સવા શેર : ૦૮ : શબ્દ અને અર્થ – હિમલ પંડ્યા
અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
– હિમલ પંડ્યા
કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. એક બીજું ઉદાહરણ જોઈએ: ‘દીન’ અને ‘દિન.’ બે શબ્દોવચ્ચેનો ફર્ક આમ ત્યો હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો જ છે, પણ આપણે બંને શબ્દોને અલગ-અલગ અર્થોના કુંડાળામાં બાંધી રાખ્યા છે. દીન એટલે ગરીબડું અને દિન એટલે દિવસ. આપણે એમ માનીએ છીએ કે બંને શબ્દોના અર્થ સુનિશ્ચિત છે અને જોડણીફેર થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને જોડણીનું મહત્ત્વ સમજાવવા આ ઉદાહરણ અવશ્ય વપરાય છે, અને આવા ઉદાહરણોની મદદથી કૂમળા માનસમાં જોડણીની અગત્યતા ઠસાવી દેવામાં આવે છે. હકીકત એ છે કે ભલે આ શબ્દોને આપણે નિયત અર્થના વાડામાં કેમ ન પૂરી રાખ્યા હોય, અર્થ હકીકતમાં શબ્દોમાંથી નહીં, પણ શબ્દ જ્યારે વ્યવહારમાં વપરાય છે ત્યારે એ શબ્દો જે વાતાવરણ સાથે રજૂ થાય છે એમાં રહેલો હોય છે. ‘દિન ઉગ્યો’ કહેવાને બદલે આપણે ‘દીન ઉગ્યો’ કહીએ તોય અર્થ બદલાતો નથી અને સંદર્ભ પ્રત્યાયિત થઈને જ રહે છે. એ જ રીતે ‘દીન મુખમુદ્રા’ના સ્થાને ‘દિન મુખમુદ્રા’ લખી દેવાથી પણ યથાતથ અર્થ જ સામી વ્યક્તિ સુધી પહોંચે છે. હ્રસ્વ અને દીર્ઘ ‘ઇ’ના ફેરને લઈને વાસ્તવમાં શબ્દાર્થ બદલાઈ જવાનું જોડણીકોશ અથવા વ્યાકરણ આપણને ભલે શીખવતા હોય, પણ વ્યવહારમાં આપણે જોયું એમ સાચો અર્થ પહોંચીને રહે છે. લિપિ તો ઠીક, પણ બોલવામાં તો ભાગ્યે જ કોઈ હ્રસ્વ કે દીર્ઘના ઉચ્ચારણ સાચવીને બોલતું હશે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે શબ્દનો અર્થ એની સાથે વપરાતા શબ્દોને લઈને વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત બોલનારના ભાવછટા પણ શબ્દાર્થ સ્પષ્ટ કરવામાં સહાયભૂત નીવડે છે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે. કવિએ આટલું બધું વિચારીને મત્લા લખ્યો હશે કે કેમ એ આપણને ખબર નથી. આપણે જે કર્યું એ પિષ્ટપેષણ વિનાય મત્લા સ્વયંસ્પષ્ટ જ છે, પણ આ મિષે આપણને આટલું વિચારવાનું મન થયું એ જ કવિતાની ખરી ઉપલબ્ધિ, ખરું ને!
pragnajuvyas said,
March 2, 2023 @ 1:05 AM
કવિશ્રી હિમલ પંડ્યાના સવાશેર સ્વયંસ્પષ્ટ મત્લાનો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ .
અર્થના કૂંડાળાંમાં અટવાતા રોજેરોજ ગોથાં ખાતા શબ્દ અંગે થોડું વધુ …
શબ્દ પાસેથી કાંઈ પામવું નથી, તો પછી શા માટે શબ્દ સુધી જવું કે આસપાસ ફરકવા દેવો? એનું આ કર્મણી રૂપ કે ચૈતસિક અવબોધન સાવ નકામું? આવો પ્રશ્ન થાય ત્યારે સમજાય કે સાવ આવું તો નથી. આ શા માટે? કે શું કામ? એવો પ્રશ્ન થવો એ મનની ચંચળતા છે. શબ્દની પારબ્રાહ્મિક સ્થિતિને એ પ્રયોજાય કે ના પ્રયોજાય એનાથી પણ કોઈ ફેર પડતો નથી. આપણી ચેતનાના વિવિધ સ્તર પર ઊઠતા આ ખ્યાલ, એક ભ્રમ માત્ર છે. શબ્દ સ્થિર છે, એક સ્થિતિ છે. એને પ્રમાણવા, પ્રયોજવા કે પામવાની આપણી માનસિક અસ્થિરતા સાથે એ સંક્રમણ રચે છે, અને એને કારણે ઉદ્ભવતી મનની હાલકડોલક સ્થિતિ આ પ્રશ્નોની જનેતા છે. આવું નરાતાળ સત્ય લાધ્યું અને સાથે જ પરમ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ–સાથે આખી રચના માણીએ.
તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે;
કોણ જાણે શું હવે દઈને જશે,
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે;
આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?
આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે;
હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.
:
Himal Pandya said,
March 3, 2023 @ 10:43 AM
ખુબ આભાર પ્રિય વિવેકભાઈ.
Poonam said,
March 4, 2023 @ 9:24 AM
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
– હિમલ પંડ્યા – Kyaa Baat !
… કે શબ્દનો અર્થ એની સાથે વપરાતા શબ્દોને લઈને વધુ સ્પષ્ટ થાય છે. Saral ne Satya ! Aaswad… 👌🏻