તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2015

બે વૃક્ષ મળે ત્યારે – વિપિન પરીખ

બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૂપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!

-વિપિન પરીખ

આપણે આપણા રોજગાર ઉપર સવારી નથી કરતા, આપણો રોજગાર આપણા પર સવારી કરે છે.

Comments (9)

ઉછાળ દરિયા – ચંદ્રકાન્ત શેઠ

ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ !
હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું !
.                        હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ !
નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે !
ગ્રહ-તારાની ભીડ મચી શી ! ચાંદ-સૂરજ આ ફળિયે !
.                       વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ !
વામનજીના કીમિયા કેવા ! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડે અનંત અંદર ઝૂલે,
.                       છોળે છોળે છંદ છલકતા જલ જલ ચેટીચંડ !

– ચંદ્રકાન્ત શેઠ

પ્રેમની અનુભૂતિ કેવી અદભુત છે. સ્વનું સંધાન માત્ર સર્વ સાથે જ નહીં, સર્વસ્વ એવા બ્રહ્મ સાથે થઈ જાય છે. હૈયામાં પ્રચંડ વહાલ વરસે ત્યારે ક્ષણમાં સદી ને કણમાં બ્રહ્માંડ મહસૂસ થાય છે.

 

 

Comments (3)

ગઝલ – રમણીક સોમેશ્વર

લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે
કોઈ ક્યાં બત્તી કરે છે ?

આંખમાં તારા વિચારો તરવરે છે
કોણ ‘લ્યા ચૂંટી ભરે છે ?

રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે
શું બધી બકબક કરે છે ?

દિગ્ગજો પણ કાન દઈને સાંભળે છે
કોણ રેતીમાં સરે છે ?

જીર્ણ આ ખંડેરની દીવાલ પરથી
સૂર્યના કિરણો ખરે છે.

– રમણીક સોમેશ્વર

સુંદર મજાની ‘ફીલ’ કરવા જેવી ગઝલ… આ દોઢવેલી ગઝલ વાંચતા બીજી એક દોઢવેલી ગઝલ યાદ આવી ગઈ…

Comments (2)

સાંકળી-ગઝલ – પ્રતિમા પંડ્યા

મૌન સાથે ગોઠડી જો માંડીએ,
અર્થ શબ્દોના બધા સમજાય છે.

અર્થ શબ્દોના બધા સમજાય છે,
ભાર વાતોનો ઊતરતો જાય છે.

ભાર વાતોનો ઊતરતો જાય છે,
સ્મિત ચહેરે એટલે અંકાય છે.

સ્મિત ચહેરે એટલે અંકાય છે,
ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે.

ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે,
મૌન સાથે ગોઠડી મંડાય છે.

– પ્રતિમા પંડ્યા

કેટલી સરળ બાની પણ કેવી મજાની વાત ! મુંબઈના કવયિત્રી પ્રતિમા પંડ્યા એક સાંકળી-ગઝલ લઈને આવ્યા છે. દરેક શેરની બીજી પંક્તિ (સાની મિસરો) આગામી શેરની પ્રથમ પંક્તિ (ઉલા મિસરો) બની જાય છે અને આ પંક્તિઓના પુનરાવર્તનની સહુથી અગત્યની વાત એ છે કે કવયિત્રી દરેક શેરનું પોતીકું સૌંદર્ય જાળવી રાખીને આખી ગઝલને પણ સફળ બનાવી શક્યા છે…

Comments (9)

ક્યાં છે પેલું રૂપ ? – ચન્દ્રકાન્ત શેઠ

ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

હાથ મહીંના સ્પર્શ હૂંફાળો,લોચન ખાલી માયા !
ક્યાં પંખીના કલરવ મીઠા ? ઊડવાં ક્યાં રઢિયાળાં ?
શૂન્ય આભની તળે જોઉં છું :
માંડ જાળવી રાખેલા કો
પારેવાનાં શ્વેતલ પિચ્છ વિખાયાં !
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

આંબે આંબે કાન માંડતો, એ ટૌકો નહિ પામું !
નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું સામું !
મારા ઘરની તરફ પડ્યા તે
કેમ કેમ એ નાજુક પગલાં
પાછાં વળે વીંધાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

અંદર ખાલી, બહાર ખાલી, તરસ ત્વચા પર તતડે ;
હસીખુશીની હવા અરે શી ગભરુ ગભરુ ફફડે !
ખરી ગયેલાં ફૂલો જોઉં છું
કેમ કેમ રે ભરી વસંતે
એનાં હાસ્ય વિલાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

– ચન્દ્રકાન્ત શેઠ

ઘણાં વખતે એકદમ classical ગીત વાંચવા મળ્યું…..નખશિખ રળીયામણું !!

Comments (4)

આજીવન ગતિ ! – યોસેફ મેકવાન [ અનુષ્ટુપ સોનેટ ]

વિશ્વ દીસે રૂપાળું પણ જિંદગી ભરખી રહ્યું,
પરમ્પરા ભૂલોની કૈં કોણ આ સરજી રહ્યું !

સ્વાર્થની જાળની ઝીણી જાળી અદૃશ્ય છે બધે
રચાતા સૂક્ષ્મ તંતુઓ કાળના હાસ્યથી વધે.

અજાણ્યા જીવને કેવી પીડે છે પીડ ભીતરે,
આંખથી સ્વપ્ન અર્થીઓ ટપક ટપકી નીસરે !

સમય તો ચાલ ચાલે છે વિચિત્ર, ચિત્તમાં બધે
સમજી ના શકે જાણી કોઈ એ ખેલ ક્યાંય તે.

હા,શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં,
ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં .

હાર તો થૈ જતી જીત, ઉત્સાહે મન ત્યાં ધસે
દેખાતી જીત, હારો તો ચારેકોર હવા હસે !

ભવ્ય કૈં જિંદગીઓ તો અકલ્પ્ય અંતમાં ઢળે
સમય ચાલ ચલે એનું નામોનિશાન ના મળે !

– યોસેફ મેકવાન

હું છંદશાસ્ત્ર નથી જાણતો પણ આ કોઈક નવતર પ્રયોગ લાગે છે. સમયની-પ્રારબ્ધની વાત છે…અર્થ સરળ છે,પરંતુ કવિકર્મ કમાલનું છે !

Comments (2)

ગઝલ – રાકેશ હાંસલિયા

બુંદના ભારે નમે એવું બને,
પાંદડું હેલી ખમે એવું બને !

કોઈ એકાકી રમે આરંભમાં,
એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,
પ્હાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ,
ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સૂમસામ હોય,
રાત આખે ધમધમે એવું બને !

– રાકેશ હાંસલિયા

આખી હેલીનું તોફાન બેબાકપણે સહન કરી લેનાર પાંદડું ક્યારેક બુંદ માત્રના ભારથી પણ નમી જઈ શકે છે…. કેવી મજાની વાત !

Comments (13)

ગઝલ – કિરીટ ગોસ્વામી

ભીતર પાક્કો પરવાનો છે,
તોય તને આ ડર શાનો છે ?

સાવ ભૂલી જા, કોરી વાતો,
રંગબિરંગી અરમાનો છે !

પળમાં દરિયો શાંત છે મનનો,
પળમાં પાછાં તોફાનો છે !

પાછીપાની છોડ, મુસાફર,
લાખ ભલેને વ્યવધાનો છે !

કોણ ‘કિરીટ’ અહીંનું રહેવાસી ?
અહિંયા તો સૌ મહેમાનો છે.

– કિરીટ ગોસ્વામી

અંદાજની મજા…

Comments (8)

બંદગી એણે કરી – મેઘબિંદુ

અંધકારે રોશની એણે કરી
રોશનીમાં દિલ્લગી એણે કરી

એક અફવાનો લઈને આશરો
ઝેર આખી જિંદગી એણે કરી

ફૂંકથી હું ના બુઝાયો એટલે
આસપાસે રોશની એણે કરી

કેમ એની વાતને માને ખુદા !
મોત માટે બંદગી એણે કરી

– મેઘબિંદુ

આપણી જિંદગીની વાસ્તવિક્તા રજૂ કરતા બીજા-ત્રીજા શેર ખૂબ ગમી ગયા. ફૂંકથી ન ઓલવાતા દીવાને ઝાંખો કરવા આજુબાજુ રોશની કરી ઝાંખો કરવાની વાત બીજાની લીટી નાની કરવાને બદલે આપણી લીટી લાંબી કરવી જોઈએવાળી વાતને સમાંતર જતી હોય એમ લાગે છે.

Comments (7)

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

 

શું મસ્ત ગઝલ છે !!! બધા જ શેર સશક્ત  !!

Comments (17)

અમને ગમે – ‘ગની’ દહીંવાળા

શ્વાસ થઇ આવો અને રહી જાય અંતરમાં તમે,
બારમાસીને હ્રદય-ક્યારીમાં રોપીશું અમે.

આંખથી વાસંતી એવાં વહાલ વેર્યાં વહાલમે,
જાણે ટહુકો જઈ વસ્યો હો આમ્રવનની સોડમે !

શબ્દ છું બારાખડીનો, હોઠ પર મેલો મને,
પ્રેમભાષામાં રણકતો રહીશ કોઈ પણ ક્રમે.

બાગમાં આ જીવતાં સ્મારક રચ્યાં છે માળીએ,
રાત-દી જેઓ પવન આરોગે ને ફોરમ વમે.

ત્યાં જઈ ખોડાશે આ મધ્યાહ્ન-માતેલાં ચરણ,
સૂર્ય ટાઢોબોળ થૈ જે જે ક્ષિતિજે જઈ નમે.

પ્રેમનો મારગ ! કે પગ થાકે, છતાં પ્રસ્થાન થાય,
કેડીની તો વાત શું ! પદચિહ્નમાં રસ્તા રમે.

આ સ્ફટિક સરખો છલોછલ નીરનો પ્યાલો, ‘ગની’,
રંગ એમાં કોઇપણ આવી પડે, અમને ગમે.

– ‘ગની’ દહીંવાળા

સામાન્ય રીતે ગઝલ દર્દનું ગીત હોય છે…..આ ગઝલ વાંચીને બાગબાગ થઇ જવાયું….

Comments (4)

છેટું એક જ વેત !! -નિનાદ અધ્યારુ

એને માટે એજ છે અક્ષર, એજ છે એની ગીતા,
કોરે-કોરી પાટી ઉપર શૈશવ પાડે લીટા !

ચાર પગે એ ચાલે તોયે અંતર કાપે લાખ,
ચાંદામામાને ઓળખતી એની દુધિયા આંખ !

બોખું-બોખું હસતો ચહેરો કરતું અઘરા યોગ,
ફળિયાના ક્યારાની માટી એના છપ્પન ભોગ !

ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,
બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !

એનો કક્કો સમજે એવો ક્યાં કોઈ ભડવીર !
ઊકેલો તો લાગે જાણે અંધારામાં તીર !!

રંગબેરંગી રમક્ક્ડાઓ એની મોટી ફોજ,
ટોટીવાળી દૂધની બોટલ બે ટાણાની લોજ !

માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત !
ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !!

-નિનાદ અધ્યારુ

બાળગીતાના સહજ અધ્યાય સમા દોહા લઈ આવતા આ કવિને કયા શબ્દોમાં વખાણવા ?

Comments (6)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.

ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.

તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

વિવેક કાણેની ગઝલો એમની સંનિષ્ઠ ગઝલપ્રીતિની દ્યોતક છે… છંદ-વૈવિધ્ય, રદીફ, કાફિયા, શેર-બંધારણ અને શેરિયત પર એ જેટલું ઝીણું કાંતે છે એટલું ઝીણું કાંતનાર ઝૂઝ ગઝલકાર જ આજે મળશે.

ગુજરાતી ગઝલની દસ ટોચની ગઝલોમાં ગર્વભેર બેસી શકે એવી આ ગઝલના એક-એક શેર અદભુત થયા છે. તખલ્લુસનો કવિ જે રીતે મક્તામાં પ્રયોગ કરે છે એ પણ સર્વોત્કૃષ્ટ !

ઝુમરા અને મારવાવાળો શેર તો જરા જુઓ. કવિની સંગીતની ઝીણી સૂઝ કેવી ઊઘડી આવી છે ! ખયાલ શબ્દ ‘ખ્યાલ-વિચાર’ અને ‘ખયાલ ગાયકી’ એમ બંને અર્થ સાથે પ્રયોજાયો છે. એક તરફ પ્રિયાને વિલંબિત તાલ સાથે સરખાવી કવિ પોતાની ઉતાવળી જાતને મારવા રાગ કહીને juxtapose કરે છે ત્યારે શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં નખશિખ શાસ્ત્રીય શેર નીપજે છે.

Comments (11)

અરીસો મઢેલ શયનખંડ… – રીના બદિયાણી માણેક

પલંગ પાસે
શોખથી મઢાવેલા
અરીસામાં
રોજ મધરાત પછી હું એને જોઉં છું –
કલાકો સુધી ફોન પર એની સાથે chat કરતા…
સાત સમંદર પારથી
પેલી મોકલાવે
એની selfie
અને
હસતાં હસતાં એ ચૂમી લે છે એને….

પછી એનો હાથ
મારી પીઠ પર
લીલું લીલું સરકે છે
ત્યારે હું કદાચ હું નથી એના માટે
કંપીને
એના પડછાયામાં ઓગળવાનું
મારી ચામડી કદાચ શીખી ગઈ છે.
હવે તો
એની તરફ ફરી
હું પણ જોઉં છું
ફક્ત
એક છત……અને એક પુરુષ

– રીના બદિયાણી માણેક

લગ્નેતર સંબંધની પરાકાષ્ઠાએ પતિ પ્રેયસીની સેલ્ફીની ઉત્તેજના પત્નીને ભોગવીને ઉતારે છે ત્યારે પત્નીના “શારીરિક” સમર્પણ માટે કવયિત્રી જે શબ્દો વાપરે છે એ સહજ અનુભૂતિને ઉચ્ચતર કાવ્યકક્ષાએ આણે છે. મધરાતના અંધારામાં પડછાયા હોતા નથી. પણ નાયિકાની ચામડી, નાયિકા નહીં, કંપીને પતિમાં નહીં પણ એના કાળા પડછાયામાં ઓગળતા શીખી ગઈ છે… ભગ્ન લગ્નજીવનની વરવી નગ્ન વાસ્તવિક્તા એક છત અને એક પુરુષની જરૂરિયાતમાં છતી થાય છે. એક છત અને એક પુરુષની વચ્ચેના ટપકાંઓની ‘સ્પેસ’ જો કે વધુ માર્મિક રીતે આપણી છાતીમાં ભોંકાય છે.

Comments (17)

ग़ज़ल – राजेश रेड्डी

यूँ देखिये तो आंधी में बस इक शजर गया                   [ शजर = वृक्ष ]
लेकिन न जाने कितने परिन्दों का घर गया

जैसे ग़लत पते पे चला आए कोई शख़्स
सुख ऐसे मेरे दर पे रुका और गुज़र गया

मैं ही सबब था अबके भी अपनी शिकस्त का
इल्ज़ाम अबकी बार भी क़िस्मत के सर गया

अर्से से दिल ने की नहीं सच बोलने की ज़िद
हैरान हूँ मैं कैसे ये बच्चा सुधर गया

उनसे सुहानी शाम का चर्चा न कीजिए
जिनके सरों पे धूप का मौसम ठहर गया

जीने की कोशिशों के नतीज़े में बारहा                        [ બારહા = વારંવાર ]
महसूस ये हुआ कि मैं कुछ और मर गया

– राजेश रेड्डी

હમણાં જ કવિના સ્વમુખે આ ગઝલ સાંભળવાનો લ્હાવો મળ્યો. એક એક શેર નાયબ મોતી છે !!

Comments (6)

પંખી ક્યાં ગાય છે? – રમેશ પારેખ

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!

આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે

તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન
એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન

ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

– રમેશ પારેખ

Comments (11)

પ્રણયવિવાદ – વિલિયમ સ્ટ્રોડ (અનુ. વિવેક મનહર ટેલર)

મારી જાન અને હું ચુંબનો માટે રમતાં હતાં:
હોડ એ રાખશે- હું સંતુષ્ટ હતો;
પણ જ્યારે હું જીતું, મારે એને ચૂકવણી કરવાની;
આ વાતે મને પૂછવા પ્રેર્યો કે એનો મતલબ શો છે?
“ભલે, હું જોઈ શકું છું.” એણે કહ્યું, “તારી તકરારી મનોવૃત્તિ,
તારા ચુંબનો પરત લઈ લે, મને મારાં ફરી આપી દે.”

– વિલિયમ સ્ટ્રોડ (૧૬૦૨-૧૬૪૫)
(અનુ. વિવેક મનહર ટેલર)

*
કેવી મજાની ચુંબનોની રમત! રમતનું સ્વરૂપ ઇંગિત કરે છે કે પ્રેમ કેવો ગાઢ હશે ! શરૂઆતમાં તો પ્રેમી ઉદારતા બતાવે છે (સામાન્ય રીતે જોવા મળે એમ જ) પણ જેવી વાત પરિણામલક્ષી થઈ અને જીત્યા પછી મેળવવાના બદલે આપવા જેવી અવળી શરત પ્રેમિકા મૂકે છે (સામાન્ય રીતે સ્ત્રીઓ મૂકે એમ જ) કે તરત જ પુરુષ એનો સહજ રંગ બતાવે છે (સામાન્ય રીતે કરે એમ જ!)

પણ પ્રેમિકા જે જવાબ આપે છે એ આ સહજ રમતને કવિતાની કક્ષાએ લઈ જાય છે જેમાં એના પક્ષે ચુંબનોનો સરવાળો થવાના બદલે ગુણાકાર થઈ જાય છે.

આ કવિતાના એકાધિક સ્વરૂપ નેટ ઉપર જોવા મળે છે.

*
MY love and I for kisses played:
She would keep stakes—I was content;
But when I won, she would be paid;
This made me ask her what she meant.
“Pray since I see,” quoth she, “your wrangling vein, 5
Take your own kisses; give me mine again.”

– William Strode (1602–1645)

Comments (7)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ

ઓઢીને અંધાર ઊભો છું,
ઘેનમાં ચિક્કાર ઊભો છું!

દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું !

મારી અંદર ના પ્રવેશો, લ્યા
હું જ મારી બ્હાર ઊભો છું !

કેટલું મોડું કરીશ ઈશ્વર ?
ક્યારનો તૈયાર ઊભો છું

જે ગમે તે રૂપમાં ચાહો,
રૂપ લઈ દસ-બાર ઊભો છું

-મેહુલ પટેલ ‘ઈશ

મજાની ગઝલ… વચ્ચેના ત્રણ શેર ઉત્તમ…

Comments (10)

તે રમ્ય રાત્રે – સુન્દરમ્

(મિશ્ર ઉપજાતિ)

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
.                        તે રમ્ય રાત્રે,
.                      રમણીય ગાત્રે !

-સુન્દરમ્

(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)

પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.

તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.

અદભુત ! અદભુત !! અદભુત !!!

Comments (5)

……હો – ‘ગની’ દહીંવાળા

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-‘ગની’ દહીંવાળા

ઉસ્તાદની કલમ પરખાઈ જ જાય……

Comments (3)

મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી – મુકેશ જોષી

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી,
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

પાલવમાં ચીતરેલો મેવાડી મહેલ તોય
ગોકુળના વાયરાની આશ સદા રમતી,
ચાંદલો કરતાં હું દર્પણમાં જોઉં :
થાય મુજથી વધારે હું માધવને ગમતી.

રાતનું અજવાળું આવે બોલાવવાને મૂર્તિએ
આંખોથી આવ કહી પોંખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

તંબૂરો છેડે છે એના એ સૂર
હવે વાંસળીના સૂરોમાં લીન થઇ જાવું છે
દરિયો બનીને જો માધવ લહેરાય તો
ઝળહળતા શ્વાસ કાજ મીન થઈ જાવું છે,

જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને
જન્મે જન્મે એણે તોય મને ગોખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

-મુકેશ જોષી

એક રમ્ય ગીત….

Comments (5)

(વૃક્ષ પવનને મળે એમ) – રમણીક સોમેશ્વર

વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
કદી ઝૂલીએં, કદી પવન સંગાથે થોડું ઢળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

પવન વૃક્ષની ભીની ફોરમ સંગાથે લઈ ફરે
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે
રણઝણવું રણઝણવું રમતાં ખોવાઈએં ને જડીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે
ઝીણું જંતર વાગે એને સ્થિર બની સાંભળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

– રમણીક સોમેશ્વર

જેમ પવન વૃક્ષની ડાળ-ડાળ સોંસરવો નીકળી જાય અને વૃક્ષનું આખું અસ્તિત્વ ગીત-ગીત બની જાય એમ જ આપણી ભીતર ઊતરી જતું મજાનું ગીત…

Comments (3)

ગઝલ – મુકુલ ચોક્સી

હવે તો એ જ મને બાગથી બચાવી શકે,
જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે.

આ ઠૂંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે
પરણવા જેવડી મોસમનું માંગુ આવી શકે

ને ચોમાસું તો હજી બેસવાનું બાકી છે
હજી યે બારીઓને રંગ તું કરાવી શકે

હા, એટલે જ તને વૃક્ષ રૂપે સ્થાપ્યો છે
કે જેથી પગ તું કદી પણ નહીં હલાવી શકે

ને હસવું આવે ત્યારે હળવો થઈ હસી જે શકે
એ આદમી આ નગરમાં કદી ન ફાવી શકે

જમાનો એનો છે ભૂતકાળને જે થૂંકી શકે
ને સઘળી યાદને ગુટખાની જેમ ચાવી શકે

જીવનની વ્યાખ્યાઓ કરવા દો એ જ લોકોને
જે જિન્દગાનીઓ ફૂટપાથ પર વિતાવી શકે

આ તારા શબ્દો બરફ છે એ ફ્રીજમાં શોભે
કોઈના ઘરમાં એ ચૂલોય નહીં જલાવી શકે

બની જા કોઈ પણ મોસમ તું એટલા માટે
ફરી ફરીને દરેક વર્ષે પાછી આવી શકે

– મુકુલ ચોક્સી

એક પછી એક શેર હાથમાં લેતાં જઈએ તેમ તેમ કવિની કલ્પનોની પસંદગી આપણને વધુને વધુ ચકિત કરતી રહે છે.

Comments (6)

જેનો જવાબ મળે એવી પ્રાર્થના – અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)

હે ઈશ્વર!
મને ખૂબ સહન કરવા દો
અને પછી મરવા દો.
મને મૌનને પંથે ચાલવા દો
અને પાછળ કશુંય ન મૂકી જાઉં – ભય પણ નહીં.
સૃષ્ટિને ચાલવા દો
અને સમુદ્રને રેતીને ચૂમવા દો – પહેલાંની જેમ જ.
ઘાસને એવું ને એવું લીલુંછમ રાખજો
જેથી દેડકાંઓ એમાં સંતાઈ શકે
જેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકે
અને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દો.
ધવલ, ઉજજવલ દિવસને એવી રીતે ઊગવા દો
જાણ કે કયાંય કશી કોઈ વેદના નથી.
અને મારી કવિતા બારીની જેમ ચોખ્ખીચટ રહી શકે
કોઈ મોટો ભમરો એના ગુંજાર સાથે માથું પટકતો હોય તો પણ.

-અના કામિએન્સ્કા (પૉલિશ)
(અનુ. સુરેશ દલાલ)

*
નૂતન વર્ષ ૨૦૧૫ માટે લયસ્તરો તરફથી આપ સહુને હાર્દિક શુભકામનાઓ….
*

જ્યારે તમે તમારા પોતાના માટે વેદના અને તકલીફ સિવાય કશું ન માંગતા, માત્ર અન્યો માટે માંગો છો ત્યારે એ પ્રાર્થનાનો હંમેશા પ્રત્યુત્તર મળે જ છે. આપણે ન હોઈએ પછી પણ દુનિયા તો ચાલવાની જ છે, દરિયાનાં મોજાં કિનારા ભીંજવવાનાં જ છે, ઘાસ ઊગવાનું જ છે… કવયિત્રી ક્યાંય કોઈ વેદના ન હોય એવો પ્રકાશિત દિવસ બધા માટે માંગે છે જેથી એના પોતાના જીવનમાં ભલે માત્ર સહન કરી કરીને મરવાનું આવે, ભલે એ માત્ર મૌનના પંથે ચાલે, ભલે એની પાસે વિરાસતમાં મૂકી જવા માટે કશું ન બચે પણ એની કવિતા ચોખ્ખીચટ રહી શકે…

 

Comments (5)