થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for September, 2016
September 30, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગુણવંત વ્યાસ, સોનેટ
(શિખરિણી)
તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !
કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.
ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.
ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.
– ગુણવંત વ્યાસ
શબ્દનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ ! પ્રસ્તુત સૉનેટમાં કવિ પણ શબ્દનો તાગ મેળવવા મથે છે. શબ્દ શું છે? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબ્દ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબ્દ છે. ક્યારેક શબ્દ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં હઉંક કરી પાછળથી ચોંકાવી દેતા બાળકની જેમ કંપની આપવા પણ આવી ચડે છે. ખાતા-પીતા, હરતા-ફરતા, કામ કરતા-મૂકતા, બોલતા-ચાલતા – એમ પળેપળ સૂતા-જાગતા કવિ સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબ્દનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે. એથી જ તો કવિ એનાથી કદી અલગ થતા નથી કે કદી શબ્દને ભૂલતા નથી. કેમ? તો કે, કવિ જાણે છે કે કવિ શબ્દથી અને શબ્દ કવિથી જ છતા થાય છે.
કેવી અદભુત રચના !
Permalink
September 29, 2016 at 2:09 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…
હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.
હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :
હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.
– વેણીભાઈ પુરોહિત
બપોર આથમ્યા પછી પણ સાંજ પડતા પેહલાના સમયની વાત… સૂર્યનો તાપ જરા આછો થયો છે પણ સાંજજે હજી રંગોળી પૂરવી શરૂ કરી નથી. પંખીઓ હજી ઘરે પરત નથી ફર્યાં. દીવા સળગવાને વાર છે. હજી દુનિયા એની રોજનીશીથી થાકી નથી. ધરતીનો ગરમાટો ખુલ્લા પગને હજી અડે એવો છે. આકાશમાં તારાઓ ઊગી આવવાને હજી વાર છે. મંદિરમાં ઝાલર-આરતી શરૂ થાય, ઘેર પરત ફરતી ગાયોના ટોળાંની મસ્તીથી આભે ચડેલી ગોરજ આળસ મરડી મસ્તી કરે, સૂર્યકિરણો પશ્ચિમના આકાશને રંગોથી રગડોળી દે એ પછી વાત… જો કે કઈ વાત કરવાની છે એ આખી વાત અધ્યાહાર રાખીને કવિએ એક અદભુત ચિત્ર દોરી આપ્યું છે…
Permalink
September 27, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું,
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?
ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું.
બહુ જ ગોળ ગોળ લાંબુલચ ક્થ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું.
લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા,
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું.
અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે-
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઉલટપુલટ કરું ?
હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે,
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું ? કપટ કરું ?
– સંજુ વાળા
આ શાયર સતત સફર કરતા રહે છે, તેઓને સતત પ્રશ્નો પીડતા રહે છે. જેને પ્રશ્ન થાય તે જ જવાબ શોધે. જવાબ ન મળે અને અજંપો મળે એવું ઘણીવાર બને. એ અજંપામાંથી ગઝલ બને…..
Permalink
September 26, 2016 at 1:41 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?
એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?
હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?
સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.
ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.
– અનિલ ચાવડા
માત્ર તળપદી તેમજ રોજિંદા વપરાશની ભાષાના અનોખા પ્રયોગો પણ આ ગઝલને આકર્ષક બનાવવા પૂરતા છે, પણ અહીં તો અર્થગાંભીર્ય પણ કાબિલ-એ-દાદ છે !!
Permalink
September 24, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વંચિત કુકમાવાલા
છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડ્યું હો મોજનું આંધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
આઠે પ્રહરના ઉત્સવો ઉજવાય છે સતત,
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં.
અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
હૈયા વરાળ ઠારવા પનિહારીઓ બધી,
ભેગી મળી લૂછ્યા કરે પાંપણ તળાવમાં.
શુદ્ધીકરણ જળનું સતત કરવા સજાગ છે,
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં.
વરસાદનાં એ ભાંભરાં જળ બૂમ પાડતા,
છોડી મને કૂદી પડ્યું બચપણ તળાવમાં.
– વંચિત કુકમાવાલા
આમ તો બધા જ શેર આસ્વાદ્ય છે પણ વાતારવરણમાં ઊડી-ઊડીને પછી પાણીની સપાટી પર સ્થિર થઈ પથરાતી રજકણોને કવિ જે નજરે જુએ છે એ નજર કમાલની છે ! એ જ રીતે તળાવમાં નહાતી ભેંસની પીઠ પર બેસી કાંઉ કાંઉ કરતા કાગડાને જોવાની રીત અને એ રીતે આજના રાજકારણીઓ પર કટાક્ષ કરવાની અદા પણ દાદ માંગી લે એવી છે. સરવાળે અદભુત રચના !
Permalink
September 23, 2016 at 2:14 AM by વિવેક · Filed under ગઝલ, રાજુલ ભાનુશાલી
કેટલી ખખડી ગઈ છે ભારથી,
છત ઊભી છે ભીંતના આધારથી!
પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ?
જળ કદી બંધાય ના આકારથી.
વેદનાને જો વલૂરી સાંજના,
રાત આખી તરફડી ચિત્કારથી !
સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
છોછ કૈ પોસાય ના ટંકારથી !
જાતમાંથી જાતને બાતલ કરો,
‘ઓમ’ને ભેદાય ના એંકારથી.
આમ કુંઠાઈને ‘રાજુલ’ શું વળે?
ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !
– રાજુલ ભાનુશાલી
ફેસબુકના રસ્તે ચાલીને વળી એક આશાસ્પદ કવયિત્રી સાથે મુલાકાત થઈ. દુઃખ સાથે કામ પાડવાની ટેકનિકવાળો શેર હાંસિલે-ગઝલ છે. એ સિવાયના બધા શેર પણ ખાસ્સા સંતર્પક થયા છે.
Permalink
September 22, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિહંગ વ્યાસ
પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં,
પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત.
તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું,
હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત.
રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે;
ગઝલની આવ-જા યુગોથી ચાલતી હશે સ્વગત.
સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !
– વિહંગ વ્યાસ
મત્લાનો શેર વાંચતા જ હરિવંશરાય બચ્ચનની “કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી” કવિતા કે ‘કરતાં જાળ કરોળિયો” યાદ આવી જાય, પણ આ હમરદીફ-હમકાફિયા ગઝલમાં કવિએ એ જ વાત જે રીતે રજૂ કરી છે એ અંદાજે-બયાઁ મેદાન મારી જાય છે. એક તરફ બધા જ શેર ઉમદા થયા છે તો બીજી તરફ “લગાલગા લગાલગા” છંદોવિધાનનો હિલ્લોળા લેતો લય અને ચુસ્ત કાફિયાની બાંધણી ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે.
Permalink
September 19, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત-દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે.
ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.
મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુઃખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ, દોડો, જરા જઈને રોકો, ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.
મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી, તને જયારે વિશ્વાસ મારો ન આવે.
હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.
‘ગની’ , મારી રાતોના દિવસ ફરે તો, ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,
ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો, પછી રક્તવર્ણી સવારો ન આવે.
-‘ગની’ દહીંવાળા
અલગ અલગ ભાવના શેર છે સઘળા. ક્યાંક મહોબ્બતનો મહિમા છે તો ક્યાંક જીવનથી નિરાશા છે…..
Permalink
September 18, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, લાઓઝી
The Tao is something vague and undefinable;
How undefinable ! How vague !
Yet in it there is a form.
How vague ! How undefinable !
Yet in it there is a thing.
How obscure ! How deep !
Yet in it there is a substance.
The substance is genuine
And in it sincerity.
From of old until now
Its name never departs,
Whereby it inspects all things.
How do I know all things in their suchness ?
It is because of this.
– Lao-tzu [ trans.- Dr D T Suzuki ]
આ કાવ્યનું ભાષાંતર કરવા જતાં એની ઓરિજિનાલિટી મરી જશે તેથી ભાષાંતર કરવાને બદલે [ અત્યંત અચકાટ સાથે ] તેનો ભાવાનુવાદ થોડીક કૉમેન્ટ્સ સાથે રજૂ કરું છું…..અચકાટનું કારણ એ કે હું ચોક્કસ નથી કે જે હું સમજ્યો છું તે સાચું છે અને વળી એને શબ્દોમાં મૂકવાનું પણ મારુ ગજું નથી. માત્ર એક પ્રયત્ન કરું છું –
વેસ્ટર્ન ફિલૉસોફી અને ઈસ્ટર્ન ફિલૉસોફીમાં મૂળભૂત તફાવત intellect નો છે. વૅસ્ટર્નમાં intellect સિવાય કંઈ જ નથી અને ઈસ્ટર્નમાં direct experience – immediacy of realization મહત્વનું છે. સરળ શબ્દોમાં ઈસ્ટર્ન ફિલૉસોફી intuition – અંત:સ્ફૂરણાકેન્દ્રી છે જયારે વૅસ્ટર્ન conceptualization-analysis-intellectual dissection ઉપર અવલંબિત છે.
તાઓ નું અત્યંત અશુદ્ધ ભાષાંતર Way / Path / Flow છે. તેનું શુદ્ધ ભાષાંતર શક્ય નથી. જીવનમાર્ગ કહી શકાય. તાઓ કહે છે કે જયારે તમારી અનુભૂતિને તમે શબ્દોમાં વર્ણિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે છટકી જાય છે અને ઠાલાં શબ્દો રહી જાય છે. આપણે જયારે અદભૂત સૌંદર્ય અથવા અકલ્પનીય પ્રચંડ ભયની સન્મુખ થઈએ છીએ ત્યારે જે સંપૂર્ણ શબ્દહીન,વિચારહીન,તર્કહીન અવસ્થા અનુભવીએ છીએ તે સાચી અનુભૂતિ. જેવું આપણે તેનું વિશ્લેષણ કરવાનું શરુ કરીએ એટલે વિચારો – ‘મન’ – પ્રવેશે અને ‘મન’ સાથે તેના સંખ્યાહીન પૂર્વગ્રહો અને ધારણાઓ પ્રવેશે અને તે સાથે જ સત્ય નાસી છૂટે છે. આ વાતને કાવ્યાત્મક રીતે કાવ્યના પ્રથમ ચરણમાં [ પ્રથમ 9 લીટીમાં ] કહી છે. નિર્મળ શાંત સરોવરમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે ન તો ચંદ્રને ખબર છે કે તે પ્રતિબિંબિત થઇ રહ્યો છે કે ન તો સરોવરને ખબર છે કે પોતે કોઈને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બંને માત્ર પોતપોતાના સ્વધર્મને અનુસરી રહ્યા છે અને તે પણ ‘સ્વધર્મ’ જેવા- કર્તુત્ત્વ ના- કોઈ ખ્યાલ વગર ! આ તાઓ છે. તાઓ ભલે અસ્પષ્ટ અને શબ્દ વડે અવર્ણનીય હોય, તે અનુભવી શકાય છે, ચોક્કસ અનુભવી શકાય છે, માત્ર શરત એટલી છે કે સરોવરના કિનારે સાક્ષીભાવે બેસવાનું છે અને ‘મન’ ને દેશનિકાલ કરવાનું છે.
કાવ્યના બીજા ચરણમાં [અંતિમ 5 લીટીમાં ] વિચારબીજ થોડું ગહન બને છે. સરળ ભાષામાં તેને રજૂ કરવું મારી તાકાત બહારનું કામ છે, પરંતુ વાત અત્યંત મહત્વની છે. અહીં ભાષાની [ communication ની ] મર્યાદાની વાત છે. Name એટલે મૂળ તત્વ. શુદ્ધ તત્વ. ઉદાહરણ તરીકે પ્રેમ. એવું મૂળ તત્વ કે જેનું નામ લેતા જ એક સમગ્ર વૈશ્વિક ભાવ – [ પ્લેટો ની ભાષામાં Ideal Form ] અભિપ્રેત થાય છે. એ મૂળ તત્વ અને તેનું નામ પડતા જ આપણી અંદર અનુભવાતી અનૂભૂતિ અવિભાજ્ય છે. આમ મૂળ તત્વો અનાદિકાળથી જડબેસલાક અને નિત્યસત્ય છે. જયારે આપણે, આપણી ભાષા [ કોઈપણ સ્વરૂપમાં – in any form of communication ] તે તત્વને વર્ણવવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે મૂંઝવણો અને ગેરસમજોનો પર નથી રહેતો. આથી જ હું પ્રત્યેક વસ્તુ ને તેની ‘suchness’ [ તથતા – અર્થાત મૂળભૂત સ્વરૂપમાં ] માં કઈ રીતે જાણી શકું ? – ત્યારે કે જયારે પ્રચલિત ભાષામાંથી કોઈપણ મૂળ તત્વના સાચા નામને ઓળખીને તે દ્વારા તે મૂળતત્વની અનુભૂતિ કરી શકું ત્યારે. આ માટે ‘નેતિ નેતિ ‘ નો માર્ગ શ્રેષ્ઠ છે જેમાં વ્યક્તિ ભાષાના[expressions ના ] આવરણો દૂર કરતી કરતી અંતે મૂળ તત્વ સુધી પહોંચી શકે છે જ્યાં ‘શૂન્યતા’ છે….. Emptiness છે….. અર્થાત કોઈપણ ‘મન’ નો કલબલાટ નથી, વ્યાખ્યાઓ નથી,પૂર્વધારણાઓ નથી, માત્ર મૂળ તત્વ છે કે જે અસ્તિત્વથી ભિન્ન નથી. Direct experience છે.
હું મારી મર્યાદા માટે ખેદસહિત સભાન છું, ખૂબ જ અસ્પષ્ટ રીતે હું રજૂઆત કરી શક્યો છું. સૌના સૂચનોની રાહ જોઇશ……
Permalink
September 17, 2016 at 1:37 AM by વિવેક · Filed under ગઝલ, દેવાંગ નાયક
થોડું થોડુંય ગણગણાયું છે,
આવડ્યું એવું ગીત ગાયું છે.
પાંદ લીલું હતું, સૂકાયું છે,
વૃક્ષ લીલાશથી ઉબાયું છે!?
હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
એમના નામનું હતું આંસુ,
પાંપણોથી કશે મૂકાયું છે!
લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
ટુકડે ટુકડે મળ્યું જીવન,
જીવતાં જીવતાં જીવાયું છે.
– દેવાંગ નાયક
ગઝલોના અડાબીડ જંગલોમાંથી એકાદ આવી ચંદનવૃક્ષ જેવી રચના મળી આવે એ દિવસ ધન્ય ધન્ય પસાર થાય. અહીં કોઈ શ્રેષ્ઠતાનો દાવો નથી કેમકે કવિ જાણે છે કે અવ્વલ નંબર તો એકનો જ હોઈ શકે. એટલે જિંદગીનું ખરું પ્રયોજન તો આવડત મુજબનું કામ કરી જવામાં જ છે. જેવું આવડે એવું ગાવું પણ ગાવું અવશ્ય. બીજા શેરમાં પાનખરને કવિ જે આયામથી નિહાળે છે એ પણ સાવ નવો જ અભિગમ છે. તમારી એકલતાના રાવણ સામે લડવામાં અજાણે મદદરૂપ થતી, તમને કંપની આપતી ચકલીને જટાયુ સ્વરૂપે નિર્દેશતો શેર એ હાંસિલે-ગઝલ…
Permalink
September 16, 2016 at 1:18 AM by વિવેક · Filed under ગીત, મહેશ શાહ
સુપણે આવે રે
એને હૈયે વરતે સાંવરાની આણ
એને સુપણે આવે ને કરે દર્શનની લ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો
ગઢના આ કાંગરાનો ભો નથી બાઈને
મથરાવટી મેલી કરી એણે તો ચ્હાઈને
એને બાકી સંસાર ઝાડી-ઝાંખરા ને પ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો
તડકો ને ટાઢ એને સુખદુ:ખની ક્યાં પડી ?
સાંવરાના સંગની શું જણસ કાંઈ સાંપડી !
એને ભગવા તે રંગની પિછાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.
નીંદ ને ઉજાગરાને બેઉ બાજુ ઘેરતું
શૂળ એક મીઠું એના હૈયાને હેરતું
એના દર્દને જાણે તો કોઈ જાણે સુજાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.
– મહેશ શાહ
સાવ સહજ ભાષામાં કેવું સુંદર ભક્તિગીત ! મીરાંબાઈને એનો શામળો સપનામાં આવે છે. બસ, બીજું શું જોઈએ પછી? કોનો ભય ? આ દર્દ એના સિવાય બીજું કોણ સમજી શકે? મેરો દરદ ન જાને કોઈ….
Permalink
September 15, 2016 at 1:35 AM by વિવેક · Filed under ગીત, વંચિત કુકમાવાલા
ખુલ્લી છાતીમાં ઝીલ્યા લાખ લાખ દરિયા
છતાં આછેરી ના હું ભીંજાણી;
ઊના ઉજાગરા ને રાતાં તોફાન
મારા આયખાનું હીર ગયાં તાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
મીંઢળિયા હાથ રોજ સપને આવીને
મારી છંછેડે સૂતેલી લાગણી !
અધરાતે ઊઠીને પગની પાનીએ હવે
મહેંદી મૂકવાની કરે માગણી !
રૂમઝૂમતાં-રૂમઝૂમતાં શેરી વચ્ચેથી
મારે ભરવાં’તાં કોઈનાં પાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
સોડાની બોટલની ગોલીની જેમ
અમે ભીના થવાનો અર્થ જાણીએ;
દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
સાવ રે અજાણ્યું સુખ માણીએ !
આખું આ શહેર મારા ટેરવાથી નાચે
મેં ટેરવાની ભાષા ન જાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
– વંચિત કુકમાવાલા
ગીત વેશ્યાના સ્વપ્નનું પણ કુમાશ કેવી ! લખોટીને દબાવવાથી ખુલતી સોડાબોટલમાં ગોળી આખી ભીની ભલે થાય પણ એ ભીનાશ એની કાચની કાયાને સ્પર્શી શકતી નથી કે નથી અંદર ઊતરી શકતી. કોઈના લગ્નની શરણાઈમાં પોતાના ન થયેલા લગ્નનું અજાણ્યું સુખ માણવાની વાત વેશ્યામાં રહેલી સ્ત્રીને સુપેરે ઉજાગર કરે છે. જેના સ્પર્શ પર આખું શહેર નાચે છે એ વેશ્યાના જીવનમાં પ્રેમ કે સ્પર્શ ક્યાં હોવાનો?
Permalink
September 13, 2016 at 2:55 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે,
ઝાંઝર હતાં કે એ હતી તલવાર કોને ભાન છે.
જોઉં ન જોઉં ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ,
કેવો કર્યો’તો એમણે શણગાર કોને ભાન છે.
સ્પર્શીલ પળમાં ઊઘડું ને ઓગળું આકાશ થઈ,
હોવાપણાનો છે કયો આકાર કોને ભાન છે.
ક્યાંથી કહું હોવું, ન હોવું, જાણવું, પરમાણવું,
એ ખુદ હતા કે એમનો અણસાર કોને ભાન છે.
છે એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં,
આ પાર, પેલે પાર, અપરંપાર કોને ભાન છે.
– જવાહર બક્ષી
સૂફીરંગની ગઝલ….બુદ્ધિ-લૉજિક થી પર વાતો છે…..અનુભૂતિની વાતો છે. સમજવા જઈશું તો છટકી જશે.
Permalink
September 12, 2016 at 10:03 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર
તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં
તેં પોતે અર્પણ કરેલો છે.
પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ !,
તેં શાસનભાર નાખેલો છે.
એ તારા મોટા સન્માનને, એ તારા કઠણ કાર્યને,
તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું;
તારા કાર્યમાં કદી કોઈથી ન ડરું.
હે રુદ્ર ! ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય
ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું.
તારા ઇશારાથી મારી જીભ પર સત્યવાકય
તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે.
તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું.
અન્યાય જે કરે છે,
અને અન્યાય જે સહે છે,
તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખે છે.
– રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]
ગુરુદેવ જાણે કે વાચકની પરીક્ષા લે છે ! સત અને અસતની લડાઈ માનવજાત જેટલી જૂની છે. ઘણીવાર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ અથવા વ્યક્તિ-સમૂહ હિંમતભેર અન્યાયનો સામનો કરવાને બદલે એ કામ પ્રારબ્ધ ઉપર છોડી દે છે – ‘ આતતાયીને સજા ઉપરવાળો કરશે ‘ – એમ મન મનાવે છે. કાવ્યના પ્રથમ અર્ધમાં કવિ એ માનસિકતા સામે લાલબત્તી ધરે છે.
ક્ષમા કોણ આપી શકે ? – જયારે સત્યમાર્ગી એવી શક્તિશાળી પરિસ્થિતિમાં હોય કે જ્યાંથી એકીઝાટકે તે આતતાયીનો વધ કરી શકે તેમ હોય, ત્યારે જો એ આતતાયીને ક્ષમા આપવાનો નિર્ણય કરે તો તે સાચી ક્ષમા. બાકી ગૅસચૅમ્બરના ઊંબરે ઊભેલો લાચાર યહૂદી કહે કે -‘ હું હિટલરને ક્ષમા આપું છું ‘ – તો તે આત્મવંચનાથી વિશેષ કંઈ જ નથી. આથી જ સન્માર્ગીઓનું અનિવાર્ય કર્તવ્ય છે કે સંગઠિત થઈને આતતાયીનો વધ કરવો.
અંતિમ ચરણમાં સંદેશ તો સ્પષ્ટ છે કિન્તુ ઈશ્વરને ઘૃણાના કર્તા તરીકે આલેખ્યો છે. ઈશ્વરની પરિક્લ્પનામાં તેને સ્નેહ-ઘૃણાથી પર કલ્પવામાં આવે છે. આ ગુત્થી હું સુલઝાવી શકતો નથી.
Permalink
September 10, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરેશ સોલંકી ડૉ.
સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.
મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
બંદગી કે હતી એ યાચિકા?
મંદિરોનું નમન દ્વિધામાં છે.
પ્રેમનો અર્થ તો સમર્પણ છે,
વ્હાલ કરતું સજન દ્વિધામાં છે.
લાગણી શુષ્ક ને ધરા બંઝર-
બીજનું સંવનન દ્વિધામાં છે.
મુકત થઈ જા ‘પરેશ’ વળગણથી,
શ્વાસ નામે પવન દ્વિધામાં છે.
– ડો.પરેશ સોલંકી
સાદ્યંત આસ્વાદ્ય રચના….
Permalink
September 9, 2016 at 2:23 AM by વિવેક · Filed under ગઝલ, પ્રશાંત સોમાણી
કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.
હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.
વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*
એટલે તો જગત જલે છે ‘પ્રશાંત’,
આપણી વચ્ચે અંતરાય નથી.
– પ્રશાંત સોમાણી
સાદ્યંત સુંદર રચના… વેર વિશે સાવ સહજ બાનીમાં લખાયેલો શેર તો શિરમોર !
(*તરહી પંકિત: – મરીઝ)
Permalink
September 8, 2016 at 12:30 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
વાત અહીંથી ક્યાંય જશે નૈ, છોડી દે ચિંતા
જે ઘરમાં તું બેઠો છે એ ભીત વગરનું છે.
તારી આંખોની અંદર આવીને કરવું શું ?
કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે.
જન્મ્યા પહેલા આખું જંગલ મરી ગયું, કુલદીપ
ઊગી ગયું છે ઝાડ પરંતુ બીજ વગરનું છે.
– કુલદીપ કારિયા
જીવનની સમસ્યાઓનું ખરું મૂળ સમય જ છે. સમયને જ ખતમ કરી દેવાય તો કદાચ કોઈ જ લમણાઝીંક ન રહે. વાત તો જૂની અને જાણીતી છે પણ કવિઓ જે ખૂબસુરતીથી રજૂ કરે છે એ અંદાજે-બયાઁની જ તો ખરી મજા છે…
રાજકોટથી કવિ કુલદીપ કારિયા એમનો પ્રથમ સંગ્રહ “ભીંત ખખડાવી તો ખૂલી” લઈને આવ્યા છે. કવિને લયસ્તરો તરફથી મબલખ સ્નેહકામનાઓ…
Permalink
September 7, 2016 at 2:09 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી
હું તો છટકીને ભાગવા ગઈ
કો’ક નજર્યુંની વાડ અડી ભારી..
લીંબોળી વાગીને આખુંયે અંગ કાંઈ એવું દુખે કાંઈ દુખે,
લીંબોળી મારીને મરકી જનારનું નામ નથી લેવાતું મુખે.
હું તો બારણાં બીડેલા રાખું તો ઉઘડી જતી કેમ બારી..
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
હવે આંખોથી ટપકે ઉજાગરાં ને નીંદર તો શમણાની વાટે,
છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ નાનકડી લીંબોળી સાથે.
હું તો આખાયે ગામને જીતી ને લીંબોળી સામે ગઈ હારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,
ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રિત ના ધરાણી
અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
– મુકેશ જોશી
એકદમ રમતિયાળ રળિયામણી રચના….
Permalink
September 6, 2016 at 7:49 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.
જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.
માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.
કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.
– ચિનુ મોદી
અદભુત ગઝલ… કોઈ એક શેર પર આંગળી મૂકવાની આવે તો તકલીફમાં પડી જવાય…
Permalink
September 4, 2016 at 1:39 AM by તીર્થેશ · Filed under ગઝલ, દુષ્યન્ત કુમાર
पक गई हैं आदतें बातों से सर होंगी नहीं
कोई हंगामा करो ऐसे गुज़र होगी नहीं
इन ठिठुरती उँगलियों को इस लपट पर सेंक लो
धूप अब घर की किसी दीवार पर होगी नहीं
बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं
आज मेरा साथ दो वैसे मुझे मालूम है
पत्थरों में चीख़ हर्गिज़ कारगर होगी नहीं
आपके टुकड़ों के टुकड़े कर दिये जायेंगे पर
आपकी ताज़ीम में कोई कसर होगी नहीं [ ताज़ीम = સન્માન ]
सिर्फ़ शायर देखता है क़हक़हों की अस्लियत
हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं
– દુષ્યંતકુમાર
દુષ્યંતકુમાર એ naked reality ના કવિ છે. પહેલો શેર તો એની મજબૂતાઈથી વ્યવહારની ભાષામાં વપરાતો થઇ ગયો છે, પરંતુ બાકીના બધા પણ અત્યંત મજબૂત છે. ઉદાહરણ તરીકે ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!
Permalink
September 3, 2016 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, બિનિતા પુરોહિત
એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.
બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.
હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.
પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?
લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.
અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?
– બિનિતા પુરોહિત
સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !
Permalink
September 2, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીનાક્ષી ચંદારાણા
છલકતાં ફરે ચોક, છત ને છજાં,
ગઝલમાં પલળવાની કેવી મજા !
ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પુછે રજા !
નગર બ્હાર જાતાં જડ્યાં જંગલો,
છું હદપાર, કેવી મજાની સજા !
ઊડ્યાં મનભરી અંતહીન આ નભે,
અમે છોડી સરહદ, વળોટ્યાં ગજા !
અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
– મીનાક્ષી ચંદારાણા
વડોદરાના કવિ-દંપતિ શ્રી અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા એકીસાથે પોતપોતાના પ્રથમ ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની મીનાક્ષીબેનના “સાંજને સૂને ખીણે”માંથી એક કૃતિ માણીએ…
આખી ગઝલ મજાની પણ ગઝલનો આખરી શેર કદાચ માત્ર હાંસિલે-ગઝલ જ નહીં, હાંસિલે-જીવન સમો !
Permalink
September 1, 2016 at 2:39 AM by વિવેક · Filed under અશ્વિન ચંદારાણા, ગઝલ
ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.
તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.
ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.
ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.
– અશ્વિન ચંદારાણા
વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…
કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.
Permalink