ગઝલ – કુલદીપ કારિયા
હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
વાત અહીંથી ક્યાંય જશે નૈ, છોડી દે ચિંતા
જે ઘરમાં તું બેઠો છે એ ભીત વગરનું છે.
તારી આંખોની અંદર આવીને કરવું શું ?
કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે.
જન્મ્યા પહેલા આખું જંગલ મરી ગયું, કુલદીપ
ઊગી ગયું છે ઝાડ પરંતુ બીજ વગરનું છે.
– કુલદીપ કારિયા
જીવનની સમસ્યાઓનું ખરું મૂળ સમય જ છે. સમયને જ ખતમ કરી દેવાય તો કદાચ કોઈ જ લમણાઝીંક ન રહે. વાત તો જૂની અને જાણીતી છે પણ કવિઓ જે ખૂબસુરતીથી રજૂ કરે છે એ અંદાજે-બયાઁની જ તો ખરી મજા છે…
રાજકોટથી કવિ કુલદીપ કારિયા એમનો પ્રથમ સંગ્રહ “ભીંત ખખડાવી તો ખૂલી” લઈને આવ્યા છે. કવિને લયસ્તરો તરફથી મબલખ સ્નેહકામનાઓ…
Ketan Yajnik said,
September 8, 2016 @ 7:33 AM
નાની ગઝલમાં મોટી વાત છેડી દીધી
સરસ
Bharat Trivedi said,
September 8, 2016 @ 7:33 AM
કવિતા/ગઝલ ફુલો જેવાં હોય છે. જો તેમાં તાજગી ના હોય તો વાત બને જ નહીં . કુલદીપ એ નવા ગઝલકારોમાંનો ગ્ઝલકાર છે જે નવી નવી અભિવ્યક્તિને સસ્તી લોકપ્રિયતા કરતાં વિશેષ મહત્વ આપતા જણાય છે.આ ગઝલ તેનો સુંદર નમૂનો છે.
Rakesh Thakkar, Vapi said,
September 8, 2016 @ 11:16 PM
હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
કુલદીપભાઇને ખૂબ શુભકામનાઓ!