રીના બદિયાણી માણેક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 23, 2016 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રીના બદિયાણી માણેક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
આ
તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!
પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!
– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)
કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.
એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.
કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…
*
ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!
पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!
रीना
Permalink
January 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રીના બદિયાણી માણેક
બારણા પરના
દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે
. કોઈ અજાણ્યો ભય
વધુ
. ઘેરી થાય છે
. એકલતા…
થાય છે –
જાણે ક્યાંક
. ચણાતી જાય છે
. ઈંટ પર ઈંટ…
ન કોઈ દરવાજો
ન ટકોરા
ને તોય
. પ્રતીક્ષા –
કોઈ આવે
અને
તોડી નાખે
. આ પાંચમી દીવાલ.
– રીના માણેક
કવિતાનો ઉઘાડ બારણા અને ટકોરાઓથી થાય છે. પણ દરેક ટકોરે ભય અને એકલતા ઘેરી વળે છે. પરિણામે એક એવી દીવાલ ચણાતી જાય છે જ્યાં કોઈ બારણાં નથી ને કોઈ ટકોરા પણ નથી, માત્ર પ્રતીક્ષા છે કે કોઈ ક્યાંકથી આવે અને આ એકલતા તોડી નાંખે. પણ જીવનમાં શું આ બનતું હોય છે ખરું?
Permalink
January 15, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રીના બદિયાણી માણેક
પલંગ પાસે
શોખથી મઢાવેલા
અરીસામાં
રોજ મધરાત પછી હું એને જોઉં છું –
કલાકો સુધી ફોન પર એની સાથે chat કરતા…
સાત સમંદર પારથી
પેલી મોકલાવે
એની selfie
અને
હસતાં હસતાં એ ચૂમી લે છે એને….
પછી એનો હાથ
મારી પીઠ પર
લીલું લીલું સરકે છે
ત્યારે હું કદાચ હું નથી એના માટે
કંપીને
એના પડછાયામાં ઓગળવાનું
મારી ચામડી કદાચ શીખી ગઈ છે.
હવે તો
એની તરફ ફરી
હું પણ જોઉં છું
ફક્ત
એક છત……અને એક પુરુષ
– રીના બદિયાણી માણેક
લગ્નેતર સંબંધની પરાકાષ્ઠાએ પતિ પ્રેયસીની સેલ્ફીની ઉત્તેજના પત્નીને ભોગવીને ઉતારે છે ત્યારે પત્નીના “શારીરિક” સમર્પણ માટે કવયિત્રી જે શબ્દો વાપરે છે એ સહજ અનુભૂતિને ઉચ્ચતર કાવ્યકક્ષાએ આણે છે. મધરાતના અંધારામાં પડછાયા હોતા નથી. પણ નાયિકાની ચામડી, નાયિકા નહીં, કંપીને પતિમાં નહીં પણ એના કાળા પડછાયામાં ઓગળતા શીખી ગઈ છે… ભગ્ન લગ્નજીવનની વરવી નગ્ન વાસ્તવિક્તા એક છત અને એક પુરુષની જરૂરિયાતમાં છતી થાય છે. એક છત અને એક પુરુષની વચ્ચેના ટપકાંઓની ‘સ્પેસ’ જો કે વધુ માર્મિક રીતે આપણી છાતીમાં ભોંકાય છે.
Permalink