તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
વિવેક મનહર ટેલર

(હટાવીશ નહિ હું પડદો) – ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

ના, હટાવીશ નહિ હું પડદો,
ગ૨ હટાવી દઉં હું પડદો, ના થવાનું થઈ જશે!
બુલબુલો વીસરી જશે ગીતો ગુલ-ઓ-ગુલઝા૨નાં,
ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં;
બ્રાહ્મણો વીસરી જશે આદર્શ સહુ બ્રાહ્મણ તણા,
મારી સુંદરતા જો જોવી હોય તો વિચાર કરજો પુષ્પનો, કે–
જે છુપાયું છે લતામંડપ મહીં!
કોઈને દેખાય નહિ, પણ એના અંતરની સુગંધી તો બધાં માણી શકે!
એમ બસ, જોઈ શકે આલમ મને!
બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
ના, હું પડદો નહીં હટાવું!

– ઝેબુન્નિસા ‘મખ્ફી’
(અંગ્રેજી પરથી ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

*
લયસ્તરો પર કવયિત્રીના ભાવાનુવાદ સંગ્રહ ‘દીવાન-એ-ઝેબુન્નિસા’નું સહૃદય સ્વાગત છે.

ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છૂપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છૂપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. નાસિર અલી નામના કવિએ મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે (એવી હે સુંદરી!), તારો બુરખો હટાવ અને મને તારા સૌંદર્યનો જાદુ માણવા દે.’ જવાબમાં મખ્ફીએ જે કવિતા સંભળાવી એ અહીં રજૂ કરી છે. પર્શિયન ભાષામાં લખાયેલ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કટાવ છંદમાં કરાયેલ ગુજરાતી ભાવાનુવાદ આસ્વાદ્ય થયો છે.

બુરખો ન હટાવવા પાછળનાં કારણ આપતાં મખ્ફી કહે છે, હું નકાબ હટાવી લઉં અને બુલબુલ ગુલાબને ભૂલી જાય એ કોને ખબર? મારો ચહેરો જોવાની લાલસામાં બ્રાહ્મણ લક્ષ્મીની પૂજા કરવી ભૂલી જઈ શકે છે. જે રીતે કુંજલતામાંના ફૂલમાં ખુશબૂ છૂપાઈને રહે છે, એ જ રીતે દુનિયા મારો ચહેરો જોવાના બદલે મેં જે કવિતાઓ લખી છે એની સુગંધ જ માણે એ વધુ ઉત્તમ છે.

*
I will not lift my veil,—
For, if I did, who knows?
The bulbul might forget the rose,
The Brahman worshipper
Adoring Lakshmi’s grace
Might turn, forsaking her,
To see my face;
My beauty might prevail.
Think how within the flower
Hidden as in a bower
Her fragrant soul must be,
And none can look on it;
So me the world can see
Only within the verses I have writ—
I will not lift the veil.

– Zeb-un-Nissa Makhfi

12 Comments »

  1. Meenakshi Chandarana said,

    March 3, 2023 @ 11:25 AM

    લયસ્તરો પર ઝેબુન્નિસ્સાના પ્રવેશથી આનંદ ..આનંદ…

  2. DILIPKUMAR CHAVDA said,

    March 3, 2023 @ 11:28 AM

    સુંદરતાની પરાકાષ્ઠાનું ઉચ્ચ ઉદાહરણ

    અદ્ભુત વર્ણન સર

  3. Bharati gada said,

    March 3, 2023 @ 1:33 PM

    મિનાક્ષીબેનનો ખૂબ સુંદર ભાવાનુવાદ 👌👌

  4. Dikshita shsh said,

    March 3, 2023 @ 2:45 PM

    ખૂબ સરસ 👌👌

  5. lata hirani said,

    March 3, 2023 @ 3:11 PM

    મીનાક્ષીબહેને એક સુંદર અને અદભૂત કામ પેશ કર્યું છે. લાખ લાખ અભિનંદન.

    લતા હિરાણી

  6. pragnajuvyas said,

    March 4, 2023 @ 12:10 AM

    ઝેબુન્નિસા ‘મખ્ફી’ની સુંદર ઉર્મિકાવ્યનો સુ શ્રી મીનાક્ષી ચંદારાણા દ્વારા સ રસ ભાવાનુવાદ:અને ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    સંતો કહે-‘ અજ્ઞાનનો પડદો દૂર કરી દો અને તમને જણાશે કે પરમાત્મા તમારું પોતાનું જ સ્વરૂપ છે’
    કવિ મિલિન્દ ગઢવી કહે
    પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
    નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો
    ભજન પડઘાય
    હટાવી દે પડદો પ્રભુ, પડદો તું તો હટાવી દે,
    છે તારી ને મારી વચ્ચે જે પડદો હટાવી દે
    બાંધી છે આંખ પર પટ્ટી, હવે તું તો ખોલી દે.
    દ્વૈત ‘ને અદ્વૈતનો પડદો પછીથી ના રહે
    એકબીજાને હૃદયમાં પ્રોઈએ એ શક્ય છે
    કવિ નાસિરે મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે એવી હે સુંદરી!, તારો બુરખો હટાવની અફલાતુન વાતમા કહે છે
    ‘ બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
    પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
    ના, હું પડદો નહીં હટાવું!’
    આફ્રીન…

  7. Poonam said,

    March 4, 2023 @ 9:38 AM

    …ના, હું પડદો નહીં હટાવું!
    – ઝેબુન્નિસા ‘મખ્ફી’ – Makkam !

    Minakshi ji ne abhinandan, aaswad saras sir ji 😊

  8. Bharat vinzuda said,

    March 5, 2023 @ 2:06 PM

    મીનાક્ષીબહેન તરફથી એક દુર્લભ કામ થયું છે. એ માટે ધન્યવાદ.

  9. Bharat vinzuda said,

    March 5, 2023 @ 2:11 PM

    મીનાક્ષીબહેન તરફથી એક દુર્લભ કામ થયું છે. એ માટે ધન્યવાદ.

  10. Ikbalhusen Bokda said,

    April 9, 2023 @ 8:29 AM

    હું આ મૂલ્યવાન પુસ્તક ખરીદવા માટે બેતાબ છું. ક્યાંથી પ્રાપ્ત થઇ શકે?
    iqbalbokda@yahoo.com

  11. મીનાક્ષી ચંદારાણા said,

    June 15, 2024 @ 5:53 PM

    સહુ પ્રતિભાવકોનો ખુબ ખુબ આભાર.
    વિવેક ભાઈ નો વિશેષ આભાર.
    9998003128 પર મને whatsapp કરો અને આપનું એડ્રેસ મોકલશો તેમજ રૂપિયા 350 જમા કરાવશો એટલે તરત જ પુસ્તકની કોપી મોકલી આપીશ.

  12. kantilal sopariwala said,

    June 18, 2024 @ 7:17 PM

    અજ્ઞાનતા એજ સહુથી મોટો પડદો છે
    એ હટી જાયતો બધુજ સરળ છે અગ્ન્યાનતા
    માં થીજ અહંકાર નો જન્મ થાયછે ને માનવી
    પોતેજ ઈશ્વર નું રૂપ ધારણ કરેછે પછી એ જીવનભર
    ભ્રમ માંજ જીવેછે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment