દેવાંગ નાયક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 17, 2016 at 1:37 AM by વિવેક · Filed under ગઝલ, દેવાંગ નાયક
થોડું થોડુંય ગણગણાયું છે,
આવડ્યું એવું ગીત ગાયું છે.
પાંદ લીલું હતું, સૂકાયું છે,
વૃક્ષ લીલાશથી ઉબાયું છે!?
હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
એમના નામનું હતું આંસુ,
પાંપણોથી કશે મૂકાયું છે!
લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
ટુકડે ટુકડે મળ્યું જીવન,
જીવતાં જીવતાં જીવાયું છે.
– દેવાંગ નાયક
ગઝલોના અડાબીડ જંગલોમાંથી એકાદ આવી ચંદનવૃક્ષ જેવી રચના મળી આવે એ દિવસ ધન્ય ધન્ય પસાર થાય. અહીં કોઈ શ્રેષ્ઠતાનો દાવો નથી કેમકે કવિ જાણે છે કે અવ્વલ નંબર તો એકનો જ હોઈ શકે. એટલે જિંદગીનું ખરું પ્રયોજન તો આવડત મુજબનું કામ કરી જવામાં જ છે. જેવું આવડે એવું ગાવું પણ ગાવું અવશ્ય. બીજા શેરમાં પાનખરને કવિ જે આયામથી નિહાળે છે એ પણ સાવ નવો જ અભિગમ છે. તમારી એકલતાના રાવણ સામે લડવામાં અજાણે મદદરૂપ થતી, તમને કંપની આપતી ચકલીને જટાયુ સ્વરૂપે નિર્દેશતો શેર એ હાંસિલે-ગઝલ…
Permalink
May 5, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દેવાંગ નાયક
પળેપળ અહર્નિશ આ રેતી ખરે છે,
ભલે કેદ રાખો, સમય તો સરે છે.
આ કોની પ્રતીક્ષા હશે બારણાંને?
એ ભીતરથી કાયમ ટહુકયા કરે છે !!
તમે કંઈક બનવા કરો ના મથામણ !!
હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??
મને એ ઘડી ટાંકણી જેમ ભોંકાય,
કોઈ જ્યારે બાળકનું વિસ્મય હરે છે.
હું છોડી નથી શકતો પિંજર ધરાનું,
મને રોજ પંખી બે પાંખો ધરે છે !!
કોઈને ભરોસો નથી કોઈના પર,
હૃદય માંગ્યું એનું, તો કહે છે ઘરે છે !!
– દેવાંગ નાયક
વૉટ્સ-એપ પર દેવાંગ નાયકની રચનાઓ સાથે લાંબા સમયથી આછો-પાતળો પરિચય થતો રહ્યો છે પણ આ રચના વાંચતાવેંત અટકી જવાયું. રેતશીશીવાળો મત્લા જ કવિની શક્તિથી ભવકને પરિચિત કરી દે છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે પણ હવા શ્વાસ બનવા કદી કરગરતી નથીવાળો શેર અભિવ્યક્તિની તાજગી અને અર્થની ઊંડાઈને કારણે સવિશેષ સ્પર્શી જાય છે.
Permalink