જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
– નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગુણવંત વ્યાસ

ગુણવંત વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જન્મોત્સવ – ગુણવંત વ્યાસ

હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’

દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

– ગુણવંત વ્યાસ

અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…

Comments (5)

શબદ – ગુણવંત વ્યાસ

(શિખરિણી)

તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !

કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.

ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.

ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.

– ગુણવંત વ્યાસ

શબ્દનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ ! પ્રસ્તુત સૉનેટમાં કવિ પણ શબ્દનો તાગ મેળવવા મથે છે. શબ્દ શું છે? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબ્દ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબ્દ છે. ક્યારેક શબ્દ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં હઉંક કરી પાછળથી ચોંકાવી દેતા બાળકની જેમ કંપની આપવા પણ આવી ચડે છે. ખાતા-પીતા, હરતા-ફરતા, કામ કરતા-મૂકતા, બોલતા-ચાલતા – એમ પળેપળ સૂતા-જાગતા કવિ સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબ્દનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે. એથી જ તો કવિ એનાથી કદી અલગ થતા નથી કે કદી શબ્દને ભૂલતા નથી. કેમ? તો કે, કવિ જાણે છે કે કવિ શબ્દથી અને શબ્દ કવિથી જ છતા થાય છે.

કેવી અદભુત રચના !

Comments (1)