જટાયુ છે – દેવાંગ નાયક
થોડું થોડુંય ગણગણાયું છે,
આવડ્યું એવું ગીત ગાયું છે.
પાંદ લીલું હતું, સૂકાયું છે,
વૃક્ષ લીલાશથી ઉબાયું છે!?
હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
એમના નામનું હતું આંસુ,
પાંપણોથી કશે મૂકાયું છે!
લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
ટુકડે ટુકડે મળ્યું જીવન,
જીવતાં જીવતાં જીવાયું છે.
– દેવાંગ નાયક
ગઝલોના અડાબીડ જંગલોમાંથી એકાદ આવી ચંદનવૃક્ષ જેવી રચના મળી આવે એ દિવસ ધન્ય ધન્ય પસાર થાય. અહીં કોઈ શ્રેષ્ઠતાનો દાવો નથી કેમકે કવિ જાણે છે કે અવ્વલ નંબર તો એકનો જ હોઈ શકે. એટલે જિંદગીનું ખરું પ્રયોજન તો આવડત મુજબનું કામ કરી જવામાં જ છે. જેવું આવડે એવું ગાવું પણ ગાવું અવશ્ય. બીજા શેરમાં પાનખરને કવિ જે આયામથી નિહાળે છે એ પણ સાવ નવો જ અભિગમ છે. તમારી એકલતાના રાવણ સામે લડવામાં અજાણે મદદરૂપ થતી, તમને કંપની આપતી ચકલીને જટાયુ સ્વરૂપે નિર્દેશતો શેર એ હાંસિલે-ગઝલ…
Rakesh Thakkar, Vapi said,
September 17, 2016 @ 4:24 AM
વાહ!
પાંદ લીલું હતું, સૂકાયું છે,
વૃક્ષ લીલાશથી ઉબાયું છે!?
નિનાદ અધ્યારુ said,
September 17, 2016 @ 4:53 AM
પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે
શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે
આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે
સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે
આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે
કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
– મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા યાદ આવી ગયા !
અભિનંદન !
CHENAM SHUKLA said,
September 17, 2016 @ 5:27 AM
વાહ ..ખરેખર ઘણીવાર નામ ને બદલે કરેલું કામ દેખાય …એનું આ ઉદાહરણ છે
Bharat Trivedi said,
September 17, 2016 @ 7:51 AM
એક્દમ સાચી વાત. અહીં નામ કરતાં કામ વધારે સારું થયું છે તે દેખાઈ આવે છે. જોકે જેણે પહેલું લખ્યુ તેને બે માર્ક વધારે મળે !
-ભરત ત્રિવેદી
algotar ratnesh said,
September 17, 2016 @ 9:56 AM
wahhhh
Dhaval said,
September 17, 2016 @ 11:22 AM
ટુકડે ટુકડે મળ્યું જીવન,
જીવતાં જીવતાં જીવાયું છે.
– saras !
Girish Parikh said,
September 17, 2016 @ 11:43 AM
મનોજની ગઝલ પર આફરીન ! http://www.GirishParikh.wordpress.com પર એના એકાદ બે શેર વિશે લખવા પ્રયત્ન કરીશ.
Capt. Narendra said,
September 18, 2016 @ 12:00 AM
વાહ!
આપની ગઝલ વાંચ્યા પછી બીજા કોઈ શબ્દો સૂઝ્યા નહિ. કેટલું ઊંડાણ, મરમ અને જીવનનું તત્વજ્ઞાન! જીવન ટુકડે ટુકડે મળ્યું છે, પણ સમયના વહેણમાં તેને સાતત્ય સમજી જીવનારા લોકોને આ વાત કેમ સમજાય? સરસ! બહુત ખુબ!
Rakesh Thakkar, Vapi said,
September 18, 2016 @ 1:12 AM
vaah
આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે