કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2022

ભરોસો – જય કાંટવાલા

છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.

ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.

બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.

વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.

– જય કાંટવાલા

નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.

Comments (20)

(હિંમત નથી તૂટી) – ડો. સુજ્ઞેષ પરમાર

સપનાં ભલે તૂટી જતાં, હિંમત નથી તૂટી,
પૂરાં કરીશ હું એક દી’, એ વાત છે ઘૂંટી.

જીવન છે એવરેસ્ટનો પર્વત, બીજું તો શું!
કપરું ભલે ચઢાણ હો, ધીરજ નથી ખૂટી.

સંજોગ છે વિષમ છતાં હું ઊભો થઈ જઈશ,
દીવાલમાંથી જેમ આ કૂંપળ નવી ફૂટી.

છું કેટલો અમીર હું એની જ યાદથી,
ને એજ લઈને જાય છે મારું બધું લૂંટી.

એ હાથ ફેરવે, બધી પીડા જતી રહે,
છે ‘મા’ સ્વરૂપ આપણી પાસે જડીબુટી.

ફૂલોની જેમ આપણું જીવન બનાવીએ,
ખુશ્બૂ મૂકી જવાનું ,લે ઈશ્વર ભલે ચૂંટી.

આખીય જિંદગી કર્યું ભેગું બે હાથથી,
ને અંતમાં રહ્યું બધું, એ હાથથી છૂટી.

– ડો. સુજ્ઞેષ પરમાર

પોઝિટિવિટીની વેક્સિન.. કળાને આમ તો દર્દ અને દુઃખના ભૂખરા રંગ સાથે જ વધારે નિસબત રહી છે, પણ ક્યારેક આવી ધનમૂલક રચના વાંચવા મળી જાય તો અલગ ચીલે ચાલવાનો આનંદ થઈ જાય… લગભગ બધા જ શેર સરસ થયા છે..

Comments (18)

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં – માધવ રામાનુજ

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં.
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું, વળતાં ચીતર્યાં રે બંધ બારણાં.

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો ધગધગતો તરસ્યો ઉમંગ;
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને હાલરડે આળેખ્યાં પારણાં.

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો ને ચીતર્યું કૂણેરું એક પાન,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં ત્યાં નજરનું ખરી ગયું ભાન;
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ ને ઉંબરમાં અમિયલ ઓવારણાં.

– માધવ રામાનુજ

 

Comments (7)

લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા – એષા દાદાવાળા

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

– એષા દાદાવાળા

Comments (6)

ધૂમકેતુ – વિવેક મનહર ટેલર

(મંદાક્રાંતા)

સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.

તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.

મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.

હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)

અસંખ્ય લોકોની વચ્ચે આપણે જીવીએ છીએ. તમામની પાસે પોતપોતાની મુદ્રા છે. તમામનો આપણા જીવન પર પોતીકો પ્રભાવ પણ છે. આકાશમાં પણ અસંખ્ય તારાઓ સાથે ચાંદ-સૂરજ અને ગ્રહો વિદ્યમાન છે. આ તમામની સ્થિતિ રોજેરોજ થોડી થોડી બદલાતી હોવા છતાં આપણને એ કાયમી સ્થિર જ લાગે છે… જે રીતે ભવ્યાતિભવ્ય આકાશ એની બહુવિધતા છતાં આપણને એકવિધ લાગે છે, એ જ રીતે આપણી ચોમેર ભાતીગળ પ્રકૃતિ ધરાવતા લોકો હોવા છતાં આપણને આ તમામમાં એકવિધતા જ અનુભવાય છે.

પણ હા, ધૂમકેતુની તો વાત જ નિરાળી.. દાયકાઓમાં એકાદ ધૂમકેતુ પૂંછડિયાળા પ્રકાશ સાથે આવીને ચાલ્યો જાય છે, પણ એની આભા કંઈ એવી અનોખી અને અદભુત હોય છે કે એની છાપ આખીય આભઅટારી કરતાં સવિશેષ અને સુદીર્ઘ અનુભવાય છે… જીવનમાં પણ કોઈક વ્યક્તિ આપણને આવી મળી જતી હોય છે, જે આપણા સંસર્ગમાં બહુ ઓછું રહી ચાલી જતી હોવા છતાં એની સ્મૃતિ આપણી ચારેકોર વર્ષો સુધી વીંટળાઈને જીવ્યે જતી વ્યક્તિઓ કરતાં વધુ તીવ્રતર બની રહે છે…

Comments (18)

ના જાઓ – -અજ્ઞાત (અનુ.: મકરંદ દવે)

(શાર્દૂલવિક્રીડિત)

‘ના જાઓ!’ વચનો અમંગળ, ન હેતાળ ‘લ્યો, આવજો!’
રોક્યે મોટપ, ને ‘ગમે ત્યમ કરો!’ એમાં ઉદાસીનતા;
‘જો જો હો! નહિ જીવશું તમ વિના’ — એ તો બને ના બને
તેથી કૃષ્ણ, ખરાં વિદાયવચનો જાતાં મને શીખવો.

-અજ્ઞાત
(સંસ્કૃતમાંથી અનુવાદ : મકરંદ દવે)

ચાર પંક્તિનું નાનકડું મુક્તક અને એમાંય સૉનેટમાં જેમ આખરી પંક્તિમાં આવીને ચોટ લાગે એમ છેક છેલ્લી પંક્તિમાં જઈને ખબર પડે કે ગોકુળ છોડીને જતા કૃષ્ણ સાથેનો રાધાનો આ એકતરફી સંવાદ છે. કૃષ્ણ પોતાને છોડીને જઈ રહ્યા છે અને એને કઈ રીતે રોકવા એ રાધાને સમજ નથી પડતી. કોઈને ના જાઓ એમ કહેવું એ તો અમંગળ ન ગણાય? લ્યો, આવજો કહીએ એમાં પ્રેમનો અભાવ વર્તાય છે. રોકી દઈએ તો એમાં જનારની સામે પોતાની મોટાઈ દેખાઈ આવે, અને કૃષ્ણથી મોટા દેખાવું એ તો કેવળ અહંકારનો આવિર્ભાવ નહીં?! તમને જેમ ઠીક લાગે એમ કરો એવું કહીએ તો એમાં સામા તરફની પોતાની ઉદાસીનતા છલકાતી અનુભવાય. કશું ન સૂઝે અને જો જો, અમે તમારા વગર જીવી નહીં શકીએ એમ કહી દઈએ પણ સામાના ચાલ્યા ગયા બાદ જીવી ગયા તો એ વચન ખોટું ન પડે? તો કરવું શું? ખરી કવિતા તો છેલ્લી પંક્તિમાં છે, જ્યાં રાધા કૃષ્ણને જ કહે છે, કે તમને શું કહીને રોકી શકાય એ તમે જાતે જ અમને શીખવાડો… યે બાત! સદીઓ જૂના કોઈક સંસ્કૃત શ્લોકનો સિદ્ધ કવિ મકરંદ દવે એ કરેલ આ અનુવાદ છે…

લયસ્તરોના સૌથી નિયમિત વાચક પ્રજ્ઞાજુએ મૂળ સંસ્કૃત શ્લોક શોધી આપ્યો છે, જે આભાર સહ અહીં પૉસ્ટ કરું છું:

मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।

Comments (8)

સખી – મુકેશ જોષી

સખી પહેલા પડાવ ઉપર દાદાના દેશમાં, પરીઓના વેશમાં કૂવેથી ભરતા ને આંબલિયે રમતા ને ગોરમાને ગમતા તે કીધા ઉપવાસ
સખી પહેલા પડાવ ઉપર કાળજાની હૂંફ, રહે કાળજુંય મૂક, જોઈ છબછબની શેરી ને પંચમની ભેરી ને શંકરની દેરીમાં કેવો ઉલ્લાસ

સખી બીજા પડાવે ગયા દાદાના દેશ, ચરર પરીઓના વેશ, ભર્યાં નયનોમાં જલ, થયા શ્વાસો અટકળ ભલી સાસુને ગમતા તે કીધા ઉપવાસ
સખી બીજા પડાવ ઉપર રંગેલી મેડી ને આંખોથી તેડી ને હળવેથી છેડી ને પરણ્યાએ વેડી તે જાણે સુગંધથી રંગેલા શ્વાસ

સખી ત્રીજા પડાવે અહો ઝરમર ઝરમર, ઉગ્યા મેઘધનુષ અંગો પર રસભર રસભર, ભરી મમતાનું ઘર, કોઈ દર્પણમાં બોલાવે પોતાનું ખાસ
સખી ત્રીજા પડાવે રૂડી પગલીની ભાત, ફરી પરીઓના દેશ લગી લંબાતી રાત, આહ મોંઘી સોગાત, કુણી છાતીમાં હાલરડાં રમતાં કંઈ રાસ

સખી ચોથે પડાવે થયાં રૂપેરી કેશ, લીધા સાસુના વેશ ક્યાં વાગતી રે ઠેસ અને લાકડીના ટેકેથી ઠેલાતો જાય સહેજ ડગમગ પ્રવાસ
સખી ચોથે પડાવે દીધી કાળજાની હૂંફ, ક્યાંક હળવેથી ફૂંક, દૂર શંકરની દેરીમાં આથમતી શેરીમાં આરતીની આશકાનો દેવો ઉલ્લાસ

– મુકેશ જોષી

અત્યંત લાંબી બહરના ગીતના ચાર ખંડકોમાં કવિકર્મ કેવું સુપેરે ખીલ્યું છે! ચાર ખંડક. સ્ત્રીજીવનના ચાર તબક્કા. પહેલામાં કુંવારી કન્યા, બીજામાં પરણેલી સ્ત્રી, ત્રીજામાં માતૃત્વ અને છેલ્લા બંધમાં વૃદ્ધત્વની અવસ્થા. દરેક કલ્પન ધીમેધીમે સમજવા જેવું. ચાલો, કોશિશ કરીએ.

પહેલો પડાવ બાળપણનો છે. માથા પર દાદાનું છત્ર છે. એટલે પરીઓ તો હાથવગી જ હોવાની. કન્યા પોતે જાણે પરી બનીને મહાલે છે. કૂવાપાણી, આંબલી-પીપળી અને અલૂણા… કન્યકાનો પરિવેશ બહુ ઓછા લસરકામાં ઉપસી આવ્યો છે. દાદાના કાળજાની હૂંફ બાળાનું કાળજું નિઃશબ્દ બની અનુભવે છે. દેશ-વેશ, ભરતા-રમતા-ગમતા, હૂંફ-મૂક, શેરી-ભેરી-દેરીના આંતર્પ્રાસ લાં…..બી બહરના ગીતના સંગીતને કેવું પ્રવાહી બનાવે છે!

બીજો પડાવ પરિણીતાનો. દાદાના દેશ હવે વહી ગયા છે. પરીઓના વેશ ચરર ફાટી ગયા છે. આંખોમાં આંસુય છે અને બાળપણમાં ગોરમાને રીજવવા કરાતા ઉપવાસ હવે સાસુમાને રીજવવા કરવા પડે છે. વાત એની એ જ છે, પણ કવિ બહુ ઓછા શબ્દફેર સાથે આખેઆખા સંદર્ભો અને પરિવેશ બદલી નાંખે છે. પણ રણમાં મીઠી વીરડી સમું સાસરિયામાં પતિનો પ્રેમ હજીયે એના શ્વાસ સુગંધોથી રંગી દે છે. મેડી-તેડી-છેડી-વેડીનો લયવિન્યાસ તો જુઓ! અહાહાહાહા

સ્ત્રીની જિંદગીનો ત્રીજો તબક્કો તે માતૃત્વ. પંક્તિની શરૂઆતમાં આવતો ‘અહો’નો ઉદગાર ગીતની રસાળતા માટે પ્રાણપોષક છે. બાળક જાણે કે માના શરીર પર ઊગેલ રસભર મેઘધનુષ છે. મમતાનું ઘર ભર્યુંભાદર્યું બન્યું છે. પરી સ્ત્રીના હૃદયનો અંતરતમ હિસ્સો છે, જીવનના આ તબક્કે પણ એ હાજર છે, પણ હવે બાળકને કહેવામાં આવતી વાર્તાઓના રૂપમાં. માની છાતીમાં દૂધ જ નહીં, હાલરડાં ઊછરી રહ્યાં છે.

ચોથા તબક્કામાં સ્ત્રી પોતે હવે સાસુ બની છે. વૃદ્ધ થઈ છે. જિંદગીનો પ્રવાસ લાકડીના ટેકે ડગમગ ડગમગ ધીમે ધીમે આગળ વધે છે. બચપણમાં દાદાના કાળજાની જે હૂંફ પોતે અનુભવી હતી, હવે એ જ હૂંફ સંસારની પરિપૂર્ણતા એના કાળજાને ફરી દઈ રહી છે. જિંદગીની આથમતી શેરીમાં ઈશ્વરના નામસ્મરણના સહારે ઉલ્લાસ હજી પ્રજ્વળી રહ્યો છે…

દાદાના દેશ, પરીઓના વેશ, શંકરની દેરી, કાળજાની હૂંફ જેવા ઘણાં કલ્પનોની અલગ સ્વરૂપે અને સહેજસાજ જ સંદર્ભ બદલીને કરાતી પુનરોક્તિ આખી રચનાને વધુ મનનીય અને કાવ્યતત્ત્વસભર બનાવે છે…

Comments (8)

(જીવન છે) – મયૂર કોલડિયા

મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.

તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.

મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે

સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.

આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે

શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.

-મયૂર કોલડિયા

જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…

મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!

Comments (26)

( ટેવ છે) – વિકી ત્રિવેદી

ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
એટલે કે મંથરાની ટેવ છે.

આંસુ જોઈને ભરોસો ના કરો,
માણસોને ખરખરાની ટેવ છે.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

એટલે તો આપણી થઈ જાય છે,
વેદનાને આશરાની ટેવ છે.

આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
આ જગતને છીછરાની ટેવ છે.

– વિકી ત્રિવેદી

સહજ. સાધ્ય. સંતર્પક.

Comments (9)

હોવાપણાં લગ – સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ

ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ

– સંજુ વાળા

હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.

Comments (5)

looking for myself – Emily Dickinson

I am out with lanterns
looking for myself

– Emily Dickinson

બે લીટીનું મહાકાવ્ય…મીરાં,કબીર,રહીમ -સૌએ આ જ ગાયું છે… ‘ ઘૂંઘટ કો પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…..’

માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોક યાદ આવે –

नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम्।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः॥

સરળ ભાવાનુવાદ – પરમસત્ય બુદ્ધિથી પર છે, પરિમાણથી પર છે, મનની સીમાઓથી બાધ્ય નથી, ન તો કોઈ લક્ષણ ધરાવે છે – પોતાનો સાર તે પોતે જ છે. તે શબ્દાતીત છે. કશે જ દ્રશ્ય ન હોવા છતાં એ એવું તત્વ છે જેની ગેરહાજરી એટલે શૂન્યાવકાશ, વળી શૂન્યાવકાશ પણ તે તત્વ પોતે જ છે….એ જ તુરિય: [ ચતુર્થ ] છે-અદ્વૈત છે-શિવ છે-આત્મા છે…..

Comments (1)

મુકદ્દરની વાત છે – મનહરલાલ ચોકસી

તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!

જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!

મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!

આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!

ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.

‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

– મનહરલાલ ચોકસી

કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.

Comments (13)

સવા શેર : ૦૭ : પ્રકાશ – નીતિન પારેખ

એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.

– નીતિન પારેખ

અગ્રગણ્ય ફાર્મા કંપની ઝાયડસ લાઇફસાઇન્સ લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરની પદવી શોભાવતા કવિના પ્રથમ સંગ્રહ ‘દ્વાર ભીતરનાં ખોલ’માંથી આ મોતી હાથ લાગ્યું. ટૂંકી બહરની બે પંક્તિમાં કવિએ ગાગરમાં સાગર ભરી આપવાનું અદભુત કવિકર્મ કર્યું છે.

આમ તો આ શેર સરળ અને સહજસાધ્ય છે, પણ શેરમાં મરીઝની ગઝલો જેવું જે ઊંડાણ છે, એ આગળ ન વધવા માટે મજબૂર કરે એવું છે. આમ તો આપણે કહેતાં જ હોઈએ છીએ કે, ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું,’ (રાજેશ વ્યાસ મિસ્કીન) પણ એ તો હાથીના દાંત જેવું. ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. વાતો મોટી-મોટી કરવાની પણ અમલ કરવાના ધારાધોરણ અલગ. કવિ મિસ્કીનની નિસ્પૃહતા અને મકરંદ દવેના ગમતાંનો કરીએ ગુલાલ વચ્ચે ઉમદા સામંજસ્ય સર્જે છે.

મૂળ વાત છે અપરિગ્રહની. જૈન ધર્મના પાંચ મહાવ્રત, બૌદ્ધ ધર્મના પંચશીલ, યોગસૂત્રકારોના પંચયમ તથા ગાંધીજીના અગિયાર વ્રતોમાંનું એક તે અપરિગ્રહ. ગાંધીજી કહેતા કે જે વસ્તુ આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થશે એમ માનીને સંગ્રહવી તે પરિગ્રહ કહેવાય. પણ જરૂર પડશે ત્યારે જોઈતી વસ્તુ મળી રહેશે એવી શ્રદ્ધા ઈશ્વર પર રાખીને સંગ્રહ ન કરીએ એને અપરિગ્રહ કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે, ‘तेन त्यक्ते न भुंञ्जीथाः|’ અર્થાત્ જે ત્યાગ કરે છે એ જ ભોગવી શકે છે.

અપરિગ્રહની આ તમામ જાણકારી આખરે તો જીવનકિતાબના આખરી પાને ફુટનોટ બનીને જ રહી જાય છે. તમામ ઉપદેશોથી વિપરીત સંગ્રહખોરી આપણો મૂળભૂત સ્વભાવ છે. સંકટના સમયે કામ આવશે એમ કરીને સચવાયેલી સેંકડો વસ્તુઓ જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ઘરના કોઈક ખૂણાના શૂન્યાવકાશને ભર્યોભાદર્યો રાખવા સિવાય કદી કામમાં આવતી નથી. કામ આવશે એમ કરીને જીવનભર સંચય કરેલ ધનના આપણે ફક્ત ચોકીદાર જ સાબિત થઈએ છીએ. બધું આખરે વંશજો જ વાપરે છે. એટલે જ કવિ કહે છે કે એકઠું કરેલ કશું કામનું નથી. સંચયમાં કોઈ રોશની નથી. પણ જરૂરિયાતમંદને આપવું એ જ વસ્તુનો સાચો ઉપયોગ છે. અન્યોની જરૂરિયાત સંતોષવાનો ઉપક્રમ રાખીએ તો જ નોળિયાનું ડિલ સોનાનું થાય. વહેંચવામાં આવેલી વસ્તુ જ સાચા અર્થમાં વપરાયેલી ગણાય અને કોઈપણ વસ્તુ વપરાય ત્યારે જ એના આવિર્ભાવ પાછળનો ખરો હેતુ ચરિતાર્થ થાય છે. એટલે જ કવિને વસ્તુને વહેંચવામાં પ્રકાશપ્રાપ્તિ દેખાય છે. વળી આ નિયમ સંસારની દરેક ચીજને લાગુ પડે છે… વિદ્યા-જ્ઞાન, પ્રેમ-વફાદારી વગેરેથી માંડીને અન્ન-જળ, સ્થાવર-જંગમ –તમામ માટે કવિનો આ શેર દીવાદાંડી સમો પથપ્રદર્શક બની રહે એમ છે..

Comments (14)

(નહીં આવે) – નીરવ વ્યાસ

ગમે છે ખૂબ પણ એ એમ સપનામાં નહીં આવે,
કે મંઝિલ દોડીને સામેથી રસ્તામાં નહીં આવે.

કબૂલાતો તમારી ખાનગીમાં સાંભળી છે જે,
તમે ચિંતા ન ક૨શો એ બધું ચર્ચામાં નહીં આવે.

અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.

લડત લડશું, તો મુદ્દાસ૨ કરીશું વાત ઘટનાની,
કશી અંગત બયાની દોસ્ત ઝઘડામાં નહીં આવે.

ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.

– નીરવ વ્યાસ

સરળ બાનીમાં સહજ-સાધ્ય ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (16)

हम देखेंगे – ફૈઝ અહમદ ફૈઝ

हम देखेंगे
लाज़िम है कि हम भी देखेंगे
हम देखेंगे….हम देखेंगे….

[ હમ દેખેંગે….અનિવાર્ય છે-મીનમેખ છે કે અમે પણ જોઈશું જ ]

वो दिन कि जिसका वादा है
जो लोह-ए-अज़ल में लिखा है
जब ज़ुल्म-ओ-सितम के कोह-ए-गरां
रुई की तरह उड़ जाएँगे
हम महकूमों के पाँव तले
ये धरती धड़-धड़ धड़केगी
और अहल-ए-हकम के सर ऊपर
जब बिजली कड़-कड़ कड़केगी

[ એ સૂર્યોદય કે જેનું વચન મળ્યું છે,
જે વિધિનું અફર વિધાન છે,
જયારે જુલ્મોસિતમના તોતિંગ પહાડો,
રૂ ની પેઠે ઊડી જશે,
અમ ગુલામ રૈયતના પગતળે
આ ધરતી ધડ ધડ ધડકી ઉઠશે..
અને અત્યાચારી શાસકોના માથે
જયારે વીજળી કડકડ ત્રાટકશે ]

जब अर्ज-ए-ख़ुदा के काबे से
सब बुत उठवाए जाएँगे
हम अहल-ए-सफ़ा, मरदूद-ए-हरम
मसनद पे बिठाए जाएँगे
सब ताज उछाले जाएँगे
सब तख़्त गिराए जाएँगे

[ આ પૃથ્વીના ખુદાના સ્થાનમાંથી
તમામ મૂર્તિઓ ઉઠાવડાવી લેવાશે,
અમને પાક[સ્વચ્છ] બંદાઓને, જેને પવિત્રધામમાં આશરો નથી મળી રહ્યો-
ગાદીનશીન કરવામાં આવશે..
તમામ તાજ ઊછાળી મૂકાશે….
તમામ સિંહાસનો ધ્વસ્ત કરી નખાશે…]

बस नाम रहेगा अल्लाह का
जो ग़ायब भी है हाज़िर भी
जो मंज़र भी है नाज़िर भी
उट्ठेगा अन-अल-हक़ का नारा
जो मैं भी हूँ और तुम भी हो
और राज़ करेगी खुल्क-ए-ख़ुदा
जो मैं भी हूँ और तुम भी हो

[ બસ માત્ર એક અને અનન્ય અલ્લાહનું નામ રહેશે
જે ગાયબ પણ છે અને હાજર પણ
જે દ્રષ્ટ-જોવાઈ રહેલી વસ્તુ-પણ છે અને દ્રષ્ટા સ્વયં પણ છે
‘અનલહક’-‘હું જ સત્ય છું’- નો નારો ઉઠશે
હું પણ તે જ છું અને તમે પણ તે જ છો -અર્થાત,આપણે સૌ પરમસત્ય જ છીએ….
અને ખુદાનું સર્જન એવા આપણે સૌ રાજ કરીશું
હું પણ તે જ છું અને તમે પણ તે જ છો….

हम देखेंगे….
लाज़िम है कि हम भी देखेंगे
हम देखेंगे…

– ફૈઝ અહમદ ફૈઝ

નઝ્મનો ઇતિહાસ તો જાણીતો જ છે – પાકિસ્તાનના તાનાશાહ ઝિયા-ઉલ-હકના અત્યાચારી શાસનની સામે બંડ પોકારતી આ નઝ્મ ફૈઝસાહેબે કહી અને 1986માં, કે જયારે પાકિસ્તાનમાં સાડી પહેરવી પ્રતિબંધિત હતી, તેમજ ફૈઝસાહેબની તમામ કવિતા પણ પ્રતિબંધિત હતી, ત્યારે ઈકબાલ બાનોસાહિબાએ કાળી સાડી પહેરી હૉલમાં 700-1000 ચાહકોની સામે ખુલ્લેઆમ લાહોરના એક જલસામાં ગાઈ….પછી જે બન્યું તે ઇતિહાસ છે….એ ઘટનાનું રેકોર્ડિંગ હયાત છે…

ત્યારબાદ આ નઝ્મ વિશ્વવ્યાપી ક્રૂર શાસકોના વિરોધની વાચા બની ગઈ….ઘણા અર્થ પણ થયા…અનર્થ પણ થયા….મારુ અંગત મંતવ્ય એ છે કે આ નઝ્મ ઇસ્લામની મૂળભૂત માન્યતાની ઉદ્દઘોષક છે – કોઈ બિનમુસ્લિમને તે ગમે પણ ખરી, ન પણ ગમે – એ દરેકનો સ્વતંત્ર મુદ્દો છે. એક વાત નક્કી – આ નઝ્મ લખવા પાછળ ફૈઝસાહેબનો હેતુ કોઈ અન્ય ધર્મનો વિરોધ કરવાનો હોય તેવું તો કોઈ એંગલથી નથી લાગતું…..મને તો આ નઝ્મ ખરેખર જ હમેંશા દબાયેલી-કચડાયેલી પ્રજાના આર્તનાદ સમી જ લાગી છે….

Comments (2)