સવા શેર : ૦૭ : પ્રકાશ – નીતિન પારેખ
એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.
– નીતિન પારેખ
અગ્રગણ્ય ફાર્મા કંપની ઝાયડસ લાઇફસાઇન્સ લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરની પદવી શોભાવતા કવિના પ્રથમ સંગ્રહ ‘દ્વાર ભીતરનાં ખોલ’માંથી આ મોતી હાથ લાગ્યું. ટૂંકી બહરની બે પંક્તિમાં કવિએ ગાગરમાં સાગર ભરી આપવાનું અદભુત કવિકર્મ કર્યું છે.
આમ તો આ શેર સરળ અને સહજસાધ્ય છે, પણ શેરમાં મરીઝની ગઝલો જેવું જે ઊંડાણ છે, એ આગળ ન વધવા માટે મજબૂર કરે એવું છે. આમ તો આપણે કહેતાં જ હોઈએ છીએ કે, ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું,’ (રાજેશ વ્યાસ મિસ્કીન) પણ એ તો હાથીના દાંત જેવું. ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. વાતો મોટી-મોટી કરવાની પણ અમલ કરવાના ધારાધોરણ અલગ. કવિ મિસ્કીનની નિસ્પૃહતા અને મકરંદ દવેના ગમતાંનો કરીએ ગુલાલ વચ્ચે ઉમદા સામંજસ્ય સર્જે છે.
મૂળ વાત છે અપરિગ્રહની. જૈન ધર્મના પાંચ મહાવ્રત, બૌદ્ધ ધર્મના પંચશીલ, યોગસૂત્રકારોના પંચયમ તથા ગાંધીજીના અગિયાર વ્રતોમાંનું એક તે અપરિગ્રહ. ગાંધીજી કહેતા કે જે વસ્તુ આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થશે એમ માનીને સંગ્રહવી તે પરિગ્રહ કહેવાય. પણ જરૂર પડશે ત્યારે જોઈતી વસ્તુ મળી રહેશે એવી શ્રદ્ધા ઈશ્વર પર રાખીને સંગ્રહ ન કરીએ એને અપરિગ્રહ કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે, ‘तेन त्यक्ते न भुंञ्जीथाः|’ અર્થાત્ જે ત્યાગ કરે છે એ જ ભોગવી શકે છે.
અપરિગ્રહની આ તમામ જાણકારી આખરે તો જીવનકિતાબના આખરી પાને ફુટનોટ બનીને જ રહી જાય છે. તમામ ઉપદેશોથી વિપરીત સંગ્રહખોરી આપણો મૂળભૂત સ્વભાવ છે. સંકટના સમયે કામ આવશે એમ કરીને સચવાયેલી સેંકડો વસ્તુઓ જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ઘરના કોઈક ખૂણાના શૂન્યાવકાશને ભર્યોભાદર્યો રાખવા સિવાય કદી કામમાં આવતી નથી. કામ આવશે એમ કરીને જીવનભર સંચય કરેલ ધનના આપણે ફક્ત ચોકીદાર જ સાબિત થઈએ છીએ. બધું આખરે વંશજો જ વાપરે છે. એટલે જ કવિ કહે છે કે એકઠું કરેલ કશું કામનું નથી. સંચયમાં કોઈ રોશની નથી. પણ જરૂરિયાતમંદને આપવું એ જ વસ્તુનો સાચો ઉપયોગ છે. અન્યોની જરૂરિયાત સંતોષવાનો ઉપક્રમ રાખીએ તો જ નોળિયાનું ડિલ સોનાનું થાય. વહેંચવામાં આવેલી વસ્તુ જ સાચા અર્થમાં વપરાયેલી ગણાય અને કોઈપણ વસ્તુ વપરાય ત્યારે જ એના આવિર્ભાવ પાછળનો ખરો હેતુ ચરિતાર્થ થાય છે. એટલે જ કવિને વસ્તુને વહેંચવામાં પ્રકાશપ્રાપ્તિ દેખાય છે. વળી આ નિયમ સંસારની દરેક ચીજને લાગુ પડે છે… વિદ્યા-જ્ઞાન, પ્રેમ-વફાદારી વગેરેથી માંડીને અન્ન-જળ, સ્થાવર-જંગમ –તમામ માટે કવિનો આ શેર દીવાદાંડી સમો પથપ્રદર્શક બની રહે એમ છે..
Hiral Vyas said,
May 6, 2022 @ 12:18 PM
મસ્ત …
સાચે જ જે એકઠું કરીએ તે અંધારે ભરીએ ને વહેંચીએ તે આપણને અને બીજાને અજવાળુ આપે.
Chetna Bhatt said,
May 6, 2022 @ 12:26 PM
મહર્ષિ પતંજલિ એ યોગદર્શન માં યમ અને નિયમ આપ્યા છે,
એમાંથી પાંચ યમ માં એક અપરિગ્રહ પણ છે
સરસ મજાનો સવા શેર અને સુંદર આસ્વાદ
કિશોર બારોટ said,
May 6, 2022 @ 12:36 PM
બહુ સરસ 👌
Varij Luhar said,
May 6, 2022 @ 12:41 PM
સરસ..સોરી .. ખૂબ સરસ
Chetan Framewala said,
May 6, 2022 @ 12:44 PM
Wah
लोग निकले नहीं, अंधेरों से,
रौशनी ले के हम, गए सब तक!
अंजुम लुधियानवी
Nitinkumar Parekh said,
May 6, 2022 @ 1:09 PM
શ્રી વિવેકભાઈ ટેલરે મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘દ્વાર ભીતરનાં ખોલ’ની એક કવિતાની શિરમોર પંકિતનું ખૂબ સુંદર શબ્દોમાં રસદર્શન કરાવ્યું તે માટે તેમનો આભાર માનું છું. એમણે જણાવેલ સંઘરાખોરીની પ્રવૃતિ આપણે ઘણાં લોકો કરીએ છીએ ત્યારે આ શેર એક મહત્વનુ દિશાસૂચન કરે છે. પોતાના માટે એકઠું કરવાની ક્રિયા પત્યા બાદ આપણે સંતાનો માટે એકઠું કરીએ છીએ અને એટલું પૂરતું ના હોય તેમ અનેક પેઢીઓનું ભેગું કરવા હામ ભીડીએ છીએ. આપણાં ગયા પછી આપણે જે દીધું છે તે જ ભેગું આવે છે અને ભેગું કરેલું તો બધું અહીંજ પડ્યું રહે છે. એક નાની મીણબત્તીનો પ્રકાશ આખા ઓરડામાં અજવાળું પાથરે છે કારણકે એ વહેંચાય જાય છે. આપણે તો અનેક જગ્યાએ વેચાઈ જઈએ છીએ તો કયારેક વહેંચાય જવાનો આનંદ લઈ જોઈએ. જો આ નાની વાત સમજાય જાય તો મોટો ફાયદો થઈ જાય અને જન્મારો સફળ થઈ જાય.
ફરીવાર વિવેકભાઈને તેમના આ સુંદર અને અનુકરણીય રસદર્શન માટે ધન્યવાદ સહ નમસ્કાર.
Poonam said,
May 6, 2022 @ 2:19 PM
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.
– નીતિન પારેખ – Sundar… Sher !
Sir ji Aaswad 👌🏻
Pravin Shah said,
May 6, 2022 @ 6:35 PM
ખૂબ સરસ !
pragnajuvyas said,
May 6, 2022 @ 7:41 PM
કવિશ્રી નીતિન પારેખના સવા શેરનુ ડૉ વિવેક દ્વારા ખૂબ સુંદર શબ્દોમાં રસદર્શન
.
આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે.એકઠું જે કર્યું તે અંધારું,વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. નિરંતરની આદ્રતામાં દ્વાર ભીતરનાં ખોલી વહી નીકળતા કવિને એમની સમૃદ્ધિમાંય રંકતા પર વારી જવાની ખેવના વર્તાય છે. કોઈ રંકની આંખેથી, આંસુ ચોરી લેવું છે.આંસુ જેવા જ આકારનો પણ દરિયાપારનાં લાગણીવિસ્તારનો આ શેર માનવભક્તિનું ચરમ અધ્યાય નિરૂપણ છે, જે જવલ્લે જ કાવ્યોમાં સાંપડે છે.
DILIPKUMAR CHAVDA said,
May 6, 2022 @ 7:51 PM
ગજબ શેર ને આહલાદક આસ્વાદ સલામ બન્ને મહાનુભાવોને 👏👏👏👏👏👏👏👏👏👏
Himanshu Jasvantray Trivedi said,
May 7, 2022 @ 4:39 AM
એક બહુ મોટી વાત, બહુજ ઓછા શબ્દોમાં, અત્યંત સહજ અને સચોટ રીતે કહી દીધી કવિશ્રીએ.. વાહ. અભિનંદનો અને આભાર, શ્રી નીતિનભાઈ પારેખનો અને શ્રી વિવેકભાઈ ટેલરનો જે આવા અદભૂત મોતીનો આસ્વાદ કરાવે છે.
જયેન્દ્ર ઠાકર said,
May 7, 2022 @ 5:26 AM
માણસ સામાજિક પ્રાણી છે. આ વિચારે કવિશ્રી નીતિન પારેખનો આ શેર એક આબે હયાત જેવો લાગે છે.
Dr Mukur Petrolwala said,
May 7, 2022 @ 8:54 AM
અપરિગ્રહની સુંદર અભિવ્યક્તિ બે પંક્તિમાં સવાશેરમાં. કવિને અભિનંદન! આસ્વાદ નવી ઊંચાઈએ! પણ અપરિગ્રહ કેટલા લોકો નિભાવી શકે? જવાબમાં ડો. વિવેકનો જ એક શેર
બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર
Pravin H. Shah said,
May 7, 2022 @ 4:32 PM
Umada..