હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2011

(રસોઇ) – કુમાર અંબુજ (અનુ. ? )

જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ… આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે…

– કુમાર અંબુજ (હિંદી)

આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે.  વાસ્તવિક જીવનમાં તો…

Comments (8)

સોળે શણગાર સજી – તુષાર શુક્લ

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…

– તુષાર શુક્લ

ગઈકાલથી શરૂ થયેલી નવરાત્રિની આપ સૌને શુભેચ્છાઓ, આજે આ ગરબાના રૂપમાં.

Comments (2)

ત્રિપાદ કુંડળ – જવાહર બક્ષી

જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું

*

ચહેરાના વાદળોમાં
જન્મોજનમનો ફેરો
બસ એકબે પળોમાં

*

વાદળ અજળ સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે

– જવાહર બક્ષી

ત્રણે ત્રિપદીમા વાદળ આવે છે. નાનકડી નાજુક રચનાઓમાંથી અર્થ ધોધમાર વરસતો નથી, ઝરમર ઝરમર ઝરે છે.

Comments (6)

તો ફરી ? – અજ્ઞેય -અનુ.- હસમુખ દવે

કાનુડાએ કર્યો પ્યાર
કેટલીય ગોપીઓને કેટલીય વાર !

પણ જેના પર ઊભરાતું રહ્યું
એનું સમસ્ત વ્હાલ
પામ્યો નહિ તે
હાથ આવ્યું નહિ તેને એવું રૂપ !
કદાચ, કોઈ પ્રેયસીમાં
પામ્યો હોત,
તો ફરી કોઈનેય પ્રેમ કર્યો હોત ?

કવિએ ગીત લખ્યાં નવાં નવાં
કેટલીય વાર !

પણ જે એક વિષયનો કરતો રહ્યો એ વિસ્તાર
તેને તે પૂરો પામ્યો નહિ
કોઈ ગીતમાં સમાવી શક્યો નહિ
કદાચ, કોઈ ગીતમાં એનો
પાર પામ્યો હોત,
તો ફરી ક્યારેય ગીત લખ્યું હોત ?

 

સરળ લાગતું કાવ્ય ઘણું ગહન છે-આખી વાત કાર્ય કરવા માટેના કારણની છે,પ્રેરક બળની છે,મૂળભૂત life force ની છે. બુદ્ધત્વ પામ્યાં પછી બુદ્ધ શા માટે પાછાં સમાજમાં આવે છે ? ઇસુ શા માટે પાછાં ફરે છે ? ‘ગાવું’ એ પંખીનો સ્વ-ભાવ છે,તેની essence છે-તે માટે તેને કોઈ કારણની જરૂર નથી….તેને કોઈ મંઝીલ પર પહોચવાનું નથી.

Comments (4)

પ્રેમનું તો એમ છે – ઉશનસ્

પ્રેમનું તો એમ છે, ભાઈ !

         એ તો મળે, ના યે મળે,
         – કોઈ ના કશું કળે;
એમનું તો એમ છે,ભાઈ !
          એ કઈ ગમ વળે, કઈ ગમ ઢળે
          -કોઈ કશું ના કળે.
પ્રેમ તો એક લતા છે, ભાઈ !
 એનું નામ જ એકલતા !
          એ તો ફળે, ના ય ફળે,
          -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો ભોંયરું છે, ભાઈ !
એ તો ભૂગર્ભમાં જ ભળે
           એ તો ક્યાંથી ક્યાં નીકળે
           -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો આભનું બીજ છે, ભાઈ !
કઈ માટીમાં ઊભરે
            કઈ છીપમાં જૈ ઠરે
            -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો સિંહણનું દૂધ, ભાઈ !
આપણે તો થવું માત્ર
સ્વરણ- ધાતુ- પત્ર,
             ત્યાં ય એ તો ઝરે, ના ય ઝરે.
             -કોઈ કશું ના કળે.
                               પ્રેમ એ શક્યતાઓ [ અને અશક્યતાઓનો ] પ્રદેશ છે. નિર્બંધતા તેની મૂળભૂત ભૂમિ….unpredictability એની ખાસિયત….
                                લયલા-મજનુંની original આખી રચના વાંચવા જેવી છે-તે મૂળ અરબીમાં ‘નિઝામી’ એ બારમી સદીમાં લખી હતી. તેનું english ભાષાંતર સરળતાથી મળે છે. રૂવાં ઊભા કરી દેતી એ કથા વિશુદ્ધ પ્રેમની જાણે કે ભગવદ્ ગીતા છે.

Comments (6)

ગીતાંજલિ – પુષ્પ:૦૨: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

tagore

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.

–  Shri Ravindranath Tagore

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

-અનુ. વિવેક મનહર ટેલર

આપણી પ્રાર્થના કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ  આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

Comments (13)

ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

જીવનનો ખાલીપો, અભાવ એ બહુધા કવિતાઓનો  પ્રાણ બની રહે છે…

Comments (4)

ભાગ્ય અજબ -હરીન્દ્ર દવે

ભાગ્ય અજબ, કે વિધિએ મારો કાગળ રાખ્યો કોરો,
શ્યામ, તમે મનફાવે તેવું ભાગ્યચક્ર ત્યાં દોરો.

સઘન મેઘની રાત, આંગણે રાહ હજી હું જોતી,
મનગમતો દશનો તારો લઉં વાદળ વચ્ચે ગોતી,
ધખતી વિરહઅગનની શૈયા પર હું લેતી પો’રો.

પરણ પરણ પર જળનાં બિંદુ રચે કુંડળી કોની?
લહરલહર મનના આકાશે કથે કથા અનહોની,
ફૂલ બધાં વીંટળાઈ બનાવે સુંદરવરનો તોરો.

– હરીન્દ્ર દવે

ધખતી વિરહઅગનની શૈયા પર પો’રો લઈ શકવા સમર્થ ગોપીનું ભાગ્ય કદી કોરું હોય ખરું?

Comments (1)

પંખી – રાજેન્દ્ર પટેલ

ઊડવાની
પહેલી જ પળે
તેણે, નક્કી કરી નાખ્યું હોય છે
ઊતરાણ.

હાડેહાડમાં છુપાયેલાં
હજાર હજાર હલેસાં
તેને ઊડવા હડસેલે.

છતાં, દરેક ફેરે
તેને ઊડવાનો હાંફ.

ગમે તેટલું ઊંચું ઉડે
ધરતી પર પડતો પડછાયો
ના છોડે.

ઊડવાના આવેગમાં
ભુલતું નથી પાંખોનો ભાર
ઊડતું નથી અપરંપાર.

એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.

ને ઊડ્યું હોય છે ક્યારેક
ઘણું ઘણું દૂર
પણ પાછું ફર્યું હોય છે
ત્યારે જ, જ્યાંથી
માંડી હોય છે શરૂઆત.

એક દિવસ તેણે જોયું
ઉતરાણમાં કપાયેલા પતંગમાંથી
કેટલાક બની જતા હોય છે
આકાશ.

તેના પીંછેપીંછામાં
પરસેવાનાં ટીપેટીપાંમાં
ક્ષિતિજો એ પ્રસારી પાંખ.

જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.

ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.

-રાજેન્દ્ર પટેલ

ઊડવું જાતમાં ઊંડા ઉતારવાની કશ્મકશના પ્રતીકરૂપ છે. માણસ એટલી વાત સમજે કે કપાયેલો પતંગ આકાશ બની જાય છે, ત્યારે જ એને ખરા અર્થમાં ઊડવાની ગડ બેસે છે.

Comments (4)

રાખજો – હેમંત ધોરડા

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

– હેમંત ધોરડા

અશક્ય છે એને ભૂલી જવું જે સ્પર્શ, સાંજ, જળ, પવન, શબ્દ અને મૌનમાં સહજ ભળી ગયું હોય.

Comments (16)

ગઝલ – પરવીન શાકિર (અનુ. હિતેન આનંદપરા )

કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી

 

જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.

પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-

आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું……]

Comments (13)

રસ્તા – વસંત ડહાકે [ મરાઠી ] – અનુ.સુરેશ દલાલ

હવે મેં છાતીમાં ભરી લીધો છે ઠંડો અંધકાર
અને આંખો થઈ છે નિર્જન રસ્તાઓ
આ કૌટુંબિક ઘરોનાં શહેરો
છોડીને નીકળ્યા છે મારાં વિરક્ત પગલાં.

આ વાટ તારી કને આવતી નથી
અને ઉદાસ એવો હું ભટકું છું
તે તારા માટે નહીં.

હવે પગલાં ફર્યાં કરે છે તે
ફક્ત રસ્તાઓ છે માટે
અને રસ્તાઓ ક્યાં જાય છે
તે હું ભૂલી ગયો છું.

 

રૂંવાડા ઉભા કરી દેતું dejection નું ચિત્ર…..

Comments (7)

ગીતાંજલિ – પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…

tagore1

1

Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

– Ravindranath Tagore

 

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમૃત્ય  સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.

Comments (19)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

સાધે   જો  કાયાકલ્પ  તો  ભમરો  કમળ  બને;
સૂર્યાસ્ત-સૂર્યોદયની   સફર  તો   સફળ   બને.

શોષાયેલાં    નવાણ    નયનમાં   ફૂટે   કદી;
ખાબોચિયુંયે    ત્યારે   સમન્દર   સકળ   બને.

થીજી  જવાનું   ભાગ્ય   બરફને   મળ્યું  છતાં
સૂરજ  ઊગી  શકે  તો  હિમાલય  સજળ  બને.

દૃષ્ટિના  ભેદ   પર   બધો  આધાર   છે  અહીં;
સ્થળ ત્યાં બને જ જળ અને જળ ત્યાં જ સ્થળ બને.

તૂટી   પડે   જો   વૃક્ષની    ટોચેથી   પાંદડું;
મારી    હયાતી   મૂલથી   આકળવિકળ   બને.

– ભગવતીકુમાર શર્મા

(નવાણ=કૂવો, વાવ, તળાવ વગેરે જળાશય)

Comments (6)

મુક્તક – ‘આસિમ’ રાંદેરી

જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

– ‘આસિમ’ રાંદેરી

સ્મિત અને ઉદાસી બંને વિરોધાભાસી હોવા છતાં કદાચ એકીસાથે રહી શકે છે.

Comments (9)

ગઝલ – એસ.એસ. રાહી

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક

શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક

નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક

હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક

હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક

– એસ.એસ. રાહી

સૂફી વાણી-વિચારની સુવાસ વાળી ગઝલ. શબ્દોની મીઠાશ જ મન મોહી લેવા માટે પૂરતી છે.

Comments (9)

ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા

રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

– સંજુ વાળા

ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂

(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)

Comments (17)

કહે છે પાનખર – – રતિલાલ ‘અનિલ’

કહો, આલમ ઉપર હું કેટલો યે પ્યાર રાખું છું,
ઠગાયો છું ઘણી વેળા, છતાં ઇતબાર રાખું છું.

ચમનની છાપ હૈયા પર, નિહાળી કોતરી લઉં છું;
ભલે ને પાનખર આવે, નજર ગુલઝાર રાખું છું.

મને આ ક્ષુદ્રતા, આ વિશ્વની દેખાય છે શાને ?
ઘણું જોવા સમું તો સાવ દ્રષ્ટિબ્હાર રાખું છું !

વસંતે બેઉને સરખાં જ સદભાવે ઉછેર્યાં, પણ;
કહે છે પાનખર : ફૂલો નહીં, હું ખાર રાખું છું !

મને આ વિશ્વ કેરી જિંદગીનો પ્યાર પણ કેવો !
કે જન્નતના બધાં સુખચેન પેલે પાર રાખું છું!

મેહફિલનાં ઇજન કંઈ કેટલાં મેં પાછા વાળ્યાં છે,
‘અનિલ’ , સાચું કહું ? મ્હેફિલની સાથે પ્યાર રાખું છું !

 

ત્રીજા શેરથી ગઝલ ખીલે છે. ત્રીજો શેર પોતે એક દીવાદાંડી સમાન છે. વધુ મજબૂત મક્તાથી ગઝલ હજુ વધુ સબળ બની હોત…..

‘ જન્નતના સુખચેન ‘ વાત ઉપરથી એક આડવાત યાદ આવે છે- અમેરિકાની શોષણખોર અને બેધારી તલવાર જેવી કુટનીતિ નાં સીધા પરિણામે આજથી બરાબર દસ વર્ષો પહેલાં તેના ઉપર જે 11th Septmber નો અકલ્પનીય જઘન્ય હુમલો થયો હતો, તે હુમલાને અંજામ આપનાર મુખ્ય આત્મઘાતી ત્રાસવાદી ચુસ્ત શાકાહારી હતો, પૂર્ણરૂપે નિર્વ્યસની હતો અને ચુસ્ત બ્રહ્મચારી હતો…..અને તેની ડાયરીમાંના લખાણ મુજબ તેને દ્રઢ શ્રદ્ધા હતી કે તેની ‘શહીદી’ બાદ ઇનામ સ્વરૂપે જન્નતમાં તેના માટે ૭૦ અપ્સરાઓ અને ૭૦ મહેલ રાહ જોતા હશે…..!!!!!

Comments (12)

ગઝલ – સાહિલ

નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં

ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં

સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં

સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં

સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં

જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં

– સાહિલ

Comments (10)

कोई अटका हुआ है पल शायद – ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

दिल अगर है तो दर्द भी होगा
इसका कोई नहीं है हल शायद

राख़ को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

– गुलज़ार

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.

દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

– અનુ. વિવેક મનહર ટેલર

SMS મારફતે આ ગઝલ મળી. મોકલનારે કવિ તરીકે સુરૈયાનું નામ લખ્યું હતું એટલે વધુ આશ્ચર્ય થયું અને ગઝલનો સાછંદ તરજૂમો પણ કરી નાંખ્યો.  પણ પછી વધુ ચોક્સાઈ માટે ગૂગલદેવતાની આરાધના કરી તો જાણ થઈ કે આ ગઝલ તો ગુલઝારની છે… હજી કોઈ મિત્રો પાસે પુસ્તકાકારે આ ગઝલની માલિકીનો વધુ સબળ પુરાવો હોય તો જણાવવા વિનંતી…

Comments (22)

પ્રેમની ઉષા – બળવંતરાય ક. ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’
ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
– ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્હાડે યે શું ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કુજન કુમળું આ મિઠું શ્રોત્ર ભરવા.’
‘એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’
‘તો યે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયૂં : પાયાં જિગર જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં.

– બળવંતરાય ક. ઠાકોર

ઉષા એટલે દિવસની શરૂઆત, રાત અને દિવસનો સંધિ:કાળ જેમાં ચંદ્ર આથમી ગયો હોય અને સૂર્ય હજી આવ્યો ન હોય… પ્રેમની આવી એકાંત પળોની ગુલાબી વાતો લઈ આવેલું આ સૉનેટ જેણે જીવનમાં ક્યારેક પણ પ્રેમ કર્યો હોય એવી દરેક વ્યક્તિને સ્પર્શી જશે.

પ્રેયસી સાજ સજતી હોય એવી વેળાએ અરીસામાં પોતાનું બિંબ નજરે ન ચડે એ રીતે વાંકો વળીને પ્રિયતમ દિનદહાડે ઘરમાં ઘુસી આવીને જાણે સીધો ચિત્તમાં જ ન ગરી જવા માંગતો હોય એમ વલ્લીવાયુનીરમતમસ્તીથી આલિંગનબદ્ધ કરી લે છે. કવિની કરામત કંપી-ડોલી-લચી-વિખરી એમ એક જ કતારમાં આવતા ચાર ક્રિયાપદોની ગતિ અને એ સાથે ઓળવા ધારેલ વાળ છૂટાં પડીને ખભે વિખેરાઈ જાય છે એ શબ્દચિત્ર ખડું કરવામાં સિદ્ધ થાય છે.

પ્રિયતમા ‘ધોળે દહાડે આ શું કરવા મંડી પડ્યા છે’નો નખરો કરે અને પ્રિયતમ ઘરે આવવા બદલ જાતજાતના બહાના બતાવે ત્યારે એમ પ્રતીત થાય કે આ જ પ્રેમની ખરી ઉષા છે.

Comments (3)

(ત્રિપદી હાઈકુ ગઝલ) – મનોજ ખંડેરિયા

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?

અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.

આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?

Comments (8)

મુક્તક – હેમેન શાહ

કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.
નહીં વેચાયું એ કારણથી કાવ્યનું પુસ્તક,
બધા જ રાહ જોઈ બેઠા’તા કે ભેટ મળે !

– હેમેન શાહ

Comments (6)

દાઢી દા.ત. સિતાંશુ યશશ્ચંદ્રની – ઉદયન ઠક્કર

પ્રેમાનંદની ચોટલીને
સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો
હવે ગણો
કેટલાં માથાં એની ઉપર નીકળી શક્યા છે?

*

બધાને હતી આમ તો
બાકીનાએ રોકડી કરી લીધી
દાઢીના દોઢસો
ચોટલીના ચારસો

*

રોજ રાતે ઊગે
ટમક ટમક
સપનાના લયમાં
સવારે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે

*

સુંવાળા ચહેરા સહેલા હોય
હાથ ફેરવીએ તો હાથમાં કશું ન આવે

દાઢીનો વાળ ઝાલી
છલાંગી શકાય
અર્થોને પેલે પાર

જોકે પડી જાય
ભૂલકાંઓ તો

*

ગુફામાનવને પણ હતી
એ પીંછી બોળતો
સાબુમાં નહિ
રંગોમાં
ભીંતો ચીતરતો

આપણે ભીંત ભૂલ્યા છીએ
બોળી બેઠા છીએ

– ઉદયન ઠક્કર

ઉદયન મોટા ગજાની વિનોદવૃત્તિનો માલિક છે. એનો વ્યંગ સુંવાળો છે ને ધ્યાનથી ન વાંચો તો તદ્દન ચૂકી જાવ એવો સૂક્ષ્મ છે. સર્જનશક્તિને પહેલા એ ખૂબીથી દાઢી સાથે સાંકળી લે છે. તે પછી એનો ઉપયોગ કરીને વિનોદ-વ્યંગની મીઠી ચાસણી પાડે છે. આટલો સૂક્ષ્મ વિનોદ કાવ્યમાં ભાગ્યે જ દેખાય છે.

તા.ક. આખી કવિતાની સમજ ઉમેરી છે.

(૧) કવિતા ઘટતી જતી સર્જનાત્મકતા (creativity) પર વ્યંગ છે. પ્રેમાનંદની ચોટલી અને સિતાન્શુની દાઢીને જોડતી રેખા – સર્જનાત્મકતા એક લેવલ – સુધી બહુ ઓછા લોકો પહોચી શક્યા છે. આ પહેલી કણિકાથી કવિ સર્જનાત્મકતાને દાઢી સાથી સાંકળી લે છે. બાકીની કવિતા માટે દાઢી=સર્જનાત્મકતા એવું સમજવું.

(૨) સર્જનશક્તિ આપણા બધા પાસે હતી પણ, મોટાભાગના લોકો પૈસા પાછળ દોડવામાં ખરા સર્જનને ભૂલી જાય છે.

(૩) ઢાંકણીમાં પાણી લઈને દાઢી કરવાનો પહેલા રીવાજ હતો. એને સાંકળીને રોજ રાત્રે ઉગતી દાઢી, સવારે ઢાંકણીના પાણીમાં ડૂબી મરે એવું કલ્પન રચ્યું છે. અર્થ એવો પણ થાય કે રોજ રાત્રે કલ્પના-સપના-સર્જનમાં રચતા આપણે, સવારે ક્રૂરતાથી એનું ‘વિમોચન’ કરી નાખી ‘રુટિન’ જીંદગીમાં લાગી જઈએ છીએ.

(૪) નો અર્થ આ સંદર્ભે સીધો સમજી શકાય એમ છે.

(૫) ગુફમાનાવો પણ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા. એ ય ગુફાચિત્રો બનાવતા (- જો કે એ દાઢીથી નહોતા બનાવતા!). પણ આપણે, આટલા આગળ વધ્યા પછી ઓછા સર્જનાત્મક થતા જઈએ છીએ. Creativityની દાઢી બોડાવી જીંદગીની ધૂંસરી ખેચે રાખીએ છીએ.

Comments (8)

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

– હરીન્દ્ર દવે

તદ્દન જુદા જ મિજાજની કવિતા……

Comments (7)

વરસાદ કહે – – રમેશ પારેખ

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,
છાંટા નહીં, મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,
કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

– રમેશ પારેખ

ચોમાસુ મનભર જામ્યું છે એવામાં ર.પા.નું એક અદભુત વરસાદી ગીત.. આ ગીત મોટેથી વાંચો ત્યારે લોહીમાં ટપ્પ-ટપ્પ વરસાદ પડતો ન અનુભવાય તો કહેજો…

ટાઇપ સૌજન્ય: ટહુકો.કોમ

 

Comments (6)

જાણભેદુ – વિવેક મનહર ટેલર

લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.

યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.

– વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)

ગઈકાલે ફેસબુકના ગર્ભમાંથી જન્મેલી કિરણસિંહ ચૌહાણની જાણભેદુ ગઝલ આપણે માણી. આજે બેક-ટુ-બેક માણીએ મારી એક જાણભેદુ ગઝલ. એક જ શબ્દને લઈને જન્મેલી બે ગઝલ બે અલગ અલગ કવિની કલમે જન્મે ત્યારે કેવી અલગ તરી આવે છે ! હા, જો કે કિરણસિંહની કસાયેલી કલમ અને મારી કલમનો ફરક જો કે નજરે ચડી આવે છે…  આ સંદર્ભમાં એક બોનસ શેર પણ આપ સહુ માટે:

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ કલમમાં પરંતુ કમાલ નોખા છે !

Comments (18)

જાણભેદુ – કિરણસિંહ ચૌહાણ

અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,
હશે એની સાથે કોઇ જાણભેદુ.

પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,
કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.

તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

કરો હર દવા તોય પીડા વધે છે,
ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ.

– કિરણસિંહ ચૌહાણ

ફેસબુક આમ તો એક બિમારીની કક્ષાએ પહોંચી શકે એ હદે આપણા લોહીમાં વકરી રહ્યું છે. પણ એ છતાં એના ફાયદા કે અસ્તિત્વને નકારી શકાય એમ નથી. આ ગઝલ જ જોઈ લ્યો ને! ફેસબુક પર કિરણસિંહ ચૌહાણના પુત્રના એક ફોટોગ્રાફ પર પ્રતિભાવોની હારમાળા ચાલી એમાં મેં જાણભેદુ શબ્દ વાપર્યો અને કવિશ્રી ઓવારી ગયા.. મને કહે સાંજ પહેલાં ‘જાણભેદુ” પર એક ગઝલ લખી મોકલાવું છું. મેં કહ્યું સ્વાગત… એક ગઝલ હું પણ લખી નાંખીશ… અને એમ ફેસબુકની ચર્ચાની આડ-પેદાશ સ્વરૂપે જન્મી બે ગઝલ…

આજે કિરણસિંહ ચૌહાણની કલમે એમની ‘જાણભેદુ’ ગઝલ માણીએ પણ આવતીકાલે આજ સ્થળે મારી ‘જાણભેદુ’ ગઝલ માણવાનું ચૂકશો નહીં…

Comments (15)