સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અન્ધારમાં એકાકાર વન – ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

સૂર્ય જેવા સૂર્યનો બોજો ઉપાડી પીઠ પર;
અસ્તાચલે કોઈ સ્વ-જન ધીરે ચડે કેડી ઉપર.

ભેખડે આરોહ ને અવરોહ ચાલે શ્વાસના;
વાયરાની મીંડમાં સ્વર શ્વાસના ઝૂકી જતા.

બેવડ વળેલા શ્વાસના ઝપતાલ પણ તૂટી ગયા;
રક્ત રંગો સૂર્યના ઝળહળ થતા ઝાંખા થયા.

માત્ર પડછાયો નજર સામે હતો બસ સાથમાં;
ક્ષીણ થઈ ધીરે ધીરે ડૂબતો જતો અંધારમાં.

પીઠ ૫૨નો સૂર્ય ને છાંયો ક્યહીં! ને ક્યાં સ્વ-જન!
ઘૂઘવે અંધાર ત્યાં સઘળુંય એકાકાર વન.

– ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

કોઈ કવિતા પસંદ પડી જાય એ માટેના કોઈ ધારાધોરણ નિશ્ચિત કરી શકાય એમ નથી. ઉપલક નજરે આ રચના સાધારણ કહી શકાય પણ મને વાંચતાવેંત સ્પર્શી ગઈ. પાંચ યુગ્મકના ઊર્મિકાવ્યમાં કવિએ બે જગ્યાએ તો ચુસ્ત પ્રાસના સ્થાને સ્વરાંત પ્રાસથી કામ ચલાવી લીધું છે. પહેલી કડી વાંચતા એકતરફ ખભે મસમોટી શિલાનો ભાર ખભે વેંઢારી વારંવાર પર્વતારોહણ કર્યે રાખવાના શાપથી ગ્રસ્ત સિસિફસ યાદ આવે તો બીજી તરફ મહાપ્રયાણ માટે નીકળેલ પાંચ પાંડવ પણ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે. આમ તો પર્વતની ધારે અસ્તાચલે પહોંચેલા સૂર્યના અસ્તની જ વાત છે, પણ કોઈ સૂર્યને પીઠે લાદીને ધીરે ધીરે કેડી ચડતું હોવાના રૂપક વડે કવિએ જીવનના અસ્તાચલ અને બોજ- બંનેની વાત મુખર થયા વિના કરી છે. કવિતાનો મુખ્યપ્રાણ મૃત્યુની અનુભૂતિ હોવાની વાત બીજી કડીથી વધુ સ્પષ્ટ થાય છે. શ્વાસના આરોહ-અવરોહ ભેખડે ચાલી રહ્યા છે, મતલબ ગમે ત્યારે સમતુલન ગુમાવી મૃત્યુની ખીણમાં ગરકાવ થઈ જવાશે. વાયરાનો ઊંચેનીચે થતો આલાપ હાંફતા બેવડ વળેલા શ્વાસને ઢાંકી-તોડી દે છે. સૂર્યનો રાતો રંગ પણ ક્રમશઃ ઝાંખો પડી રહ્યો છે. એકમાત્ર પડછાયો જ સાથ નિભાવી રહ્યો હતો, તેય અંધારું વધતું જતાં ઓગળવા માંડ્યો. મૃત્યુના અંધકારમાં આખરે સૂર્ય, પડછાયો અને પડછાયાના સ્વામી એવા સ્વજન બધું જ ઓગળીને એકાકાર થઈ ગયું.

Comments (4)