાવેંત સ્પર્શી ગઈ. પાંચ યુગ્મકના ઊર્મિકાવ્યમાં કવિએ બે જગ્યાએ તો ચુસ્ત પ્રાસના સ્થાને સ્વરાંત પ્રાસથી કામ ચલાવી લીધું છે. પહેલી કડી વાંચતા એકતરફ ખભે મસમોટી શિલાનો ભાર ખભે વેંઢારી વારંવાર પર્વતારોહણ કર્યે રાખવાના શાપથી ગ્રસ્ત સિસિફસ યાદ આવે તો બીજી તરફ મહાપ્રયાણ માટે નીકળેલ પાંચ પાંડવ પણ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે. આમ તો પર્વતની ધારે અસ્તાચલે પહોંચેલા સૂર્યના અસ્તની જ વાત છે, પણ કોઈ સૂર્યને પીઠે લાદીને ધીરે ધીરે કેડી ચડતું હોવાના રૂપક વડે કવિએ જીવનના અસ્તાચલ અને બોજ- બંનેની વાત મુખર થયા વિના કરી છે. કવિતાનો મુખ્યપ્રાણ મૃત્યુની અનુભૂતિ હોવાની વાત બીજી કડીથી વધુ સ્પષ્ટ થાય છે. શ્વાસના આરોહ-અવરોહ ભેખડે ચાલી રહ્યા છે, મતલબ ગમે ત્યારે સમતુલન ગુમાવી મૃત્યુની ખીણમાં ગરકાવ થઈ જવાશે. વાયરાનો ઊંચેનીચે થતો આલાપ હાંફતા બેવડ વળેલા શ્વાસને ઢાંકી-તોડી દે છે. સૂર્યનો રાતો રંગ પણ ક્રમશઃ ઝાંખો પડી રહ્યો છે. એકમાત્ર પડછાયો જ સાથ નિભાવી રહ્યો હતો, તેય અંધારું વધતું જતાં ઓગળવા માંડ્યો. મૃત્યુના અંધકારમાં આખરે સૂર્ય, પડછાયો અને પડછાયાના સ્વામી એવા સ્વજન બધું જ ઓગળીને એકાકાર થઈ ગયું.

Comments (4)

(હટાવીશ નહિ હું પડદો) – ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

ના, હટાવીશ નહિ હું પડદો,
ગ૨ હટાવી દઉં હું પડદો, ના થવાનું થઈ જશે!
બુલબુલો વીસરી જશે ગીતો ગુલ-ઓ-ગુલઝા૨નાં,
ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં;
બ્રાહ્મણો વીસરી જશે આદર્શ સહુ બ્રાહ્મણ તણા,
મારી સુંદરતા જો જોવી હોય તો વિચાર કરજો પુષ્પનો, કે–
જે છુપાયું છે લતામંડપ મહીં!
કોઈને દેખાય નહિ, પણ એના અંતરની સુગંધી તો બધાં માણી શકે!
એમ બસ, જોઈ શકે આલમ મને!
બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
ના, હું પડદો નહીં હટાવું!

– ઝેબુન્નિસા ‘મખ્ફી’
(અંગ્રેજી પરથી ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

*
લયસ્તરો પર કવયિત્રીના ભાવાનુવાદ સંગ્રહ ‘દીવાન-એ-ઝેબુન્નિસા’નું સહૃદય સ્વાગત છે.

ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છૂપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છૂપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. નાસિર અલી નામના કવિએ મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે (એવી હે સુંદરી!), તારો બુરખો હટાવ અને મને તારા સૌંદર્યનો જાદુ માણવા દે.’ જવાબમાં મખ્ફીએ જે કવિતા સંભળાવી એ અહીં રજૂ કરી છે. પર્શિયન ભાષામાં લખાયેલ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કટાવ છંદમાં કરાયેલ ગુજરાતી ભાવાનુવાદ આસ્વાદ્ય થયો છે.

બુરખો ન હટાવવા પાછળનાં કારણ આપતાં મખ્ફી કહે છે, હું નકાબ હટાવી લઉં અને બુલબુલ ગુલાબને ભૂલી જાય એ કોને ખબર? મારો ચહેરો જોવાની લાલસામાં બ્રાહ્મણ લક્ષ્મીની પૂજા કરવી ભૂલી જઈ શકે છે. જે રીતે કુંજલતામાંના ફૂલમાં ખુશબૂ છૂપાઈને રહે છે, એ જ રીતે દુનિયા મારો ચહેરો જોવાના બદલે મેં જે કવિતાઓ લખી છે એની સુગંધ જ માણે એ વધુ ઉત્તમ છે.

*
I will not lift my veil,—
For, if I did, who knows?
The bulbul might forget the rose,
The Brahman worshipper
Adoring Lakshmi’s grace
Might turn, forsaking her,
To see my face;
My beauty might prevail.
Think how within the flower
Hidden as in a bower
Her fragrant soul must be,
And none can look on it;
So me the world can see
Only within the verses I have writ—
I will not lift the veil.

– Zeb-un-Nissa Makhfi

Comments (10)

મ્હેણું – સંજુ વાળા

વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે: તું ખમતીધર, હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

– સંજુ વાળા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સહૃદય સ્વાગત!

સંગ્રહમાંના ‘વ્હાલાપંચક’ ગુચ્છમાંથી એક ગીતરચના આપ સહુ માટે. મજબૂત લય અને સીધી હૈયામાંથી ઉતરી આવી હોય એવી સહજ બાનીને લઈને રચના વાંચતા, સૉરી, ગણગણતાવેંત દિલમાં ઊતરી જાય એવી બળકટ થઈ છે. (પ્રવાહી લયને લઈને વાંચવું તો શક્ય જ નથી!) પ્રિયાને ખમતીધર લેખાવી પોતે તો કેવળ ચરણરજ છે એમ જ્યારે વહાલો કહે છે, ત્યારે સમર્પિતાને આ સમર્પણને મહેણું કહી ઓળખાવે છે. જો કે એના આ છણકામાં મહેણાંનો કોઈ ભાવ નથી જ નથી. વાત તો કેવળ વહાલની જ છે અને એ તો ગીતના ઉપાડના પહેલા શબ્દથી જ કવિએ સ્પષ્ટ કરી દીધી છે. આખું ગીત સહજ-સાધ્ય છે. ગાતાં-ગાતાં માણીએ…

Comments (4)

સવા શેર : ૦૮ : શબ્દ અને અર્થ – હિમલ પંડ્યા

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
– હિમલ પંડ્યા

કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. એક બીજું ઉદાહરણ જોઈએ: ‘દીન’ અને ‘દિન.’ બે શબ્દોવચ્ચેનો ફર્ક આમ ત્યો હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો જ છે, પણ આપણે બંને શબ્દોને અલગ-અલગ અર્થોના કુંડાળામાં બાંધી રાખ્યા છે. દીન એટલે ગરીબડું અને દિન એટલે દિવસ. આપણે એમ માનીએ છીએ કે બંને શબ્દોના અર્થ સુનિશ્ચિત છે અને જોડણીફેર થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને જોડણીનું મહત્ત્વ સમજાવવા આ ઉદાહરણ અવશ્ય વપરાય છે, અને આવા ઉદાહરણોની મદદથી કૂમળા માનસમાં જોડણીની અગત્યતા ઠસાવી દેવામાં આવે છે. હકીકત એ છે કે ભલે આ શબ્દોને આપણે નિયત અર્થના વાડામાં કેમ ન પૂરી રાખ્યા હોય, અર્થ હકીકતમાં શબ્દોમાંથી નહીં, પણ શબ્દ જ્યારે વ્યવહારમાં વપરાય છે ત્યારે એ શબ્દો જે વાતાવરણ સાથે રજૂ થાય છે એમાં રહેલો હોય છે. ‘દિન ઉગ્યો’ કહેવાને બદલે આપણે ‘દીન ઉગ્યો’ કહીએ તોય અર્થ બદલાતો નથી અને સંદર્ભ પ્રત્યાયિત થઈને જ રહે છે. એ જ રીતે ‘દીન મુખમુદ્રા’ના સ્થાને ‘દિન મુખમુદ્રા’ લખી દેવાથી પણ યથાતથ અર્થ જ સામી વ્યક્તિ સુધી પહોંચે છે. હ્રસ્વ અને દીર્ઘ ‘ઇ’ના ફેરને લઈને વાસ્તવમાં શબ્દાર્થ બદલાઈ જવાનું જોડણીકોશ અથવા વ્યાકરણ આપણને ભલે શીખવતા હોય, પણ વ્યવહારમાં આપણે જોયું એમ સાચો અર્થ પહોંચીને રહે છે. લિપિ તો ઠીક, પણ બોલવામાં તો ભાગ્યે જ કોઈ હ્રસ્વ કે દીર્ઘના ઉચ્ચારણ સાચવીને બોલતું હશે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે શબ્દનો અર્થ એની સાથે વપરાતા શબ્દોને લઈને વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત બોલનારના ભાવછટા પણ શબ્દાર્થ સ્પષ્ટ કરવામાં સહાયભૂત નીવડે છે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે. કવિએ આટલું બધું વિચારીને મત્લા લખ્યો હશે કે કેમ એ આપણને ખબર નથી. આપણે જે કર્યું એ પિષ્ટપેષણ વિનાય મત્લા સ્વયંસ્પષ્ટ જ છે, પણ આ મિષે આપણને આટલું વિચારવાનું મન થયું એ જ કવિતાની ખરી ઉપલબ્ધિ, ખરું ને!

Comments (3)